સંવત્ ૧૮૭૬ ના ફાગણ સુદી ૫ પંચમીને દિવસ સંધ્યા આરતીને સમે સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ, શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા. અને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે 'પ્રશ્ન કરો.' પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, "હે મહારાજ ! જ્યારે ભજનસ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે એ ગુણના ૧વેગ કેમ ટળે ?" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો ૨દેહ, કુસંગ અને પૂર્વના સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે, તે તો કોઇક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે."
પછી આનંદાનંદ સ્વામીએ પુછયું જે "પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ?" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અતિશે મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરૂષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારૃં હોય તે નાશ થઇ જાય.
પછી વળી આનંદાનંદ સ્વામીએ પુછયું જે, "શો ઉપાય કરે તો મોટા પુરૂષ રાજી થાય ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઇર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઇને રહે, ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે.
પછી મહાનુભાવાનંદ સ્વામીએ પુછયું જે, "હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા પુરૂષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય, તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને અતિશે જે મોટા હોય તેને જો અતિશે નિષ્કામી જાણે, તો પોતે કુતરા જેવો કામી હોય તે પણ નિષ્કામી થાય અને જો મોટા પુરૂષને વિષે કામીપણાનો દોષ પરઠે, તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશે કામી થાય અને મોટાને વિષે ક્રોધી, લોભીપણું પરઠે તો પોતે ક્રોધી, લોભી થાય અને જો મોટા પુરૂષને અતિશે નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે, તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઇ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે ? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે, તેને પાકો હરિભક્ત જાણવો, તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઇને રહે અને એમ જાણે જે "એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું" એમ જાણીને હરિભકતનો દાસાનુદાસ થઇ રહે, એવી રીતે જે વર્તે, તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વચનામૃતમ્ ।।૫૮।।
૧ રાગ મોહ વિગેરે
૨ દેહાધ્યાસ