સ્નેહગીતા - કડવું ૨૧

 પદરાગ આશાવરી –
પ્રાણ મરે જો પ્રિતમ વિના, વળી પિયુ વિયોગે પે'લા જાજોરે ।
 મગન થઇને હું માગુછું મનમાં, એવું બાઇ મારે થાજોરે; પ્રાણ૦ ।।૧।।
સખીરે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી કયુંરે ।
ધનહારી નિર્ધન નર રે'તાંરે, તેને સુખ રતિ ક્યાં રહ્યુંરે; પ્રાણ૦ ।।૨।।
સખીરે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતીરે ।
પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિરે; પ્રાણ૦ ।।૩।।
સખીરે ફળ રહિત રંભા જે કોયે રહે, તેતો અર્થ શે આવેરે ।
નિષ્કુલાનંદના નાથ વિયોગે, માગ્યું મોત ક્યારે ન આવેરે; પ્રાણ૦ ।।૪।। પદ ।।૫।।

એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા તણુંજી ।
વણ દીઠે વા'લમ અંતર સુખ નહિ અણુંજી, મેલી નિઃશ્વાસ ધિક્કારે આપ્યું ઘણુંજી ।।૧।।
ઢાળ –આપણો અવગુણ પરઠી, અબળા મુખે એમ ઉચ્ચરે ।
અહો બાઇ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે ।।૨।।
જેદિ અસન હતાં બાઇ આપણે, પિયુસુખને નવ પ્રિછતાં ।
અસત્ય સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઇચ્છતાં ।।૩।।
ખબર નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં ।
સુખ દુઃખને સમજ્યા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં ।।૪।।
એમ વિમત હતી આપણી, બાઇ એશું અવળાં ચાલતાં ।
હેત કરી હરિ મંદિર આવતા, તેને તસ્કર કરીને ઝાલતાં ।।૫।।
એનો આપણે અભાવ લઇ, જઇ કહેતાં જશોદા આગળે ।
તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત હેતે પળેપળે ।।૬।।
પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી ।
જાત બાઇ ભવવારિમાંહી, તેતો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી ।।૭।।
સમે સમે એણે સુખ દિધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં ।
આપણું ગમતું કીધું એણે, માન દઇને મન મનાવિયાં ।।૮।।
વળી આપણી અવળાઇ જુવો, એને બંધાવિયાતા આગળે ।
એના ગુણ અવગુણ આપણા, કેટલાક લખીએ કાગળે ।।૯।।
જેજે હેત કર્યું હરિયે, તેતો કહ્યે કેમ આવશે ।
હવે નિષ્કુલાનંદના નાથ વિના, બાઇ લાડ કોણ લડાવશે ।।૧૦।। કડવું ।।૨૧।।