अज्ञानाज्ज्ञाानतो वा।पि गुरु वा लघु पातकम् । क्वापि स्यात्तर्हि तत्प्रायश्चित्तं कार्यं स्वशक्तितः ।।९२।।
અને મારા આશ્રિતો હોય તેમણે, ક્યારેક જાણે અથવા અજાણે નાનું કે મોટું પાપ થઇ જાય, તો પોતાની શક્તિ પ્રમાણે એ પાપનું પ્રાયશ્ચિત કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- મનુષ્યમાત્ર ભુલને પાત્ર છે. જન્મો જન્મના સંસ્કારોને વશ થઇને મનુષ્ય વારે વારે પોતાના માર્ગ થકી ભ્રષ્ટ થતો હોય છે. તેમાં પોતાની ભુલ સમજીને પાછો પોતાને રસ્તે ચડી શકે છે. અર્થાત્ પોતાની ભુલને જે સમજી શકે, તેને જ મનુષ્ય કહેવામાં આવે છે. અને પોતાની ભુલને જે સમજી શકતો નથી તે જન્મથી ભલે મનુષ્ય હોય છતાં પશુ જ કહેવાય છે. માટે જાણે અજાણે પોતાથી કાંઇ ભૂલ થઇ જાય, તો એ ભૂલને સમજી નિષ્કપટ ભાવથી મહાપુરૂષો પાસેથી પ્રાયશ્ચિત લઇને શુદ્ધ થવાનો પ્રયાસ કરવો જોઇએ. કારણ કે પાપકર્મ કરનારો પુરૂષ ક્યારેય પણ સુખી થઇ શકતો નથી. પોતે જેવું વાવે તેવું જ લણી શકે છે. લીંબડો વાવીને આંબાની આશા તો ક્યારેય પણ રાખી શકાય નહિ. તેમ પાપ કર્મ કરીને ક્યારેય પણ સુખની આશા રાખી શકાય નહિ. જે પુરૂષ સત્કર્મ કરે છે, એ સુખી થાય છે. અને જે દુષ્કર્મ કરે છે તે, દુઃખી થાય છે. અને વળી પાપકર્મ કરીને આપણે જો પ્રાયશ્ચિત્તથી શુદ્ધ નહિ થઇએ, તો યમદૂતો માર મારી મારીને શુદ્ધ કરશે. કારણ કે કરેલું કર્મ ભોગવ્યા વિના શાંત થતું જ નથી. શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, બન્ને કર્મ ભોગવ્યા વિના શાન્ત થતાં નથી ''अभूक्त्वा न क्षीयते कर्म'' ।। इति ।। આ સ્મૃતિની અંદર કહેલું છે કે, ભોગવ્યા વિના કર્મનો નાશ થતો નથી. માટે કુસંગે કરીને કે સ્વભાવદોષને આધીન થઇને કરેલાં નાનાં અથવા મોટાં પાપોનું પ્રાયશ્ચિત પોતાની શક્તિ પ્રમાણે કરવું.
હવે અહીં પ્રતિવાદી એવી શંકા ઉપસ્થિત કરે છે કે- ''पातयतीति पातकम्'' ।। इति ।। પોતાને નરકમાં પાડી નાખે તેને કહેવાય પાપ. આવી પાપ શબ્દની વ્યુત્પત્તિ છે. તો નરકમાં કયાં પાપો પાડે ? બ્રહ્મહત્યાદિક મોટાં પાપો જ નરકમાં પાડી શકે, પણ નાનાં પાપો નરકમાં પાડી શકે નહિ. તેથી અહીં એમ કહેવું જોઇએ કે, પોતાથી કાંઇ મોટું પાપ થઇ ગયું હોય, તો એ મોટા પાપનું પ્રાયશ્ચિત કરવું. પણ નાના પાપનું પ્રાયશ્ચિત કરવાની કોઇ જરૂર નથી. આમ નહિ કહેતાં નાનાં અને મોટાં બન્ને પાપોનું પ્રાયશ્ચિત કરવું આમ શા માટે ? અર્થાત્ મોટા પાપના પ્રાયશ્ચિતનું વિધાન કરવું એ બરાબર છે, પણ નાના પાપના પ્રાયશ્ચિતનું વિધાન શા માટે ?
