અધ્યાય - ૧૫ - અન્નકૂટમાં ક્ષત્રિય સ્ત્રીભક્તોની વિવિધ પાક બનાવવાની સેવાનું વર્ણન.

અન્નકૂટમાં ક્ષત્રિય સ્ત્રીભક્તોની વિવિધ પાક બનાવવાની સેવાનું વર્ણન. અન્નકૂટોત્સવની પૂર્વ તૈયારી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિની પ્રેરણાથી રસોઇયા ભક્તોએ પ્રથમ પક્વાન્ન તૈયાર કરી શાક, દાળ, ભાત વગેરે ભોજનો તૈયાર કરવાનો પ્રારંભ કર્યો. તેવી જ રીતે રસોઇ કરવાવાળી વિપ્ર બહેનો હતી તેમણે પણ પોતાની પાકશાળામાં શાક, દાળ, ભાત આદિ ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો.૧ 

હે રાજન્ ! દીપોત્સવીની રાત્રીએ જયાબા, રમાબા આદિ ક્ષત્રિય સ્ત્રીભક્તો પણ ઉત્તમ રાજાના ભવનમાં જ ભક્ષ્ય, ભોજ્યાદિ ચાર પ્રકારનાં ભોજનો તૈયાર કર્યાં.૨ 

સર્વે સ્ત્રીભક્તો નિર્માની થઇ સર્વપ્રકારની સેવા કરતી હતી. તેમાં પણ જે સ્ત્રીઓને વિશેષ સેવાકાર્યનો અધિકાર સોંપવામાં આવ્યો હતો તેમની વિગતે હું તમને વાત કરું છું..૩ 

હે રાજન્ ! લલિતાબાનાં માતા સોમાદેવી અને સુરપ્રભા રસોઇની યોગ્યતા માટે ચોખા, દાળ આદિ અનાજની સફાઇ કરી શુદ્ધ કરવાની સેવા કરતાં હતાં.૪ 

જયાબા રસોઇ તૈયાર કરતી સ્ત્રીભક્તજનોને તે તે કાર્યમાં પ્રેરણારૂપ થઇ તેઓને જે જે વસ્તુઓની જરૂર પડતી તેને પહોંચાડવાની સેવા કરતાં હતાં.૫ 

લલિતાબા રસોઇ પકાવવામાં પોતાનું ચાતુર્ય દેખાડતી સ્ત્રીઓની પ્રશંસા કરતાં હતાં અને રસોઇ કરવાનું બરાબર નહિ જાણતી સ્ત્રીઓને શીખવવાની સેવા કરતાં હતાં.૬ 

તેમજ રમાબા રસોઇમાં તૈયાર થયેલાં ખાજાં, જલેબી આદિ પક્વાન્નોને ભાંગી ન જાય તે રીતે પોતાની હાથચાતુરીથી સાચવવાની અને તેને સાવચેતીપૂર્વક બીજાં પાત્રોમાં ગોઠવવાની સેવા કરતાં હતાં.૭ 

અમરી, અમલા, અને ક્ષેમા આ ત્રણે સ્ત્રીઓ કઢી, વડી, રાઇતાં આદિ લેહ્ય પદાર્થો તેમજ અનેક પ્રકારનાં શાક બનાવવામાં પોતાની ચાતુરાઇ દેખાડતાં હતાં.૮ 

રતિ, મેના, સતી અને દેવી આ ચાર સ્ત્રીભક્તજનો પૂરી, પૂરણપોળી વિગેરે ખાદ્ય પદાર્થો બનાવવામાં પોતાની ચાતુરાઇ દેખાડતી હતી.૯ 

હે રાજન્ ! રેવતી નામનાં સ્ત્રીભક્તજન સુંદર દૂધપાક, માલપૂવા, શીરો અને સૂપ બનાવવાની સેવા કરતાં હતાં.૧૦ 

ફુલ્લાં, અદિતિ, અજવા, મલ્લી અને જાહ્નવી આ પાંચ જણી સુંદર કેસરીયો ભાત રાંધવાની સેવા કરતી હતી.૧૧ 

યમી અને ફુલ્લજયા આ બન્ને મળી શોભાયમાન ઘુઘરા બનાવતી હતી, તેમજ બીજી અનેક સ્ત્રીભક્તજનો માંડા, આદિ અનેક ખાદ્યપદાર્થો બનાવવાની સેવા કરતી હતી.૧૨ 

પંચાળી અને નાની આ બે બહેનો રસોઇ તૈયાર કરતી સ્ત્રીઓને જે કાંઇ જોઇએ તે પદાર્થો ઘરમાંથી લાવીને હાજર કરવાની સેવા કરતી હતી.૧૩ 

