અધ્યાય - ૧૬ - અમાવાસ્યાની અંતિમ રાત્રી અને નવાવર્ષનો પ્રથમ પ્રહર. ઉત્તમરાજાએ શ્રીહરિની પૂજા કરી.

અમાવાસ્યાની અંતિમ રાત્રી અને નવાવર્ષનો પ્રથમ પ્રહર. ઉત્તમરાજાએ શ્રીહરિની પૂજા કરી. દાદાખાચરે કરેલી શ્રીહરિની ધન્યાષ્ટક સ્તુતિ. ભુજના મલ્લભક્તોની મલ્લકુસ્તી.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ અમાવાસ્યાની રાત્રીના અંતિમ પ્રહરમાં અને પડવાના પ્રથમ પ્રહરમાં યોગનિદ્રાનો ત્યાગ કરી, કેટલાક પાર્ષદોને સાથે લઇ ઉન્મત્તગંગામાં સ્નાન કરવા પધાર્યા.૧ 

તેને નગરવાસી કોઇ જનો જાણી શક્યા નહિ, પરંતુ ધ્યાન કરવા વહેલા જાગીને ભજન કરતા સંતોને તેનો ખ્યાલ આવતાં તેઓ શ્રીહરિની પાછળ સ્નાન કરવા સાથે ગયા.૨ 

શ્રીહરિએ શાસ્ત્રોક્ત વિધિને અનુસારે નિત્ય સ્નાનાદિ કર્મનું અનુષ્ઠાન કરી, પોતાનાં દર્શન માટે મનુષ્યોની અહીં ભીડ થશે એવા ભયથી તત્કાળ પોતાના નિવાસ સ્થાને આવી, ધોયેલાં પવિત્ર વસ્ત્રો ધારણ કરી, ઉનના આસન ઉપર બેસી, લલાટ, હૃદય, બે ભુજા અને કંઠ એમ પાંચ જગ્યાએ ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું અને પ્રાતઃસંધ્યાનું ઉપાસન કરી ગાયત્રી મંત્રનો જપ અને જાતવેદસ અગ્નિમાં પ્રાતઃહોમ કરીને આદરપૂર્વક ષોડશોપચારથી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરી. પછી એકાગ્રચિત્તે ગુરુ રામાનંદ સ્વામીએ ઉપદેશેલા શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનો ગોમુખીમાં રહેલી તુલસીની માળાવડે જપ કર્યો.૩-૫ 

તે સમયે ઉન્મત્ત રાજા ભગવાન શ્રીહરિની સમીપે પધારી નમસ્કાર કરી ચંદન, ચોખા, પુષ્પો, નવીનવસ્ત્રો અને આભૂષણોથી પૂજા કરી અને શ્રીહરિ ગંગાએથી સ્નાન કરી તત્કાળ પધાર્યા છે, એમ જાણી વિસ્મય પામતા ધન્યાષ્ટકથી પોતાના સ્વામી શ્રીહરિની આદરપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા.૬-૭ 

દાદાખાચરે કરેલી શ્રીહરિની ધન્યાષ્ટક સ્તુતિ :- હે પ્રભુ ! તમે જ્યારે અતિશય સુંદર ઉતાવળી ચાલે ચરણકમળને આગળ મૂકતા ચાલો છો ત્યારે સંતોનાં મંડળો તમને જોઇને તત્કાળ પોતાના કમંડલુ અને કંથાને સાથે લઇ તમારી આસપાસ તમારી પાછળ દોડતા આવે છે.૮ 

હે હરિ ! તમારે સામાન્ય મનુષ્યોની જેમ કર્મવશપણું નથી, જેથી પ્રાતઃકાળમાં ઉઠીને પ્રતિદિન નદીએ સ્નાન કરવા જવાનું નિયમ હોય પરંતુ આપ ઉન્મત્તગંગા તરફ સ્નાન કરવા જ્યારે ગમન કરો છો ત્યારે આપનું એ ગમન સમસ્ત દેહધારીઓને માટે પરમ આનંદનું કારણ સિદ્ધ થાય છે. અને એવો ભાવ રાખીને જ તમે પ્રાતઃકાળે ઉન્મત્તગંગામાં સ્નાન કરવા જાઓ છો. કારણ કે તમારી આ દિવ્યમૂર્તિનું દર્શન એવું છે કે દર્શન કરનાર મનુષ્યને ધન્ય ધન્ય કરી દે છે.૯ 

