શ્લોક ૯૬

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि । श्रोतव्यान्यथ पाठयानि कथनीयानि च द्विजैः ।।९६।।


પોતાનું હિતને ઇચ્છતા એવા સર્વે અમારા શિષ્યો હોય તેમણે, આ આઠ સચ્છાસ્ત્રો સાંભળવાં, અને અમારા આશ્રિત જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણવાળા જે પુરૂષો હોય તેમણે આ આઠ સચ્છાસ્ત્રો ભણવાં, ભણાવવાં તથા એમની કથા કરવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ આઠ સચ્છાસ્ત્રોમાં આલોકનું અને પરલોકનું હિત સમાયેલું છે. માટે આલોકમાં સર્વપ્રકારે પોતાનો અભ્યુદય ઇચ્છતા, અને પરલોકમાં સુખ તથા મોક્ષને ઇચ્છતા એવા જે જનો હોય તેમણે, આ આઠ સચ્છાસ્ત્રોનું શ્રવણ કરવું, ચારે વર્ણવાળા પુરૂષોને આ આઠ શાસ્ત્રોનું શ્રવણ કરવામાં અધિકાર છે. પણ તેમાં જે શુદ્રો હોય તેમણે, એક વેદના મંત્રનું શ્રવણ કરવું નહિ. શુદ્રને વેદ સાંભળવામાં અધિકાર નથી. કારણ કે શુદ્રને યજ્ઞોપવિત સંસ્કાર નથી. અને ગાયત્રી મંત્રનો ઉપદેશ પણ નથી. તેથી યજ્ઞોપવિત સંસ્કાર વિના અને ગાયત્રી મંત્રના ઉપદેશ વિના વેદમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે શુદ્રોએ વેદનું અધ્યયન ન કરવું, તથા વેદનું શ્રવણ પણ ન કરવું. વેદનું અધ્યયન તથા શ્રવણ ન કરવું એ શુદ્રનો ધર્મ છે. માટે શુદ્રોએ આ ધર્મનો ક્યારેય પણ ત્યાગ કરવો નહિ.


શાસ્ત્રોએ શુદ્રને પોતાની યોગ્યતાને અનુસારે ત્રણે વર્ણની સેવા કરવાનું કાર્ય સોંપેલું છે. અને યજ્ઞોપવિત તથા વેદાધ્યયનરૂપ કઠીન વ્રતથી મુક્ત કરેલા છે. ત્રણે વર્ણવાળા પુરૂષોને વેદાધ્યયનથી જે પ્રાપ્ત થાય છે, એજ શુદ્રોને ત્રણે વર્ણની સેવા અને વેદ સિવાયના શાસ્ત્રનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે. માટે શુદ્રોએ પોતાની યોગ્યતા સમજીને વેદનું શ્રવણ કરવું નહિ. અને શુદ્રોને પુરાણ શ્રવણ કરવાનું વિધાન કરેલું હોવાથી, પુરાણની અંદર આવતા વેદમંત્રનું શ્રવણ કરવામાં દોષ નથી.


અને વળી બીજા જે વૈદિક પુરાણાદિકને ભણવામાં પણ શુદ્રોને સર્વપ્રકારે અધિકાર નથી. પણ કેવળ સાંભળવામાં જ અધિકાર છે. માટે શુદ્રોએ કેવળ પુરાણોનું શ્રવણ જ કરવું. શાસ્ત્રોએ જેમને જે પ્રમાણે અને જેટલું કરવાનું વિધાન કરેલું હોય, તેમણે તે પ્રમાણે અને તેટલું જ કરવું, એજ પુણ્ય છે. અને એ પ્રમાણે ન કરવું એજ પાપ છે. પાપ પુણ્યની બીજી કોઇ વ્યાખ્યા નથી. માટે શુદ્રોએ કેવળ પુરાણોનું જ શ્રવણ કરવું. પણ પુરાણો ભણવાં નહિ, અને વેદનું તો શ્રવણ પણ કરવું નહિ. અને બીજા જે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો હોય તેમણે, આ વેદાદિક આઠ સચ્છાસ્ત્રો ભણવાં તથા ભણાવવાં અને એમની કથા કરવી. આવો અભિપ્રાય છે. ।।૯૬।।