શ્લોક ૯૩-૯૫

वेदाश्च व्याससूत्राणि श्रीमद्बागवताभिधम् । पुराणं भारते तु श्रीविष्णोर्नामसहस्रकम् ।।९३।।

तथा श्रीभगवग्दीता नीतिश्च विदुरोदिता । श्रीवासुदेवमाहात्म्यं स्कान्दवैष्णवखण्डगम् ।।९४।।

धर्मशास्त्रान्तर्गता च याज्ञावल्क्यऋषेः स्मृतिः । एतान्यष्ट ममेष्टानि सच्छास्त्राणि भवन्ति हि ।।९५।।


અને ચાર વેદ, વ્યાસસૂત્રો, તથા શ્રીમદ્ભાગવત નામનું પુરાણ, મહાભારતને વિષે રહેલું વિષ્ણુસહસ્રનામસ્તોત્ર, તથા શ્રીભગવદ્ગીતા, તથા વિદુરજીએ કહેલી જે નીતિ, તથા સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં રહેલું વાસુદેવમાહાત્મ્ય અને ધર્મશાસ્ત્રોની અંતર્ગત એવી જે યાજ્ઞાવલ્ક્યઋષિની સ્મૃતિ. આ આઠ સચ્છાસ્ત્રો અમને ઇષ્ટ છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ ત્રણે શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે આ શિક્ષાપત્રીમાં પૂર્વના શ્લોકમાં આચારસંહિતાનું વર્ણન કર્યું છે. અને આચારસંહિતાને મધ્યે કોઇ આચારનો જો ભંગ થાય, તો પ્રાયશ્ચિતાદિકે કરીને તેની શુદ્ધિનું પણ વર્ણન કર્યું છે. અને હવે આ ત્રણ શ્લોકની અંદર જીવ, માયા અને ઇશ્વર આ ત્રણેના સ્વરૂપના જ્ઞાન દ્વારા આધ્યાત્મિક માર્ગની પ્રગતિને માટે શ્રીહરિએ આઠ શાસ્ત્રોનું વર્ણન કર્યું છે કે, જેને સચ્છાસ્ત્રો કહેવામાં આવે છે. જે શાસ્ત્રો ભગવાન અને ભગવાનના અવતારોનું સાકારપણું પ્રતિપાદન કરતાં હોય, અને જીવ તથા ભગવાનની અંદર શેષશેષીભાવનું અર્થાત્ સેવક અને સ્વામી ભાવનું સ્થાપન કરતાં હોય, અને વળી માયા તથા ઇશ્વરની અંદર શેષશેષીભાવનું પ્રતિપાદન કરતાં હોય, આવાં જે શાસ્ત્રો હોય તેને સચ્છાસ્ત્રો કહેવામાં આવે છે. આવાં સચ્છાસ્ત્રો પણ અનેક છે. તેમાંથી શ્રીજીમહારાજે આપણી અનુકુળતાને માટે આઠ સચ્છાસ્ત્રોનો નિશ્ચય કરીને, આપણા નિત્ય અભ્યાસને માટે પસંદ કર્યાં છે. એ આઠ સચ્છાસ્ત્રોમાં જે વેદ છે, તેની ગણના શ્રીજીમહારાજે પહેલી કરેલી છે. કારણ કે વેદ એ આપણી સંસ્કૃતિનું મૂળ છે. અને જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ, તેનું પણ મૂળ વેદ છે. અને તમામ જે સચ્છાસ્ત્રો છે તેનું પણ મૂળ વેદ છે.


