संस्काराश्चाह्निकं श्राद्धं यथाकालं यथाधनम् । स्वस्वगृह्यानुसारेण कर्तव्यं च द्विजन्मभिः ।।९१।।
અને બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય આ ત્રણે વર્ણવાળા મારા આશ્રિતો હોય તેમણે, ગર્ભાધાનાદિક સર્વે સંસ્કારો તથા આહ્નિક કર્મ અને શ્રાદ્ધ, આ ત્રણે પોતપોતાના ગુહ્યસૂત્રને અનુસારે અને ધન સંપત્તિને અનુસારે હમેશાં કરવાં.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સવારમાં સૂર્યોદયથી આરંભીને સાયંકાળ પર્યંતનાં જે કર્મો શાસ્ત્રમાં વિધાન કરવામાં આવેલાં છે. તેને જેમ નિત્યકર્મ અથવા તો દિનચર્યા કહેવામાં આવે છે. તેમજ ગર્ભમાં દાખલ થયાથી આરંભીને મૃત્યુપર્યંતની જે ક્રિયાઓ શાસ્ત્રમાં વિધાન કરવામાં આવેલી છે, તેને જીવનચર્યા કહેવામાં આવે છે. જેમ દિનચર્યા નિયમિત છે, તેમ જીવનચર્યા પણ નિયમિત છે. જીવનચર્યામાં સંસ્કારો, આહ્નિક કર્મો અને શ્રાદ્ધો આ ત્રણે બાબતનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. તેમાં સંસ્કારોનું બહુ પ્રાધાન્ય છે, જે સંસ્કારોથી મનુષ્ય માનવતાની પરાકાષ્ટાએ પહોંચી શકે છે. અને જે સંસ્કારોથી મનુષ્ય સભ્યતાનાં ઉંચા શિખરો પર તથા આધ્યાત્મિક માર્ગના પંથે ચઢી શકે છે.
શાસ્ત્રોમાં ગર્ભાધાનાદિક સોળ સંસ્કારો મુખ્ય કહેલા છે. સોળ સંસ્કારોમાં ગર્ભાધાન સંસ્કાર પહેલો સંસ્કાર છે. ગૃહસ્થ ધર્મની અંદર ''पिता बीजप्रदो मतः'' પિતા છે એ આ સૃષ્ટિકાર્યમાં શક્તિસ્વરૂપ નારીના ઉદરમાં બીજની સ્થાપના કરે છે. જે માતાપિતાનું મન પવિત્ર હોય, તેનું સંતાન પણ પવિત્ર થાય છે. તેથી માતાના ઉદરમાં જ્યારે ગર્ભની સ્થાપના થાય, ત્યારે પિતાનું અને માતાનું જેવું મન તેવું જ બાળક ઉત્પન્ન થાય છે.
(१)''गर्भाधानसंस्कारः''
જે બાળક ગર્ભમાંથી જ સંસ્કૃત થાય છે. એબાળક અતિ બળવાન અને સદ્ગુણી બને છે. તેથી સર્વે સંસ્કારોમાં ગર્ભાધાન સંસ્કારની પ્રાથમિક્તા છે. ભાવિ બાળકનું સંપૂર્ણ ભવિષ્ય આ ગર્ભાધાન સંસ્કારને આધારિત છે. સંતાનની ઉત્પત્તિ માતાપિતાના જીવવિશિષ્ટ શરીર તથા મન થકી થાય છે. તેથી માતાપિતાના શારીરિક ગુણ અવગુણ તથા માનસિક ગુણ અવગુણ બાળકની અંદર પ્રવેશે છે. એજ કારણથી માતાપિતાના શારીરિક તથા માનસિક દોષોના નિવારણ માટે ગર્ભાધાન સંસ્કારની આવશ્યક્તા છે. ખેતી કરનાર ખેડુતને જો સારા ફળની ઇચ્છા હોય, તો પ્રથમ બીજની અને ખેતરની શુદ્ધિ અવશ્ય કરવી જોઇએ. તેમ આ ઇશ્વરની સૃષ્ટિમાં પુરૂષ એ બીજ છે. અને સ્ત્રી એ ખેતર છે. માટે ગર્ભાધાન પૂર્વે સ્ત્રી તથા પુરૂષની શારીરિક અને માનસિક શુદ્ધિ અવશ્ય હોવી જોઇએ. ગર્ભાધાન સંસ્કાર વિવાહિત સ્ત્રી અને પુરૂષને એ સૂચવે છે કે, સ્ત્રી પુરૂષનો પરસ્પર સંબન્ધ કેવળ વિષયભોગની તૃપ્તિને માટે નથી. પણ એક શ્રેષ્ઠ સંતાનની