भाव्यं शमदमक्षान्तिसंतोषादिगुान्वितैः । ब्राह्मणैः शौर्यधैर्यादिगुणोरेतैश्च बाहुजैः ।।८९।।
મારા આશ્રિત બ્રાહ્મણો હોય તેમણે, શમ, દમ, ક્ષમા, સંતોષ એ આદિક ગુણોથી યુક્ત થવું, અને અમારા આશ્રિત ક્ષત્રિયો હોય તેમણે, શૂરવીરપણું અને ધીરજપણું આદિક ગુણોથી યુક્ત થવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- બ્રાહ્મણોએ શમ, દમાદિ ગુણોથી યુક્ત થવું. તેમાં શમ એટલે મનનો નિગ્રહ. મનનો જે નિગ્રહ છે, એ જ સુખના હેતુરૂપ છે. જેમણે મનનો નિગ્રહ નથી કરેલો, અર્થાત્ જેમણે પોતાનું મન નિયમમાં નથી કર્યું, એ પુરૂષોને કોઇ જગ્યાએ સુખ પ્રાપ્ત થતું નથી. જ્યાં જાય ત્યાં મન દુઃખના કારણરૂપ બને છે. આ બાબતમાં એક સ્મૃતિ વાક્ય પ્રમાણરૂપ છે- ''अशान्तस्य कुतः सुखम्'' ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે- જેમનું મન અશાંત છે, અર્થાત્ જેમનું મન ચંચળ છે, એવા પુરૂષને શાંતિ ક્યાંથી હોય, ન જ હોય. માટે બ્રાહ્મણો હોય તેમણે પોતાના મનનો નિગ્રહ કરવો.
અને દમ, એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ. અંતઃકરણમાં જે જે વિષયો ભરાયા છે, એ ઇન્દ્રિયો દ્વારા જ ભરાયા છે. આંખ, કાન આદિક ઇન્દ્રિયો દ્વારા આસક્ત ભાવથી જે જે વિષયોનું ગ્રહણ કરવામાં આવે છે. તે તે વિષયોના અંતઃકરણમાં સંસ્કાર બેસી જાય છે. અને પછી જન્મો જન્મ એ સંસ્કારો અંતઃકરણમાંથી ઉત્પન્ન થઇને ભૂતપ્રાણી માત્રને કર્મમાર્ગમાં પ્રવર્તાવ્યા કરે છે. માટે બ્રાહ્મણોએ પોતાની ઇન્દ્રિયોને નિયમમાં કરી લેવી. ઇન્દ્રિયોને જે નિયમમાં કરવી, તેને દમ કહેવાય છે.
અને વળી ક્ષમા એટલે બીજાના અપરાધને સહન કરી લેવા તે. ક્ષમા ભગવાનની પ્રસન્નતાનો એક મહાન ગુણ છે. ક્ષમા રાખનાર પુરૂષ ઉપર ભગવાન તત્કાળ જ પ્રસન્ન થઇ જાય છે. જમદગ્નિ ઋષિએ પોતાના પુત્ર પરશુરામ પ્રત્યે કહેલું છે કે- ''वयं हि ब्राह्मणस्तात क्षमयार्हणतां गताः । यथा लोकगुरुर्देवः पारमेष्टयमगात् पदम्'' ।। इति ।। હે પુત્ર ! આપણે બ્રાહ્મણો ક્ષમા વડે જ પૂજ્યપણાને પામેલા છીએ. અને સમગ્ર લોકના પિતા બ્રહ્મા પણ ક્ષમા વડે જ બ્રહ્મપદને પામેલા છે. માટે આ રીતે સહસ્રાર્જુનના પુત્રોનો વધ કરી નાખવો, એ બ્રાહ્મણને માટે યોગ્ય નથી. બ્રાહ્મણને માટે તો ક્ષમા એજ આભૂષણ છે, અને ક્ષમા એજ ઢાલરૂપ છે. માટે ધીરજતા રૂપી ગુણનો આશ્રય કરીને, હમેશાં ક્ષમા રૂપી આભૂષણને ધારણ કરવું જોઇએ. અને ક્ષમારૂપી આભૂષણને ધારણ કરવાથી જ ભગવાનની પ્રસન્નતા થાય છે. આ પ્રમાણે જમદગ્નિએ પુત્ર પરશુરામને ક્ષમાનો ઉપદેશ કરેલો છે.
અને વળી બ્રાહ્મણોને સંતોષ રાખવો જોઇએ. સંતોષી સદા સુખી. જે સંતોષ રાખે છે, એજ સુખ પ્રાપ્ત કરી શકે છે. અસંતોષી ક્યારેય પણ સુખી થઇ શકતો નથી. અને અસંતોષ છે એજ જન્મ અને મરણરૂપી સંસૃતિનું મૂળ કારણ છે. જ્યાં સુધી વિષયોમાં અસંતોષ છે, ત્યાં સુધી પુરૂષ આધ્યાત્મિક માર્ગને પંથે ચઢી શકતો જ નથી. અને આધ્યાત્મિક માર્ગને પંથે ચઢયા સિવાય જન્મ અને મરણરૂપી સંસૃતિનો નાશ પણ થતો નથી. આ વિષયમાં ભાગવત શાસ્ત્રનું વચન પ્રમાણરૂપ છે- ''पुंसो।यं संसृत्तेः हेतुरसन्तोषो।र्थकामयोः । यदृच्छयोपपन्नेन संतोषो मुक्तये स्मृतः'' ।। इति ।। આ પદ્યનો એ ભાવ છે કે- ધન અને વિષયભોગની અંદર જે અસંતોષ છે, એજ જન્મ અને મરણરૂપી સંસૃતિનું મૂળ છે. અને દૈવ ઇચ્છાથી જે કાંઇ પ્રાપ્ત થાય તેણે કરીને જે સંતોષ રાખવો, એ મોક્ષના કારણરૂપ છે. અર્થાત્ ધન અને વિષયભોગમાં અસંતોષથી સંસૃતિ પ્રાપ્ત થાય છે. અને સંતોષથી મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે બ્રાહ્મણો હોય તેમણે સંતોષ નામના ગુણથી યુક્ત થવું. અને અહિંસા, દયા, આદિ ગુણોથી પણ યુક્ત થવું.
અને વળી ક્ષત્રિયો હોય તેમણે, શૂરવીરપણું પ્રાપ્ત કરવું. અર્થાત્ રણસંગ્રામમાં ઉત્સાહ પ્રાપ્ત કરવો. પણ કાયર થઇને પીઠ બતાવવી નહિ. કેવળ જે શૂરવીરતા છે, એ ક્યારેક પોતાનું પણ નુકશાન કરે છે, તેથી સાથે સાથે ધીરજતા પણ પ્રાપ્ત કરવી. ભાગવતના અગિયારમા સ્કન્ધને વિષે ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો કહેલા છે- પ્રભાવ, શારીરિક બળ, ઇન્દ્રિયોનું બળ, ધીરજતા, શૂરવીરતા, તિતિક્ષા, ઉદારતા, પરિશ્રમ, બ્રાહ્મણોને દેવની પેઠે માનવા, અને પ્રજા ઉપર નિયમન શક્તિ વિગેરે ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો પ્રતિપાદન કરેલા છે. માટે ક્ષત્રિયો હોય તેમણે આવા ગુણોથી યુક્ત થવું, આવો અભિપ્રાય છે. ।।૮૯।।