હવે વેદ એટલે શું ? સામાન્યપણે વેદનો અર્થ થાય છે જ્ઞાન. સૃષ્ટિના આદિ કાળમાં સાક્ષાત પુરૂષોત્તમ નારાયણ થકી બ્રહ્માને જે જ્ઞાન પ્રાપ્ત થયું, તેને વેદ શબ્દથી કહેવામાં આવે છે. સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્માએ સૃષ્ટિના આદિકાળમાં ચતુર્મુખ બ્રહ્માને વેદ આપેલો હતો. પછી ચતુર્મુખબ્રહ્માએ સર્વે ઋષિઓને એ વેદ કહી સંભળાવ્યો. પૂર્વે લેખનની પદ્ધતિ ન હતી. તેથી વેદનું કેવળ શ્રવણ કરવાની જ પ્રથા હતી. અને એજ કારણથી વેદને શ્રુતિ આવા શબ્દથી પણ કહેવામાં આવે છે. શ્રુતિ એટલે શ્રવણ. આ વેદ અનાદિકાળથી અત્યાર સુધી જે સચવાયા છે. એતો શ્રવણ દ્વારા ઉત્તરોત્તર કંઠસ્થ પરંપરાથી સચવાયા છે. ભાગવતાદિક ગ્રન્થોની રચના જેવી રીતે વ્યાસાદિક મુનિઓએ કરેલી છે. એ રીતે આ વેદની રચના કોઇ પુરૂષોએ કરેલી નથી. સાક્ષાત્ પરમાત્માના મુખ થકી જ આ વાણી સૃષ્ટિના આદિકાળમાં પ્રકાશિત થઇ છે. તેથી જ આ વેદને અપૌરુષેય કહેવામાં આવે છે. અપૌરુષેય એટલે કોઇ પુરૂષથી રચાયેલ નહિ. બ્રહ્માદ્વારા ઋષિઓને પ્રાપ્ત થયેલો જે વેદ, તેને ઋષિઓએ પરંપરાથી જાળવી રાખ્યો હતો. પૂર્વે વેદ એક જ હતો. પછી માણસોની બુદ્ધિશક્તિ મંદ થવા લાગી, એટલે વ્યાસ ભગવાને વિચાર્યું કે મનુષ્યોની બુદ્ધિ મંદ થતી જાય છે, તેથી વિશાળ એવા એક જ વેદને એક જ વ્યક્તિ કંઠસ્થ રાખીને જાળવી શકશે નહિ. આવો વિચાર કરીને વ્યાસજીએ વેદોના ચાર વિભાગ કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.


આ રીતે વેદના ચાર વિભાગ કરીને વ્યાસભગવાને ''જૈમિની, સુમન્તુ, પૈલ અને આથર્વ. આ ચાર પોતાના પુત્રોને એક એક વેદ શ્રવણદ્વારા આપ્યા. જૈમિનિને ઋગ્વેદ, સુમન્તુને યજુર્વેદ, પૈલને સામવેદ અને આથર્વને અથર્વવેદ શ્રવણદ્વારા આપ્યા. આ ચાર વ્યાસના પુત્રોએ ચારે વેદોને હૃદયમાં ધારણ કરી લીધા. પૂર્વે કોઇ વેદો લખાણમાં ન હતા. બ્રાહ્મણો પરંપરાએ વેદવિદ્યાને કેવળ કંઠસ્થ રાખતા હતા. તેથી કાળે કરીને વેદોનો ઘણો બધો ભાગ અત્યારે લુપ્ત થયેલો છે. અત્યારના સમયની અંદર લખાણમાં જે વેદનો ભાગ આપણી પાસે પ્રાપ્ત છે. એ માત્ર વેદના અમુક અંશો જ માંડ પ્રાપ્ત છે. આ રીતે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચારેયને વેદ શબ્દથી કહેવાય છે. માટે ચારે મળીને એક શાસ્ત્ર સમજવું.


અને બીજું શાસ્ત્ર છે વ્યાસસૂત્રો. વ્યાસસૂત્રો એટલે શું ? તો કહે છે કે- વેદો તથા ઉપનિષદોનું તાત્પર્ય સમજાવવા માટે વ્યાસમુનિએ રચેલાં સૂત્રો, તેને વ્યાસસૂત્રો કહેવામાં આવે છે.


