ધનતેરસની જેમ ભગવાન શ્રીહરિનો ચૌદશનો દિવસ પણ ભક્તજનોની આગતા સ્વાગતામાંજ પસાર થયો. દિવાળીને દિવસે શ્રીહરિએ નવાં વસ્ત્રો ધારણ કર્યાં. શ્રીહરિની રાજાધિરાજની શોભાનું વર્ણન. શ્રીહરિના દર્શને માનવમહાસાગર ઉમટયો.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! શ્રીસહજાનંદ સ્વામી એ રાત્રીના ચોથા પહોરમાં થોડી યોગનિદ્રાનો સ્વીકાર કરી ફરી તત્કાળ જાગ્રત થયા ને સ્નાનવિધિ કરી સંધ્યાવંદન જપ, તર્પણાદિ નિત્યકર્મ આદરપૂર્વક પૂર્ણ કર્યું.૧
શ્રીહરિનો આજે ચૌદશનો આખો દિવસ પણ ગઇ કાલની જેમ જ પ્રાતઃકાળથી આરંભીને રાત્રી પર્યંત દેશાંતરથી આવતા પોતાના ભક્તજનોને સત્કાર સન્માનાદિકથી સંતોષ પમાડી ઉતારા આદિકની વ્યવસ્થા કરવામાં જ પૂર્ણ થયો.૨
હે રાજન્ ! ત્યારપછી પરમેશ્વર શ્રીહરિ દીપાવલીને દિવસે અરુણોદયનો સમય થતાં મંગલસ્નાન કરી નિત્યકર્મ પૂર્ણ કર્યું.૩
પછી શ્રીહરિ ગોળ ચાકળા ઉપર એક ક્ષણ માટે બેઠા અને ઉત્તમરાજા પોતાના દરરોજના નિયમ પ્રમાણે નિત્યવિધિ કર્મમાં શ્રીહરિનું ચંદન, પુષ્પાદિ ઉપચારોથી પૂજન કર્યું.૪
તે સમયે જયાબા અને લલિતાબાની પ્રેરણાથી ઉતાવળી ગતિએ ચાલતા મયારામભટ્ટ નવાં વસ્ત્રોની પોટલી પોતાની કાખમાં ભરાવી અત્યંત ઉત્સાહની સાથે ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા. તેને જોઇ શ્રીહરિ હસતાં હસતાં પૂછવા લાગ્યા કે, હે ભટ્ટજી ! આ કાખમાં ભરાવીને શું લાવ્યા ? ત્યારે મયારામ વિપ્ર કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આ નવાં વસ્ત્રો છે. લ્યો ધારણ કરો.૫-૬
ભગવાન શ્રીહરિએ સર્વ ભક્તજનોની ઇચ્છાને માન આપી સૌને રાજી કરવા તે નવાં વસ્ત્રોનો સ્વીકાર કર્યો અને કસુંબલ રંગથી રંગેલો પટકો મસ્તક પર બાંધ્યો, ત્યારપછી સુવર્ણના બુટ્ટાવાળું લાલ રંગનું અંગરખું ધારણ કર્યું અને કેડ ઉપર સુવર્ણના તારે ભરેલો સુંદર પટકો તાણીને બાંધ્યો.૭-૮
હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ પોતાના નિત્યકર્મોમાંથી પરવારી પોતાનાં દર્શનની રાહ જોઇ રહેલા સર્વે સંતો તથા ભક્તજનોને બોલાવ્યા. ત્યારે સર્વે સંતો ભક્તજનો ઉત્તમરાજાના દરબારમાં પધાર્યા.૯
અને નિંબતરુ નીચે સદાય શ્રીહરિને બેસવાની વેદિકાની સમીપે પ્રથમ સમસ્ત સંતો આવીને શ્રીનારાયણ ભગવાનની સભામાં આવવાની રાહ જોઇને ઊભા રહ્યા. અને સંતોની ફરતે સર્વે ગૃહસ્થ ભક્તજનો અને તેની ફરતે બહેનોની સભામાં સર્વે સ્ત્રીભક્તનો પણ મર્યાદા પૂર્વક નારાયણ ભગવાનને આવવાની રાહ જોઇને ઊભા રહ્યાં.૧૦-૧૧
