दशमः पंचमः स्कन्धो याज्ञावल्क्यस्य च स्मृतिः । भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे ।।९९।।
મારા આશ્રિતો હોય તેમણે, દશમસ્કંધ, પંચમસ્કંધ અને યાજ્ઞાવલ્ક્યઋષિની સ્મૃતિ. આ ત્રણ ગ્રન્થોને અનુક્રમે અમોએ માન્ય કરેલ ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જાણવાં. અર્થાત્ દશમસ્કંધ છે એ ભક્તિશાસ્ત્ર છે, પંચમસ્કંધ છે એ યોગશાસ્ત્ર છે અને યાજ્ઞાવલ્ક્યઋષિનીસ્મૃતિ એ ધર્મશાસ્ત્ર છે. એમ જાણવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- દશમસ્કંધ એ ભક્તિશાસ્ત્ર છે, એમ શ્રીજીમહારાજે શા માટે કહ્યું ? તેના પ્રત્યુત્તરમાં કહે છે કે, માહાત્મ્યજ્ઞાનપૂર્વક ભગવાનને વિશે જે અતિશે સ્નેહ તેને ભક્તિ કહેલી છે. અને એ ભક્તિ તો દશમસ્કંધમાં સર્વત્ર ભગવાનને વિષે ગોપીઓના સ્નેહરૂપે વર્ણવેલી છે. અર્થાત્ દશ્મસ્કંધને વિષે ઠેક ઠેકાણે ગોપીઓનો ભગવાનને વિષે સ્નેહ વર્ણવેલો છે. માટે દશમસ્કંધને ભક્તિશાસ્ત્રપણે શ્રીજીમહારાજે માન્ય કરેલું છે. ભક્તિ વડે આશ્રય કરવા યોગ્ય એવા શ્રીકૃષ્ણ ભગવાનનું આ દશમસ્કંધને વિષે જ દરેક અધ્યાયમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરેલું છે, જેમ કે -
न पारये।हं निर्वद्यसंयुजां स्वसाधुकृत्यं विबुधायुषा।पि वः ।
या मा।भजन् दुर्जरगेहश्रृंखलाः संवृश्च्य तद्वः प्रतियातु सा।धुना
આ ભાગવતના દશમસ્કંધના શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાન ગોપીઓ પ્રત્યે કહે છે કે હે ગોપીઓ ! તમો નિર્દોષપણે મારી સાથે જોડાયેલી છો, નિરંતર મારૂં સ્મરણ કરો છો, અને જે તમો દુઃખે કરીને પણ તોડી ન શકાય એવી ઘરરૂપી સાંકડોને તોડીને નિરંતર મારૂં ભજન કરો છો. તેથી આ તમારા શ્રેષ્ઠ કર્મનો (અર્થાત્ સર્વશ્રેષ્ઠ પ્રેમનો) બદલો દેવતાના સો વર્ષની આયુષ્યવડે પણ વાળવા હું સમર્થ થઇ શકું તેમ નથી. માટે અત્યારે તમારા જ શ્રેષ્ઠ કર્મ વડે તમારા જ શ્રેષ્ઠ કર્મનો બદલો વળો. પણ મેં કરેલા પ્રત્યુપકારથી નહીં. આ રીતે ગોપીઓની અતિશય પ્રેમરૂપ ફળભક્તિનું આ દશમસ્કંધને વિષે વિસ્તાર પૂર્વક વર્ણન કરેલું છે. માટે દશમસ્કંધનું ભક્તિશાસ્ત્રપણું કહેલું છે.
હવે અહીં પ્રતિવાદી શંકા કરે છે કે ગોપીઓને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન ન હતું, તો ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિના ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થઇ ? આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે જ્ઞાન વિના પણ ભક્તિની સ્વતંત્રપણે પ્રવૃત્તિ થાય છે, એમ તમે જાણો.
