૩૪. હેતરૂપી ભગવાનની માયાના પ્રવાહમાં ન વહેવા તથા આજ્ઞા ન લોપવા વિષે.

સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને પાઘને વિષે પુષ્પના તથા હીરના તોરા લટકતા મુક્યા હતા,ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઇને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઇને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે 'કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો.' પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, ''સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માયિક એવાં જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે તેનું શું કારણ છે ?'' પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, "એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી ૧કળ ચડાવી મુકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ, અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળેજ થયા કરે એવો ફેર ચડાવી મુક્યો છે, તે માટે સહેજેજ સ્ત્રીમાં પુરૂષને હેત થાય છે અને પુરૂષમાં સ્ત્રીને હેત થાય છે, અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજેજ હેત થાય છે. તે એ હેત રૂપીજ ભગવાનની માયા છે, તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે, અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઇ જાય છે. તેટલા માટે ભગવાનને મુકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોટી જાય. તે સારૃં પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે કોઇ ઠેકાણે પ્રીતિ રાખવી નહિ."

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, હવે 'મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો.' પછી મુક્તાનંદ સ્વામીએ પુછયું જે ''જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઇ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી, તે એવા મોટા આનંદને મુકીને તુચ્છ પદાર્થ માટે કેમ કલેશને પામે છે ?" એ પ્રશ્ન છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, લ્યો એનો ઉત્તર અમે કરીએ જે, પરમેશ્વરના વચનને મુકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે કલેશને પામે છે. અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે. તેટલો તેને કલેશ થાય છે, માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પુરું કહેવાય, ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેટલો કલેશ થાય છે. અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો, તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમે સ્ત્રીનો સંગ કરવો. એ આદિક જે જે ત્યાગીને અને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેને જેટલો ફેર પડે તેટલો તેને કલેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખદુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે. અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે. અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃતમ્ ।।૩૪।।

૧ ઘડી યંત્રની પેઠે.