ઉત્તમરાજાનાં પત્નીઓ કુમુદા અને જશુબા લલિતાબાની પ્રેરણાથી રસોઇ કરતાં થાકેલાં સ્ત્રીભક્તજનોને વિશ્રાંતિ અપાવી પોતે તે તે રસોઇ કરવાની સેવા કરતાં હતાં.૧૪ 

જીતા, માન્યા આદિ સ્ત્રીઓ સતત પ્રયત્નશીલ રહી રસોઇ કરતી સ્ત્રીઓને કાષ્ઠ, પાત્ર, જળ વિગેરે જે કાંઇ પદાર્થો જોઇએ તે લાવવાની શ્રદ્ધાપૂર્વક સેવા કરતાં હતાં.૧૫ 

આ અવસરે સ્ત્રીઓના રસોડામાં ઘી, તેલની સાથે એલાયચી, લવિંગ, તજ, રાઇ, જીરુ, મરી, ધાણા, મરચાં આદિ વસ્તુઓથી વઘારવામાં આવતાં શાકોના વારંવાર છુમ્કારા થતા હતા.૧૬-૧૭ 

તેમજ ઘીમાં તળવામાં આવતાં વડાં, પૂરી અને માલપૂવાના સૂસકારા વારંવાર થતા હતા.૧૮ 

રસોડામાં રંધાઇને તૈયાર થતા કોમળ, સૂક્ષ્મ અને શ્વેત ભાતની સુગંધ દુર્ગપુરમાં ચારે તરફ પ્રસરવા લાગી.૧૯ 

જયાબા, લલિતાબા આદિ સ્ત્રીભક્તજનોએ પોતે સ્વાદ જીતી લીધો હોવા છતાં રસોઇ તૈયાર કરવામાં પ્રસિદ્ધ નલ, ભીમ આદિકને પણ કુતૂહલ પમાડે તેવી સ્વાદિષ્ટ રસોઇમાં શ્રીહરિને પ્રસન્ન કરવા માટે ભક્ષ્ય, ભોજ્યાદિ ચાર પ્રકારનાં ભોજનો બનાવતાં હતાં.૨૦ 

અને રસોઇ કરવામાં ચતુર કંદોઇયા અને રસોઇયા પુરુષો હતા તે પણ આ સ્ત્રી ભક્તોની પાક ચાતુરી જોઇને પોતાના અભિમાનનો ત્યાગ કરી દીધો.૨૧ 

અન્નકૂટોત્સવની પૂર્વ તૈયારી :- એમ કરતાં પડવાનો પ્રાતઃકાળ પ્રાપ્ત થતાં પૂજા કરનારા બુદ્ધિમાન વિપ્રો નવીન વસ્ત્રાભૂષણો ધરાવી શ્રીવાસુદેવ ભગવાનનું પૂજન કર્યું.૨૨ 

(પછી ગાયો, વાછડાઓ, બળદો અને વાછરડીઓને હળદર, કુંકુમ અને પુષ્પોના હારવડે પૂજન કરી શ્રીહરિની આજ્ઞાથી શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ ખેલવ્યાં, પછી ગોમયનો ગોવર્ધનગિરિ તૈયાર કરી તેમની પૂજા કરાવી.) પછી શ્રીવાસુદેવનારાયણના મંદિરમાં અન્નકૂટની રચના કરવા માટે પૂજારીએ જુદા જુદા રંગોની રંગોળી પુરી.૨૩ 

મંદિરના દ્વારપર આસોપાલવ અને આંબાનાં તોરણ બંધાવી કેળના સ્થંભ મૂકાવ્યા.૨૪ 

પછી શ્રીવાસુદેવ ભગવાનની આગળ પકવાન્નોથી ભરેલાં પાત્રો મૂકવામાટે ચારખૂણાવાળાં પાટીયાં સીડીની પેઠે ઉતરતા ક્રમે ગોઠવવામાં આવ્યાં.૨૫ 

અને પૂજારી વિપ્રે મધ્યાહ્ન સમયે પૂજા કરવામાં ઉપયોગી સમગ્ર ઉપચારો ભેળા કરીને અન્નકૂટ રચના કરવાની ઉત્કંઠાવાળા થઇ મુકુન્દાનંદ વર્ણીની સાથે ભગવાન શ્રીહરિના આદેશની પ્રતીક્ષા કરવા લાગ્યા.૨૬ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં ઉપયોગી પક્વાન્નો તૈયાર કરવામાં ક્ષત્રિય બહેનોની સેવાનું નિરૂપણ કર્યું એ નામે પંદરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૫--