આ શંકાનું સમાધાન કરતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, તમારી વાત બિલકુલ સાચી છે કે, મોટું પાપ જ નરકમાં પાડી શકે, નાનું પાપ નરકમાં પાડી શકે નહિ. પણ નાનું એવું એક જ પાપ જો ઘણી વાર કરી નાખવામાં આવે, તો નાનું પાપ પણ મોટું થઇ જાય છે. ધીરે ધીરે પાપનો ઘડો ભરાઇ જાય છે. તેથી નાનું એવું પણ પાપ વારંવાર કરી નાખવાથી મોટું થઇને અવશ્ય નરકમાં પાડનાર બને છે. માટે મોટા પાપની પેઠે જ નાના પાપનું પણ યથાશક્તિ પ્રાયશ્ચિત કરી નાખવું જોઇએ, આવો અભિપ્રાય છે. ''पापं च सर्वथा न गोपनीयम्'' ।। इति ।। શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- પોતાથી કાંઇ પાપ થઇ ગયેલું હોય, તો એ પાપને સર્વપ્રકારે સંતાડવું નહિ. સંતાડી રાખેલું પાપ વૃદ્ધિ પામતું જાય છે. માટે કોઇ મોટા સત્પુરૂષો હોય, તેમની આગળ પોતાનું પાપ પ્રસિદ્ધ કરી દેવું. જેથી મોટા સંતો કૃપા કરીને પાપનો નાશ કરાવી નાખે છે. અથવા તો જો પાપ પ્રસિદ્ધ થયું ન હોય, અર્થાત્ પોતાના સિવાય બીજા કોઇને ખબર ન હોય, તો છાની રીતે બીજાને ખબર ન પડે, એ રીતે જપ વ્રતાદિક છાનું વ્રત કરી લેવું.
હવે અહીં પ્રતિવાદી શંકા કરતાં કહે છે કે- યમરાજાના ભયથી પાપનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે. કારણ કે આપણે જાતે જો પાપનું પ્રાયશ્ચિત ન કરી નાખીએ, તો યમરાજા માર મારીને પ્રાયશ્ચિત કરાવે છે. માટે યમરાજા ધોકા મારીને પ્રાયશ્ચિત કરાવે તેના કરતાં જાતે જ પાપનું પ્રાયશ્ચિત કરવું જાઇએે. પણ છાના પાપની યમરાજાને જાણ કોણ કરે છે, કે આ વ્યક્તિએ અમુક પાપ કરેલું છે ?
આનું સમાધાન કરતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, મનુષ્ય જે જે પાપ કરે છે. તેની યમરાજાને પણ ખબર પડી જાય છે. યમરાજા ભગવાનની વિભૂતિ હોવાને કારણે સર્વજ્ઞા છે. તેથી બીજા કોઇ જાણ ન કરે છતાં પણ યમરાજા બધું જ જાણી જાય છે. અને સૂર્યાદિ દેવો છે, એ પણ કર્મના સાક્ષિઓ છે. તેથી સૂર્યાદિક દેવો પણ યમરાજાની આગળ સાક્ષિ પુરે છે. આ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે. ''सूर्यो।ग्निः खं मरुद् गावः सोमः सन्ध्या।हनी दिशः । कं कुः कालो धर्म इति ह्येते दैह्यस्य साक्षिणः'' ।। इति ।। આ શ્લોકમાં વિષ્ણુભગવાનના પાર્ષદોને યમદૂતો કહે છે કે- હે પાર્ષદો ! સૂર્ય, અગ્નિ, વાયુ, ચંદ્ર, આકાશ, બન્ને સંધ્યા, દિવસ, દિશાઓ, જલ, પૃથ્વી, કાળ અને સ્વયં ધર્મરાજા આ બધા જીવાત્માના સાક્ષીઓ છે. જીવાત્મા છાની રીતે શું શું કર્મ કરે છે, તેને આ સર્વે જાણે છે. માટે છાના પાપનું પણ પ્રાયશ્ચિત કરી નાખવું, એ યોગ્ય જ છે. તેમાં જો પાપ કરનારો સ્વયં પોતે ધર્મશાસ્ત્રને જાણતો હોય, તો પોતાના પાપને પ્રસિદ્ધ કર્યા વિના જ પાપને યોગ્ય પ્રાયશ્ચિત પોતે જાતે જ છાની રીતે કરી લેવું. અને જે પુરૂષ પ્રાયશ્ચિતના પ્રકારને જાણતો ન હોય, તેમણે ધર્મશાસ્ત્રને જાણનારા કોઇ વિદ્વાન બ્રાહ્મણની પાસે જઇને કહેવું, કે અમુક કોઇક વ્યક્તિએ આવું છાનું પાપ કરી નાખેલું હોય, તો તેમાં છાનું પ્રાયશ્ચિત શું આવે ? મેં કર્યું છે એમ ન કહે પણ બીજી કોઇ અજાણ વ્યક્તિના બાને પુછવું. આ રીતે બીજાના બાને ધર્મશાસ્ત્રને જાણનારા સુશીલ બ્રાહ્મણને પુછીને છાનું વ્રત કરી લેવું. પણ છાનું પાપ પ્રસિદ્ધ કરવાની કોઇ જરૂર નથી. અને પ્રાયશ્ચિત પણ મનુષ્ય શરીર ક્ષણભંગુર હોવાથી તત્કાળ જ કરી નાખવું. અને વળી પ્રાયશ્ચિત પણ ભગવાનની ભક્તિએ સહિત જ કરવું. પણ કેવળ ઉપવાસો કરવાથી પાપની શુદ્ધિ થતી નથી.
