जन्माशौचं मृताशौचं स्वसम्बन्धानुसारतः । पालनीयं यथाशास्त्रं चातुर्वर्ण्यजनैर्मम ।।८८।।
મારા આશ્રિત ચારે વર્ણવાળા જનો હોય તેમણે, જન્મનું સૂતક તથા મરણનું સૂતક પોતપોતાના સંબન્ધને અનુસારે અને શાસ્ત્રને અનુસારે પાલન કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- તમામ ધર્મશાસ્ત્રની અંદર ઋષિમુનિઓ દ્વારા જન્મના સૂતકની તથા મરણના સૂતકની વ્યવસ્થા કરવામાં આવી છે. શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ જે આ સૂતકની વ્યવસ્થા કરેલી છે. એ લોહીના સંબન્ધ પર આધારિત છે. જેમ આકાશમાં છોડાયેલા શબ્દ તરંગો તથા ચિત્ર તરંગો તરઙ્ગિત થતા થતા સમગ્ર યંત્રોમાં ફેલાયેલા પ્રત્યક્ષ જોયામાં આવે છે. તેમ અમુક પેઢી સુધી લોહીના સંબન્ધો પુરેપુરા ફેલાયેલા રહે છે. અર્થાત્ અમુક પેઢી સુધી લોહીના સંબન્ધોનો પુરેપુરો પ્રભાવ રહે છે. તેથી એક વ્યક્તિનું મૃત્યુ થતાં એ મૃત્યુનો પ્રભાવ સમાન લોહીથી ઉત્પન્ન થયેલા સમીપના સંબન્ધિઓ ઉપર સૂક્ષ્મરૂપે અવશ્ય પડે છે. એજ કારણથી ઋષિમુનિઓએ વિશ્લેષણ કરીને નિશ્ચય કરેલો હોય એમ જણાય છે કે, સાત પેઢી સુધી લોહીના સંબન્ધની અસર પુરે પુરી રહે છે, અને ત્યાર પછી અનુક્રમે એ લોહીનો સંબન્ધ પણ ક્ષીણ થતો જાય છે. તેને અનુસારે જન્મના સૂતકને વિષે કે મરણના સૂતકને વિષે ઋષિમુનિઓએ ન્યૂનાધિક સૂતક પાળવાની વ્યવસ્થા કરેલી હોય, એમ આપણે કેવળ કલ્પના જ કરી શકીએ છીએ. પણ સ્પષ્ટપણે તો જેમ છે તેમ સૂતકની વાત હૃદયમાં ઉતરતી નથી. છતાં પણ ઋષિમુનિઓએ જે આ સૂતક પાળવાના આદેશો આપ્યા છે, એ આપણા સુખને માટે આપ્યા છે. પણ આપણને હેરાન કરવા તો નથી જ આપ્યા. ઋષિમુનિઓના નિર્ણયમાં ચોક્કસ આપણું હિત જ સમાયેલું હશે. તો ઋષિમુનિઓએ જે સૂતકના નિર્ણયો કરેલા છે, તેમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે, રહેવામાં જ આપણું હિત છે.
હવે ઋષિમુનિઓએ જે સૂતકના નિર્ણયો કરેલા છે, તેમનું દિશાસૂચન કરતાં, શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે, પોતાના કુળમાં કોઇ પુત્રનો જન્મ થયો હોય કે કોઇ પુત્રીનો જન્મ થયો હોય, તો સાત પેઢીવાળા જનોએ દસ દિવસનું પૂર્ણ સૂતક પાલન કરવું. અને આઠથી ચૌદ પેઢીવાળાએ ત્રણ દિવસનું સૂતક પાલન કરવું. અને પંદરથી એકવીશ પેઢીવાળાએ એક દિવસનું સૂતક પાલન કરવું. અથવા કેવળ સ્નાનથી પણ શુદ્ધિ કહેલી છે. આ રીતે આ જન્મના સૂતકનો નિર્ણય કહેલો છે. જન્મના સૂતકની પેઠે જ મરણના સૂતકમાં પણ સમજી લેવું. આ પ્રમાણે શાસ્ત્રોમાં સામાન્યપણે આ સૂતકની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
હવે વિશેષપણે સૂતકના નિર્ણયને સમજાવતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- જન્મના સૂતકમાં દશ દિવસ વ્યતીત થયા પછી જો ખબર પડે તો સૂતક પાલન કરવું નહિ. પણ મરણના સૂતકમાં તો ત્રણ માસની અંદરમાં જો ખબર પડે તો ત્રણ દિવસનું સૂતક પાલન કરવું. અને ત્રણ માસ પછી અને છ માસની અંદરમાં, જો ખબર પડે તો દોઢ દિવસનું સૂતક પાલન કરવું. અને છ માસ પછી નવ માસ સુધીમાં ખબર પડે તો એક દિવસનું સૂતક પાલન કરવું. અને નવ માસ પછી જો ખબર પડે તો કેવળ સ્નાનથી શુદ્ધિ કહેલી છે.
