શ્લોક ૯૭

तत्राचारव्यवहृतिनिष्कृतानां च निर्णये । ग्राह्यामिताक्षरोपेता याज्ञावल्क्यस्य तु स्मृतिः ।।९।।


અને આઠ સચ્છાસ્ત્રોને મધ્યે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતના નિર્ણયમાં તો મિતાક્ષરાટીકાએ યુક્ત યાજ્ઞાવલ્ક્યઋષિની સ્મૃતિ ગ્રહણ કરવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે શાસ્ત્રોમાં જે ગ્રાહ્ય અને સારભૂત તત્ત્વ છે, એ આપણા માટે સંશોધન કરીને જુદું તારવેલું છે. અનેક શાસ્ત્રોરૂપી સમુદ્રમાંથી ગ્રાહ્ય અને સારભૂત સંશોધન કરીને આપણને આઠ સચ્છાસ્ત્રો અર્પણ કરેલાં છે. અને એ આઠ સચ્છાસ્ત્રોમાં પણ ગ્રાહ્ય તત્ત્વનો કેટલોક વિવેક આ શ્લોકમાં શ્રીજીમહારાજે બતાવેલો છે કે, યાજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિને અમોએ જે પ્રમાણરૂપ માનેલી છે, એનો અર્થ એ નથી કે આખી સ્મૃતિ અમે પ્રમાણ માનેલી છે. પણ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્તના નિર્ણયમાં જ યાજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ અમોએ પ્રમાણભૂત માનેલી છે. પરંતુ આત્મા તથા પરમાત્માના જ્ઞાનના નિર્ણયમાં અમોએ પ્રમાણભૂત માનેલી નથી. કારણ કે યાજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર જે જ્ઞાનપ્રકરણ છે, તેમાં આત્મા અને પરમાત્માનું અભેદપણું વર્ણવેલું છે. અને પરમાત્માને નિરાકાર વર્ણવેલા છે. તેથી જ્ઞાનાંશને વિષે આ સ્મૃતિ અમોએ માન્ય ગણેલી નથી. પરંતુ નિત્યનૈમિત્તિકાદિ આચારનો જો નિર્ણય કરવો હોય, ઋણનું લેવું દેવું ઇત્યાદિક વ્યવહારનો જો નિર્ણય કરવો હોય, અને જાણે અજાણે થયેલાં પાપોના પ્રાયશ્ચિત્તનો જો નિર્ણય કરવો હોય, તથા સાંખ્યજ્ઞાનમાં ઉપયોગી શરીરમાં રહેલ નાડીતંત્રનો જો નિર્ણય કરવો હોય, તો આ આઠ સચ્છાસ્ત્રોને મધ્યે યાજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિને, વિજ્ઞાનેશ્વર પંડિતે કરેલી મિતાક્ષરા નામની ટીકાથી યુક્ત જ ગ્રહણ કરવી. કેવળ મિતાક્ષરા ટીકા ગ્રહણ કરવી નહિ. અને બીજા કોઇ વિદ્વાનની ટીકા હોય, તો એ પણ ગ્રહણ કરવી નહિ. આવો અભિપ્રાય છે. ।।૯૭।।