આ વિષયમાં ભાગવતનો અગિયારમો સ્કંધ પ્રમાણરૂપ છે, જેમ કે -
ज्ञात्वा।ज्ञात्वा।थ ये वै मां यावान् यश्चास्मि यादृशः ।
भजन्त्यनन्यभावेन ते मे भक्ततमा मताः ।। इति ।।
આ શ્લોકમાં શ્રીકૃષ્ણભગવાન ઉદ્ધવજી પ્રત્યે કહે છે કે, હે ઉદ્ધવ ! હું જેવો સચ્ચિદાનંદ છું, જેવા પ્રકારના ગુણોથી યુક્ત છું, એવો મને જાણીને કે જાણ્યા વિના જે પુરૂષો અનન્યભાવથી મને ભજે છે તે મારા ઉત્તમ ભક્તો મનાયેલા છે. અને વળી આજ અર્થનું દશમસ્કંધમાં પણ વર્ણન કરેલું છે, જેમ કે -
कृष्णं विदुः परं कान्तं न तु ब्रह्मतया मुने ।
गुणप्रवाहोपरमस्तासां गुणधियां कथम् ।। इति ।।
આ દશમસ્કંધના શ્લોકમાં પરીક્ષિત રાજા શંકા ઉત્પન્ન કરતાં શુકદેવજીને કહે છે કે હે મુને ! ગોપીઓ તો શ્રીકૃષ્ણભગવાનને પોતાના પરમ પતિ જાણતી હતી, પરંતુ શ્રીકૃષ્ણ છે એજ પરબ્રહ્મ છે, આ રીતે શ્રીકૃષ્ણને પરબ્રહ્મરૂપે જાણતી ન હતી, કેવળ એક મનુષ્યરૂપે જ જાણતી હતી. તો ગુણબુદ્ધિવાળી એવી ગોપીઓનો વિષયમાં રહેલો પ્રવાહ કેવી રીતે નિવૃત્તિને પામ્યો ? (અર્થાત્ ગોપીઓ માયાના ગુણોથી કેવી રીતે મુક્ત થઇ ?)
આવા પરીક્ષિત રાજાના પ્રશ્નના ઉત્તરમાં શુકદેવજી કહે છે કે, હે રાજન્ ! નિર્ગુણ એવા ભગવાનનો આલોકને વિષે જન્મ તો મનુષ્યના કલ્યાણને માટે જ હોય છે. તેથી નિર્ગુણ એવા ભગવાનને વિષે કોઇ કામભાવને ધારણ કરે, કોઇ ક્રોધભાવને ધારણ કરે, કોઇ ભયભાવને ધારણ કરે, કોઇ સ્નેહભાવને ધારણ કરે, કોઇ પુત્રભાવને ધારણ કરે, કોઇ મિત્રભાવને ધારણ કરે, તો એ બધા નિર્ગુણપણાને પામી જાય છે. કારણ કે ભગવાન ભલે મનુષ્યરૂપે રહેલા હોય છતાં એ નિર્ગુણ છે. તેથી નિર્ગુણ એવા ભગવાનના સંબંધે કરીને ઉપર કહેલા બધા નિર્ગુણપણાને પામી જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં, મથુરામાં, દ્વારિકામાં અને હસ્તિનાપુરમાં આ ચાર સ્થાનકોને વિષે મોટે ભાગે રહેતા હતા. તે તે સ્થાનોમાં રહેલા જે પુરૂષો અને સ્ત્રીઓ તેમનો શ્રીકૃષ્ણ ભગવાનને વિષે જે સ્નેહ હતો, એ સ્નેહનું આ દશ્મસ્કંધની અંદર વારંવાર વર્ણન કરેલું છે. તેમાં પ્રથમ વ્રજવાસી ગોપીઓનો ભગવાનને વિષે જે સ્નેહ હતો, એ સ્નેહનું દિશાસૂચન શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી કરે છે- ''दुस्त्यजश्चानुरागो।स्मिन् सर्वेषां नो व्रजौकसाम् । नन्द ते तनये।स्मासु तस्याप्योत्पत्तिकः कथम्'' ।। इति ।। ગોપીઓ નંદજીને કહે છે કે, હે નંદજી ! અમો સર્વેને આ તમારા પુત્રમાં એવો ગાઢ સ્નેહ સ્વાભાવિક રીતે થાય છે કે, એ સ્નેહ છોડી પણ શકાતો નથી. જેમ અમોને તમારા પુત્ર શ્રીકૃષ્ણને વિષે સ્નેહ થાય છે, તેમજ શ્રીકૃષ્ણને અમારે વિષે સ્વાભાવિક સ્નેહ થાય છે. તો હે નંદજી ! પરસ્પર આવો ગાઢ સ્નેહ શા કારણથી થાય છે ? આ રીતે વ્રજવાસી ગોપીઓનો ભગવાનને વિષે જે સ્નેહ હતો, એ સ્નેહનું આ દશમસ્કંધમાં વારંવાર અને વિસ્તાર પૂર્વક વર્ણન કરેલું છે. માટે દશમસ્કંધને ભક્તિશાસ્ત્ર કહેલું છે.
