શ્લોક ૯૮

श्रीमद्बागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ । सर्वाधिकतया ज्ञोयौ कृष्णमाहात्म्यबुद्धये ।।९८।।


અને વળી મારા આશ્રિતો હોય તેમણે, આ આઠ સચ્છાસ્ત્રોને મધ્યે શ્રીમદ્બાગવત પુરાણના દશમસ્કંધ અને પંચમસ્કંધને ભગવાનનું માહાત્મ્ય જાણવા માટે સર્વથી અધિકપણે જાણવા.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ શ્લોકમાં પણ શ્રીજીમહારાજ કેટલોક વિવેક બતાવે છે. ભાગવતની અંદર બાર સ્કંધો છે. બારે સ્કંધોમાં ભગવાનના અવતારસ્વરૂપનું તથા ભગવાનના મહાન ભક્તોનું નિરૂપણ કરવામાં આવેલું છે. અને બારે સ્કંધો ભગવાનની લીલાવિભૂતિ તથા નિત્યવિભૂતિનું નિરૂપણ કરનારા છે. તેથી બારે સ્કંધો કલ્યાણકારીજ છે. છતાંપણ જો પરમાત્માનો અસાધારણ મહિમા જાણવો હોય, તો દશમસ્કંધ અને પંચમસ્કંધને સર્વથી અધિકપણે જાણવા.


શ્રીમદ્બાગવત પુરાણ એક કલ્પવૃક્ષ છે. તેથી સંપૂર્ણ ભાગવત ઇચ્છિત મનોરથોને આપનાર છે. અને એ કલ્પવૃક્ષની નાની મોટી બાર શાખાઓ (ડાળખીઓ) છે. અને બાર શાખાઓમાંથી દશમસ્કંધ અને પંચમસ્કંધરૂપી બે શાખાઓ મુખ્ય છે. કારણ કે પંચમસ્કંધ તથા દશમસ્કંધની અંદર ભગવાનનો સર્વોત્કૃષ્ટ મહિમા વર્ણવેલો છે. માટે દશમસ્કંધ અને પંચમસ્કંધના અભ્યાસથી જ સંપૂર્ણ ભગવાનના માહાત્મ્યજ્ઞાનની સિદ્ધિ થઇ જાય છે. એજ કારણથી ભગવાનનું સર્વોત્કૃષ્ટ મહાત્મ્ય જાણવા માટે શ્રીમદ્બાગવત પુરાણનો દશમસ્કંધ તથા પંચમસ્કંધ તેનો અભ્યાસ પણ વારંવાર કરવો, આવો અભિપ્રાય છે. ।।૯૮।।