અને વળી માતાપિતાનું મરણ થયા પછી ભલેને એક વર્ષ પછી ખબર પડે, તો પણ પુત્રને પુરૂં દશ દિવસનું સૂતક પાલન કરવું. અને પતિ પત્નિને પણ એક વર્ષ પછી ભલે મરણની ખબર પડે, તોપણ પતિ પત્નીએ પરસ્પર પૂર્ણ દશ દિવસનું સૂતક પાલન કરવું.
હવે એક જન્મનું સૂતક ચાલતું હોય, અને વચ્ચે બીજું જો જન્મનું સૂતક આવે, તો પૂર્વના સૂતકની સાથે જ પાછલું ઉતરી જાય છે. તેથી ફરીવાર પાછલું જન્મનું સૂતક પાલન કરવું નહિ. એ જ રીતે મરણનું સૂતક ચાલતું હોય અને વચ્ચે બીજું મરણનું સૂતક જો આવે, તો પૂર્વના મરણના સૂતકની સાથે જ પાછલું મરણનું સૂતક ઉતરી જાય છે. તેથી મરણનું સૂતક પણ ફરીવાર પાલન કરવું નહિ.
હવે આમાં જન્મનું સૂતક નાનું કહેવાય છે, અને મરણનું સૂતક મોટું કહેવાય છે. તેથી જો મરણનું સૂતક ચાલતું હોય, અને વચ્ચમાં જો જન્મનું સૂતક આવે તો મરણના સૂતકની સાથે જ જન્મનું સૂતક ઉતરી જાય છે. પણ જન્મનું સૂતક ચાલતું હોય અને જો મધ્યે મરણનું સૂતક આવે તો જન્મના સૂતકની સાથે મરણનું સૂતક ઉતરે નહિ. મરણનું સૂતક પુરે પુરૂં ફરીવાર પાલન કરવું પડે છે. આવી શાસ્ત્રોમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે.
હવે જન્મ આપનાર જે સૂતિકા હોય, તેના વિષયમાં શાસ્ત્રમાં વિશેષ બતાવેલું છે કે- જન્મના સૂતકમાં જન્મ આપનાર સૂતિકાનો સ્પર્શ કરવો નહિ, એ સિવાય બીજાનો સ્પર્શ કરવામાં દોષ નથી. અને જો જન્મ આપનાર સૂતિકાનો સ્પર્શ થાય, તો સ્નાનમાત્રથી શુદ્ધિ થાય છે. અને વળી જન્મ આપનારી સૂતિકા દશમે દિવસે સ્નાન કરીને શુદ્ધ થાય છે. અને ત્યાર પછી પણ એ સૂતિકા રસોડામાં જઇ શકે નહિ, કે કોઇ દેવ સંબન્ધી કર્મ પણ કરી શકે નહિ. પુત્રને જન્મ આપનારી સૂતિકા ત્રીસ દિવસ પછી કોઇપણ કર્મ કરી શકે છે. અને કન્યાને જન્મ આપનારી સૂતિકા ચાલિસ દિવસ પછી કોઇપણ કર્મ કરી શકે છે. આ રીતે શાસ્ત્રોમાં વ્યવસ્થા બતાવેલી છે.
હવે દાંત ઉગ્યા પહેલાં જો બાળકનું મૃત્યુ થઇ જાય, તો સ્નાનમાત્રથી શુદ્ધિ કહેલી છે. અને દાંત ઉગી ગયા હોય પણ ગર્ભના કેશ હજુ ઉતરાવ્યા ન હોય, તેથી પહેલાં જો બાળક મૃત્યુ પામે તો એક દિવસનું સૂતક પાલન કરવું. અને ગર્ભના કેશ ઉતરાવી નાખ્યા હોય, પણ હજુ યજ્ઞોપવીત સંસ્કાર થયો ન હોય, તેથી પહેલાં જો બાળકનું મૃત્યુ થાય તો ત્રણ દિવસનું સૂતક પાલન કરવું, અને યજ્ઞોપવીત ધારણ કર્યા પછી અર્થાત્ આઠ વર્ષ પછી જો બાળક મૃત્યુ પામે તો પુરૂં દસ દિવસનું સૂતક પાલન કરવું. આ રીતે શાસ્ત્રોમાં વ્યવસ્થા બતાવેલી છે.