અને વળી મથુરાવાસી ગોપીઓના સ્નેહનું દિશાસૂચન કરતાં શતાનંદ સ્વામી કહે છે કે- ''समनन्दन् प्रजाः सर्वा दृष्ट्वा रामजनार्दनौ । अपश्यन्त्यो बह्वहानि नष्टलब्धधना इव'' ।। इति ।। શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન્ ! જેમ કોઇ પુરૂષનું ધન ખોવાઇ ગયેલું હોય, અને પછી ફરીવાર જ્યારે ખોવાયેલું ધન પ્રાપ્ત થાય, ત્યારે એ પુરૂષને કેવો અતિ આનંદ થાય છે. તેમ શ્રીકૃષ્ણ અને બળદેવજી તો મથુરાની પ્રજાનું એક ધન હતું. શ્રીકૃષ્ણ અને બળદેવજી વિદ્યા ભણવા ગયા હતા, ત્યારે મથુરાની પ્રજાનું ધન ખોવાઇ ગયેલું હતું. અને પછી જ્યારે વિદ્યા ભણીને પાછા આવ્યા, ત્યારે મથુરાની પ્રજાના હૃદયમાં સ્નેહ સમાઇ શકયો નહિ. તેથી એ સ્નેહ હૃદયમાંથી ઉભરાઇને નેત્રો દ્વારા વહેવા લાગ્યો. અને મથુરાની પ્રજા શ્રીકૃષ્ણ તથા બળદેવજીનાં દર્શન કરીને હર્ષઘેલી બની ગઇ. આ રીતે મથુરાવાસી પ્રજાનો ભગવાન શ્રીકૃષ્ણને વિષે જે સ્નેહ હતો, એ સ્નેહનું દશમસ્કંધમાં વારંવાર નિરૂપણ કરેલું છે. માટે દશમસ્કંધને ભક્તિશાસ્ત્ર કહેલું છે.
અને દ્વારિકાવાસી યાદવોના સ્નેહનું દિશાસૂચન કરતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- ''शय्यासनाटनालाप-क्रीडास्नानादिकर्मसु । न विदुः सन्तमात्मानं वृष्णयः कृष्णचेतसः'' ।। इति ।। શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન્ ! શ્રીકૃષ્ણ ભગવાનને વિષે જ જેમનાં ચિત્તો રહેલાં છે, એવા દ્વારિકાવાસી યાદવોને સૂતાં, બેસતાં, વાતો કરતાં, કે સ્નાન કરતી વખતે સર્વે ક્રિયાઓને વિષે નિરંતર શ્રીકૃષ્ણ ભગવાનનું જ સ્મરણ થતું હતું. તેથી પોતાના દેહને પણ જાણી શકતા ન હતા. આ રીતે દ્વારિકાવાસી યાદવોનો ભગવાન શ્રીકૃષ્ણને વિષે જે સ્નેહ હતો, એ સ્નેહનું આ દશમસ્કંધમાં વારંવાર નિરૂપણ કરેલું છે. માટે દશમસ્કંધનું ભક્તિશાસ્ત્રપણું કહેલું છે.
