कर्तव्या द्वारिकामुख्यतीर्थयात्रायथाविधि । सर्वैरपि यथाशक्ति भाव्यं दीनेषु वत्सलैः।।८३।।
સર્વે મારા આશ્રિતો હોય તેમણે, દ્વારિકા આદિક તીર્થોની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે અને શાસ્ત્રના વિધિ પ્રમાણે કરવી. અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનોને વિષે દયાવાન થવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શાસ્ત્રોએ ભગવાનની પ્રાપ્તિનાં જે સાધનો બતાવ્યાં છે, તેમાં તીર્થયાત્રાને પણ ભગવાનની પ્રાપ્તિનાં સાધન તરીકે વર્ણવેલ છે. તીર્થ શબ્દનો અર્થ છે કે- ''तरन्ति भवाब्धिं जना एभिः इति तीर्थानि'' ।। इति ।। જેના માધ્યમથી મનુષ્યો સંસારરૂપી સાગરને તરી, ભગવાનને પ્રાપ્ત કરે તેને કહેવાય તીર્થ. અર્થાત્ તારે એ તીર્થ. આ રીતે તીર્થ સેવનને ભગવાનની પ્રાપ્તિનું એક સાધન કહ્યું છે. તીર્થનું યથાવિધિ સેવન કરવાથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને અંતઃકરણની વૃત્તિઓ પાવન થઇને આધ્યાત્મિક માર્ગે ચાલવામાં સમર્થ થઇ જાય છે. આ જ કારણથી આ ભરતખંડમાં અનાદિ કાળથી તીર્થયાત્રા કરવાની પ્રથા ચાલી આવે છે.
કોઇપણ ભૂમિ હોય, તે ભગવાન કે ભગવાનના એકાંતિક સંતોના સંબન્ધથી તીર્થમય બની જાય છે. જે તીર્થને ભગવાનનો કે ભગવાનના સંતોનો અધિક સંબન્ધ થયો હોય, તે તીર્થ અધિક પવિત્ર ગણાય છે. ત્યાંના રજકણો પવિત્ર હોય છે. ત્યાંનું પાણી પણ પવિત્ર હોય છે, અને ત્યાંનો વાયુ પણ પવિત્ર હોય છે. છપૈયા, અયોધ્યા અને મથુરામાં સાક્ષાત્ ભગવાન પ્રગટ થઇને બાળ લીલાઓ કરી છે. તેથી ત્યાંની ભૂમિને સાક્ષાત્ ભગવાનનો સંબન્ધ થયો છે. માટે એ ભૂમિ અધિક પવિત્ર ગણાય છે. અને શ્રીકૃષ્ણ ભગવાન તો સોળહજાર એકસો ને આઠ પોતાની પત્નીઓ સાથે દ્વારિકામાં ખૂબ લીલાઓ કરી છે. અને ભગવાન સહજાનંદ સ્વામીએ ધર્મકુળની સાથે સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકાની યાત્રાએ મોકલેલા હતા. સચ્ચિદાનંદ સ્વામી પાસે પૈસા ન હોવાથી, ત્યાંના દુષ્ટ પૂજારીઓએ સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાધીશ ભગવાનનાં દર્શન કરાવ્યાં નહિ. અને શ્રીહરિની આજ્ઞા હતી કે, દ્વારકાધીશનાં દર્શન કર્યા વિના પાછા આવશો નહિ. તેથી સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આઠ દિવસ ખાધા પીધા વિના બેસી રહ્યા હતા. અને અંતે દ્વારકાધીશ ભગવાન પ્રગટ થઇને પ્રત્યક્ષપણે સચ્ચિદાનંદ સ્વામીને દર્શન આપ્યાં હતાં. આ રીતે ભગવાનના પરમ એકાંતિક ભક્ત સચ્ચિદાનંદ સ્વામીના સંબંધે કરીને પણ, દ્વારકાની ભૂમિ અતિ પવિત્ર છે. અને દ્વારકાધીશ તો નિત્ય ત્યાં રહેલા છે. તેથી વૈષ્ણવ ભક્તોને માટે દ્વારિકા અતિ પૂજનીય આદરણીય અને અતિ પવિત્ર છે. એજ કારણથી શ્રીજીમહારાજે આ શિક્ષાપત્રીમાં દ્વારિકાનું મુખ્યપણું ગ્રહણ કરેલું છે. એ સિવાય ભગવાન સહજાનંદ સ્વામી અને તેમના પરમ એકાંતિક પાંચસો પરમહંસોનો જે જે ભૂમિને સાક્ષાત્ સંબન્ધ થયો છે. એ ભૂમિ પણ અતિ પાવન તીર્થમય કહેવાય છે. તેથી ભગવાન શ્રીહરિ અને તેમના એકાંતિક પરમહંસો ગુજરાતમાં જ્યાં જ્યાં વિચરણ કરીને ભૂમિને પાવન તીર્થમય બનાવી છે, તે તે પાવન તીર્થોની પણ યાત્રા કરવી જ જોઇએ. પણ જો પોતાનું સંપૂર્ણ યાત્રા કરવાનું સામર્થ્ય ન હોય, તો કેવળ દ્વારિકાની યાત્રા તો અવશ્ય કરવી જ. આ ઉદૃેશથી શ્રીજીમહારાજે અહીં દ્વારિકા તીર્થનું મુખ્યપણું ગ્રહણ કરેલું છે. અને દ્વારિકાનું મુખ્યપણું ગ્રહણ કર્યું તેણે કરીને બીજાં તીર્થોનું ગૌણપણું છે એવી શંકા કરવી નહિ. સાક્ષાત્ ભગવાનના સંબન્ધને પામેલાં કોઇપણ તીર્થ હોય, એ અતિ પવિત્ર અને અનુસરણીય જ છે.
અને વળી યાત્રા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવી. વિધિ વિના તો કોઇપણ વ્રત હોય કે યાત્રા હોય કે કોઇપણ કર્મ હોય, એ નિષ્ફળ કહેલ છે. તીર્થયાત્રાની શરૂઆત કરતાં પહેલાં આગલે દિવસે ઉપવાસ કરવો. અને પછી ગણપતિનું પૂજન કરવું. અને ત્યારબાદ માતાપિતાની આજ્ઞા ગ્રહણ કરીને જ, તીર્થયાત્રાની શરૂઆત કરવી. તીર્થમાં જઇને બ્રહ્મચર્યનું પાલન કરવું, તીર્થોમાં યથાશક્તિ દાન આપવું, તીર્થમાં જઇને કોઇની પાસેથી દાન લેવું નહિ. જાણી જોઇને કોઇ જીવની હિંસા કરવી નહિ, કામભાવથી સ્ત્રીઓની સામે કુદૃષ્ટિ કરવી નહિ, જાણી જોઇને ખોટું બોલવું નહિ, તીર્થમાં જઇને યથાશક્તિ ઉપવાસ કરવા, પ્રસિદ્ધ તીર્થમાં જઇને મુંડન કરાવવું, તીર્થોમાં શ્રાદ્ધ કરાવવું, તીર્થોમાં હસ્ત ચરણ આદિક ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. તીર્થોમાં જઇને વ્યર્થ ભ્રમણ કરવું નહિ, વિષયવાસનાઓથી મનને દૂર કરવું, અહંકારનો ત્યાગ કરી દેવો, તીર્થમાં જઇને ક્રોધ ક્યારેય કરવો નહિ, આ રીતે શાસ્ત્રોક્ત વિધિપ્રમાણે જે તીર્થયાત્રા કરે છે, એજ તીર્થના સંપૂર્ણ ફળને પામે છે. અને જે પુરૂષ તીર્થમાં જઇને વિષયવાસનાઓથી લિપ્ત રહે છે. અને ચોરી વ્યભિચાર આદિક કુકર્મમાં પ્રવૃત્ત રહે છે, તે પુરૂષનાં તે પાપો વજ્રલેપ થઇ જાય છે.- ''अन्यस्थाने कृतं पापं पुण्यक्षेत्रे विनश्यति । पुण्यक्षेत्रे कृतं पापं वज्रलेपो भवत्यलम्'' ।। इति ।। આ શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે કે- બીજાં સ્થળોને વિષે જે પાપો કરેલાં હોય, તે પવિત્ર તીર્થક્ષેત્રને વિષે નાશ પામે છે. પણ તીર્થક્ષેત્રમાં જઇને કરેલાં પાપો તો અતિ વજ્રલેપ થઇ જાય છે. અર્થાત્ વજ્રમાં ચોંટેલી ખીલી જેમ ઉખેડી શકાતી નથી. તેમ તીર્થમાં કરેલાં પાપો પ્રાયશ્ચિત વડે પણ નાશ કરી શકાતાં નથી. તેથી તીર્થમાં જઇને પુણ્ય કમાવવાને બદલે પાપના વજ્રલેપપણાની જ કમાણી થાય છે. માટે તીર્થમાં જઇને તીર્થયાત્રાના નિયમોનું બરાબર પાલન કરવું. તીર્થયાત્રાના નિયમોનું પાલન કરીને જો તીર્થનું સેવન કરવામાં આવે, તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે તીર્થફળના જે અભિલાષી હોય, તેમણે ઉપર કહેલા નિયમોમાં બરાબર સજાગ રહેવું જોઇએ.
