वैश्यैश्च कृषिवाणिज्य कुसीदमुखवृत्तिभिः । भवितव्यं तथा शूद्रैर्द्विजसेवादिवृत्तिभिः ।।९०।।
મારા આશ્રિત વૈશ્યો હોય તેમણે, ખેતી કરવી, વ્યાપાર કરવો, તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેણે કરીને વર્તવું. તેવી જ રીતે શુદ્રો હોય તેમણે, બ્રાહ્મણાદિક ત્રણે વર્ણની સેવા કરવી, એ આદિક વૃત્તિઓ તેથી યુક્ત થવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- વૈશ્યો હોય તેમણે ખેતી કરવી. વૃદ્ધપરાશરસ્મૃતિમાં કહેલી રીતિ વડે પૃથ્વી થકી ધાન્યની જે ઉપજ કરવી તેને ખેતી કહેવામાં આવે છે. અને વૈશ્યો હોય તેમણે વ્યાપાર કરવો. શાસ્ત્રોમાં નહિ નિષેધ કરાયેલાં પદાર્થોને લાભને માટે ખરીદવાં અને વેંચવાં, તેને વ્યાપાર કહેવામાં આવે છે. અને વળી વૈશ્યો હોય તેમણે વ્યાજવટો કરવો. યાજ્ઞાવલ્ક્યસ્મૃતિના વ્યવહાર અધ્યાયમાં કહ્યા પ્રમાણે યથાયોગ્ય ધનની વૃદ્ધિને માટે જે દ્રવ્યનો પ્રયોગ કરવામાં આવે, અર્થાત્ દ્રવ્યની વૃદ્ધિને માટે જે રોકાણ કરવામાં આવે, તેને વ્યાજવટો કહેવામાં આવે છે. તેમાં વ્યાજવટારૂપ વૃત્તિ પ્રાણીઓને માટે થોડી દુઃખરૂપ છે. આ વૃત્તિથી કરજદાર અતિ દુઃખને પામે છે. કોઇ સમયે ધનિકધણીના ઉપદ્રવથી કરજદારને આત્મઘાત પણ કરવો પડે છે. અને જેના ઉપર કરજ ન હોય, તેને ઘરમાં ભલે અડધો રોટલો ખાવા મળે તો પણ એ સુખી છે. આ વિષયમાં મહાભારતના આરણ્યકપર્વનું વચન પ્રમાણ રૂપ છે- ''पञ्चमे।हनि षष्ठे वा शाकं पचति यो गृहे । अनृणि चाप्रवासी च स वारिचर मोदते'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે- જે પુરૂષ પોતાના ઘરમાં રહીને પાંચમે દિવસે અથવા છઠ્ઠે દિવસે કેવળ શાક રાંધીને જમતો હોય, છતાં પણ તેના ઉપર જો કરજ ન હોય, અને તેને પ્રવાસ વેઠવો પડતો ન હોય, તો તે પુરૂષ આનંદને પામે છે. પણ જેના ઉપર કરજ હોય, એ પુરૂષ ક્યારેય પણ આનંદ મેળવી શકતો નથી. આ પ્રમાણે વ્યાજવટારૂપ વૃત્તિમાં પ્રાણીઓને દુઃખ રહેલું છે.
અને વળી શુદ્રો હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી, એ આદિક વૃત્તિઓ વડે પોતાની આજીવિકા ચલાવવી. મહાભારતના આનુશાસનિક પર્વમાં કહેલું છે કે- ''द्विजशुश्रुषया शुद्रः परं श्रेयो।धिगच्छति'' ।। इति ।। બ્રાહ્મણાદિક ત્રણે વર્ણની સેવા કરવારૂપ આજીવિકાથી શુદ્ર પરમ કલ્યાણને પામે છે. અને વળી શુદ્રો હોય તેમણે, માતાપિતાની સેવા કરવી, તથા અહિંસાદિક ધર્મોનું પાલન કરવું, એ આદિક ગુણોથી પણ યુક્ત થવું, આવો અભિપ્રાય છે. ।।૯૦।।