વેદો તથા ઉપનિષદોમાં કોઇક જગ્યાએ જુદા જુદા દેવતાઓના નામથી પરોક્ષરૂપે પરમાત્માનું વર્ણન કરવામાં આવેલું છે. કોઇ જગ્યાએ ઇન્દ્રરૂપે પરમાત્માને વર્ણવેલા છે. તો કોઇક જગ્યાએ અગ્નિરૂપે પરમાત્માને વર્ણવેલા છે. અને કોઇ જગ્યાએ સૂર્યદેવતારૂપે પરમાત્માને વર્ણવેલા છે. અને કોઇ જગ્યાએ સમગ્ર સૃષ્ટિના કારણરૂપે જુદા જુદા દેવતાઓનું વર્ણન કરેલું છે. આમાં વેદો તથા ઉપનિષદોનું તાત્પર્ય તો બ્રહ્માત્મકપણે દેવતાઓનું વર્ણન કરવામાં આવે છે. જેમ કે ''ઇન્દ્ર પરમાત્મા છે'' આ રીતનું વર્ણન કરવામાં આવેલું હોય, ત્યાં એમ સમજવું જોઇએ કે ઇન્દ્ર પરમાત્મા નથી, પણ ઇન્દ્રના જે અંતરાત્મા છે એ પરમાત્મા છે. ''રૂદ્ર સમગ્ર સૃષ્ટિના કારણ છે'' આ રીતનું જો વર્ણન કરવામાં આવેલું હોય, તો ત્યાં પણ એમ સમજવું જોઇએ કે, રૂદ્ર સમગ્ર સૃષ્ટિના કારણ નથી, પણ રૂદ્રના જે અંતરાત્મા છે, એજ સમગ્ર સૃષ્ટિના કારણ છે. આ રીતે વેદો તથા ઉપનિષદોનું તાત્પર્ય તો બ્રહ્માત્મકપણે દેવતાઓનું વર્ણન કરવામાં છે. છતાંપણ અલ્પજ્ઞા પુરૂષો વેદો તથા ઉપનિષદોમાંથી સાક્ષાત્ એ તાત્પર્યને સમજી શકતા નથી. અને સાક્ષાત્ પરમતત્ત્વ પરમાત્મા નારાયણને સમગ્ર સૃષ્ટિના કારણરૂપે જાણવામાં મતિ ભ્રમી જાય છે. તેથી તે તે દેવતાઓના કારણભાવનું ખંડન કરીને, આ સમગ્ર સૃષ્ટિના મૂળ કારણ તો એક સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ જ છે. અને એજ ઉપાસ્ય પરમ તત્ત્વ છે. આવું વેદો તથા ઉપનિષદોનું તાત્પર્ય સમજાવવા માટે- ''अथातो ब्रह्मजिज्ञासा'' આ પ્રથમ સૂત્રથી આરંભીને ''अनावृत्तिशब्दात्'' ''अनावृत्तिशब्दात्'' આ અંતિમ સૂત્ર પર્યંત ચાર અધ્યાયની અંદર વ્યાસમુનિએ જે સૂત્રોની રચના કરી છે, તેને વ્યાસસૂત્ર કહેવામાં આવે છે, અને શારીરિકસૂત્રો પણ કહેવામાં આવે છે. અને વ્યાસસૂત્રો ઉપર રામાનુજાચાર્યજીએ ભાષ્ય પણ કરેલું છે. જે ભાષ્ય ''શ્રીભાષ્ય'' આવા નામથી કહેવામાં આવે છે. આ રીતે વ્યાસસૂત્રો એ બીજું શાસ્ત્ર છે. જેને અમે સચ્છાસ્ત્ર તથા અધ્યાત્મશાસ્ત્ર માનેલું છે. 


અને શ્રીમદ્બાગવત નામનું પુરાણ એ ત્રીજું શાસ્ત્ર. આ શ્રીમદ્બાગવત નામનું પુરાણ શ્રીજીમહારાજને અતિપ્રિય હતું. પ્રતિદિન નિત્યાનંદ સ્વામી અથવા તો પ્રાગજી પુરાણી પાસે દાદાખાચરના દરબારમાં કથા કરાવતા, અને શ્રીજીમહારાજ પ્રતિદિન સાંભળતા.


પુરાણો અનેક છે. પણ શાંતિ આપનાર જો કોઇ પુરાણ હોય તો શ્રીમદ્બાગવત પુરાણ છે. શ્રીમદ્બાગવત પુરાણની અંદર સૃષ્ટયાદિક ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ લોકની માનુષ્ય લીલાઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ભગવાનના પૂર્વે થઇ ગયેલા મહાન ભક્તોનાં ચરિત્રોનું પણ વર્ણન વિસ્તાર પૂર્વક કરવામાં આવ્યું છે. અને દશમસ્કંધમાં તો સર્વશ્રેષ્ઠ પ્રેમ કોને કહેવાય, એ ગોપીઓના માધ્યમથી વ્યાસજીએ નિરૂપણ કર્યો છે. માટે શ્રીજીમહારાજ કહે છે કે, શ્રીમદ્બાગવત પુરાણ અમોને પ્રિય સચ્છાસ્ત્ર છે. અને ભાગવત નામનું બીજું એક ઉપપુરાણ છે, એ અહીં ન લેવાઇ જાય. તેના માટે ભાગવતનું '' શ્રીમત્ '' આવું વિશેષણ આપેલું છે. 


