एकादशीनां सर्वासां कर्तव्यं व्रतमादरात् । कृष्णजन्मदिनानां च शिवरात्रेश्च सोत्सवम् ।।७९।।
મારા આશ્રિતો હોય તેમણે, સર્વે એકાદશીઓનું વ્રત આદર થકી કરવું. અને જન્માષ્ટમી આદિક ભગવાનના જન્મદિવસોનું વ્રત પણ આદર પૂર્વક કરવું. તથા શિવરાત્રીનું વ્રત પણ આદરપૂર્વક કરવું. અને એ વ્રતોને દિવસે મોટા ઉત્સવો કરવા.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- બન્ને પક્ષની એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરવું. કેટલાકનો મત એવો છે કે, શુક્લ પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું, પણ કૃષ્ણપક્ષની એકાદશીનું વ્રત ન થઇ શકે તો દોષ નહિ. અને વળી કેટલાકનો મત એવો છે કે- ચાતુર્માસની એકાદશીનું વ્રત અવશ્ય કરવું, પણ બીજી આઠ માસની એકાદશીનું વ્રત ન થઇ શકે તો દોષ નહિ. પરંતુ શ્રીજીમહારાજ કહે છે કે- બન્ને પખવાડિયાની એકાદશીનું વ્રત અવશ્ય કરવું. અર્થાત્ બારે માસની સર્વે એકાદશીઓને સમાન ગણવી. તત્ત્વસાગરને વિષે કહેલું છે કે- ''यथा शुक्ला तथा कृष्णा यथा कृष्णा तथोत्तरा । तुल्ये ते मन्यते यस्तु स वैष्णव उच्यते'' ।। इति ।। જે પુરૂષો બન્ને પખવાડિયાની એકાદશીને સમાન માનીને એમનું વ્રત કરે છે, તેને જ વૈષ્ણવ કહેલો છે. માટે ભક્તોએ બન્ને પક્ષની એકાદશીનું વ્રત કરવું. વ્રત એટલે ઉપવાસ, પૂજા, જાગરણ એ આદિકનો નિયમ. અર્થાત્ એકાદશીને દિવસે ઉપવાસ કરવો, ભગવાનની મહાપૂજા કરવી, જાગરણ કરવું, એ આદિક વ્રતોથી ઇન્દ્રિયોને સંયમિત કરીને ભગવાનની સમીપે રાખવી. વ્રત અને ઉપવાસોથી ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવી શકાય છે. એકાદશી આદિક વ્રતો તથા ઉપવાસોના અનુષ્ઠાનથી ઇન્દ્રિયો અને અંતઃકરણની શુદ્ધિ થાય છે. વ્રતો અને ઉપવાસોથી અનેક શરીર સંબન્ધી વ્યાધિઓ દૂર થાય છે, અને માનસિક આધિઓ પણ દૂર થાય છે. ચંચળ મનનો નિગ્રહ કરવો એજ તમામ વ્રતોનું અંતિમ લક્ષ્ય છે. મનનો જ્યારે નિગ્રહ થાય છે, ત્યારે ઇન્દ્રિયો આપો આપ વશ થઇ જાય છે. આ રીતે (અગિયાર) ઇન્દ્રિયોનો જે સંયમ છે, એ આધ્યાત્મિક માર્ગમાં અનિવાર્ય છે. જ્યાં સુધી અગિયાર ઇન્દ્રિયો સંયમિત નથી થતી, ત્યાં સુધી મનુષ્ય આધ્યાત્મિક માર્ગના પંથે ચડી શકતો નથી. માટે સર્વે એકાદશીઓનું વ્રત આદરપૂર્વક અને શ્રદ્ધાથી કરવું.
