સર્વે બ્રહ્મચારી તથા સંતોએ શ્રીહરિની સ્તુતિ કરી. ભક્તજનોએ કરેલી સ્તુતિ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! બ્રહ્મચારીઓ તથા સંતોએ ઘસેલું ચંદન, તુલસી આદિકથી શ્રીહરિનું ભાવપૂર્વક પૂજન કરી સ્તુતિ કરવા લાગ્યા.૧
પ્રથમ મુકુન્દાનંદ બ્રહ્મચારી સ્તુતિ કરે છે :- હે પ્રભુ ! તમે સર્વે અવતારના અવતારી નારાયણ છો, આથી પૂર્વેના મત્સ્ય, કૂર્મ, વરાહ, કપિલ, હરિ, વાસુદેવ, પૃથુ, દત્તાત્રેય, હંસ, નૃસિંહ, ઋષભ, વામન, પરશુરામ, યજ્ઞાનારાયણસ રામ, સનકાદિક, હયગ્રીવ, નારદ, રાજરાજ, વ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, નરનારાયણ અને ધન્વંતરી આદિ અનેક અવતારોને ધારણ કરનારા તમે જ છો એવા હે નારાયણ ! હું તમને કાયા, મન, વાણીથી, નમસ્કાર કરું છું.૨
મુક્તાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે વિભુ ! હે સર્વના અંતર્યામી ! તમે અધર્મસર્ગરૂપ કલિયુગ થકી આશ્રિતોનો ઉદ્ધાર કરવાનો શુભ સંકલ્પ કરીને પોતાના આનંદમય દિવ્યસ્વરૂપથી આ પૃથ્વી પર પ્રગટ થયા છો. આ તમારૂં દિવ્યસ્વરૂપ અનેક પ્રકારના પુષ્પોના તોરાઓની પંક્તિથી વિરાજીત, ચળકતા ભાલમાં શોભાયમાન ઊર્ધ્વપુંડ્ર તિલકને ધારી રહેલ છે. સુંદર કમળના પત્રની સમાન લાંબાં તેમજ ચંચળ નેત્રોમાંથી વરસતી કૃપાદૃષ્ટિ સર્વે જીવ સમુદાયને સંસારના બંધનમાંથી મુક્ત કરે છે, અમૂલ્ય લાલવસ્ત્રથી બાંધેલી કેડ ઉપર બન્ને હાથ ટેકવીને ઊભેલા અને બન્ને બાહુમાં રત્નજડિત બાજુબંધ ધારણ કરેલા તથા કંઠને વિષે સુગંધીમાન મનોહર પુષ્પોની માળાને ધારણ કરેલાં તમારાં આ દિવ્ય સ્વરૂપમાં મારૂં મન સદાય સ્થિર રહો.૩
ગોપાળાનંદ સ્વામી સ્તુતિ કરે છેઃ- હે પ્રભુ ! હે કરૂણાના સાગર ! હે અનંત સૂર્યોના સમૂહ સમાન તેજોમય વિશાળ બ્રહ્મપુર ધામને વિષે નિવાસ કરનારા ! તમારો સદાય સર્વત્ર વિજય થાઓ. હે સ્વામિન્ ! હે નારાયણ ! હે અનુપમ મૂર્તિ ! હે પોતાના ભક્તજનોને મહા આનંદને આપનારા ! તમારો સદાય સર્વત્ર જય થાઓ, જય થાઓ. તમારૂં આ મનોહર સ્વરૂપ મારી દૃષ્ટિ આગળ નિરંતર નિવાસ કરીને રહો.૪
બ્રહ્માનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે શોભાયમાન તોરાઓની પંક્તિઓને મસ્તક ઉપર પાઘને વિષે ધારણ કરનારા ! હે પ્રભુ ! મારૂં મન તમારા આ મનોહરરૂપને એક ક્ષણવાર પણ ત્યાગ ન કરે, સમસ્ત લોકનો અનાદર કરી મેં શિર સાટે એક તમને વર્યા છે. કોઇ મારાં મસ્તકનો નાશ કરે તે મંજૂર છે પણ તમારો વિયોગ મને જરાય મંજૂર નથી. કદાચ મસ્તક જાય તોય હું તમને નહીં છોડું.૫
આનંદાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે ભગવાન્ ! સર્વ ભક્તજનોએ સુગંધીમાન ચંદનથી તમારા સર્વઅંગમાં લેપન કરી પૂજન કર્યું છે. અને અનેક પ્રકારનાં નવીન વસ્ત્રો ધારણ કરવાથી જે અતિશય મનોહર લાગે છે, અને સુંદર રત્નજડિત આભૂષણો ધારણ કરવાથી શોભાયમાન છે, એવાં આપનાં આ દિવ્ય સ્વરૂપને મારા હૃદયમાં સદૈવ ધારણ કરું છું.૬
નિત્યાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે શ્રીહરિ ! આપનાં કમળ સમાન કોમળ, સદાય ધ્યાનપરાયણ પોતાના ભક્તજનોના હૃદયમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરવાના સ્વભાવવાળાં, વજ્ર, કમળ અને ઊર્ધ્વરેખા આદિ સોળ ચિહ્નોથી અંકિત એવાં આપનાં બન્ને ચરણ કમળમાં મારાં બન્ને નેત્રો ભ્રમરનો ભાવ ધારણ કરી સદાય મગ્ન રહે.૭
મહાનુભાવાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે હરિ ! કોઇ પણ માનવ કેવળ તમારી કથાનું શ્રવણ કરે તો પણ તેને જન્મમરણરૂપ સંસારના ચક્રમાં ભમવું પડતું નથી. તો પછી સાક્ષાત્ આપનું દર્શન કરનાર માનવને સંસારના ચક્રમાં ભમવાનું ક્યાંથી હોય ? ન જ હોય. આવા મહિમાવાળા આપનું હું સદાય ભજન કરૂં છું.૮
શુકાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે પ્રભુ ! તમે પ્રકૃતિ નામની મૂળ માયાના અતિશય ગાઢ અંધકારથી પર રહેલા પોતાના અક્ષરધામને વિષે રહેલા, તેમજ સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને ઐશ્વર્ય આદિ અનંત સદ્ગુણોથી યુક્ત અક્ષરબ્રહ્મ થકી પણ પર વિરાજતા એવા સ્વયં વાસુદેવ છો. અતિશય તેજોમય દિવ્ય શરીરધારી અસંખ્ય અક્ષરમુક્તો તમારાં ચરણ કમળનું સદાય સેવન કરે છે. એવા તમે અત્યારે પૃથ્વીપરના જીવો ઉપર કૃપા કરીને દિવ્ય માનવરૂપ ધારણ કરી નારાયણમુનિ નામે પ્રસિદ્ધિ પામ્યા છો. આ પૃથ્વી પર પોતાનું અક્ષર થકી પણ પર એવા પુરુષોત્તમપણાનું સર્વોપરી જ્ઞાન પ્રવર્તાવનારા, પોતાના એકાંતિક ભક્તજનોના નેત્રોને આનંદ આપવા અને એકાંતિક ધર્મનું રક્ષણ કરવા કરુણા કરીને આ પૃથ્વી પર મનુષ્યાકૃતિને ધારણ કરી, પોતાના એકાંતિક ભક્તજનોના અંતરના માન, ઇર્ષ્યા આદિ શત્રુઓનો વિનાશ કરનારા, મનુષ્યોને સમાધિમાં અનંત ધામો તથા તેના વૈભવો સહિત ઐશ્વર્યનું દર્શન કરાવનારા, શ્વેત વસ્ત્રો તથા પુષ્પોના હારને ધારણ કરી વિરાજી રહેલા અને સમુદ્ર પર્યંત જે પ્રખ્યાતિને પામ્યા છો, એવા આપને વિષે મારું મન સદાકાળ લીન રહો.૯-૧૦
