विष्णोः कथायाः श्रवणं वाचनं गुणकीर्तनम् । महापूजा मन्त्रजपः स्तोत्रपाठः प्रदक्षिणाः ।।७७।।
साष्टाङ्गप्रणतिश्चेति नियमा उत्तमा मताः । एतेष्वेकतमो भक्त्या धारणीयो विशेषतः ।।७८।।
અને વિશેષ નિયમો ક્યા ? તો કહે છે કે- ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા ભગવાનની કથા વાંચવી, તથા ભગવાનના ગુણોનું કીર્તન કરવું, તથા ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, અને ભગવાનને સાષ્ટાઙ્ગ નમસ્કાર કરવા. આ જે આઠ પ્રકારના નિયમો છે, એ અમોએ ઉત્તમ માનેલા છે. માટે આ નિયમમાંથી કોઇ એક નિયમ ચાતુર્માસમાં વિશેષપણે ભક્તિએ કરીને ધારણ કરવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભગવાનના ભક્તોએ વાંચવા માંડેલી શ્રીમદ્ભાગવત આદિક પુરાણોની કથા પ્રતિદિન નિયમ વડે અને વિધિપૂર્વક સાંભળવી, આ પહેલો નિયમ છે. (૨) કોઇ સાંભળનારા હોય તો તેની આગળ પ્રતિદિન નિયમ વડે વાંચવી, અથવા ભગવાનની સમીપે બેસીને પારાયણ કરવી, આ બીજો નિયમ છે. (૩) પ્રાકૃત ભાષામાં રચાયેલાં ભગવાનનાં ચરિત્રો કે ગુણોનું પ્રતિદિન નિયમ વડે કીર્તન કરવું, આ ત્રીજો નિયમ. (૪) પંચામૃત સ્નાને કરીને મહાભિષેક, મહાનૈવેદ્ય, મહાઆરતી, તેણે સહિત ભગવાનની મહાપૂજા પ્રતિદિન નિયમ વડે કરવી, આ ચોથો નિયમ. (૫) સર્વે મંત્રોનો રાજા જે ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર તેનો જપ યથાવિધિ, યથાશક્તિ અને નિયમપૂર્વક પ્રતિદિન કરવો, આ પાંચમો નિયમ. (૬) વિષ્ણુસહસ્રનામ, જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર આદિક સ્તોત્રનો પાઠ વિધિ પ્રમાણે અને સંખ્યાને અનુસારે પ્રતિદિન નિયમપૂર્વક કરવો, આ છઠ્ઠો નિયમ. (૭) તેવી જ રીતે ૧૦૮ આદિકના નિયમવડે ભગવાનને પ્રદક્ષિણાઓ પ્રતિદિન કરવી, આ સાતમો નિયમ. (૮) અને ભગવાનને સાષ્ટાઙ્ગ પ્રણામ પ્રતિદિન નિયમપૂર્વક કરવા, આ આઠમો નિયમ. શ્રીજીમહારાજ કહે છે કે- આ આઠ નિયમોમાં સાક્ષાત્ ભગવાનનો સંબન્ધ છે, તેથી પોતે ઇચ્છેલા ફળથી પણ અધિક ઉત્કૃષ્ટ ફળને આપનાર છે, માટે આ આઠ નિયમોને અમોએ સર્વશ્રેષ્ઠ માનેલા છે. એ કારણથી આ આઠ નિયમોને મધ્યે કોઇપણ એક નિયમ વિશેષે કરીને અને ભક્તિ વડે એટલે ભગવાનની પ્રસન્નતાને માટે જ ધારણ કરવો, પણ બીજા કોઇ લૌકિક ફળની પ્રાપ્તિને માટે, આ વિશેષ નિયમ ધારણ કરવો નહિ.
બીજા પણ જે ઉત્કૃષ્ટ નિયમોનો સ્મૃતિઓ તથા પુરાણોમાં સંગ્રહ કરેલો છે, તે નિયમો શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી અહીં બતાવે છે- હમેશાં પોતાની ઇન્દ્રિયોને ભગવાનના સંબન્ધ વિનાના પંચવિષયો થકી પાછી વાળી લેવી, પણ જ્યારે ચાતુર્માસ આવે ત્યારે વિશેષે કરીને ઇન્દ્રિયોને પાછી વાળવી. અને મનુષ્યોના શરીરમાં એક અહંકાર રૃપી ઝેર રહેલું છે, એ અહંકારરૃપી ઝેરનો તો હમેશાં ત્યાગ કરી દેવો જોઇએ, પણ જ્યારે ચાતુર્માસ આવે ત્યારે વિશેષે કરીને અહંકારરૃપી ઝેરનો ત્યાગ કરી દેવો. અને વળી ડાહ્યા પુરૃષોએ હમેશાં સાચું બોલવું જોઇએ. પણ ચાતુર્માસમાં તો વિશેષે કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે સાચું બોલવું. અને વળી બ્રહ્મચર્ય કરતાં બીજો કોઇ શ્રેષ્ઠ ધર્મ નથી, તેથી પોતપોતાના આશ્રમને અનુસારે હમેશાં બ્રહ્મચર્યનું પાલન કરવું, પણ ચાતુર્માસને વિષે તો વિશેષે કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું, કામ, ક્રોધ અને લોભ આ ત્રણે નરકનાં દ્વાર કહેલાં છે. તેમાં કામ તો રાજી રાખીને પ્રાણીઓનું ખરાબ કરે છે, તેથી કામ કટ્ટો શત્રુ કહેલો છે. અને ક્રોધ પ્રાણીઓના પુણ્યને બાળી નાખનારો છે. તથા લોભ સર્વે પાપોના મૂળરૃપ છે. માટે આ ત્રણે શત્રુઓનો હમેશાં ત્યાગ કરી દેવો જોઇએ. પણ ચાતુર્માસમાં તો વિશેષે કરીને આ શત્રુઓને જીતી લેવા. આ બધા નિયમોને મધ્યે કોઇપણ એક નિયમ વિશેષે કરીને ભગવાનની પ્રસન્નતાને માટે ધારણ કરવો.
અને વળી વિશેષ નિયમો ધારણ કરવા, આમ કહ્યું તેથી સામાન્ય નિયમો પણ પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરવા જોઇએ, એવું સુચવેલું છે. તે સામાન્ય નિયમો અહીં શતાનંદ સ્વામી સંક્ષેપથી બતાવે છે કે- ચાતુર્માસના પહેલા મહિનામાં શાક ખાવાનો ત્યાગ કરવો, બીજા મહિનામાં દહીંનો ત્યાગ કરી દેવો, ત્રીજા મહિનામાં દૂધ પીવાનો ત્યાગ કરી દેવો, અને ચોથા મહિનામાં જે ધાન્યનાં બે પડ થતાં હોય, એવા મગ, ચણા, અડદ આદિક દ્વિદળનો ત્યાગ કરી દેવો, ચાર માસ સુધી ખાટલા ઉપર કે પલંગ ઉપર સુવાનો ત્યાગ કરી દેવો. વૈંતાક, મૂળા અને શેરડીનો ત્યાગ કરી દેવો. જે ફળમાં ઘણાંક બીજો હોય, એવાં ફળોનો પણ ત્યાગ કરી દેવો. આ બધા સામાન્ય નિયમો શાસ્ત્રોમાં બતાવેલા છે. તો આ નિયમોનું પણ ચાતુર્માસમાં પાલન કરવું, આવો અભિપ્રાય છે. ।।૭૭ - ૭૮।।