ઉત્પત્તિ રૂપી મહાન ઉદૃેશ્યની પૂર્તિને માટે જ છે. વિવાહનું તાત્પર્ય એ નથી કે વિવાહિત પતિ પત્ની પોતાની ઇચ્છાનુસારે વિષયભોગ ભોગવે છતાં એને પાપ લાગે નહિ. વિવાહનું તાત્પર્ય એ છે કે, વૈદિક મંત્રોથી સ્ત્રી અને પુરૂષને પરસ્પર સંબન્ધની માન્યતા પ્રદાન કરીને, ઇશ્વરની પવિત્ર સૃષ્ટિમાં શુદ્ધ સંતતિની ઉત્પત્તિ કરવી. નહિ કે વિવાહથી વિષયનું સેવન કરવાની ખુલી છુટ આપવામાં આવે છે. ગર્ભાધાન સંસ્કાર તો પતિ પત્નીના શારીરિક તથા માનસિક પવિત્રતાના મહત્વનું તેમજ સંયમના મહત્વનું દિગ્દર્શન કરાવે છે. અને મદ, મોહ તથા વાસનાથી અંધ બનીને ગર્ભાધાન કરવાનો નિષેધ કરે છે. હવે મનુએ જે ગર્ભાધાનની રીતિ બતાવેલી છે, તેને અનુસારે જો ગર્ભાધાન કરવામાં આવે, તો બાળક બળવાન અને સદ્ગુણી બને છે. માટે મનુએ બતાવેલી ગર્ભાધાનની રીત અહીં સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે. ऋतु स्वाभाविकः स्त्रीणां रात्र्यः षोडशः स्मृताः । तासामाद्याश्चतस्रस्तु निन्दितैकादशी च या ।।१।। त्रयोदशी च शेषास्तु प्रशस्ता दश रात्रयः । युग्मासु पुत्रा जायन्ते स्त्रियो।युग्मासु रात्रीसु ।।२।।
મનુઋષિના વાક્યનો એ ભાવ છે કે, જે દિવસે સ્ત્રીને રજોદર્શન થાય, એ દિવસથી આરંભીને સોળ રાત્રીઓ છે, એ સ્ત્રીનો ઋતુકાળ કહેવામાં આવે છે. તેમાં પ્રથમની ચાર રાત્રિઓ છે, એતો અતિશે નિંદિત છે. જેમ ચાર રાત્રીઓ ત્યાગ કરવા યોગ્ય છે, તેમ રજોદર્શનથી આરંભીને અગિયારમી અને તેરમી રાત્રી પણ નિન્દિત બતાવેલી છે. માટે અગિયારમી અને તેરમી રાત્રી ત્યાગ કરવા યોગ્ય છે. બાકીની દશ રાત્રીઓ ગર્ભાધાન માટે શ્રેષ્ઠ કહેલી છે. તેમાં જેને પુત્રની ઇચ્છા હોય તેમણે રજોદર્શનના ચાર દિવસો છોડીને બેકી રાત્રીએ એટલે છઠ્ઠી, આઠમી, દસમી, બારમી, ચૌદમી અને સોળમી. આ છ રાત્રીએ ગર્ભાધાન કરવું. આ પ્રમાણે પુત્રાભિલાષીને માટે છ રાત્રી કહેલી છે.
અને કન્યાની જેને ઇચ્છા હોય તેમણે, રજોદર્શનના ચાર દિવસો છોડીને, એકી રાત્રી એટલે પાંચમી, સાતમી, નવમી અને પંદરમી રાત્રીએ ગર્ભાધાન કરવું. આ પ્રમાણે કન્યાભિલાષીને માટે ચાર રાત્રીઓ કહેલી છે. એક મહિનામાં કુલ મળીને દસ જ રાત્રીઓ ગર્ભાધાન માટે વિધાન કરવામાં આવેલી છે. તેમાં પણ એકાદશી, અમાવાસ્યા આદિક પર્વની રાત્રીઓ ત્યાગ કરવા યોગ્ય છે. આ રીતે શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે અને પત્નીની સંમતિથી, તથા માનસિક અને શારીરિક પવિત્રતાથી કેવળ સંતતિની પ્રાપ્તિરૂપ ઉદૃેશ્યથી જે સ્ત્રી અને પુરૂષનો સમાગમ તેને જ ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે. અને આ રીતે ગર્ભાધાન સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય છે. અને બાળક તેજસ્વી તથા સદ્ગુણી બને છે.
