૪૩. નિષ્કામી ભક્ત પ્રભુ સેવા સિવાય ચતુર્ધા મુક્તિ ને પણ ઇચ્છતા નથી

સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૭ સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેશ પહેર્યો હતો ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા હતા, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

તે સમે શ્રીજીમહારાજ સર્વે ભકતજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામું જોઇને બોલ્યા જે, "સર્વે સાંભળો, એક પ્રશ્ન પુછીએ છીએ જે, શ્રીમદ્બાગવત પુરાણમાં કહ્યું છે જે, 'ભગવાનના ભક્ત હોય તે ચારપ્રકારની મુક્તિને નથી ઇચ્છતા.'અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, 'ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા. તે ચાર પ્રકારની મુક્તિ તે શું ? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું, એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ તેને તો ભગવાનનો ભક્ત નથી ઇચ્છતો, ને કેવળ ભગવાનની સેવાનેજ ઇચ્છે છે. તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારૃં નથી ઇચ્છતો, એ પ્રશ્ન છે"? તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત થઇને એ ચાર પ્રકારની મુક્તિની ઇચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય, અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઇચ્છે ને કેવળ ભગવાનની સેવાનેજ ઇચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ્બાગવતમાં કહ્યું છે જે "मत्सेवया प्रतीतं च सालोक्यादि चतुष्टयम् ।नेच्छेन्ति सेवया पूर्णाः कुतोन्यत्कालविप्लुतम् । सालोक्यं सार्ष्टि सामीप्यं सारूप्यैकत्वमप्युत ।दीयमानं न गृन्ति विना मत्सेवनं जनाः ।।" એનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે, તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઇચ્છેજ નહિ, ને એક સેવાનેજ ઇચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઇચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાનાં ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે "अथो विभूतिं मम मायाविनस्तामैश्वर्यमष्टांगमनुप्रवृत्तम् ।श्रियं भागवतीं वा स्पृहयन्ति भद्रां परस्य मे तेश्नुवते तु लोके ।।" અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે, અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઇ ન ઇચ્છવું. અને ઇચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય અને જો કાચ્યપ હોય તો, નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને, એ કાચ્યપને ટાળવી." ઇતિ વચનામૃતમ્ ।।૪૩।।

૧. અર્થઃ- મારી સેવા કરવાથી પ્રાપ્ત થતી એવી સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને મારી સેવાથીજ પૂર્ણ એવા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી. તો કાળે કરીને જેનો નાશ છે એવાં ઇન્દ્રાદિક દેવતાઓનાં ઐશ્વર્યને ન ઇચ્છે એમાં શું કહેવું ?.
૨. અર્થ - મારી સેવા વિના ભગવાનને બળાત્કારે આપેલી સાલોક્યાદિ મુક્તિને પણ નિર્ગુણ ભક્તિવાળા ગ્રહણ કરતા નથી. તો સાંસારિક ફળને ન ગ્રહણ કરે તેમાં શું કહેવું ?.
૩. અથઃ- અર્ચિરાદિ માર્ગે જવાનો આરંભ થયા પછી યોગમાયાનો સ્વામી એવો હું તે મારી પ્રસિદ્ધ એવી વિભૂતિ (બ્રહ્માના લોક પર્યંતની સંપત્તિ) તથા ભક્તિયોગથી પ્રાપ્ત થતું અણિમાદિ આઠ પ્રકારનું ઐશ્વર્ય તથા મંગળરૃપ એવી ભાગવતી શ્રી (વૈકુંઠાદિ દિવ્યલોકમાં રહેલી સંપત્તિ) ને મારા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી. તો પણ સર્વથી પર એવો જે હું તે મારા ધામમાં તેને તેઓ પામે છે.