સ્વયંપ્રકાશાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે સ્વામિન્ ! તમે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાવાળા શરીરમાં રહેલા જીવના સાક્ષી છો. તેથી જીવ થકી પણ તમે પર છો, તેમજ માયા આદિક જે શક્તિઓ છે તેના પણ તમે નિયંતા છો, અને તેનાથી પણ તમે પર છો, વળી વિરાટદેહના અભિમાની વૈરાજપુરુષ, સુત્રાત્મા દેહના અભિમાની હિરણ્યગર્ભપુરુષ અને અવ્યાકૃત દેહના અભિમાની ઇશ્વરપુરુષ આ ત્રણેના તમે ઇશ્વર છો. આવી રીતે સર્વ થકી પર એવા તમે અક્ષરધામમાં સદાય રમણીય લીલા વિસ્તારીને વિરાજી રહ્યા છો. છતાં અનંત જીવો ઉપર કૃપા કરીને મનુષ્યાકૃતિ ધરી સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ સ્વરૂપે મારી સન્મુખ વિરાજી રહેલા તમારે વિષે મારૂં મન સદાય તલ્લીન રહો.૧૧
આત્માનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે પ્રભુ ! આ પૃથ્વી પર નહિ ભણેલા તમારા આશ્રિત સામાન્ય મનુષ્યોને પણ તમારી કૃપાને કારણે શાસ્ત્રાર્થમાં વિદ્વાન પુરુષો પણ જીતી શકવા સમર્થ થતા નથી. કારણ કે સમગ્ર શાસ્ત્રની ઉત્પત્તિના કારણભૂત તમે વિરાજો છો, એવા તમે અત્યારે પૃથ્વી પર નારાયણમુનિ એવા નામથી પ્રસિદ્ધિને પામેલા સર્વના સ્વામી એવા તમારી હું ભક્તિ કરૂં છું.૧૨
ચૈતન્યાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે ગુરુઓના પણ ગુરુ ! હે નાથ ! એક પરમહંસના સ્વરૂપમાં રહેલી આપની આ મૂર્તિનું મારા હૃદયમાં ચિંતવન કરું છું. મારી બુદ્ધિ તમારા સિવાય અન્ય આપત્તિરૂપ માયિક પદાર્થોમાં આસક્ત ન થાઓ, પરંતુ સદાય એક તમારે વિષે જ આસક્ત થઇને રહો.૧૩
ભજનાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે હરિ ! તમે શોકરૂપી મહાસાગરમાં બહુ પ્રકારે પીડાતા જનસમુદાયને સુખી કરવા પરમ કૃપાવડે આ પૃથ્વીપર મનુષ્યશરીર ધારણ કર્યું છે, અનંતકોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણભૂત તેમજ સકલ આત્માઓના અંતર્યામી આત્મા, એવા તમને હું મારા હૃદયમાં ધારણ કરું છું.૧૪
પરમચૈતન્યાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે પ્રભુ ! તમે સંસારનાં સમગ્ર દુઃખોનો વિનાશ કરો છો, જ્ઞાનનો ઉપદેશ આપી પોતાના ભક્તજનોના અંતરને ધોઇને સાફ કરો છો, કમળપત્રની સમાન વિશાળ અને ખંજન પક્ષીના જેવાં ચંચળ નેત્રોને ધારણ કરો છો અને ભક્તજનોને રંજન કરાવો છો, એવા હે શ્રીહરિ ! તમને હું નમસ્કાર કરું છું.૧૫
પરમાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે પ્રભુ ! એકાંતિક ધર્મમાં નિષ્ઠાવાળા તથા કાળમાયાના ભયથી રહિત એવા મહામુનિ મુક્તાનંદ સ્વામી જેવા મહર્ષિ મુક્ત પુરુષોએ ચંદનાદિકથી પૂજેલા અને સ્તુતિ કરાતા એવા આપ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આ પૃથ્વી પર મનુષ્યાકૃતિ ધારણ કરી નરના સખા સાક્ષાત્ નારાયણમુનિ તમને કાયા, મન, વાણીથી હું સદાય વંદન કરૂં છું.૧૬
કૃષ્ણાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે ભગવન્ ! તમો સંકર્ષણરૂપે થઇને અવ્યાકૃત શરીરના અભીમાની ઇશ્વરથી આદરપૂર્વક ઉપાસના કરાઓ છો અને પ્રદ્યુમ્નરૂપે થઇને વિરાટ્ શરીરના અભિમાની વિષ્ણુથી ઉપાસના કરાઓ છો અને અનિરૂદ્ધરૂપે થઇને સૂત્રાત્મા શરીરના અભિમાની બ્રહ્માથી ઉપાસના કરાઓ છો, આ રીતે સર્વના નાથ તમોને હું નમસ્કાર કરું છું.૧૭
ભગવદાનંદમુનિ સ્તુતિ કરે છે :- હે શરણાગત રક્ષક ! કામદેવના બાણથી દુઃખી હૃદયવાળા, સર્વે ઇન્દ્રિયોનું પોષણ કરવામાં આસક્ત અને તિલક, માળા આદિ ચિહ્નો ધારણ કરી મનુષ્યોની આગળ વિષ્ણુભક્તપણાનો ખોટો દંભ કરતા મિથ્યા ગુરુઓ તમારા એક આત્મારામ મુનિઓએ જ સેવવા યોગ્ય માર્ગને સમજી શકતા નથી. અને તમે તો આ જગતમાં મુમુક્ષુઓને શોધી તેમનું હિત કરવા જ પ્રગટ થયા છો. તમે સદાય નમ્ર થઇ આપને શરણે રહેલા અકિંચન સાધુપુરુષોના એક માલિક છો, એવા હે ભગવાન શ્રીહરિ ! તમને હું વારંવાર નમસ્કાર કરૂ છું.૧૮
શિવાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે નારાયણ ! પોતાના ભક્તજનોની ઇચ્છાને પૂર્ણ કરનારા, સંસારસાગરમાંથી પોતાના ભક્તજનોને તારવા માટે દયારૂપી આભૂષણને ધારણ કરનારા, શરણાગતોનું રક્ષણ કરનારા એવા આપના શ્રીચરણોમાં શરણે આવ્યો છું, તો આપના ચરણો જ મારા મનનું નિવાસ સ્થાન થાઓ.૧૯
વાસુદેવાનંદ બ્રહ્મચારી સ્તુતિ કરે છે :- હે નાથ ! તમે સકલ મુનિજનોના સ્વામી છો. એકાંતિક ધર્મ તથા આત્યંતિક મોક્ષરૂપ સમુદ્રમાં ભરતી કરવામાં ચંદ્રરૂપ છો. વિષ્ણુયાગ આદિ યજ્ઞોના અનુષ્ઠાન કરી બ્રહ્માદિદેવતાઓને તમે સુખી કરનારા છો. મારા પ્રાણના તમે પતિ છો. તમારામાં અનંત ઐશ્વર્યાદિ ગુણો હોવા છતાં એક અણુમાત્ર જેટલો પણ મદ પ્રગટ થતો નથી. તમે સર્વત્ર વિચરણ કરીને અનંત દેશોને પવિત્ર કર્યા છે. તથા તે દેશોમાં રહેતા જનોને પણ પવિત્ર કર્યા છે. ઉત્તમ નટના સમાન મનુષ્યવેષને ધારી રહેલા અને મસ્તક ઉપર મંજુલ કેશને ધારી રહેલા તમને હું ભજું છું.૨૦
