સ્નેહગીતા - કડવું ૧૫<br />

અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતા દીઠી અતિશય દુઃખીજી ।
પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ ૧પખીજી, કહું એને કાંઇક ધીરજ ધારે સખીજી ।।૧।।
ઢાળ –ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ દેખતાં મ કરો શોર ।
હેત રાખો હૈયામાંહે, બા'રે મ કરો બકોર ।।૨।।
મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે ।
લાજ જાય ને હાંસી થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ ।।૩।।
લોક મુજને એમ લેખે, છે બ્રહ્મચારી ભગવાન ।
આજ લાજ તે ખોઈ ખરી, મારૂં મોંડિયું તમે માન ।।૪।।
તમ સાથે મેં સ્નેહ કીધો, તેતો હળવું થાવા હેસખી ।
પણ સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ।।૫।।
પ્રીતનું આજ ફળ પ્રગટયું, મને છાના ને છતો કર્યો ।
સ્નેહ કરતાં તમ સાથે, અંતે અર્થ એ નિસર્યો ।।૬।।
હજી કહુંછું જે ૨કેણ માનો, અને જાઓ વળી ઘેર જુવતી ।
એકવાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ।।૭।।
એમ ધીરજ દિધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી ।
તમ વિના ત્રિલોકમાંહિ, વા'લું તે મને કોઇ નથી ।।૮।।
હુંતો વશ છઉં હેતને, સાચું કહુંછું સુંદરી ।
હું છઉં જેને તે છે મારે, એતો વાત અંતે છે ખરી ।।૯।।
પ્રેમની દોરિયે પ્રમદા, હુંતો બંધાણો બેઉ હાથજી ।
એમ કહિને ચાલિયા, નિષ્કુલાનંદનો નાથજી ।।૧૦।। કડવું ।।૧૫।।