અને વળી એકાદશીને દિવસે અન્ન તો ક્યારેય પણ જમવું નહિ, અને જો કોઇ એકાદશીને દિવસે અન્ન જમી લે છે. તો તેને મહાન દોષ લાગે છે. આ વિષયમાં લઘુ નારદીયપુરાણનું વાક્ય પ્રમાણરૂપ છે- ''एकादश्यां यो भुङ्क्ते नरो।न्नं स तु पातकी । विण्मूत्रपूयवाहिन्यां पतत्येव न संशयः'' ।। इति ।। આ શ્લોકનું તાત્પર્ય એ છે કે, જે પુરૂષ એકાદશીને દિવસે અન્ન જમી લે છે. તે પાપી પુરૂષ વિષ્ટા, મુત્ર અને પરુ જેમાં વહે છે, આવી નદીમાં પડે છે. અર્થાત્ વારંવાર જન્મ અને મરણરૂપી સંસારને પામે છે. એમાં કોઇ જાતનો સંશય નથી. માટે એકાદશીને દિવસે અન્ન તો ક્યારેય પણ જમવું નહિ.
અને વળી બ્રહ્મચર્યથી રહિત કોઇપણ વ્રત ફળ આપનાર થતું નથી, માટે વ્રતને દિવસે બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું. વ્રતને દિવસે તથા ઉપવાસને દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, તેવી જ રીતે મૈથુનનો પણ ત્યાગ કરી દેવો. અને વળી વ્રતના દિવસે કાષ્ટ વડે દાંત સાફ કરવા નહિ. અને વ્રતના ઉપવાસને દિવસે ઉપવાસ કરનારાએ રાંધેલ અન્નની સામું જોવું નહિ. તથા અન્નને સુંઘવું પણ નહિ.
અને વળી એકાદશીના વ્રતને દિવસે પૂર્ણ ઉપવાસ કરવામાં જે અસમર્થ હોય તેમણે ફળાહાર કરીને ગૌણ ઉપવાસ કરવો, પણ અનાજ તો જમવું જ નહિ. અને પ્રબોધની એકાદશી, પરિવર્તિની એકાદશી અને નિયમની એકાદશી, આ ત્રણ એકાદશીને દિવસે તો ફળાહાર કરવાનો પણ નારદીયપુરાણમાં નિષેધ કરેલો છે.- ''शयने च मदुत्थाने मत्पार्श्वपरिवर्तने । नरो मूलफलाहारी यदि हृदि शल्यं ममार्पयेत्'' ।। इति ।। આ શ્લોકનું એ તાત્પર્ય છે કે- નિયમની, પરિવર્તિની તથા પ્રબોધની એકાદશી, આ ત્રણ એકાદશીને દિવસે જે પુરૂષ ફળાહાર કરી લે છે, તે પુરૂષ તો મારા હૃદયમાં મને ભાલાં અર્પણ કરે છે. આવું મને વસમું લાગે છે. આ રીતે સ્વયં ભગવાને કહેલું છે.
અને વળી આ બધાં વ્રતો જે કહેલાં છે, એતો સમર્થને માટે કહેલાં છે. અસમર્થ હોય તેને માટે આ નિયમો લાગુ પડતા નથી. જેમ કે- ''रोगार्तस्य तु अन्नभक्षणे।पि न दोषः'' ।। इति ।। પથારી વશ થયેલા જે રોગી હોય, તેને તો એકાદશીને દિવસે અન્ન જમી લેવામાં પણ દોષ નથી. આ સર્વે વ્રતોનો જે વિધિ છે, એતો બાળક વૃદ્ધ અને રોગી સિવાયના સશક્ત મનુષ્યોને માટે છે.
