શ્લોક ૧૦૦

शारीरकाणां भगवग्दीतायाश्चावगम्यताम् । रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम ।।१००।।


અને મારા આશ્રિતો હોય તેમણે, શ્રીરામાનુજાચાર્યજીએ કરેલું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા ભગવદ્ગીતાનું ભાષ્ય, એ બે અમારૂં અધ્યાત્મશાસ્ત્ર છે, એમ જાણવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આત્મતત્ત્વ, માયાતત્ત્વ અને ભગવત્તત્ત્વ આ ત્રણ તત્ત્વોનું જે શાસ્ત્રની અંદર પ્રધાનપણે નિરૂપણ કરવામાં આવ્યું હોય, તે શાસ્ત્રને અધ્યાત્મશાસ્ત્ર કહેવામાં આવે છે. ઉપનિષદો, ગીતા અને વ્યાસસૂત્રો આ ત્રણ ગ્રન્થોની અંદર અધ્યાત્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. માટે આ ત્રણ ગ્રન્થો શ્રેષ્ઠ અધ્યાત્મશાસ્ત્ર છે. તેમાં ઉપનિષદ છે એ વેદનો જ સાર છે. ઉપનિષદોની અંદર અનેક પ્રકારની જે બ્રહ્મવિદ્યાઓ રહેલી છે, તે બ્રહ્મવિદ્યાઓનું સંકલન કરીને યથાર્થ બ્રહ્મવિદ્યાઓનું તાત્પર્ય સમજાવવા વ્યાસભગવાને જે સૂત્રો લખ્યાં છે, તેને શારીરિકસૂત્રો કહેવામાં આવે છે. અને રણસંગ્રામમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે જે સાંખ્યજ્ઞાનનો ઉપદેશ આપેલો છે, તેને ભગવદ્ગીતા કહેવામાં આવે છે. આ બન્ને શાસ્ત્રો જીવ, માયા અને ઇશ્વર તત્ત્વનું નિરૂપણ કરનારાં છે. અને આ બન્ને શાસ્ત્ર ઉપર જુદા જુદા આચાર્યોએ જુદાં જ્દાં ભાષ્યો લખેલાં છે. તેમાં શ્રી રામાનુજાચાર્યજીએ ભગવદ્ગીતા અને શારીરિકસૂત્રો ઉપર જે ભાષ્ય કરેલું છે, એ ભાષ્યની અંદર શ્રી રામાનુજાચાર્યજીએ જીવ, માયા અને ઇશ્વર આ ત્રણેના સ્વરૂપનું યથાર્થ નિરૂપણ જેવું કરેલું છે, તેવું બીજા કોઇ આચાર્યે કરેલું નથી. અને જીવ, માયા અને ઇશ્વર આ ત્રણેનો અપૃથક્ સંબન્ધ જેવો શ્રી રામાનુજાચાર્યજીએ નિરૂપણ કર્યો છે, એવો બીજા કોઇ આચાર્યે નિરૂપણ કરેલો નથી. અને આ બન્ને ભાષ્યની અંદર શ્રીજીમહારાજને પ્રિય એવું જે ભગવાનનું સાકારપણું તેનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરેલું છે. તેથી શ્રી રામાનુજાચાર્યજીએ શારીરિકસૂત્રો અને ભગવદ્ગીતા ઉપર જે ભાષ્ય કરેલું છે, એ ભાષ્યને શ્રીજીમહારાજે પ્રમાણભૂત માનેલું છે. માટે આ બન્ને ભાષ્ય સંપ્રદાયમાં અધ્યાત્મ જ્ઞાનશાસ્ત્ર તરીકે માન્ય કરાયેલાં છે. એજ કારણથી ભક્તજનો હોય તેમણે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિને માટે આ બન્ને ભાષ્યોને ભણવાં અને ભણાવવાં, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૧૦૦।।