આત્માનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે શ્રીહરિ ! તમે અધર્મના હેતુભૂત કલિયુગનો તથા અસુરોનો વિનાશ કરો છો, પોતાના પુરૂષોત્તમપણાના જ્ઞાનનો સર્વત્ર પ્રકાશ કરો છો. બ્રહ્મા અને શિવ આદિ અનેક દેવો પણ તમારી પોતાના કાર્યની સિદ્ધિ માટે પ્રાર્થના કરે છે. અનીશ્વરવાદી સંપ્રદાયોના સિદ્ધાંતોનું સત્શાસ્ત્રના પ્રમાણિક વચનોથી ખંડન કરી સેશ્વરવાદનું સ્થાપન કરો છો. પોતાના ભક્તજનોના કામક્રોધાદિ અંતઃશત્રુઓનો વિનાશ કરો છો. અભિમાનીઓના માનનું મર્દન કરો છો. અને જેના વિશાળ ભાલમાં ભક્તજનોએ કેસર મિશ્રિત ચંદનની અર્ચા કરી છે એવા, હે હરિપ્રસાદના પુત્ર ધર્મનંદન ! તમોને હું નમસ્કાર કરું છું.૨૧
કપિલેશ્વરાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે સ્વામિન્ ! તમારો પ્રતાપ હૃદયમાં પડેલા લોભાદિ શત્રુઓનો પરાભવ કરવામાં સમર્થ, બુદ્ધિની જડતારૂપ અંધકારના પડળને તોડવામાં ચતુર, તેમજ પાપના પૂંજને પ્રજાળવામાં સમર્થ છે, તેથી તે પ્રતાપથી મારા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ ત્રણ પ્રકારના તાપનો અને પૂર્વ જન્મના પાપસમૂહનો વિનાશ કરો. હું તમારે શરણે છું.૨૨
ભૂધરાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે પ્રભુ ! તમે પૃથ્વીનો ભાર ઉતારનારા, ક્ષમારૂપી સદ્ગુણોના મહાસાગર છો. ક્ષુદ્રકૌલમતના વિધ્વંસક છો. અનેક રાજાઓ તમારા ચરણકમળનું સેવન કરે છે. બ્રાહ્મણોનું રક્ષણ કરનારા, ઇન્દ્રિયોના ક્ષોભથી રહિત હોવાથી અમીમયદૃષ્ટિદ્વારા આત્મપ્રિય ભક્ત સમુદાયને નિહાળો છો, એવા શ્રીવાસુદેવ તમે આ પૃથ્વીપર અમારૂં સદાય કલ્યાણ વિસ્તારો.૨૩
યોગાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે ભગવાન ! જેની પ્રસન્નતાથી અષ્ટાંગયોગના અભ્યાસ વિના પણ મનુષ્યોને તત્કાળ ત્રણ અવસ્થાથી પર એવો સમાધિયોગ પ્રાપ્ત થાય છે, તેવો અનુગ્રહ કરનારા દયાળુ તમને હું ભજું છું.૨૪
પૂર્ણાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે ધર્મનંદન ! તમે ડોલરીયાની સુંદર માળા કંઠમાં ધારી છે. તમે અનંત જન્મોનાં પાપના પૂંજનો તથા ત્રણ પ્રકારના તાપનો વિનાશ કરનારા છો. વિશાળભાલમાં સુંદર ઊર્ધ્વપુંડ્ર તિલકને ધારણ કરનારા અને પોતાના ભક્તજનોના સમુદાયનું પાલન કરનારા છો. તમે ભક્તજનોના જન્મમરણરૂપ જાળનું ભેદન કરનારા અને કાળમાયાને પણ ભય ઉપજાવો છો, તથા પોતાના આશ્રિત પરમહંસોને અત્યંત સુખ આપનારા હે ધર્મના બાલ તમને હું ભજું છું.૨૫