હવે એ એકાદશી કઇ રીતે પ્રગટ થઇ, તેની કથા સત્સંગિજીવનના ત્રીજા પ્રકરણમાં વિસ્તાર પૂર્વક વર્ણવેલી છે. આદિ સત્યયુગને વિષે એક નાડીજંઘ નામનો અસુર હતો. તેનો મુરદાનવ નામનો પુત્ર હતો. મુરદાનવે કઠીન તપશ્ચર્યા વડે બ્રહ્માની આરાધના કરીને ''દેવતાઓ થકી પણ હું ન મરૂં'' આવું અવધ્યપણાનું વરદાન પ્રાપ્ત કરેલું હતું. તેથી મદ વડે ઉદ્ધત બનીને દેવતાઓને ખુબ દુઃખ આપતો હતો. મુરદાનવથી પીડાયેલા દેવતાઓ બ્રહ્માને શરણે જઇને પોતાનું દુઃખ નિવેદન કર્યું. બ્રહ્મા પોતે મુરદાનવને મારવા માટે અસમર્થ હોવાથી, દેવો અને શિવની સાથે ક્ષીરસાગરને કિનારે જઇને, તીવ્ર તપશ્ચર્યા વડે વાસુદેવ ભગવાનની આરાધના કરી. ભગવાન પ્રસન્ન થઇને પ્રગટ દર્શન આપ્યાં, દેવોએ મુરદાનવ થકી પોતાને થયેલું કષ્ટ ભગવાનની આગળ નિવેદન કર્યું. વાસુદેવ ભગવાન દેવતાઓનું કષ્ટ સાંભળીને, મુરદાનવની ચન્દ્રવતી નામની નગરી પ્રત્યે જઇને પાંચજન્ય નામનો શંખ વગાડયો. તે શંખનો નાદ સાંભળીને મુરદાનવ ભગવાનની સાથે યુદ્ધ કરવા ધસી આવ્યો. ભગવાને મુરદાનવની સાથે હજારો વર્ષ પર્યંત યુદ્ધ કર્યું, પણ બ્રહ્માના વરદાનને સત્ય કરવા માટે ભગવાન મુરદાનવને મારવા સમર્થ થઇ શક્યા નહિ. પછી થાકી ગયેલા ભગવાન જાણે ભય પામી ગયેલા હોય ને શું, તેની પેઠે બદરીકાશ્રમમાં સિંહવતી ગુફામાં જઇને સૂઇ ગયા. ભગવાને પોતાની અગિયાર ઇન્દ્રિયોને સ્વસન્મુખ કરી, ક્ષણ વાર યોગનિદ્રાનો સ્વીકાર કર્યો, ત્યાં તો મુરદાનવ તત્કાળ જ સિંહવતી ગુફામાં ધસી આવ્યો. યોગનિદ્રામાં સૂતેલા ભગવાને તો ત્યાં આવેલા ઉદ્ધત મુરદાનવને અંતર્દૃષ્ટિથી જાણી લીધો. અને બ્રહ્માના વરદાનથી એ મુરદાનવ અવધ્ય છે, એમ જાણીને મુરદાનવ ઉપર જરા ક્રોધાયમાન થતાં, ભગવાનની અગિયાર ઇન્દ્રિયો થકી અતિ તપસ્વિની એક સ્ત્રી ઉત્પન્ન થઇ. રૂપ અને સદ્ગુણોથી સંપન્ન એ તપસ્વિની સ્ત્રીને જોઇને મુરદાનવ મોહિત થઇ ગયો, અને વરવાની માંગણી કરી.
તે સમયે તપસ્વિની તે સ્ત્રીએ કામાન્ધ બનેલા મુરદાનવને કહ્યું કે- યુદ્ધમાં જે મને જીતે તેને જ હું વરૂં, આવું મારૂં વ્રત છે. માટે યુદ્ધમાં જીતીને મને ગ્રહણ કર. તે સમયે કામાન્ધ બનેલા મુરદાનવે વિચાર કર્યા વિના યુદ્ધની શરતનો સ્વીકાર કરીને, તપસ્વિની તે સ્ત્રીની સાથે યુદ્ધ આદર્યું. યુદ્ધમાં ક્રોધાયમાન થયેલી તપસ્વિની સ્ત્રીએ મુરદાનવનું મસ્તક તલવારથી છેદી નાખ્યું, મુરદાનવ મૃત્યુ પામતાં જ ભગવાન પ્રસન્ન થઇને યોગનિદ્રામાંથી જાગૃત થયા. અને ''તમે કોણ છો'' ? આ પ્રમાણે તપસ્વિની સ્ત્રીને પુછયું.
તે સમયે સ્ત્રીએ જવાબ આપ્યો કે, હું તમારી અગિયાર ઇન્દ્રિયોના તેજ થકી ઉત્પન્ન થઇ છું. તેથી જ મારૂં નામ એકાદશી છે, અને હું તમારી શક્તિ છું, તથા બ્રહ્માંડમાં થનારાં તમામ પાપોને હું નાશ કરનારી છું.