હે હરિ ! આ વૃક્ષો તમોગુણ પ્રધાન હોવા છતાં તમારી કરુણા ભરેલી દૃષ્ટિનો કૃપાપ્રસાદ મળતાં તેનો તમોગુણ નાશ પામ્યો છે. તેથી તમારે વિષે તેને પ્રેમભાવ પ્રગટ થતાં મધુધારાના મિષથી તે વૃક્ષો પણ પોતાને વિષે ધારણ કરેલાં ફળ પુષ્પોને કારણે વિનમ્ર થઇ તમારી પૂજામાં તત્પર સંતોની જેમ કૃતાર્થ થયાં છે. કારણ કે તે પણ તમને ફળ, પુષ્પ અર્પણ કરી તમારી પૂજા કરી નમસ્કાર કરે છે.૧૦ 

હે હરિ ! આપ જ્યારે ઉન્મત્તગંગા પ્રત્યે સ્નાન કરવા પધારો છો, ત્યારે અનેક પક્ષીઓ પણ તમારાં દર્શન કરી તત્કાળ પોતપોતાની જાતિના શબ્દોનો ત્યાગ કરી મૌન ધારણ કરે છે, અને વૃક્ષોની ડાળીઓનો આશ્રય કરી શરીરના અવયવોને સ્થિર કરી તમારા અંગનું ચિંતવન કરતાં કરતાં મૂર્તિનું સુખ પ્રાપ્ત કરે છે. તેથી તેઓને પણ ખૂબજ ધન્યવાદ ઘટે છે.૧૧ 

હે હરિ ! જ્યારે તમે ઉન્મત્તગંગામાં સ્નાન કરવા પધારો છો, ત્યારે વનનાં મૃગલાં આદિ પશુઓ તિર્યગ્જાતિમાં જન્મ્યાં હોવા છતાં પણ ઊંચી ડોક કરીને કેવળ તમારાં દર્શન કરવાનું તાન રાખતાં હોવાથી સમાધિનિષ્ઠ મુનિઓની જેમ શરીરનું ભાન ભૂલી, તમારી મૂર્તિનાં દર્શન કરી અંતરમાં તેનું જ સુખ પ્રાપ્ત કરતાં અચળ દૃષ્ટિ કરી સ્થિર બેસી રહે છે, તેથી પૃથ્વી પર તેઓને પણ ખૂબજ ધન્ય છે.૧૨ 

હે હરિ ! ઉન્મત્તગંગાના માર્ગમાં આપ જ્યારે પસાર થાઓ છો ત્યારે આપનાં દર્શન કરતાંની સાથે જ વનમાં ફરનારી ભીલવનિતાઓ તે જ ક્ષણે પોતાના દેહસંબંધી અને ઘરસંબંધી કાર્યો છોડીને તત્કાળ તમારી પાસે આવે છે અને પૃથ્વીપર પડી શાસ્ત્રનું જ્ઞાન ન હોવાથી પંચાંગ પ્રણામ કરવાને બદલે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી તમને નમસ્કાર કરે છે તેથી આલોકમાં તેઓને ધન્ય છે.૧૩ 

અને સ્વયંગંગા પણ આપ જ્યારે તીરે પધારો છો ત્યારે આપનાં દર્શન કરતાંની સાથે તેના અંગમાં ભરેલો પ્રચૂર ભક્તિરસ નીતરવા લાગે છે. અને પોતાના ઉછળતા તરંગોથી અતિશય ચંચળ થઇ ઉઠે છે. તથા તમારાં દર્શન થવાથી ઉપજેલા આનંદથી પરવશ થઇ આપની સેવા કરવા લાગે છે. તેથી ઉન્મત્તગંગાને પણ ધન્ય છે.૧૪ 

વળી ગંગાના તટપર બેઠેલા રાજહંસો પોતાની મંદમંદ ચાલની ચતુરાઇ ભૂલી આપની ચાલનું મનમાં ચિંતવન કરવામાં મશગૂલ થઇ જતાં મુક્તભાવને પામેલા મહાપુરુષ એવા પરમહંસોની જેમ બહાર તથા અંતરમાં થયેલાં આપનાં દર્શનના આનંદમાં મગ્ન થઇ જાય છે તેથી તેને પણ ધન્ય છે.૧૫ 