(२)''पुंस्वनसंस्कारः''
આ સંસ્કાર ગર્ભ થકી પુત્ર રૂપી ફળની પ્રાપ્તિના ઉદૃેશ્યની પૂર્તિને માટે કરવામાં આવે છે. ગર્ભમાં ચોથા મહિનાથી પુરૂષ તથા સ્ત્રીનાં સૂચક અંગોની ઉત્પત્તિનો પ્રારંભ થાય છે. તેથી આ સંસ્કાર બીજે મહિને અથવા તો ત્રીજે મહિને હજુ કેવળ ગર્ભમાં માંસનો પિંડ હોય, ત્યારે કરવામાં આવે છે.
(३) ''सीमन्तोन्नयनसंस्कारः''
ચોથા મહિનાથી આરંભીને બાળકને ગર્ભમાં હૃદયાદિક સર્વે અંગોની ઉત્પત્તિ થાય છે. ત્યારથી આરંભીને ગર્ભમાં રહેલા બાળકને ચૈતન્યશક્તિનો પ્રાદુર્ભાવ થવા લાગે છે. એજ કારણથી ચોથા મહિને અથવા તો તે પછી પાંચમે કે છઠ્ઠે મહિને, સ્ત્રીના શરીરની શુદ્ધિ અને ગર્ભમાં રહેલા બાળકની રક્ષા, તથા શિક્ષા આ સંસ્કારની અંદર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવે છે. જેવી રીતે અભિમન્યુને ગર્ભાવસ્થામાં જ ચક્રવ્યૂહનું શિક્ષણ પ્રાપ્ત થયું હતું. અને પ્રહ્લાદજીને પણ નારદજીએ ગર્ભાવસ્થામાં જ પરમાત્માના માહાત્મ્યનું શિક્ષણ આપેલું હતું.
(४) ''जातकर्मसंस्कारः''
સંતાનની ઉત્પત્તિ થયા પછી બાળકને સ્નાન, નાભિનું છેદન, અને બાળકને દૂધ પીવરાવવું, બાળકના જન્મ નિમિત્તે પિતાને સ્નાન કરવું, દાન આપવું, વગેરે ક્રિયા, આ જાતકર્મસંસ્કારની અંદર કરવામાં આવે છે. અને વૈદિક વચનોથી બાળકનું મંગળ આ સંસ્કારની અંદર કરવામાં આવે છે.
(५) ''नामकर्मसंस्कारः''
ગોભિલગૃહ્યસૂત્રની અંદર બતાવેલું છે કે- ''जननाद्दशरात्रे व्युष्टे शतरात्रे संवत्सरे वा नामधेयकरणम्'' ।। इति ।। જન્મથી આરંભીને દશ દિવસ વ્યતીત થયા પછી, અગિયારમે દિવસે કે બારમે દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. અથવા તો સો દિવસ વ્યતીત થયા પછી, એકસો એકમા દિવસે સંતાનનું નામકરણ કરવું. અથવા એક વર્ષ વીત્યા પછી પણ નામકરણસંસ્કાર કરવામાં આવે છે. તેમાં માતાની જો નિર્બળતા હોય કે દશ દિવસ પછી પણ ઉઠી શકે એમ ન હોય, તો સો દિવસ પછી એકસોએકમે દિવસે નામકરણ કરવું. અને જો પિતા વિદેશમાં હોય તો એક વર્ષ વ્યતીત થયા પછી પણ નામકરણ સંસ્કાર થઇ શકે છે. આ નામકરણ સંસ્કાર જ્યોતિષ શાસ્ત્રના આધારે વૈદિક વિધિથી કરવામાં આવે છે.
(६) ''निष्क्रमणसंस्कारः''
જન્મ પછી બાળકને ચોથા માસમાં આ સંસ્કાર કરાવવામાં આવે છે. ચોથા માસે બાળકની જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો સશક્ત થાય છે. અને વાયુ, તડકો, ટાઢ આદિકને સહન કરવાને યોગ્ય બને છે. તેથી ચોથા માસે બાળકને સૂર્ય તથા ચંદ્રનાં દર્શન કરાવવામાં આવે છે. અર્થાત્ સૂર્ય તથા ચંદ્રનાં દર્શન માટે બાળકને બહાર ખુલ્લી જગ્યામાં જે લાવવામાં આવે, તેને નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય છે.
