भूताद्युपद्रवे क्वापि वर्म नारायणात्मकम् । जप्यं च हनुमन्मन्त्रो जप्यो न क्षुद्रदैवतः ।।८५।।
મારા આશ્રિતો હોય તેમણે, જો ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય, ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો, અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો. પણ એ સિવાય બીજા કોઇ શુદ્ર દેવના સ્તોત્ર કે મંત્રનો જપ કરવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ સંસારની અંદર મનુષ્ય આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી કોઇને કોઇ તાપથી પીડાતો હોય છે. તો કોઇક સમયે ભગવાનના ભક્તને પણ અજાણી ઉપાધિ આવતી હોય છે. જો કે દૃઢ ભગવાનના ભક્તની અંદર આ ભૂતાદિકનો ઉપદ્રવ હોય જ નહિ. ભગવાનના સાચા ભક્તથી તો ભૂતાદિક મલિન પ્રાણીઓ પણ પવિત્ર થઇ જાય છે. ભગવાનના સાચા ભક્તથી ભૂતાદિક પ્રાણીઓ તો થર થર કંપે છે. માટે ભગવાનના દૃઢ નિશ્ચયવાળા ભક્તની અંદર આ મલિન ઉપાધિઓ હોતી નથી. છતાં પણ જો આચાર વિચારની મલિનતા ભગવાનનો ભક્ત રાખે, તો ભક્તની અંદર પણ ક્યારેક ભૂતાદિકનો ઉપદ્રવ આવી પડે છે. જ્યારે એવી કોઇ અજાણી ભૂતાદિકની ઉપાધી આવી પડે. ત્યારે ભાગવતના છઠ્ઠા સ્કંધમાં કહેલા નારાયણ કવચનો જપ કરવો, અથવા એ ઉપદ્રવના નિવારણને માટે, હનુમાનજીનો મૂલમન્ત્ર તથા માળામંત્ર તેનો જપ કરવો. પણ એ સિવાય ક્ષુદ્ર દેવદેવીના મંત્રનો જપ કરવો નહિ. અને જો ક્ષુદ્ર દેવદેવીના મંત્રનો જાપ કરે તો ઉપાસનાનો ભંગ થાય છે. પણ આવા દુઃખના નિવારણને માટે, કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરવામાં આવેલી છે. માટે હનુમાનજીની આરાધના કરવામાં ઉપાસનાનો ભંગ થતો નથી.- ''मदात्मानं हनुमन्तं यः समाराधयिष्यति । आराधितो।हमेवा।त्र भविष्यामि हि तेन तु ।। इति ।।'' રામાયણમાં રામચંદ્રજીનું વચન છે કે, જે પુરૂષ હનુમાનજીની આરાધના કરશે, તો એ હનુમાનજીની આરાધના દ્વારા મારી જ આરાધના થયેલી ગણાશે. માટે હનુમાનજીની આરાધના કરવાથી બીજાની આરાધના કરેલી કહેવાતી નથી. અને એજ કારણથી ઉપાસનાનો ભંગ થયો પણ કહેવાતો નથી. આવો અભિપ્રાય છે. ।।૮૫।।