તેમજ શ્રીમદ્ભાગવતાદિ પુરાણોની કથા કરનારા પુરાણીઓ, વેદાંતાદિ શાસ્ત્રોને ભણેલા શાસ્ત્રીઓ, વેદવિદ્યાનો અભ્યાસ કરનારા વૈદિકો તથા નારદપંચરાત્ર આદિ સત્શાસ્ત્રની વિદ્યાને જાણનારા વિદ્વાન વિપ્રો અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સર્વે વર્ણિઓ પણ ત્યાં સભામાં આવી પોતપોતાની યોગ્ય જગ્યા ઉપર શ્રીનારાયણ ભગવાનના આગમનની રાહ જોઇને ઊભા રહ્યા.૧૨
અને બીજા ગાયકવૃંદો, વાજિંત્રો વગાડવામાં નિપુણ પુરુષો, નટો, મલ્લો, સૂત અને બંદિજનો આ સર્વે સેંકડોની સંખ્યામાં આવીને ઊભા રહ્યા.૧૩
શ્રીહરિની રાજાધિરાજની શોભાનું વર્ણન :- હે રાજન્ ઉપરોક્ત સર્વે સંતો-ભક્તજનો શ્રીહરિના આવવાની રાહ જોઇ રહ્યા હતા તે સમયે સમર્થ પ્રભુ શ્રીહરિનું આગમન થયું. શ્રીહરિનાં દર્શન થતાંની સાથે જ હર્ષથી સર્વેનાં મુખકમળો ખીલી ઉઠયાં અને આનંદથી હૃદય ભરાયાં ને નમસ્કાર કરી જયજયકારનો તુમુલ ઘોષ કરવા લાગ્યા.૧૪-૧૫
ભગવાન શ્રીહરિ પણ ભક્તજનોને આનંદ ઉપજાવતા નિંબતરુની નીચે વેદિકા ઉપર સ્થાપન કરેલા સિંહાસન પર બિરાજમાન થયા.૧૬
હે રાજન્ ! તે સમયે સોમવર્મા પાર્ષદ ભગવાન શ્રીહરિના મસ્તક ઉપર સૂર્યની સમાન તેજસ્વી શ્વેત છત્ર ધારણ કર્યું તે છત્રની ઉપર શ્રીહરિના મુખકમળનાં કીરણો પડવાથી અતિશય શોભવા લાગ્યું.૧૭
ભગુજી તથા અલૈયા નામના બન્ને પાર્ષદો રત્નજડીત દંડ યુક્ત મનોહર ચામર હાથમાં લઇ ભગવાન શ્રીહરિ ઉપર ઢોળવા લાગ્યા.૧૮
સુરવર્મા અને નાંજવર્મા આ બન્ને પાર્ષદો શ્રીહરિની બન્ને પડખે ઊભા રહી ચિત્રથી રમણીય વીંજણાવડે પવન ઢોળવા લાગ્યા.૧૯
અને ઉત્તમરાજા પણ શ્રીહરિની સમીપે જ ઊભા રહી સુવર્ણના દંડથી અલંકૃત કરેલ વીરણનો વીંજણો લઇ ધીરે ધીરે સુગંધ ઢોળવા લાગ્યા.૨૦
હે રાજન્ ! વર્ણીરાજ મુકુન્દ બ્રહ્મચારી હાથમાં મુખમાર્જનનું રૂમાલ ધારણ કરી શ્રીહરિની કોઇ પણ આજ્ઞાની પ્રતિક્ષા કરતા સમીપે ઊભા રહ્યા. શ્રીહરિની આજ્ઞાનું ભક્તજનોને નિવેદન કરતા અને ભક્તોની વિનંતીનું શ્રીહરિને નિવેદન કરતા સુવર્ણની છડી લઇને છડીદાર કુબેરસિંહજી ભગવાન શ્રીહરિના નામનો ઉચ્ચ સ્વરે જયજયકારનો ધ્વનિ કરી છડી પોકારતા શ્રીહરિની આગળ ઊભા રહ્યા.૨૧-૨૨
વળી વિનયપૂર્વક સદાય શ્રીહરિની આજ્ઞામાં વર્તતા બીજા અનેક ક્ષત્રિય મહાવીરો તેમજ સેંકડો રતનજી આદિ પાર્ષદ વર્યો શ્રીહરિની ચારેબાજુ આવીને ઊભા રહ્યા.૨૩
શ્રીહરિના દર્શને માનવમહાસાગર ઉમટયો :- ત્યાર પછી ભગવાન શ્રીહરિ જાણે માનવનો મહાસાગર ઉમટયો હોય તેમ પોતાની ચારે બાજુએ ઊભા રહી પોતાનાં દર્શનની અત્યંત ઉત્કંઠા ધરાવતા ભક્ત સમુદાયને નિહાળવા લાગ્યા.૨૪
