विशेषनियमो धार्यश्चातुर्मास्ये।खिलैरपि । एकस्मिन् श्रावणे मासि स त्वशक्तैस्तु मानवैः ।।७६।।
મારા સર્વે આશ્રિતો હોય તેમણે, ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારણ કરવો. અને જે ચાર માસ પર્યંત વિશેષ નિયમ ધારણ કરવામાં અસમર્થ હોય તેમણે એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારણ કરવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ચાતુર્માસ એટલે અષાઢ મહિનાના શુક્લ પક્ષની નિયમ એકાદશીથી આરંભીને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી પર્યંતના જે ચાર માસ તેને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસના જે ચાર મહિના છે એ સત્વગુણી છે. અને ઉનાળાના ચાર મહિના તમોગુણી છે, તથા શિયાળાના ચાર મહિના રજોગુણી છે. અને વળી ચાતુર્માસના ચાર મહિનામાં દેવતાઓ પણ તપ કરે છે. આપણા ઇષ્ટદેવ નીલકંઠ વર્ણીએ પણ પુલહાશ્રમમાં જઇને ચાતુર્માસના ચાર મહિના સુધી તપ કરેલું હતું. માટે આ ચાતુર્માસ સત્વગુણી અને તપોમય છે. તેથી ભક્તજનો હોય તેમણે નિયમ તો હમેશાં ધારણ કરવો, પણ ચાતુર્માસમાં હમેશના કરતાં કાંઇક વિશેષ નિયમ ધારણ કરવો. ચાર માસ પર્યંત વિશેષ નિયમ ધારણ કરવાને માટે જે અસમર્થ હોય, તેમણે એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરવો. અને જો પુષ ચાતુર્માસની અંદર કોઇપણ વિશેષ નિયમ અથવા તો વ્રત ધારણ કરતો નથી, અને ચાતુર્માસને વ્યર્થ જવા દે છે, તો એ પુષને આખા વર્ષમાં થયેલું પાપ લાગે છે. માટે ચાતુર્માસમાં ચારે માસ અથવા તો એક માસ અવશ્ય વિશેષ નિયમ ધારણ કરવો, આવો અભિપ્રાય છે. ।।૭૬।।