અને વળી હસ્તિનાપુર વાસી પાંડવોના સ્નેહનું દિશાસૂચન કરતાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી વર્ણવે છે કે- ''दृष्ट्वा तमागतं पार्था मुकुन्दमखिलेश्वरम् । उत्तस्थुर्युगपद्वीराः प्राणा मुख्यमिवागतम्'' ।। इति ।। પાંડવોએ રાજસૂય યજ્ઞા કરેલો હતો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને યજ્ઞામાં પધારવા પ્રેમપૂર્વક આમંત્રણ આપેલું હતું. શ્રીકૃષ્ણ ભગવાન પોતાના ભક્ત પાંડવોના આમંત્રણને માન આપી, હસ્તિનાપુર રાજસૂય યજ્ઞામાં જ્યારે પધાર્યા, ત્યારે ત્યાં આવેલા શ્રીકૃષ્ણને જોઇને પાંડવો એકી સાથે ઉભા થઇ ગયા. જેમ શરીરમાં મુખ્ય પ્રાણ આવતાં ઇન્દ્રિયો સચેતન થઇ જાય, તેમ શ્રીકૃષ્ણ પધારતાં બધા પાંડવો રોમાંચિત થઇ ગયા. અને પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે જે પ્રેમ હતો, એ પ્રેમ હૃદયમાં સમાઇ શક્યો નહિ. તેથી હૃદયમાંથી ઉભરાઇને નેત્રોમાં અશ્રુઓ દ્વારા અભિવ્યક્ત થયો. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણને વિષે પાંડવોનો જે સ્નેહ હતો, એ સ્નેહનું પણ આ દશમસ્કંધમાં વારંવાર નિરૂપણ કરેલું છે. માટે આ દશમસ્કંધનું ભક્તિશાસ્ત્રપણું કહેલું છે, આવો અભિપ્રાય છે.
અને શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી વિવેચન કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે કહ્યું જે પંચમસ્કંધ એ યોગશાસ્ત્ર છે. તો પંચમસ્કંધ એ યોગશાસ્ત્ર શા માટે ? તેના પ્રત્યુત્તરમાં કહે છે કે, પંચમસ્કંધમાં યોગશાસ્ત્રનો સિદ્ધાન્ત સ્પષ્ટપણે કહેલો છે, માટે પંચમસ્કંધનું યોગશાસ્ત્રપણું કહેલું છે. યોગશાસ્ત્રના આદિ આચાર્ય હિરણ્યગર્ભ ઋષિએ ભગવાન નારાયણને વિષે ચિત્તવૃત્તિનો જે નિરોધ થવો એજ યોગ છે. આવો પોતાનો સિદ્ધાન્ત નિરૂપણ કરેલો છે. અને વળી પાતઞ્જલિએ પણ ''योगश्चित्तवृत्तिनिरोधः'' ।। इति ।। આ સૂત્રવડે ચિત્તની વૃત્તિનો જે નિરોધ થવો તેને જ યોગ કહેલો છે. અને એ યોગના પણ બે પ્રકાર છે. એક હઠયોગ અને બીજો રાજયોગ. તેમાં પ્રાણાયામાદિકે કરીને પ્રથમ પ્રાણનો નિરોધ થવો એ હઠયોગ કહેલો છે. અને પરમાત્માનું ધ્યાન કરતાં ચિત્તની વૃત્તિનો જે નિરોધ થવો તેને રાજયોગ કહેલો છે. અર્થાત્ પોતાના ચિત્તને અખંડ પરમાત્માની અંદર જે જોડી દેવામાં આવે તેને રાજયોગ કહેવાય છે. અને એ ચિત્તવૃત્તિના નિરોધરૂપ રાજયોગનું આ પંચમસ્કંધમાં યોગી રાજાઓનાં ચરિત્રોનું નિરૂપણ દ્વારા વર્ણન કરેલું છે. માટે આ પંચમસ્કંધનું યોગશાસ્ત્રપણું કહેલું છે.
