ભગવાન શ્રીહરિએ અદ્ભૂત અન્નકૂટ રચના કરાવી.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અન્નકૂટને દિવસે આ પ્રમાણે ભક્તજનોએ સ્તુતિ કરીને શ્રીહરિને પ્રસન્ન કર્યા તેવામાં એક સ્ત્રીભક્ત રતિદેવી દૂર ઊભી રહી બન્ને હાથ જોડી ભગવાન શ્રીહરિને કહેવા લાગી કે, હે પ્રભુ ! અન્નકૂટમાટેની રસોઇ તૈયાર થઇ ગઇ છે. તે સાંભળી ભગવાન શ્રીનારાયણમુનિએ શ્રીરાધાકૃષ્ણદેવની આગળ અન્નકૂટ રચવાની પૂજારીને આજ્ઞા કરી.૧-૨
તે સમયે ભગવાન શ્રીરાધાકૃષ્ણની પૂજા કરવામાં નિત્યે તત્પર રહેતા શ્રેષ્ઠ પૂજારી ભૂદેવ અદ્ભૂત અન્નકૂટની રચના કરવા લાગ્યા.૩
તે અવસરે વાસુદેવાનંદ આદિ બ્રહ્મચારીઓ પકવાન્નો ભરેલાં પાત્રો શ્રીરાધાકૃષ્ણ દેવની આગળ લાવતા ગયા અને પૂજારી વિપ્ર યથાયોગ્ય ગોઠવતા ગયા. પછી શ્રીવાસુદેવ ભગવાનને નિવેદન કર્યું.૪-૫
તે સમયે મહાવ્રતવાળા મુકુંદાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી સ્નાન આચમનાદિવિધિ કરી પવિત્ર થઇને મંદિરમાં પધાર્યા અને ઠાકોરજીને પાનબીડું અર્પણ કરી મહાઆરતી કરવા લાગ્યા.૬
હે રાજન્ ! ત્યારે સ્વયં ભગવાન શ્રીનારાયણમુનિ આરતીનો ઘંટાનાદ સાંભળી તત્કાળ મંદિરે પધાર્યા અને બે હાથ જોડી શ્રીવાસુદેવ ભગવાનને પ્રણામ કર્યા.૭
ત્યારપછી ભગવાન શ્રીહરિ ઉત્તમ બ્રહ્મચારીઓએ ગોઠવેલા અન્નકૂટનાં દર્શન કર્યાં તેમાં અન્નકૂટ રચના કરવાની ચતુરાઇની પ્રશંસા કરતા નિહાળવા લાગ્યા.૮
તે અન્નકૂટમાં સો સો છીદ્રવાળાં સુંદર અને ગોળાકાર શ્વેતવર્ણનાં ઉપરાઉપર પંક્તિબદ્ધ ગોઠવેલાં ખાજાં, અને પીઠ ઉપર ગોઠવેલી જલેબી ભગવાન શ્રીહરિએ નીહાળી ખૂબજ પ્રશંસા કરી. વળી વિશાળ પાત્રમાં પર્વતના આકારે ગોઠવેલો બહુ ઘી અને સાકરયુક્ત શીરો, પુષ્કળ ઘી મિશ્રિત કંસાર, ઉપરાઉપર ગોઠવેલા ચતુષ્કોણ તથા રમણીય એવાં સફેદ બરફીનાં ચોસલાં શ્રીહરિએ નિહાળ્યાં.૯-૧૨
પેંડા, લાકડસાઇ, ગાંઠિયા, લાડુ, કળિના લાડુ, દળના લાડુ, દહીંથરાં, તળેલા ચુરમાના લાડુ, સફેદ સુહાળીઓ, શેવો, માંડાં, ઘેબર, પૂરીઓ, રોટલી, દૂધપાક, દહીંભાત, દૂધભાત, કેસરીયોભાત, મગદળ, વડી, તલસાંકળી, સાકરમિશ્રિત હરિસો, શ્રીખંડ, સુખડી, સૂતરફેણી, પતાસાં, ઘુઘરા, ગુંદરપાક, માલપુવા, પુડલા, મોતિયાલાડુ, કલવો, સાટા, બહુપ્રકારનો સુંદર ઠોર, ઘી-સાકર મિશ્રિત કેળાનો કટકી રસ વગેરે અનેક પક્વાનો ભગવાન શ્રીહરિએ અન્નકૂટમાં નિહાળ્યાં.૧૩-૧૭
હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિ વિશાળ પાત્રોમાં ભરેલાં વિવિધ પ્રકારનાં લીલોત્રીનાં શાક નિહાળવા લાગ્યા, તેમાં તજ, લવિંગ, રાઇ, અને મરચાં આદિકથી વઘારેલાં શાકોમાં દહીંમિશ્રિત તુરીયાનાં શાક, વઘારેલાં ગલકાંનાં શાક, તેમજ ગવારફળી, ભીંડા, રતાળું, દૂધી આદિકનાં શાક નિહાળ્યાં, પછી અનેક પ્રકારનાં મસાલાથી વઘારેલાં રીંગણાં, મોગરીઓ, કંકોડાં, વાલોળ, કાકડી, ચિભડાં, ચોળાફળી, કોમળ પરવળ, મિઠાં ઘીલોડાં, શ્વેતસક્કરીયાં, શક્કરટેટી, કારેલાં, કોળું, ચૂરણ, અગથિયાફળી, સંસ્કાર કરેલાં પંડોળાં આદિ અનેક પ્રકારનાં શાક ભગવાન શ્રીહરિએ નિહાળ્યાં.૧૮-૨૨
વળી ભાજીનાં શાકમાં મેથીનીભાજી, તાંદળજાનીભાજી, મૂળા, સુવાનીભાજી, ખાટીલુણી, ડોડીનીભાજી, ફાંગનીભાજી, રાજગરાનીભાજી, કણઝરાની ભાજી આદિ અનેક પ્રકારની ભાજીનાં શાક અને રાયતું નિહાળવા લાગ્યા. તેમાં દૂધીયાંનું રાયતું, ચીભડાંનું, કાકડીનું, કોળાંનું, કેળાંનું, સક્કરીયાંનું, દ્રાક્ષનું, ખારેકનું અને સાંગરીયાંનું રાયતું આદિ અનેક દહીંમિશ્રિત રાયતાંઓ ભગવાન શ્રીહરિએ નિહાળ્યાં, તેમજ કેવળ અંગારા ઉપર પકાવેલાં અને દહીંમિશ્રિત કરેલાં રીંગણાંનું ભડથું મોટા પાત્રમાં ભરેલું ભગવાન શ્રીહરિએ નિહાળ્યું.૨૩-૨૬
તેમજ રાઇ તથા દહીં મિશ્રિત વડીઓ, વડાઓ, ફુલેલી ગોળાકાર ફૂલવડી પણ શ્રીહરિએ નિહાળી. પતરવેલિયાં, કેળાં, રીંગણાં, કોળાં, દૂધી, સૂરણ, ગલકાં આદિનાં પતીકાં વડે બનાવેલાં વિવિધ પ્રકારનાં ફુલેલાં ભજીયાં શ્રીહરિએ નિહાળ્યાં. આ તમામ પ્રકારની વિવિધ વાનગીઓની વચ્ચે સફેદ, કોમળ અને દશે દિશામાં સુગંધ પ્રસરાવતો ભાતનો પર્વતાકારે રચેલો મોટો ઢગલો શ્રીહરિએ નિહાળ્યો. તેની સમીપે કલઇવાળાં ગોળપાત્રમાં ભરેલી તુવેરની દાળ પણ નિહાળી. તેમજ ઘી, તજ વિગેરે મસાલાથી વઘારેલા ચણા, વાલ, વટાણા, કઢી, દહીં, છાસ, મઠો અને પાપડ વિગેરે શ્રીહરિએ નિહાળ્યાં.૨૭-૩૧
વળી સાકર મિશ્રિત ઉકાળેલાં દૂધનાં પાત્રો, તથા એકજ રાત્રીએ જમાવેલાં દહીંથી તૈયાર થયેલાં તાજાં માંખણને તાવેલા ઘીનાં ભરેલાં રૂપાનાં પાત્રો અને અન્ય સુવર્ણના પાત્રમાં સાકર મિશ્રિત ભરેલ માખણ તેમજ સંસ્કાર કરેલા અને નાના નાના સુવર્ણના વાટકામાં ભરેલાં અથાણાં ભગવાન શ્રીહરિએ જોયાં. તેમજ મીઠાં સાથે લીંબુરસ મિશ્રિત રુચિકર સ્વાદિષ્ટ આદુ, હળદરનાં ખાટાં અથાણાં તથા ધાણા આદિકની ચટણી ભગવાન શ્રીહરિએ નિહાળી.૩૨-૩૪