તે સમયે એક બીજા ઉપર પડતા આખડતા મોટા ભક્તસમુદાયની ભીડ ઉત્તમરાજાના આંગણામાં શ્રીહરિએ જોઇ.૨૫
સભાસ્થાનમાં જગ્યા ન મળતાં પોતાનાં દર્શનની ઉત્કંઠાને લીધે ઓસરી, ઓરડા, પડાળ, ચોક, ઓટલીઓ, છજાં, મેડીયો, અગાશીયો, ઘોડશાળ, ચકલાં, કોટ અને ગોપુર ઉપર રહેલા મનુષ્યોને શ્રીહરિએ જોયા.૨૬-૨૭
તથા અતિશય ઊંચા પીંપળા, લીંબડા વગેરે વૃક્ષોના મૂળથી આરંભીને ટોચ પર્યંત રહેલા તથા પોતાની આગળ પાછળ અને બન્ને બડખાના ભાગમાં સર્વત્ર મોટા ભક્તસમુદાયને નિહાળી આ સર્વેને મારાં દર્શનની કેટલી ઉત્કંઠા છે, એવું વિચારી ભગવાન શ્રીહરિ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા.૨૮
હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ તાલી બજાવી પોતાના લક્ષાવધી ભક્તજનોને હાથના ઇશારે નીચે બેસવાનો આદેશ કર્યો.૨૯
તે જ ક્ષણે ઘડીનો પણ વિલંબ કર્યા વગર ભગવાન શ્રીહરિના સંકલ્પરૂપ ઐશ્વર્યથી સર્વે ભક્તજનો મૌન ધારણ કરી વ્યવસ્થિત રીતે પોતપોતાની મર્યાદામાં સ્ત્રીઓ સ્ત્રીઓની સભામાં અને પુરુષો પુરુષોની સભામાં બેસી ગયા.૩૦
તેમજ વૃદ્ધો વૃદ્ધોમાં, સંતો, બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, વિદ્વાનો, પાર્ષદો, ગૃહસ્થો સર્વે પોતપોતાની સભામાં મૌન ધારણ કરી શાંતિથી બેસી ગયા૩૧-૩૨
ત્યારે ભગવાન શ્રીહરિએ અનેક પ્રકારનાં વાજિંત્રોને સજ્જ કરી આજ્ઞાની રાહ જોઇને બહુ સમયથી બેસી રહેલા ગાયકવૃંદને વાજિંત્ર વગાડવા પૂર્વક ગાવાની આજ્ઞા આપી.૩૩
તેથી સર્વે ગાયકો પોતાનાં વાજિંત્રોને વગાડવાની સાથે પોતાના સ્વરનું અને હસ્તકલાનું કૌશલ્ય શ્રીહરિને દેખાડી ખુશ કર્યા.૩૪
હે રાજન્ ! ત્યારે ભગવાન શ્રીહરિએ તેના હસ્તવાદનની ચતુરાઇ જોઇ તે સર્વે કલાકોરોની ખૂબજ પ્રશંસા કરી, અને સભામાં બેઠેલા દેશાંતરવાસી ભક્તજનોને પ્રેમભરી દૃષ્ટિથી નિહાળવા લાગ્યા.૩૫
અને જે જે દેશના ભક્તોની મધ્યે જે જે ભક્તજનો મુખ્ય મુખ્ય હતા, તેને તેમના દેશમાં થતી સ્વસંપ્રદાય સંબંધી વાર્તા પૂછવા સભામાં પોતાની સમીપે બોલાવ્યા.૩૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે સમસ્ત આગેવાન ભક્તજનો ભગવાન શ્રીહરિના બોલાવવાથી અતિશય ખુશ થયા અને તેજ ક્ષણે જ્યાં હતા ત્યાંથી ઊભા થઇ શ્રીહરિની સમીપે આવી બે હાથ જોડી નમસ્કાર કરી ચકોર પક્ષીની જેમ શ્રીહરિના મુખચંદ્રને જોતા સ્થિર ઊભા રહ્યા.૩૭
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં દીપાવલીને દિવસે સુંદર સભાનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો. --૧૦--