શ્લોક ૭૫

गुह्यवार्ता तु कस्यापि प्रकाश्या नैव कुत्रचित् । समदृष्टया न कार्यश्च यथार्हार्चाव्यतिक्रमः ।।७५।।


મારા આશ્રિત હોય તેમણે, કોઇની પણ ગુપ્ત વાત કોઇ જગ્યાએ પ્રગટ કરવી નહિ. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય, તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કોઇપણ પુષ હોય કે સ્ત્રી હોય, કે નપુંસક હોય, કોઇની પણ ગુપ્ત વાર્તા કોઇની સમીપે જાહેર કરવી નહિ. કોઇની ગોપનીય વાર્તા પ્રસિદ્ધ કરી નાખવાથી કોઇ સમયે તેને આત્મઘાત કરવાનો પણ પ્રસંગ આવે છે. અને વળી કોઇની ગુપ્ત બાબત જાહેર કરી નાખવાથી ઘણી વખત આ લોકમાં વ્યાપાર ધંધામાં પણ મોટું નુકશાન થતું હોય છે. યાજ્ઞાવલ્ક્ય ઋષિએ પણ કહ્યું છે કે- ''न किञ्चित् मर्मणि स्पृशेत्'' ।। इति ।। કોઇના પણ મર્મ સ્થળમાં સ્પર્શ કરવો નહિ. અર્થાત્ કોઇનું ખાનગી વૃતાન્ત પ્રગટ કરવું નહિ.


અને વળી સર્વત્ર એક જ બ્રહ્મ છે, તેમાં કોણ મોટો અને કોણ નાનો, આપણા માટે તો બધાય સરખા, આ રીતે સમદૃષ્ટિથી યથાયોગ્ય પૂજા મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. અર્થાત્ સમદૃષ્ટિથી પૂજનીય વ્યક્તિનો અનાદર કરવો નહિ. જે જીવનો જે રીતે પૂજા સત્કાર કરવો ઘટતો હોય, તે રીતે તે જીવનો પૂજા સત્કાર કરવો. આદરણીય વડીલ અને પૂજનીય વ્યક્તિ હોય તેની પૂજા કરવી, આદર આપવો. અને વળી જેનામાં વિશેષ સદ્ગુણો દેખાય તેને વિશેષ આદર આપવો, જેનામાં ઓછા સદ્ગુણો દેખાય, તેને ઓછો આદર આપવો. સદાચારી હોય તેને વિશેષ આદર આપવો, દુરાચારી હોય તેને ઓછો આદર આપવો. અને જો સદાચારી અને દુરાચારીને વિષે, તથા ભક્ત અને અભક્તને વિષે સમાન આદર રાખે, અને સમાન પૂજા સત્કાર કરે, તો સત્ અને અસત્નો જે વિવેક છે, તે નાશ પામી જાય છે. અને આગળ જે મોટા મોટા ભક્તો થઇ ગયા છે, એમણે પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, વિમુખનો કોઇએ પણ પક્ષ રાખ્યો નથી. અને આ પૃથ્વી ઉપર જેટલા અવતારો થયા, એમણે પણ ભક્તોની રક્ષા કરી છે. અને અસુરોનો નાશ કર્યો છે. માટે જેની જેટલી લાયકાત હોય, તેને તેટલો આદર આપવો, પણ સમદૃષ્ટિથી મર્યાદાનો ભંગ કરવો નહિ.


અને શાસ્ત્રમાં જે સમદૃષ્ટિ બતાવેલી છે, એ સમદૃષ્ટિ તો એ જગ્યાએ રાખવી કે ઉંચ અને નીચ બધા પ્રાણીઓની અંદર અંતર્યામિપણે ભગવાન રહ્યા છે. એમ માનીને બધા પ્રાણીઓને બ્રહ્માત્મકભાવથી નમસ્કાર કરવા. આ રીતે બ્રહ્માત્મક ભાવથી પ્રાણીઓને નમસ્કાર કરવાથી એ નમસ્કાર પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. અને જેમ મને દુઃખ લાગે છે, તેમ બીજાને પણ દુઃખ લાગતું હશે, આવા ભાવથી કોઇ ઉંચ કે નીચ પ્રાણીઓને દુઃખ આપવું નહિ. આ રીતે બધા પ્રાણીઓને આત્મવત્ માનીને દુઃખ નહિ આપવાની બાબતમાં સમદૃષ્ટિ રાખવી. પણ સદાચારી અને દુરાચારીના વિષયમાં તો જેને જેટલું યોગ્ય હોય, તેને તેટલું સન્માન કરવું કે આદર આપવો. પણ મને તો બધા સરખા એમ માનીને પૂજામર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ, આવો અભિપ્રાય છે. ।।૭૫।।