હે શ્રીહરિ ! સંતોની સાથે ઉન્મત્તગંગામાં જળક્રીડાયુક્ત સ્નાન કરીને ધોયેલાં શ્વેતવસ્ત્રો પરિધાન કરીને મારા ભવનમાં પધારી આપ અહીં બિરાજમાન થયા છો ત્યારે કમળપત્ર સમાન વિશાળ નેત્રો તથા મંદમંદ હાસ કરતા મુખારવિંદથી શોભતા આપના આ સ્વરૂપને હું મારા હૃદયમાં ધારણ કરું છું તેથી હું પણ આલોકમાં ધન્ય થયો છું.૧૬ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજા ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી રહ્યા તે સમયે ગઇ કાલે દીપાવલીને દિવસે શ્રીહરિની પૂજાનો અવસર પ્રાપ્ત નહિ થતાં અમદાવાદના હેમંતરામ આદિ ભક્તજનો ભગવાન શ્રીહરિના અક્ષરભુવનના દ્વારે આવી ઊભા રહ્યા.૧૭ 

પાર્ષદ કરીમ નામના દ્વારપાળ તેમના આગમનના સમાચાર શ્રીહરિને આપ્યા. તેથી શ્રીહરિએ તેમને સમીપે આવવાની આજ્ઞા આપી,તેથી તેઓ અંદર આવ્યા ને પ્રણામ કરી ભગવાન શ્રીહરિનું પૂજન કરવા લાગ્યા.૧૮ 

સુવર્ણના તારથી ગૂંથેલાં વિચિત્ર બુટ્ટાંઓએ યુક્ત, લાલરંગનાં સુરવાલ, જામો, ડગલી આદિ વસ્ત્રોથી તથા સૂક્ષ્મ તંતુઓથી વણેલાં મોઘાં લાલરંગનાં લાંબાં મસ્તક પર બાંધવાનાં મોળીયાંઓ, ઉત્તરીયવસ્ત્રો, કેડમાં બાંધવાનાં વસ્ત્રો, સુવર્ણનાં કડાંઓ આદિ આભૂષણોથી તથા ચંદન, ચોખા, પુષ્પોના હારથી અને આરતી ઉતારીને શ્રીહરિનું પૂજન કર્યું. પછી શ્રીહરિની આગળ પતાસાં, સાકરના પડિયાઓ તથા ફળોની ભેટ ધરીને પોતપોતાને સ્થાને ગયા.૧૯-૨૧ 

ત્યારપછી ભગવાન નારાયણ તે લાલરંગનાં વસ્ત્રો ધારણ કરી લીંબતરુ નીચે વેદિકા ઉપર સ્થાપન કરેલાં સિંહાસન પર આવીને વિરાજમાન થયા.૨૨ 

ત્યારે સર્વે સંતો તથા હરિભક્તોના સંઘે સંઘ સભામાં પૂર્વની જેમ પોતપોતાની મર્યાદામાં બેસી ગયા.૨૩ 

સોમલાખાચર, સુરાખાચર, રતનજી, ભગુજી આદિ પાર્ષદો પણ શ્રીહરિની સેવામાં છત્ર, ચામર, વીંજણો ધારણ કરીને ઊભા રહ્યા. તે સમયે વાજિંત્રો વગાડવામાં નિપુણ સંતો ભક્તોએ વાજિંત્રો વગાડયાં અને તેની સાથે ગાન કર્યું.૨૪ 

તે સમયે શ્રીહરિ સભામાં બેઠેલા પંડિત દીનાનાથભટ્ટને જોઇ પ્રસન્ન થયા ને પોતાનાં અંગ ઉપરથી અમૂલ્ય વસ્ત્રોમાં ડગલી, કેડમાં ધારણ કરેલો પટકો, ઉત્તરીય વસ્ત્ર અને મસ્તક ઉપરથી મોળીયું ઉતારી અર્પણ કરી દીધું.૨૫-૨૬ 