જેમ કે પ્રિયવ્રત રાજા રાજ્ય કરતા હતા, છતાં પોતાની ચિત્તવૃત્તિને અખંડ ભગવાનમાં જોડી રાખેલી હતી. અર્થાત્ પ્રિયવ્રત રાજા પ્રવૃત્તિમાં રહીને પણ અખંડ ભગવાનનું સ્મરણ કરતા હતા, તેણે કરીને પ્રિયવ્રત રાજાની ચિત્તવૃત્તિનો ભગવાનને વિષે નિરોધ થયો હતો. આવા પ્રિયવ્રત રાજાનું ચરિત્ર આ પંચમસ્કંધમાં વર્ણવેલું છે. અને ત્યારપછી પ્રિયવ્રતરાજાના પુત્ર આગ્નીધ્રે પણ અષ્ટાંગયોગ સિદ્ધ કરેલો હતો. અને પોતાની ચિત્તની વૃત્તિ અખંડ ભગવાનની સાથે જોડી દીધેલી હતી. અને ત્યારપછી આગ્નિધ્રના પુત્ર નાભિરાજા પણ સમાધિયોગ વડે નરનારાયણ ભગવાનની ઉપાસના કરતા હતા. અને કાળે કરીને ભગવાનના સાધર્મ્યપણાને પામી ગયા હતા. અને ત્યારપછી નાભિરાજાના પુત્રપણે પ્રગટ થયેલા ભગવાન ઋષભદેવજી પણ મનુષ્ય ભાવનું અનુકરણ કરતા થકા, યોગનું જ આચરણ કરેલું હતું. અને ત્યારપછી ઋષભદેવજીના પુત્ર ભરતજી પણ મહાયોગી હતા. આ સર્વે યોગીરાજાઓનાં ચરિત્રનું આ પંચમસ્કંધની અંદર આબેહુબ વર્ણન કરવામાં આવેલું છે. માટે આ પંચમસ્કંધને યોગશાસ્ત્ર માનેલું છે.
અને વળી ઇલાવ્રતાદિ તે તે ખંડોને વિષે શિવ, ભદ્રશ્રવા, પ્રહ્લાદ, લક્ષ્મી અને પૃથ્વી આદિક ભક્તોનો સંકર્ષણ, હયગ્રીવ, નૃસિંહ, નારાયણ અને વરાહ આદિક ભગવાનનાં સ્વરૂપોને વિષે ચિત્તની વૃત્તિના નિરોધરૂપ યોગ, આ પંચમસ્કંધને વિષે પ્રતિપાદન કરેલો છે. માટે પંચમસ્કંધનું યોગશાસ્ત્રપણું માનેલું છે. અને વળી શુકદેવજીએ પણ ''यदिदं योगानुशासनम्'' આ સૂત્રનો સમાવેશ કરીને ''દેહલીદીપકના'' ન્યાયથી સંપૂર્ણ પંચમસ્કંધનું યોગશાસ્ત્રપણું સૂચવેલું છે.
અને યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિની અંદર આચાર, વ્યવહાર, પ્રાયશ્ચિત, વ્રતો, કાલ અને કર્મનાં ફળો આમ છપ્રકારે ધર્મનું લક્ષણ વર્ણવેલું છે. માટે યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિને ધર્મશાસ્ત્ર માનવામાં આવેલું છે. આ રીતે શ્રીજીમહારાજે દશમસ્કંધને ભક્તિશાસ્ત્ર અને પંચમસ્કંધને યોગશાસ્ત્ર તથા યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિને ધર્મશાસ્ત્ર પ્રમાણપૂર્વક માનેલું છે, આવો અભિપ્રાય છે. ।।૯૯।।