સ્નેહગીતા - કડવું ૨૮

પછી ઉગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી થઇ ભામનીજી ।
નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો આવ્યા જાણી ધામધામનીજી ।।૧।।
ઢાળ –ધામધામથી ધાઇ ગોપી, વળી રથ જાણીને રાજનો ।
ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર કાજનો ।।૨।।
આવી જોયું ત્યાં ઉદ્ધવ દીઠા, પછી ભેટી તેને ભાવશું ।
પછી પ્રેમે કરીને પ્રમદા, પુછે ઉદ્ધવને ઉત્સાવશું ।।૩।।
શિયો સંદેશો સુખનો, કૃષ્ણજીએ અમને કા'વિયો ।
તમને મુક્યા તે ન આવ્યા, એવો શિયો અભાવ આવિયો ।।૪।।
સાચું કહેજો સમ અમારા, અમે પુછુંછું એ પ્રશ્નને ।
અમ ઉપરે ઉદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ।।૫।।
અહોનિશ ઉદ્ધવ તમે, મોહનશું રહોછો મળી ।
કોઇ વારે કૃષ્ણજી કહેતા, વ્રજમાં જાશું વળી ।।૬।।
ઉદ્ધવ કહેજો અમને, હોય જથારથ જેવું સહિ ।
શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ।।૭।।
સ્નેહ છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા ।
કેને વશ થઇ રહ્યા વહાલો, જે અમને તજી તેના થયા ।।૮।।
ઉદ્ધવ અમને અલબેલાની, કથા તે સર્વે કહો કથી ।
કોણ કારણ ઉદ્ધવ અમને, મોહને ઉતાર્યાં મનથી ।।૯।।
ઉદ્ધવજી હવે ઉચ્ચરો, રખે વા'લે કહ્યું તે વિસારતા ।
નિષ્કુલાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ।।૧૦।। કડવું ।।૨૮।।