जातायामथ तन्मुक्तौ कृत्वा स्ननं सचेलकम् । देयं दानं गृहिजनैः शक्त्यान्यैस्त्वर्च्य ईश्वरः ।।८।।
અને મારા આશ્રિતો હોય તેમણે, ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને, ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું. અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ જ્યારે સમાપ્ત થાય ત્યારે સર્વે ભક્તજનો હોય તેમણે, શરીર ઉપર ગરમ કાપડ ધારણ કરેલું હોય કે ઉનનું વસ્ત્ર ધારણ કરેલું હોય કે હીરાગળ રેશમી વસ્ત્ર ધારણ કરેલું હોય, જે કાંઇપણ શરીર ઉપર ધારણ કરેલું હોય, તેમને પલાડવા પૂર્વક જ ગ્રહણ સંબન્ધી સ્નાન કરવું. શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- સ્મશાન અને ગ્રહણ સમયે તો શરીર ઉપર ગરમ ધાબડી ધારણ કરી હોય કે કોટ ધારણ કરેલો હોય, તેને પલાડવો જ પડે. આ બે પ્રસંગ સિવાય શરીર ઉપર ધારણ કરેલું ઉનનું વસ્ત્ર પલાડે તો ચાલે નહિ.
હવે જ્યારે ગ્રહણ સમાપ્ત થવાની તૈયારીમાં હોય, ત્યારે ગૃહસ્થાશ્રમી પુરૂષો હોય તેમણે દાનનો સંકલ્પ કરી લેવો. અને પછી જ્યારે ગ્રહણ સંપૂર્ણ સમાપ્ત થઇ જાય, ત્યારે સ્નાન કરીને સંકલ્પ કરાયેલું દાન આપી દેવું. અને ગૃહસ્થ સિવાયના જે ત્યાગીઓ હોય તેમની પાસે આપવા યોગ્ય પદાર્થનો સંગ્રહ હોતો નથી. તેથી ત્યાગીઓએ દાનની જગ્યાએ ભગવાનની પૂજા કરવી. પૂજા કરવાથી જ સમગ્ર દાનનું ફળ પ્રાપ્ત થાય છે. અને વળી જે પુરૂષ ગ્રહણના નિમિત્તનું સ્નાન કરતો નથી, એ પુરૂષ તો પાછું ફરીવાર બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સુતકી રહે છે. માટે અવશ્ય ગ્રહણના નિમિત્તનું સ્નાન કરવું, આવો અભિપ્રાય છે. ।।૮૭।।