અને ખોબો ભરાય તેટલા રૂપીયાની ધાર કરીને દક્ષિણા આપી. ભગવાનના અનુગ્રહની ઇચ્છા મોટામોટા યોગી પુરુષો રાખતા હોય તેવો જબરો અનુગ્રહ શ્રીહરિએ ભટ્ટજી ઉપર કર્યો.૨૭ 

ભુજના મલ્લભક્તોની મલ્લકુસ્તી :- હે રાજન્ ! તે સમયે ભુજના ગંગારામ વગેરે મલ્લભક્તો મલ્લ કુસ્તીદ્વારા શ્રીહરિની કૃપા દૃષ્ટિ મેળવવા માટે પોતાની ભુજાઓ ઠપકારી મલ્લકુસ્તીની તૈયારી કરવા લાગ્યા.૨૮ 

તે જોઇ શ્રીસ્વામિનારાયણ ભગવાને કુસ્તી કરવામાં ઉત્સુક થયેલા ગંગારામ આદિક ભક્તજનોને રાજી કરવા હાથના ઇશારાથી રમવાની આજ્ઞા આપી.૨૯ 

તેથી તે મલ્લો દૃઢ કછોટા બાંધી કુદવા લાગ્યા અને મલ્લકુસ્તીની ચેષ્ટાથી શ્રીહરિએ સહિત સર્વે સંતો ભક્તોને હસાવવા લાગ્યા.૩૦ 

મલ્લકુસ્તીમાં ઉત્થાપન, ઉન્નયન, ચાલન, સ્થાપન, આકર્ષણ, શૃંખલન, પ્લવન અને તાડન આદિ બત્રીસ પ્રકારના ભેદોની રમતોમાં મલ્લોનું ચાતુર્ય નિહાળી શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરી અને ઉત્તમરાજા પાસે તેઓને અનંત પ્રકારનાં વસ્ત્રોનું દાન કરાવ્યું.૩૧-૩૨ 

તે સમયે યુક્તિ-પ્રયુક્તિપૂર્વક સમયોચિત વાત કરવામાં ચતુર અને અવસરને પારખવામાં બુદ્ધિમાન બ્રહ્માનંદમુનિ હસતા હસતા શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! ગઇ કાલે તમોએ અમોને આજના દિવસે પૂજા કરવાની વાત કરેલી તેનું અત્યારે અમને પાલન કરવું કે નહિ ? કારણ કે આ ઉત્સવમાં ત્યાગી સંતો સિવાયના સર્વે ભક્તજનોના મનોરથ પૂર્ણ થયા છે. આપ કહો તેમ કરીએ.૩૩-૩૪ 

હે રાજન્ ! બ્રહ્માનંદમુનિનું આવું યુક્તિપૂર્વકનું વચન સાંભળી ભગવાન શ્રીહરિ સર્વે સંતો તથા બ્રહ્મચારીઓને કહેવા લાગ્યા કે, તમો સર્વે અત્યારે જ એક એક આવી જલદીથી પૂજન કરો.૩૫ 

હે રાજન્ ! શ્રીહરિની આજ્ઞા થતાં સર્વે ત્યાગી સંતો તથા બ્રહ્મચારીઓ ચંદનનું પાત્ર, પુષ્પમાળા, મંજરી અને ધૂપ આદિ હાથમાં લઇ ભગવાન શ્રીહરિનું પૂજન કરવા ઊભા થયા. નિર્મળ અંતઃકરણવાળા, શુભ સંસ્કારયુક્ત મનવાળા, શ્રીહરિની સેવા કરવાવાળા પાર્ષદોમાં શ્રેષ્ઠ મુકુન્દાનંદ તથા વાસુદેવાનંદ બ્રહ્મચારી આદિ વર્ણીઓ તથા મુક્તાનંદ, ગોપાળાનંદ, બ્રહ્માનંદ સ્વામી વિગેરે સંતો અતિશય આનંદ પામતા નેત્રોદ્વારા કરુણા વરસાવી રહેલા પરમેશ્વર શ્રીહરિની સમીપે આવી પૂજા કરવા લાગ્યા.૩૬-૩૭ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ પર ઉત્તમરાજાએ ધન્યાષ્ટકથી સ્તુતિ કરી, મલ્લોએ કુસ્તી કરી તથા સંતો ભક્તોએ પૂજન કર્યું એ નામે સોળમો અધ્યાય પૂર્ણ થયો. --૧૬--