હવે પરણાવેલી સ્ત્રી જો પિતાને ઘેર મૃત્યુ પામે, અથવા પિતાને ઘેર જો બાળકને જન્મ આપે, તો માતાપિતાએ ત્રણ દિવસનું સૂતક પાલન કરવું. અને બીજા બંધુજનોએ એક દિવસનું સૂતક પાલન કરવું.
હવે નાનો જો મૃત્યુ પામે તો ત્રણ દિવસનું સૂતક પાલન કરવું. અને યજ્ઞોપવિત ધારણ કરેલી હોય એવા દીકરીના દીકરા મૃત્યુ પામે તો દીકરીના માતા પિતાએ ત્રણ દિવસનું, અને જેનો યજ્ઞોપવિત સંસ્કાર થઇ ગયો હોય છે, એવો ભાણેજો મૃત્યુ પામે તો મામાએ ત્રણ દિવસનું સૂતક પાલન કરવું.
અને વળી નાનીમા મૃત્યુ પામે તો દોઢ દિવસનું, યજ્ઞોપવીત સંસ્કાર થયો ન હોય, એવો દીકરીનો દીકરો મૃત્યુ પામે તો દોઢ દિવસનું, યજ્ઞોપવીત સંસ્કાર થયો ન હોય એવો ભાણેજો મૃત્યુ પામે તો દોઢ દિવસનું, સાસુ કે સસરો મૃત્યુ પામે તો દોઢ દિવસનું, અને બહેન મૃત્યુ પામે તો પણ દોઢ દિવસનું સૂતક કહેલું છે. ફઇ, મામી, મામો, કે માસી, મૃત્યુ પામે તો દોઢ દિવસનું, પોતાનો કોઇ ગાઢ મિત્ર મરણ પામે તો દોઢ દિવસનું સૂતક પાલન કરવું. યજ્ઞોપવીત ધારણ કરીને વેદનું અધ્યયન કરનાર શિષ્ય જો મૃત્યુ પામે તો ગુરૂએ દોઢ દિવસનું સૂતક પાલન કરવું. વેદાધ્યાપક અને મંત્રને આપનારા ગુરૂ (આચાર્ય) જો મૃત્યુ પામે તો શિષ્યને ત્રણ દિવસનું સૂતક પાલન કરવું. આ રીતે સૂતકની વ્યવસ્થા શાસ્ત્રમાં બતાવેલી છે.
અને વળી વિરક્ત એવા ત્યાગી સાધુનાં માતાપિતા જો મૃત્યુ પામે તો, ત્યાગી સાધુને કેવળ સ્નાન માત્ર કહેલું છે. પરંતુ સૂતક પાળવું નહિ. પોતાના જ કુળમાં કોઇ પતિત થઇ ગયો હોય, એ મૃત્યુ પામે તોપણ સૂતક પાળવું નહિ. પોતાના દેશનો રાજા મૃત્યુ પામે તો તારા સ્નાન કહેલું છે.
હવે સૂતકનો જ્યારે પ્રસંગ આવે, ત્યારે આપણે દરરોજ ભગવાનની જે પૂજા કરતા હોઇએ. એ દસ દિવસ સુધી કરવી નહિ. તેમાં આત્મનિવેદી ભક્તજનો પોતાના ઘરમાં જે ધાતુ પાષાણની પ્રતિમાનું પૂજન કરતા હોય, તે પ્રતિમાનું પૂજન સૂતક દરમ્યાન બીજા કોઇ સૂતકથી રહિત એવા પાડોશી પાસે કરાવવું, પણ પ્રતિમાને અપૂજ રહેવા દેવી નહિ. અને દરરોજ આપણે ચિત્રપ્રતિમાનું પૂજન કરીએ છીએ, એ પૂજન પણ સૂતક દરમ્યાન બીજા પાસે કરાવવું. અને પોતાને કેવળ માનસીપૂજા કરવી, જપ કરવો, અને સ્તોત્રાદિકનો પાઠ કરવો.
આ ઉપર કહેલાં બધાં સૂતકોની જે વ્યવસ્થા કરેલી છે, એતો મનુષ્યને કોઇપણ પ્રકારનો આપત્કાળ ન હોય, બરાબર સ્વસ્થ દશામાં રહેલો હોય, તેને માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. સ્વસ્થકાળના ધર્મો જુદા હોય છે, અને આપત્કાળના ધર્મો પણ જુદા હોય છે. તેથી જ્યારે મોટો આપત્કાળ આવી પડેલો હોય, ત્યારે સૂતકને વિષે પણ સૂતક લાગતું નથી. કેવળ સ્નાનમાત્રથી શુદ્ધિ થઇ જાય છે. આવો સર્વે શાસ્ત્રોનો અભિપ્રાય છે. ।।૮૮।।