અને વળી જે તીર્થક્ષેત્રમાં જે પ્રસિદ્ધ દેવ હોય, એ દેવની મહાપૂજા અથવા તો અલ્પપૂજા કરવી. દેવને ફલાદિક ભેટો અર્પણ કરવી, ત્યાં રહેનારા બ્રાહ્મણોને જમાડવા, ત્યાં રહેલા ભગવાનના ભક્ત વૈષ્ણવોની પૂજા કરવી, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, વગેરે વિધિ કહેલો છે. તો એ વિધિનું પણ તીર્થમાં પાલન કરવું. આ રીતે વિધિપૂર્વક તીર્થયાત્રા કરવાથી તીર્થનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, આવો અભિપ્રાય છે.
અને વળી સર્વે ભક્તજનો હોય તેમણે, દીનજનો ઉપર વહાલ રાખનારા થવું. અર્થાત્ દીનજનો ઉપર દયા રાખવી. કોઇ ધનથી રહિત હોય એ દીન કહેવાય છે. કોઇ શરીરના એકાદ અંગથી રહિત હોય, એ પણ દીન ગણાય છે. જે રોગી હોય એ દીન કહેવાય છે. અને જે સ્વભાવે કરીને દુર્બળ હોય, એ પણ દીન ગણાય છે. આ બધા દીનજનો ઉપર પોતાની શક્તિ પ્રમાણે દયા રાખવી. પોતાના સુહૃદની પેઠે જ દુર્બળ પ્રાણીઓની સંભાળ રાખવી. તેનો અનાદર કે અપમાન વગેરે કરવું નહિ. દુર્બળ પ્રાણીઓને જો ક્લેશ આપવામાં આવે, તો અકસ્માત મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં મહાભારતનું વાક્ય પ્રમાણરૂપ છે- ''दुर्बलं क्लेशयेद्यस्तु पुमानुपहसेच्च वा । आकस्मिकीमवाप्नोति विपदं स तु भूयसीम्'' ।। इति ।। આ શ્લોકનું તાત્પર્ય એ છે કે- જે પુરૂષ દુર્બળ પ્રાણીને ક્લેશ આપે છે, અથવા તો હાંસી મશ્કરી કરે છે, તો તે પુરૂષ અણધારી અકસ્માત મોટી વિપત્તિને પામે છે. અને વળી જે કોઇપણ પુરૂષ પોતે બળવાન થઇને બીજા દુર્બળ જીવને પીડે છે, તો તે પુરૂષનો એ અન્યાય છે અને એ અન્યાય પોતાના કુળને મૂળમાંથી બાળીને ભસ્મ કરી નાખે છે. આ રીતે મહાભારતમાં પ્રતિપાદન કર્યું છે. માટે શ્રીહરિનો એ અભિપ્રાય છે કે, યથાશક્તિ દુર્બળ જીવો ઉપર દયા રાખવી, પણ નિર્દય થવું નહિ. ।।૮૩।।