પછી ભગવાને પ્રસન્ન થઇને વરદાન માગવા કહ્યું, ત્યારે એકાદશીએ ભગવાન પાસેથી વરદાન માગ્યું કે- મારૂં આ એકાદશીનું વ્રત કરનારને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય. અને જે પુરૂષ મારા આ એકાદશીના વ્રતને દિવસે ઉપવાસ કરે, તે પુરૂષ સર્વે પાપોથી મુક્ત થઇને, ભુક્તિ તથા મુક્તિને પામે. આ પ્રમાણે તપસ્વિની એકાદશીએ વરદાન માગ્યું.
ભગવાને પ્રસન્ન થઇને કહ્યું કે- ''તથાસ્તુ'' હું તમોને એ વરદાન આપું છું. માટે આજથી આરંભીને જે કોઇપણ મનુષ્ય મારી પૂજાની સાથે તમારૂં વ્રત કરશે, તે મનુષ્યો ઇચ્છિત મનોરથોને પામશે. વ્રત કરનાર મનુષ્ય જો મોક્ષાર્થી હશે, તો સંસૃતિ થકી મોક્ષને પામશે. અને જો સાંસારિક સુખાર્થી હશે, તો સમગ્ર સંસારનાં સુખોને પામશે. આ પ્રમાણે સાક્ષાત્ ભગવાને એકાદશીને વર આપેલો છે. તેથી એકાદશીની સાથે ભગવાનનો સાક્ષાત્ સંબન્ધ છે. અને સાક્ષાત્ સંબન્ધને કારણે જ શાસ્ત્રોમાં એકાદશીનું મોટું માહાત્મ્ય પ્રતિપાદન કરાયેલું છે. કોઇપણ વસ્તુનું કે કોઇપણ મનુષ્યનું માહાત્મ્ય પ્રત્યક્ષ ભગવાનના સંબન્ધને લઇને છે. પણ માયાના અજ્ઞાનરૂપી આવરણને કારણે આપણે એ જાણી શકતા નથી. તો આ એકાદશીની સાથે ભગવાનનો સાક્ષાત્ સંબન્ધ હોવાને કારણે એકાદશીનું મોટું માહાત્મ્ય શાસ્ત્રમાં બતાવેલું છે. માટે સર્વે ભક્તજનોએ શાસ્ત્રોમાં મહા વિશ્વાસ રાખીને શ્રદ્ધાની સાથે એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કરવું, આવો અભિપ્રાય છે.
એજ રીતે જન્માષ્ટમી, રામનવમી, નૃસિંહજયન્તિ, વામન જયંતિ આદિક પુરાણોમાં પ્રસિદ્ધ ભગવાનના પ્રાદુર્ભાવની તિથિઓને દિવસે પણ વ્રત આદર થકી અને ઉત્સવોની સાથે કરવું. તેવી જ રીતે શિવરાત્રીનું વ્રત પણ આદરપૂર્વક અને ઉત્સવની સાથે કરવું. વૈષ્ણવોને વાર્ષિક ઓગણત્રીસ વ્રતો નિત્યપણે કરવાનાં કહેલાં છે- ''व्रतानि विष्णुभक्तानां नित्यानीमानि संजगुः । एकादश्यो।खिलाः शुद्धा द्वादशी वामनस्य च ।। श्री रामदेवसज्जन्मनवमी दिव्यसिद्धिदा । कृष्णजन्माष्टमी चाथ नृसिंहस्य चतुर्दशी ।। शिवरात्रिश्चेति मुख्य व्रतान्युक्तानि तत्त्वतः'' ।। इति ।। બારે માસની ચોવીસ એકાદશીઓ, પચીશમી વામન દ્વાદશી, છવીશમી રામનવમી, સત્યાવીશમી જન્માષ્ટમી, અઠયાવિશમી નૃસિંહજયન્તિ અને ઓગણત્રીશમી શિવરાત્રી. આ રીતે આ ઓગણત્રીશ વ્રતો, વૈષ્ણવોને માટે હમેશાં નિત્યપણે અવશ્ય કરવા યોગ્ય કહેલાં છે. માટે ભક્તજનો હોય તેમણે, શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે આ બધાં વાર્ષિક તથા માસિક વ્રતોનું પાલન કરી પોતાના ઇષ્ટદેવને રાજી કરવા. ।।૭૯।।