પછી શ્રીહરિએ વિશાળ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ સુવર્ણમાંથી તૈયાર કરેલો ઉજ્જવલ વિવિધ ભોજનો ભરેલો થાળ ભગવાન શ્રીવાસુદેવની નજીક જ મૂકેલો નિહાળ્યો. તે થાળમાં શ્વેત કાંતિને ધારણ કરતી રૂપાની ચોસઠ વાટકીઓ ચારે તરફ ગોઠવેલી હોવાથી બહુજ શોભી રહેલો અને જોનારાનાં ચિત્તને હરી લે તેવો સુંદર હતો. આ સુવર્ણના થાળમાં પૂર્વે ભગવાન શ્રીહરિએ જેટલી વાનગીઓ નિહાળી તે એકસો ને એક વાનગીઓ પુનઃ એકજ થાળમાં નિહાળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા.૩૫-૩૭
હે રાજન્ ! શ્રીવાસુદેવનારાયણ ભગવાનના મંદિરમાં અન્નકૂટના દર્શન કરતા શ્રીહરિ ભગવાનની આગળ બેસવાની મર્યાદાનું પાલન કરતા, સંતો ભક્તોની સાથે જ પૃથ્વીપર પાથર્યા વિના નીચે બેસી ગયા. અને તે મંદિરમાં જ શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનને વૃંદાવનમાં ગોપગોપીઓની પાસે જે ગોવર્ધન મહોત્સવ ઉજવ્યો હતો તે લીલાનાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ શ્રેષ્ઠ કવિઓએ રચેલાં કીર્તનોનાં પદોનું પ્રેમાનંદ સ્વામી આદિ સંતો પાસે ગાન કરાવ્યું. તે સમયે અપરોક્ષતાને પામેલા શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળમાં દૃષ્ટિ સ્થિર કરી પ્રેમાનંદ સ્વામી આદિ ગવૈયા સંતોએ વીણા, વિપંચિકા, કાંસા, ઝાંઝ, તાલ, મૃદંગ અને વાંસળી વિગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદની સાથે અન્નકૂટોત્સવનાં પદોનું ગાન કર્યું.૩૮-૪૦
હે રાજન્ ! આ રીતે મુકુન્દાનંદ વર્ણીએ આરતી કરી, તેનાં અને અન્નકૂટનાં દર્શન કરી બહુજ પ્રસન્ન થયેલા શ્રીનારાયણમુનિ શ્રીવાસુદેવનારાયણ ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી અન્નકૂટનો પૂજાવિધિ સમાપ્ત કર્યો, ત્યારે સર્વે સંતો, વર્ણીઓ, સત્સંગી નરનારીઓ અન્નકૂટોત્સવનાં દર્શન કરી અતિશય ભક્તિભાવ પૂર્વક જયજયનો નાદ કરી મહા આનંદ પામ્યા. હે મહિપતિ પ્રતાપસિંહ રાજન્ ! દુર્ગપુરમાં અન્નકૂટોત્સવનાં દર્શન કરવા આવેલા સંતો, ભક્તો અને નરનારીઓને રમણીય અન્નકૂટનાં દર્શન કરીને મહા આનંદ પ્રાપ્ત થયો.૪૧-૪૩
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં શ્રીનારાયણમુનિએ શ્રીવાસુદેવ ભગવાનની આગળ ગોઠવેલા અન્નકૂટની રચનાનું દર્શન કર્યું એ નામે અઢારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૮--