શ્લોક ૮૬

रवेरिन्दोश्चोपरागे जायमाने।पराः क्रियाः । हित्वाशु शुचिभिः सर्वैः कार्याः कृष्णमनोर्जपः ।।८६।।

અમારા સર્વે સત્સંગીઓ હોય તેમણે, સૂર્ય અને ચંદ્રમાનું જ્યારે ગ્રહણ થાય ત્યારે બીજી સર્વે ક્રિયાઓનો તત્કાળ ત્યાગ કરીને, પવિત્ર થઇને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સૂર્ય અને ચંદ્રમાનું ગ્રહણ થવાની તૈયારી હોય ત્યારે પ્રથમ સ્નાન કરી, પવિત્ર થઇને ભગવાનના મંત્રનો જપ કરવા બેસી જવું. જ્યાં સુધી ગ્રહણ ચાલે ત્યાં સુધી સ્થિર મન રાખીને ભગવાનના મંત્રનો જપ કરવો. અને જ્યાં સુધી સૂર્ય તથા ચંદ્રમાનું ગ્રહણ ચાલતું હોય ત્યાં સુધી કોઇ વસ્ત્રાદિકનો સ્પર્શ કરવો નહિ. 


અને વળી ભાષ્યકાર શતાનંદ સ્વામી અહીં વિશેષ સમજાવતાં કહે છે કે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાનું ગ્રહણ ચાલે, ત્યાં સુધી જન્મ અને મરણનું સૂતક લાગતું નથી. તેથી સૂતકી પુરુષો પણ ગ્રહણ સમયે હોમ, જપ, પૂજા, વગેરે સત્કર્મ કરી શકે છે. ગ્રહણ મુકાઇ ગયા પછી ફરીવાર જન્મનું તથા મરણનું સૂતક લાગે છે. અને વળી સર્વે પુરુષો હોય કે સ્ત્રીઓ હોય તેમણે, આકાશમાં રહેલા સૂર્ય ગ્રહણને તથા ચંદ્રગ્રહણને સીધે સીધું જોવું નહિ. તેલની અંદર અથવા જળની અંદર, અથવા તો અરીસાની અંદર પડતા પ્રતિબિંબ દ્વારા ગ્રહણ જોવું. અથવા તો નેત્રોની આગળ વસ્ત્ર આડું રાખીને ગ્રહણ જોવું, પણ પ્રત્યક્ષપણે ગ્રહણ જોવું નહિ. અને જે ગર્ભિણી સ્ત્રી હોય તેમણે તો સાવધાન રહીને, નેત્રોની આગળ વસ્ત્રાદિકનું આવરણ રાખ્યા સિવાય ગ્રહણ ક્યારેય પણ જોવું નહિ. અને જો ગર્ભિણી સ્ત્રી સીધે સીધું ગ્રહણ જુએ, તો ગર્ભમાં રહેલા બાળક ઉપર તેની અસર થાય છે.


હવે સૂર્ય ગ્રહણના પ્રારંભથી બાર કલાક પહેલાં વેધ લાગી જાય છે, તેથી બાર કલાક પહેલાં ભોજનનો ત્યાગ કરી દેવો. અને ચંદ્રગ્રહણના પ્રારંભથી નવ કલાક પહેલાં વેધ લાગે છે, તેથી ચંદ્રગ્રહણમાં નવ કલાક પહેલાં ભોજનનો ત્યાગ કરી દેવો. તેમાં પાણી પીવાનો નિષેધ નથી. સૂર્ય કે ચંદ્રગ્રહણના પ્રારંભથી પહેલાં પાણી પીવામાં દોષ નથી. ગ્રહણનો પ્રારંભ થયા પછી પાણી પીવું નહિ. અને વળી બાળક, વૃદ્ધ અને રોગી હોય તેમણે ગ્રહણના પ્રારંભથી ત્રણ કલાક પહેલાં ભોજન છોડી દેવું. આ વિધિ બાળક, વૃધ્ધ અને રોગીને માટે જ વિશેષ છે, પણ બધા માટે નથી.


હવે સાયંકાળે સૂર્ય ઘેરાયેલો જો અસ્ત પામી ગયો હોય, તો ગ્રહણનો સમય પુરો થયા પછી સ્નાનાદિક ક્રિયા કરી લેવી. પણ રાત્રીએ ભોજન કરવું નહિ. જ્યારે સવારમાં સૂર્ય ઉદય પામે, ત્યારે સૂર્યનાં દર્શન કરીને જ ભોજન કરવું. અને ચંદ્ર પ્રાતઃકાળમાં જો ઘેરાયેલો અસ્ત પામી ગયો હોય, તો ગ્રહણનો સમય પુરો થયા પછી સ્નાનાદિક ક્રિયા કરી લેવી. પણ આખો દિવસ ભોજન કરવું નહિ. સાયંકાળે જ્યારે ચંદ્ર ઉદય પામે, ત્યારે ચંદ્રનાં દર્શન કર્યા બાદ જ ભોજન કરવું, આવો અભિપ્રાય છે. ।।૮૬।।