સ્નેહગીતા - કડવું ૨૭

શ્રીકૃષ્ણે કહ્યું તે શ્રવણે સાંભળીજી, પછી પ્રભુ પાયે ઉદ્ધવ લાગ્યા લળીજી ।
ચરણ ચિંતવી ચાલ્યા વ્રજમાં વળીજી, સંધ્યા સમે આવિયા ગોકુળની ગલીજી ।।૧।।
ઢાળ –ગોકુળ ગામની ગલીએ આવી, નંદને ભવન રથ છોડિયો ।
મળી લળી નંદપાયે લાગ્યા, વળી કરપુટ તે જોડિયો ।।૨।।
ત્યારે નંદ કહે કૃતારથ કીધો, ઉદ્ધવજી ભલે આવિયા ।
આજ ભાગ્ય જાણું અમારાં, તમે આવતાં ઉદે થયાં ।।૩।।
આજ કષ્ટ મટયાં અમારાં, તમે પધારિયા પ્રેમે કરી ।।
રામ કૃષ્ણ બંધવ બેઉની, ખબર અમને આપો ખરી ।।૪।।
કુશળ છે બલ કૃષ્ણ બેઉ મળી, વીરા કરો એહ વારતા ।
અમે દોયે રંકને વળી, કંઇએ કૃષ્ણજી સંભારતા ।।૫।।
એવું સુણીને ઉદ્ધવ પાયે, લાગ્યા તે જશોદા નંદને ।
અર્ધક્ષણ ગુણ તમારા, નથી વિસરતા ગોવિંદને ।।૬।।
વળી બહુ પેરે પ્રણામ કહ્યા, કહે મારીવતી પાય લાગજો ।
અમારા અનુગ્રહનું વચન, કર જોડી કૃષ્ણ કહે માગજો ।।૭।।
અમે કુશળ છીએ અંગે, તેહ તો પુણ્ય તમ તણે ।
અતિ સ્તુતિ કરી કહ્યું, બળ કૃષ્ણજી બેઉ જણે ।।૮।।
એમ વાત કરતાં વીતી રજની, પછી ઘેર ઘેર ગોપીજન જાગીયાં ।
કૃષ્ણ કૃષ્ણ કહેતાં કાંઇ, મહી મથવા લાગિયાં ।।૯।।
ઉદ્ધવ સુણી આશ્ચર્ય પામ્યા, આતો વશ સહુ છે સ્નેહને ।
નિષ્કુલાનંદને નાથે કહ્યું, તેતો કેમ કહેવાશે એહને ।।૧૦।। કડવું ।।૨૭।।