(७) ''अन्नप्राशनसंस्कारः''
આ સંસ્કારમાં બાળકને થોડું થોડું અન્ન જમાડવાનો પ્રારંભ થાય છે. તેથી બાળક છ કે સાત મહિનાનો થાય, ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. જેથી બાળક અન્ન પચાવી શકે. અન્નપ્રાશન સંસ્કારમાં બાળકની આગળ પુસ્તક, અસ્ત્ર, શસ્ત્રાદિક ઘણીક વસ્તુઓ રાખવામાં આવે છે. અને બાળકને છુટો મુકવામાં આવે છે. ત્યારે બાળકને જે વસ્તુમાં વધુ આકર્ષણ થાય, તેને આધારે બાળકની ભાવિ રૂચિની કલ્પના કરવામાં આવે છે.
(८) ''चौलसंस्कारः''
ચૌલ સંસ્કારની અંદર બાળકનું વિધિવત્ મુંડન કરાવવામાં આવે છે. અને બાળકના મસ્તક ઉપર શિખાનું સ્થાપન કરવામાં આવે છે. આ સંસ્કાર જન્મથી આરંભીને ત્રીજે વર્ષે કરવામાં આવે છે. આ સંસ્કારને ચૂડાકર્મ સંસ્કાર પણ કહેવામાં આવે છે. અને ત્યારબાદ અનુક્રમે બાળકનો કર્ણવેધ સંસ્કાર પણ કરવામાં આવે છે. કર્ણવેધ સંસ્કારની અંદર બાળકના કાન વીંધવામાં આવે છે.
(९) ''उपनयनसंस्कारः''
સર્વે સંસ્કારો કરતાં યજ્ઞોપવિત સંસ્કારની મહત્તા અધિક છે. આચાર્ય બાળકને વિધિ પૂર્વક યજ્ઞોપવીત આપીને બ્રહ્મચર્યનો ઉપદેશ આપે છે. અને પછી એ બ્રહ્મચારી ત્રણ દિવસ પર્યંત ગુરૂની પાસે ગર્ભરૂપે રહે છે. અને પછી દ્વિજત્વરૂપ બીજા જન્મને ગ્રહણ કરીને બહાર નીકળે છે. આ રીતે યજ્ઞોપવિત સંસ્કાર દ્વિજાતિપણાને પમાડનાર છે. અર્થાત્ યજ્ઞોપવિત સંસ્કાર એ બીજો જન્મ કહેવામાં આવે છે. આ સંસ્કાર બ્રાહ્મણોને આઠમા વર્ષે, ક્ષત્રિયોને અગિયારમા વર્ષે, અને વૈશ્યને બારમા વર્ષે ધારણ કરાવામાં આવે છે. બ્રાહ્મણ બાળકનો વસંતઋતુમાં, ક્ષત્રિય બાળકનો ગ્રીષ્મઋતુમાં અને વૈશ્ય બાળકનો શરદઋતુમાં, આ સંસ્કાર કરવામાં આવે છે.
આ રીતે અહીં શિક્ષાપત્રીમાં સંસ્કારમયુખ શાસ્ત્રને અનુસારે નવ સંસ્કારોનું મુખ્યપણે વર્ણન કરેલું છે. વ્યાસમુનિએ તો સોળ સંસ્કારો મુખ્યપણે વર્ણવ્યા છે. અને આ નવ સંસ્કારોનું વર્ણન કર્યું છે, એ સિવાય સમાવર્તન સંસ્કાર કે જેમાં વિદ્યાની સમાપ્તિ કરવામાં આવે છે. વિવાહ સંસ્કાર અને અંતે ઔર્ધ્વદેહિક સંસ્કાર (અર્થાત્ અગ્નિ સંસ્કાર) વગેરે સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ક્ષમાદિક આત્મગુણોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે સંસ્કારોથી અને આત્મગુણોથી પ્રાણીઓનું અંતઃકરણ સંસ્કૃત બને છે. જેથી આત્માની ઉન્નતિ થાય છે. અર્થાત્ આત્માની ઉર્ધ્વગતિ થાય છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- આ સર્વે સંસ્કારો સમય અને ધનસંપત્તિને અનુસારે કરવા. જેમ કે કોઇએ વિવાહ સંસ્કારમાં અઢળક રૂપિયા ખર્ચી નાખ્યા હોય, તો પોતાને પણ ખર્ચવા પડે એમ નહિ. જેવી પોતાની ધનસંપત્તિની મર્યાદા તેને અનુસારે સર્વે સંસ્કારો કરવા. અને સમયને અનુસારે એટલે જેમ કે પોતાનો પુત્ર હોય કે પુત્રી હોય, તેનો સમય આવે એટલે લગ્ન કરી આપવાં જોઇએ. પણ પુત્ર કે પુત્રીના ચાલીસ વર્ષ વીતી ગયા પછી જો લગ્ન કરે, તો કળીયુગમાં ચાલીસ વર્ષનો મોટે ભાગે વૃદ્ધ જોવામાં આવે છે. માટે સમયને અનુસારે બધા સંસ્કારો કરવા, આવો અભિપ્રાય છે.
અને વળી આહ્નિક કર્મ એટલે સવારથી આરંભીને સાયંકાલ સુધીનું જે સ્નાન, સંધ્યાવંદન, પૂજા એ આદિક કર્મ, તે પણ સમય સમયને અનુસારે અને ધનસંપત્તિને અનુસારે કરવું. આ નિત્યકર્મનું વિધાન પૂર્વે કરવામાં આવેલું છે. માટે અહીં વિસ્તાર કરાયેલો નથી.
અને વળી શ્રાદ્ધ પણ સમય સમયને અનુસારે અને ધનસંપત્તિને અનુસારે કરવું. શ્રદ્ધા રાખીને કરાતું જે કર્મ, તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. મરીચિઋષિએ કહેલું છે કે- ''प्रेतं पितंृश्च निर्दिश्य भोज्यं यत्प्रियमात्मनः । श्रद्धया दीयते यत्र तच्छ्राद्धं परिचक्षते'' ।। इति
આલોકમાંથી અદૃશ્ય થયેલા પ્રેતાત્માઓને ઉદૃેશીને, પોતાને પ્રિય એવું કોઇપણ ભોજ્ય પદાર્થ કેવળ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને જે અનુષ્ઠાનમાં અર્પણ કરવામાં આવે, એ અનુષ્ઠાનને શ્રાદ્ધ કહેલું છે.
હવે શ્રાદ્ધમાં જે પિંડદાન અર્પણ કરવામાં આવે છે, તેનું કારણ એ છે કે- જીવ આ સ્થૂળ પિંડનો (શરીરનો) ત્યાગ કરીને સૂક્ષ્મ પિંડની સાથે પિતૃલોકમાં રહે છે. જ્યાં સુધી બીજા સ્થૂળ પિંડની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી સૂક્ષ્મ લોકને વિષે તેનો નિવાસ હોય છે. સ્થૂલ શરીરની પ્રાપ્તિ વિના કેવળ સૂક્ષ્મ શરીરથી જીવની ભોગાભિલાષાની પૂર્તિ થઇ શકતી નથી. તેથી પિતૃલોકમાં સૂક્ષ્મ શરીરે રહેલા જીવને ભોગાયતન સ્થૂલ પિંડની યોગ્યતા પ્રાપ્ત થાય, તેને માટે શાસ્ત્રોએ પિંડદાનનું વિધાન કરેલું છે. મૃત્યુ પછી સ્મશાનયાત્રાથી આરંભીને દાહક્રિયા સુધીમાં શિવ, પાન્થક, ખેચર, ભૂત, અને સાધક આ પાંચ પિંડો અર્પણ કરવાના હોય છે, જે પંચમહાભૂતોના પૂરક છે. ત્યારબાદ દસ દિવસ પર્યંત દસ પિંડો અર્પણ કરવામાં આવે છે, આ દસ પિંડો તે તે અંગોના પૂરક હોય છે. અને ચોથે દિવસે અસ્થિસંચયન શ્રાદ્ધમાં એક પિંડ આપવામાં આવે છે, એ અન્તઃકરણનો પૂરક હોય છે. આ રીતે સ્થૂળ શરીરની યોગ્યતા સિદ્ધિને માટે અપાતા સોળ પિંડોને ''षोडशा त्रयी'' કહેવામાં આવે છે. અર્થાત્ એ વૈદિક અનુષ્ઠાનને ''षोडशा त्रयी'' કહેવામાં આવે છે. આ વિષયમાં અથર્વવેદ પ્રમાણરૂપ છે. ''यद् वो अग्निरजहादेकमङ्गं पितृलोके गमयन् जातवेदः । तद्वः एतत्तेपुनराप्यायामि साङ्गास्वर्गे पितरो मादयध्वम्'' ।। इति ।। આ ઋચાનો એ અર્થ છે કે- હે પિતૃઓ ! દાહકર્મ સમયે અગ્નિએ જે તમારાં અંગોને ભસ્મ કરી નાખેલાં છે, એ તમારાં અંગોને પિંડદાન ક્રિયા દ્વારા ફરી ભોગપ્રાપ્તિને યોગ્ય કરાવું છું. જેથી તમો સર્વે અંગોથી યુક્ત થઇને સ્વર્ગલોકમાં કે પિતૃલોકમાં આનંદ પામો. આ રીતે પિંડદાનની સાર્થકતા શાસ્ત્રોમાં બતાવેલી છે.
