૩૨. પક્ષીની પેઠે કથા કીર્તનાદિ ચારો કરી મૂર્તિરૂપ માળામાં વિરામ કરવો.

સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૩ ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીગઢડા મધ્યે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિષે કેસરની આડય કરી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અનેે પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને મુનિ કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે "સાંભળો એક પ્રશ્ન કરીએ" ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું જે "હે મહારાજ ! પુછો." પછી શ્રીજીમહારાજ ઘણિક વાર સુધી વિચારીને બોલ્યા જે, "આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે ? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તેજ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનનાં અથવા સંત તેનાં દર્શન કરવાં તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડયાં એવાં જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ, સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી; તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મુકીને ચણવા નીકળે છે તે ચારો કરીને રાત્રિ સમે પોતપોતાના માળામાં જઇને વિરામ કરે છે પણ પોતાના સ્થાનકને કોઇ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી, તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઇને વિરામ કરે છે, અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઇને વિરામ કરે છે તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે, એ સર્વે દૃષ્ટાંત સિદ્ધાંત કહ્યાં તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પુછીએ છીએ જે "જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દૃઢપણે બંધાઇને એના વિષયી થયા છો કે નહિ ? અને વળી બીજું પ્રશ્ન પુછીએ છીએ જે "જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે તેમ તમે સર્વે ભગવાનની કથાકીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો ? કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો ? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ અને જેનું તેનું ખેતર ખાઇને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઇક ધોકા મુકે, કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો ? કે હરાયા ઢોરની પેઠે કોઇનું ખેતર ખાઇને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો ?" એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો ? પછી મુનિ તથા હરિભક્તો સર્વે જુદા જુદા બોલ્યા જે, "હે મહારાજ! ભગવાનની કથાકીર્તનાદિકના વિષયી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા ખીલો તેને મુકીને બીજે ઠેકાણે રહેતા નથી" તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.

અને વળી તે ને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદાખાચરના દરબાર વચ્ચે લીંબડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પોતે શ્રીવાસુદેવનારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "હવે તો પ્રશ્ન ઉત્તર કરો." પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, "કોઇ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઇ સમે તો અંતર ડોળાઇ જાય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે?"

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી." ત્યારે મુક્તાનંદ સ્વામીએ પુછયું જે "કેવી રીતે યુક્તિ જાણવી ?" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખેથી થાય અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઇ જાય ને ઘાટસંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહિ અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા, અને જે સમે સત્ત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ ને શૂન્ય સરખું વર્તે, તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય માટે તે સમે ભગવાનનું ધ્યાન કરવું નહિ અને તે સમે તો એમ જાણવું જે, હું તો સંકલ્પ થકી જુદો છું, ને આત્મા છું. ને સંકલ્પનો જાણનારો છું. ને તે મારે વિષે અંતર્યામીરૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે." અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય તે સંકલ્પને જોઇને મુંઝાવું નહિ, કેમ જે, અંતઃકરણ તો જેવું નાનું છોકરૃં તથા વાનરૃં તથા કુતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઇને કચવાઇ જાવું નહિ ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહિ ને પોતાને ને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું." ઇતિ વચનામૃતમ્ ।।૩૨।।

૧ ચંચળ સ્વભાવવાળું.