અને જે પાપ પ્રસિદ્ધ થઇ ગયું હોય, તે પ્રસિદ્ધ પાપનું પ્રાયશ્ચિત તો કોઇ મોટા સંતોના કહેવા પ્રમાણે કરવું. અથવા તો પ્રાયશ્ચિતને આપનારા વિદ્વાન બ્રાહ્મણોની જે સભા, તેને પર્ષદ સભા કહેવામાં આવે છે. તે પર્ષદ સભાના ઉપદેશને અનુસારે પ્રાયશ્ચિત કરવું. અને જે પર્ષદ સભા હોય તેમણે પણ દેશકાળાદિકને અનુસારે જ પ્રાયશ્ચિત આપવું, પણ દેશ, કાળ, અવસ્થા, શક્તિ અને પાપ તેમને જોયા વિના એમને એમ પ્રાયશ્ચિત આપવું નહિ. અને ધર્મશાસ્ત્રના અર્થનો નિશ્ચય કર્યા વિના, એમને એમ ઇચ્છાનુસાર પ્રાયશ્ચિત આપી દે, તો પ્રાયશ્ચિત કરનારો તો પવિત્ર થાય છે. પણ પ્રાયશ્ચિતને આપનાર પાપને પામે છે, અને તેને બ્રહ્મઘાતી કહેલો છે. માટે પ્રાયશ્ચિતને આપનાર કોઇપણ હોય, તેમણે ધર્મશાસ્ત્ર અને દેશકાળાદિકનો નિશ્ચય કરીને જ પ્રાયશ્ચિત આપવું, આવો શાસ્ત્રોનો અભિપ્રાય છે.
અને વળી જેને એંશી વર્ષ વ્યતીત થઇ ગયાં હોય, તે અડધા પ્રાયશ્ચિતને યોગ્ય છે. અગિયાર વર્ષથી આરંભીને સોળ વર્ષ સુધીનો જે બાળક હોય, તે પણ અડધા પ્રાયશ્ચિતને યોગ્ય છે. કોઇ રોગી હોય એ પણ અડધા પ્રાયશ્ચિતને યોગ્ય છે. અને પાંચવર્ષથી આરંભીને અગિયાર વર્ષ સુધીનો બાળક હોય, એ જો કાંઇક પાપ કરી નાખે, તો એનું પ્રાયશ્ચિત ભાઇ, પિતા કે એનાં બીજાં સંબન્ધીજનો હોય તે કરે. અને પાંચ વર્ષથી જે નાનો બાળક હોય, તેને કોઇ પાપ નથી, અપરાધ નથી, તેથી તેને રાજદંડ કે પ્રાયશ્ચિત પણ નથી. આવો ધર્મશાસ્ત્રમાં વિવેક બતાવેલો છે. માટે પ્રાયશ્ચિત આપનાર જે હોય તેમણે આ વિવેકનું પણ અનુસંધાન રાખવું.
આ શ્લોકમાં શ્રીજીમહારાજને કહેવાનો એ ભાવ છે કે, કરેલાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે. અને એ ભોગવીને જ શાંત થાય છે. અથવા તો પ્રાયશ્ચિતે કરીને શાંત થાય છે. માટે જાણે અથવા અજાણે થયેલાં પાપોનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું. ।।૯૨।।