ગુણાતીતાનંદ સ્વામી સ્તુતિ કરે છે :- હે નારાયણમુનિ ! તમે તમારા ભક્તજનોના સમુદાયને ખૂબજ આનંદ ઉપજાવો છો. મંદમંદ હાસ્યથી યુક્ત પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર મુખકમળવાળા છો. દયાના સાગર, શાંતાકાર, અનેકપ્રકારના અલંકારોમાં શોભી રહ્યા છો, તેમજ ભક્તજનોએ અર્પણ કરેલાં અમૂલ્ય વસ્ત્રોને ધારણ કરી ઉત્તમ નટની સમાન શોભાને ધારણ કરનારા તમારા શરણે હું આવ્યો છું. દયા રાખજો.૨૬
પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે સંતો દંડક છંદથી સ્તુતિ કરે છેઃ- હે શ્રીજીમહારાજ ! હે માયાના પતિ ! હે લક્ષ્મીપતિ ! તમારો જય થાઓ, જય થાઓ. તમે સૃષ્ટિના આદિ કાળમાં પોતાના અવતારસ્વરૂપ વૈરાટનારાયણના નાભિકમળમાંથી પ્રગટ થયેલા કમળમાં પ્રગટેલા બ્રહ્માજી, તેમજ તેના થકી સર્જાયેલી સમસ્ત પ્રજાજનોને જન્મમરણના દુઃખમાંથી છોડાવવા માટે ધર્મભક્તિને ઘેર પ્રગટ થયા છો, અનંત ચંદ્રના કિરણોની જેમ પ્રકાશિત એવી ચરણકમળના નખમંડળની કાંતિથી, પોતાના ચરણનું ધ્યાન કરનારા ભક્તોના હૃદયરૂપી અંધારી ગુફામાંથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરો છો. એવા તમારો જય થાઓ. હે આદિ દેવ ! સકલ કારણના પણ કારણ ! હે વીજળીની પ્રભા જેવાં ચળકતાં વસ્ત્રોને ધારણ કરનારા ! હે સાધુજનોને આનંદ આપનારા ! હે ગોવિંદ ! હે પ્રણામ કરતા ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન ચરણકમળ વાળા ! હે પાતાના આશ્રિતોને માટે સર્વોત્તમ કલ્યાયણના એક સ્થાનભૂત ! હે અક્ષરધામના અધિપતિ ! તમે જેઓને સંસારમાંથી મૂકાવાની જરા પણ ઇચ્છા નથી, કે જેઓને યજ્ઞાદિકનું અનુષ્ઠાન કરવાની ઇચ્છા નથી, શાસ્ત્રસેવનની પણ ઇચ્છા નથી, તિતિક્ષા, લજ્જા આદિ ગુણોના આદરની પણ જેને ઇચ્છા નથી, પરંતુ કેવળ વિષયોમાં ચપળ ઇન્દ્રિયોનું પોષણ કરવામાંજ તત્પર છે, અશ્લીલવાણી બોલવામાં કુશળ છે, ઉધ્ધત અને તુચ્છ સ્વભાવને આધિન છે, એવા ક્ષુદ્ર ગુરુ કે રાજાના રૂપમાં ઉત્પન્ન થયેલા અસુરોનો વિનાશ કરવામાં તત્પર છો. તમો રાધા, રમા, બ્રહ્મા, અને શિવ દ્વારા પ્રેમપૂર્વક અનેક વિધ ઉપચારોથી પૂજન કરાયેલા, કોમળ વક્ષઃસ્થળવાળા, ક્ષમાનું રક્ષણ કરનારા, શિવજીના નિવાસસ્થાનભૂત કૈલાશ જેવા ધવલ અને ઉત્તમ યશને ધારણ કરનારા છો, હે સર્વના અંતર્યામી વિષ્ણુ ! તમે વલક્ષ નામના શુક્લપક્ષના અર્કરૂપ પૂર્ણિમાના ચંદ્રમા સમાન મુખારવિંદથી શોભતા, અને પોતાના આશ્રિતજનોના કામાદિક દોષનું નિવારણ કરનારા છો. એવા હે અક્ષરાદિ સર્વપ્રકાશ પુંજના આધારરૂપ ! હે સમગ્ર સુખના અધિપતિ ! તમે માયિક પદાર્થોની આશાઓ જેની શાંત થઇ ગઇ છે એવા નિર્મળ અંતઃકરણ યુક્ત પુરુષોના સ્વામી છો. અણિમાદિ સકલ સિધ્ધિઓના અધિપતિ છો. જીવ, ઇશ્વર, માયા, પુરુષ, અક્ષરબ્રહ્મ તથા પુરૂષોત્તમ એવા પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપનારા છો. તમે પોતાની મૂર્તિનું ધ્યાન કરનારા બધ્ધજીવોનો પણ ઉદ્ધાર કરનારા અને પોતાના ભક્તજનોનું રક્ષણ કરવા સારૂં અસંખ્ય અવતાર ધારણ કરનારા છો. તથા અધમના ઉદ્ધારક એવા હે પ્રભુ ! હે દિનબન્ધુ ! હે શ્રીહરિ ! તમે અમારા સર્વે ઉપર પ્રસન્ન થાઓ.૨૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સર્વે ત્યાગી, વર્ણીઓ તથા સંતો ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી રહ્યા ત્યારે અન્ય ભક્તજનો પણ પરમેશ્વર ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા.૨૮
ભક્તજનોએ કરેલી સ્તુતિ :- હે સ્વામિન્ ! અમો આલોકમાં ખૂબજ ધન્ય થયા છીએ. અમારૂં સમગ્ર કુળ કૃતાર્થ થયું છે. અમારાં તપ, દાન, ધ્યાન, વ્રત, હવન અને મૌનવ્રતનું આચરણ આદિ સાધનો પણ સફળ થયાં છે. હે ભગવાન્ ! જે જગતસ્રષ્ટા બ્રહ્માજી પોતાની ઉત્પત્તિના સ્થાનભૂત કમળની નાળમાં દેવતાઓનાં સો વર્ષ પર્યંત તમને શોધવા ચાલ્યા હતા છતાં તેને તમારું દર્શન થયું ન હતું, તેવા સર્વના આદિ કારણ અને કૃપા કરીને મનુષ્યાકૃતિને ધારણ કરી સદાય સત્યસ્વરૂપે અમારી આગળ પ્રત્યક્ષ બિરાજતા તમારાં અમે દર્શન કરી શકીએ છીએ. તેથી અમે ખૂબજ ધન્ય ભાગ્યશાળી છીએ.૨૯
હે નાથ ! પોતાના ભક્તજનોનો આ સંસારમાંથી અતિ ઉતાવળી ગતિએ ઉદ્ધાર કરવા જાણે કેડ ઉપર દૃઢ કછોટો બાંધી પીળું પીતાંબર ધારણ કરીને તેને શોભાયમાન લાલ ઉત્તરીય વસ્ત્રથી બાંધીને જાણે ઊભા હોયને શું ? એવા તમારા સ્વરૂપને વિષે અમારાં સર્વેનાં ચિત્ત હમેશાં તલ્લીન રહો.૩૦
હે નાથ ! આ લોકમાં અમારી વાણી તમારા સત્ય, શૌચાદિગુણોનું સદાય ગાન કર્યા રાખે, અમારા કાન તમારા અનેકવિધ ઉત્સવોનું વર્ણન કરતા ચરિત્રોનું નિત્ય શ્રવણ કર્યા રાખે, અમારાં નેત્રો આપની મૂર્તિનું સદાય દર્શન કરે અને અમારૂં મન આપની આ સૌંદર્યમૂર્તિનું નિત્યે ધ્યાન કર્યા રાખે એવી અમારી પ્રાર્થના છે.૩૧
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ પર પધારેલા સમગ્ર સંતમંડળે શ્રાીહરિની પૂજા કરીને સ્તુતિ કરી એ નામે સત્તરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૭--