શાસ્ત્રોમાં દરેક જીવાત્માઓની પોતપોતાના કર્મને અનુસારે ગતિ કહેલી છે. તેમાં મુખ્ય બે પ્રકારની ગતિ છે. એક તો સંસાર થકી સદાયને માટે મુક્તિ. અને બીજી કર્મને અનુસારે સ્વર્ગ અને નરકલોકને ભોગવીને ફરીવાર મૃત્યુલોકમાં જન્મ ધારણ કરીને કર્મનાં ફળો ભોગવવાં. આ બે પ્રકારની ગતિ પ્રધાનપણે શાસ્ત્રોએ વર્ણવેલી છે. જેને શાસ્ત્રીયભાષામાં મુક્તિદશા અને બદ્ધદશા આવા શબ્દથી કહેવામાં આવે છે.
હવે જે જીવોનાં સકામ સત્કર્મ અતિશે ઉગ્ર હોય, જેનો ફળભોગ જે આનંદ મૃત્યુલોકમાં જન્મ ધારણ કરીને પણ અશક્ય હોય, તે જીવો સ્વર્ગાદિક પવિત્ર લોકમાં જઇને એ કર્મનાં ફળોને ભોગવે છે.
અને વળી જે જીવનાં પાપકર્મ અતિશે ઉગ્ર હોય, જેનો ફળભોગ જે યાતના મૃત્યુલોકમાં શક્ય ન હોય, એ પ્રાણી નરકમાં જઇને પાપકર્મના ફળરૂપે યાતનાને ભોગવે છે. આ પ્રમાણે સ્વર્ગ અને નરકના ભોગને ભોગવ્યા પછી ફરી મૃત્યુલોકમાં જન્મ પ્રાપ્ત થાય છે. આ ગતિને પુનરાવૃત્તિરૂપ ગતિ કહેલી છે. અને બીજી ગતિ અપુનરાવૃત્તિ કહેલી છે. અર્થાત્ ઉપાસનાએ કરીને સદાયને માટે આ જન્મ-મરણરૂપ સંસારથી રહિત થઇ જાય છે. જેને મોક્ષ કહેવામાં આવે છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં જીવની બે પ્રકારની જ ગતિ વર્ણવેલી છે.
તેમાં પુનરાવૃત્તિરૂપ ગતિમાં જીવ ભલે પિતૃલોકમાં રહેલો હોય, કે પછી ફરીવાર તત્કાળ મૃત્યુલોકમાં જન્મ ધારણ કરેલો હોય, કે પછી દેવલોકમાં રહેલો હોય, આ સર્વ જગ્યાએ તેને શ્રાદ્ધફળ પ્રાપ્ત થાય છે. આ વેદશાસ્ત્રનો અટલ સિદ્ધાંત છે. આ બાબતમાં વિષ્ણુસ્મૃતિનું વાક્ય તથા દેવળસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. ''पितृलोकगतश्चा।न्नं श्राद्धे भुङ्कते स्वधामयम्'' ।। इति ।। આ સ્મૃતિનો એ અર્થ છે, કે પિતૃલોકમાં રહેલ પ્રાણી શ્રાદ્ધમાં સ્વધાથી અપાયેલા અન્નને જમે છે. અને જો જીવ પિતૃલોકમાં ન હોય, અને તત્કાળ બીજા મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઇ ગયેલી હોય તો પણ ''मनुष्यत्वे।न्नपानादिनानाभोगरसो भवेत्'' ।। इति ।। શ્રાદ્ધમાં અર્પણ કરાયેલું અન્ન ભોગ્યરસાદિકના રૂપમાં પરિણામ પામીને મનુષ્યજન્મમાં પણ પ્રાણીઓને તૃપ્ત કરે છે. અને જો પ્રાણી શુભકર્મની તીવ્રતાને અનુસારે સ્વર્ગમાં ગયેલ હોય તો ત્યાં પણ ''तस्या।न्नममृतं भूत्वा देवत्वे।प्यनुगच्छति'' ।। इति ।। શ્રાદ્ધમાં અપાયેલું અન્ન અમૃતરૂપમાં પરિણામ પામીને તેને તૃપ્ત કરે છે. અને વળી- ''पशुत्वे च तृणं भवेत्'' ।। इति ।। જો મનુષ્ય મૃત્યુ પામીને પશુયોનિને પામેલો હોય, તો ત્યાં પણ શ્રાદ્ધમાં અપાયેલું અન્ન તૃણના રૂપમાં પરિણામ પામીને તેને તૃપ્ત કરે છે. અને જો જીવ નરકમાં ગયો હોય, તો ત્યાં પણ શ્રાદ્ધનું અન્ન તેને તૃપ્ત કરે છે. આ બાબતમાં વિષ્ણુસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે- ''देवत्वे यातनास्थाने तिर्यग्योनौ तथैव च । मानुष्ये च तथा।