અને મહાભારતમાં રહેલું, ભગવાનના એકહજાર નામવાળું ''विष्णुसहस्रनाम'' જે સ્તોત્ર છે, એ અમોને પ્રિય ચોથું સચ્છાસ્ત્ર છે. બીજું વિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર પદ્મપુરાણમાં રહેલું છે, એ અહીં ન લેવાઇ જાય તેને માટે ''મહાભારતમાં રહેલું'' આવું સ્તોત્રનું વિશેષણ આપેલું છે.


અને વળી મહાભારતના ભીષ્મપર્વમાં પ્રસિદ્ધ અઢાર અધ્યાયવાળી જે, ભગવદ્ગીતા અમોને પ્રિય પાંચમું શાસ્ત્ર છે. મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે સામ સામી સેનાઓ યુદ્ધ માટે થનગની રહી હતી, તે સમયે શ્રીકૃષ્ણભગવાને અર્જુનને જે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપેલો છે. એ ઉપદેશનું નિરૂપણ આ ભગવદ્ગીતાની અંદર વ્યાસ ભગવાને કરેલું છે. તેથી આ ભગવદ્ગીતાને અધ્યાત્મશાસ્ત્ર પણ કહેવામાં આવે છે.


અને વળી મહાભારતના ઉદ્યોગપર્વમાં ધૃતરાષ્ટ્ર પ્રત્યે વિદૂરજીએ કહેલી નવ અધ્યાયવાળી જે નીતિ છે, એ અમોને પ્રિય છઠ્ઠું સચ્છાસ્ત્ર છે. જે વિદુરનીતિની અંદર વિદુરજી ધૃતરાષ્ટ્ર રાજાના મંત્રીપદે રહીને નિરંતર ધૃતરાષ્ટ્રને સાચો માર્ગ બતાવેલો છે. ઘણી વખત ધૃતરાષ્ટ્ર રાજાને વિદુરજી સાચો માર્ગ બતાવતા ત્યારે રાજાને પસંદ પડતું ન હતું, છતાં પણ ધૃતરાષ્ટ્ર રાજાની ખુશામત કર્યા વિના પોતાની ફરજ સમજીને વિદુરજી જે સાચી સલાહ હમેશાં આપતા રહેતા, તેને વિદુરનીતિ કહેવામાં આવે છે.


અને વળી સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં રહેલું, અને નારાયણ ભગવાને નારદમુનિ પ્રત્યે કહેલું જે, વાસુદેવમાહાત્મ્ય એ અમોને પ્રિય સાતમું સચ્છાસ્ત્ર છે. શાસ્ત્રો તો અનેક છે. તેમાં પરસ્વરૂપ જે વાસુદેવ ભગવાન તેનું માહાત્મ્ય આ શાસ્ત્રની અંદર જેવું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેવું બીજાં શાસ્ત્રોની અંદર નિરૂપણ કરવામાં આવ્યું નથી. અને ભગવાનને પામવાના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર સાધનોનું યથાર્થ નિરૂપણ, જેવું આ વાસુદેવ માહાત્મ્યની અંદર થયું છે, તેવું બીજાં શાસ્ત્રમાં થયું નથી. તેથી શ્રીજીમહારાજે અનેક શાસ્ત્રોને મધ્યે એક વાસુદેવ માહાત્મ્યને પ્રસંદ કર્યું છે.


અને વળી ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી જે યાજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે, એ અમોને પ્રિય આઠમું સચ્છાસ્ત્ર છે. યાજ્ઞાવલ્ક્ય ઋષિએ રચેલી બીજી યોગસ્મૃતિ છે, એ અહીં ન લેવાઇ જાય, તેના માટે ''ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી'' આવું સ્મૃતિનું વિશેષણ આપેલું છે. આ પ્રમાણે આઠ શાસ્ત્રો શ્રીજીમહારાજે માન્ય કરેલાં છે. આ આઠ શાસ્ત્રો ઇશ્વરના સ્વરૂપનું સત્યપણું પ્રતિપાદન કરનારાં છે, માટે સચ્છાસ્ત્રો કહેવામાં આવે છે. અને આઠ સત્શાસ્ત્રો સર્વપ્રકારે જીવનું હિત કહેનારાં હોવાથી શ્રીજીમહારાજ કહે છે કે, એ અમોને પ્રિય છે. આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. ।।૯૩-૯૫।।