प्नोति श्राद्धं यत्तं स्वबान्धवैः'' ।। इति ।। આ સ્મૃતિનો એ અર્થ છે કે- પોતાના બંધુઓએ આપેલું શ્રાદ્ધ દેવયોનિમાં, નારકીય યોનિમાં, પશુ પક્ષી આદિક તિર્યકયોનિમાં તથા મનુષ્ય યોનિમાં પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. નરકયોનિમાં પણ જીવને પ્રાણશક્તિ હોય છે. તેથી શ્રાદ્ધમાં અપાયેલું અન્ન તૃપ્તિના રૂપમાં પરિણામ પામીને નરકલોકમાં પણ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે, શ્રાદ્ધમાં અપાયેલું અન્ન કોઇપણ યોનિમાં રહેલા પ્રાણીને તૃપ્તિના રૂપમાં પરિણામ પામીને પ્રાપ્ત થાય છે. અને એ તૃપ્તિ કાંઇ સ્થુળ પદાર્થોના સેવનથી પ્રાપ્ત થતી નથી. ઉલટી પદાર્થોના સેવનથી તો લાલસા વૃદ્ધિ પામે છે. જેમ જેમ વિષયોનું સેવન કરવામાં આવે છે, તેમ તેમ લાલસાની વૃદ્ધિ થાય છે. પણ નિવૃત્તિ થતી નથી. આવો શાસ્ત્રોનો અચળ સિદ્ધાંત છે. ''न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्द्धते'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- જેમ હવિષ્ય વડે અગ્નિ વધુનેવધુ પ્રજવલ્લિત થાય છે, પણ શાંત થતો નથી. તેમ વિષયભોગના સેવનથી તો લાલસાની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. પણ નિવૃત્તિ ક્યારેય થતી નથી. માટે શ્રાદ્ધનું અન્ન કાંઇ સ્થૂલ પદાર્થોના રૂપમાં પરિણામ પામીને પ્રાણીઓને પ્રાપ્ત થતું નથી. પરંતુ તૃપ્તિના રૂપમાં પરિણામ પામીને પ્રાપ્ત થાય છે. અને જો સ્થૂલ પદાર્થના રૂપમાં શ્રાદ્ધનું અન્ન પ્રાપ્ત થતું હોય, તો સ્થૂલ પદાર્થોના સેવનથી પિતૃઓને કદીપણ તૃપ્તિ મળે જ નહિ. અને શાસ્ત્રોમાં શ્રાદ્ધાન્ન પિતૃઓને તૃપ્ત કરે છે, આ પ્રમાણે વર્ણવેલું છે. માટે શ્રાદ્ધાન્ન તો પ્રાણીઓની તે તે પદાર્થમાં ઉપભોગની જે લાલસા, તેની નિવૃત્તિના રૂપમાં પ્રાપ્ત થાય છે. અને એ તૃપ્તિ આલોકમાં કોઇક પ્રાણીઓની અંદર જોયામાં આવે છે. જેમ કે કોઇક મનુષ્ય તથા પશુ પક્ષી ન્યાયથી જે મળે તે પ્રાપ્ત કરી, ખાઇ પીને તૃપ્ત રહે છે. અને અન્યાયનો અંશ પ્રાપ્ત કરવાની જેની જરાપણ પ્રવૃત્તિ થતી નથી. તેની કોરનું એમ સમજવું કે પૂર્વના એમના પુત્રોએ વિધિ પ્રમાણે તેનું શ્રાદ્ધ કરેલું છે. તેથી આ લોકમાં તેમની તૃપ્તિ જોયામાં આવે છે. અને વળી આલોકમાં જેની લાલસાની પૂર્તિ થતી જ નથી. અન્યાયથી, ચોરીથી, જ્યાંથી મળે ત્યાંથી, જેવું મળે તેવું રાત્રી દિવસ ખાધા કરે. જરા પણ તૃપ્તિ થાય નહિ. અને પાપની પણ પરવા કરે નહિ. તેની કોરનું એમ સમજવું કે, તેના પૂર્વના પુત્રોએ વિધિ પૂર્વક શ્રાદ્ધકર્મ કરેલું નથી. તેના પૂર્વના પુત્રો નાસ્તિક હોવા જોઇએ. તેથી તેની આલોકમાં જરા પણ તૃપ્તિ જોયામાં આવતી નથી. માટે શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે, શ્રાદ્ધના અન્નનો સૂક્ષ્માંશ તૃપ્તિના રૂપમાં જ પ્રાપ્ત થાય છે.
જેમ કે દેવતાઓને અગ્નિમાં હોમેલી ભૌતિક હવ્ય સામગ્રી તો અગ્નિમાં ભસ્મ થઇ જાય છે, છતાં પણ તેનો જે સૂક્ષ્માંશ છે, એ જ દેવતાઓને તૃપ્ત કરે છે, સંતુષ્ટ કરે છે. એજ રીતે શ્રાદ્ધમાં અપાયેલા અન્નનો ભૌતિક સ્થૂલાંશ તો અગ્નિમાં અર્થાત્ બ્રાહ્મણોની જઠરાગ્નિમાં ભસ્મસાત થઇ જાય છે. છતાંપણ તેનો જે સૂક્ષ્માંશ છે, એજ પિતૃઓને તૃપ્ત કરે છે. માટે મૃત પ્રાણી કોઇપણ યોનિમાં રહેલું હોય, ત્યાં તેને શ્રાદ્ધ તૃપ્તિના રૂપમાં પ્રાપ્ત થાય જ છે. આ પ્રમાણે આ પુનરાવૃત્તિરૂપ ગતિની બાબતમાં શ્રાદ્ધનું તાત્પર્ય વર્ણવામાં આવ્યું છે.
હવે બીજી એક અપુનરાવૃત્તિ રૂપ ગતિ કહેલી છે. જેમાં જીવ સદાયને માટે સંસાર થકી મુક્ત થઇને ભગવાનના ધામમાં જાય છે. તો એ મુક્ત જીવ સ્વભાવસિદ્ધ જ તૃપ્ત હોય છે. શ્રાદ્ધના અન્નથી મુક્ત જીવને તૃપ્તિની આવશ્યક્તા હોતી નથી. તો મહાન ભગવાનના એકાંતિક ભક્તો તો ભગવાનના ધામમાં જાય છે. આવું આપણે શાસ્ત્ર થકી સાંભળીએ છીએ. એવા એકાંતિક ભક્તોના મૃત્યુ પછી પણ આપણે તેનું શ્રાદ્ધ કરતા હોઇએ છીએ. તો એનું જે શ્રાદ્ધ કરેલું હોય, તે શ્રાદ્ધનું ફળ કોને પ્રાપ્ત થાય છે ? અર્થાત્ ભગવાનના એકાંતિક ભક્તના શ્રાદ્ધથી કોને તૃપ્તિ મળે છે ? આના પ્રત્યુત્તરમાં એમ કહેલું છે કે, જેમ આપણે પરદેશમાં કોઇના ઉપર રૂપિયાનો ચેક મોકલેલો હોય. અને એ વ્યક્તિ જો પરદેશમાં હાજર હોય તો ચેક નાણાના રૂપમાં પરિણામ પામીને એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. અને જો એ વ્યક્તિ પરદેશમાં હાજર જ ન હોય, તો એ ચેક પાછો વળીને મોકલનારને પ્રાપ્ત થાય છે. આવી વ્યવસ્થા આલોકમાં જોયામાં આવે છે. એજ રીતે જીવ જો આ પુનરાવૃત્તિરૂપ ગતિની અંદર હોય, તો આપણે આપેલું શ્રાદ્ધ તૃપ્તિના રૂપમાં પરિણામ પામીને તેને પ્રાપ્ત થઇ જાય છે. પણ જો જીવ ભગવાનના ધામમાં ગયો હોય, તો એ શ્રાદ્ધનું ફળ પાછું વળીને શ્રાદ્ધ કરનારને તૃપ્ત કરે છે. આવું શાસ્ત્રોનું તાત્પર્ય છે. માટે શ્રીજીમહારાજને કહેવાનો અભિપ્રાય એ છે કે- સંસ્કારો, આહ્નિક કર્મ અને શ્રાદ્ધ. આ સમય, ધનસંપત્તિ, અને પોતપોતાના ગુહ્યસૂત્રને અનુસારે કરવાં અને પોતાના જીવનને અલંકૃત બનાવવું. તેમાં આશ્વાલયન, કાત્યાયન, લાટયાયન આદિક મુનિઓએ રચેલાં કલ્પસૂત્રો ઘણાં છે. તેમાં પોતાના વેદની શાખાના ઋષિએ રચેલા કલ્પસૂત્રની અંદર કહેલી રીતિ વડે સંસ્કારો, આહ્નિક કર્મ અને શ્રાદ્ધો કરવાં, આવો અભિપ્રાય છે. ।।૯૧।।