ભગવાન શ્રીહરિએ સંતોને વિવિધ વાનગીઓ પીરસીને જમાડયા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સંતોની પંક્તિનો શ્રીહરિએ આદેશ કર્યો ત્યારે સર્વે સંતો હાથ, પગ અને મુખશુદ્ધિ કરી તત્કાળ ભોજન કરવા પધાર્યા.૧
તે સમયે ભગવાન શ્રીહરિની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીએ જમવા પધારેલા સર્વે સંતોને યથાયોગ્ય સ્થાને પંક્તિમાં બેસાડયા.૨
ત્યારે કેડ સંગાથે કછોટા બાંધી સંતોની સેવામાં હાજરહજૂર રહેલા બ્રાહ્મણોએ ઉન્મત્તગંગાએથી લાવેલા સ્વચ્છ ગાળેલા જળથી સંતોનાં તૂંબડાંઓ ભરી દીધાં.૩
ત્યારે ભગવાન શ્રીહરિ પોતાની સેવામાં સદાય તત્પર મુકુન્દાનંદ બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તથા સેંકડો અન્ય બ્રાહ્મણોને પણ સંતોની પંક્તિમાં પીરસવાની આજ્ઞા આપી.૪
શ્રીહરિની આજ્ઞા થતાં બ્રાહ્મણોએ પ્રથમ પત્રાવળી સૌને આપીને દૂધપાક માટે મજબૂત પડિયા આપ્યા, ત્યારપછી અનુક્રમે શાક વિગેરે ભોજનો પીરસવા લાગ્યા.૫
સ્વયં શ્રીહરિ પણ સ્નાન કરી પીતાંબર ધારણ કરી ઉપર રેશમી ઉત્તરીય વસ્ત્રથી સારી રીતે બાંધી પંક્તિમાં ફરતા ફરતા મુક્તાનંદાદિ સંતોની પાસે પીરસાવા લાગ્યા.૬
પીરસતા સંતોની મધ્યે મુક્તાનંદ સ્વામીને તો પીરસવાનો અભ્યાસ ન હતો છતાં પણ તે પીરસવામાં જાણે બુદ્ધિમાન કુશળ હોય તેમ યુક્તિપૂર્વક સંતોની પંક્તિમાં પીરસવા લાગ્યા.૭
અને બ્રહ્માનંદ સ્વામી તો પોતાની પીરસવાની હાથ ચતુરાઇ શ્રીહરિને દેખાડતા થકા જલદીથી પીરસી શ્રીહરિને તથા અન્ય સર્વે સંતો તથા હરિભક્તોને અત્યંત હસાવતા હતા.૮
તે સમયે મહાનુભાવાનંદ સ્વામી પણ અનેક પ્રકારનાં ભક્ષ્ય-ભોજ્યાદિ અન્નોનાં નામ વિચિત્રપણે ઉચ્ચારણ કરી સર્વેને હસાવતા હતા.૯
નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આ બન્ને સંતો પીરસવામાં અતિશય કુશળ હોવાથી તેની પીરસવાની ક્રિયા જોઇ સંતોએ સહિત ભગવાન શ્રીહરિ પણ ખૂબજ પ્રશંસા કરવા લાગ્યા.૧૦
હે રાજન્ ! તે સમયે આનંદાનંદ મુનિ સંતોની સર્વે પંક્તિઓમાં શીઘ્રતાથી સૌને એક સરખાં પદાર્થો પીરસવાની ચતુરાઇ દેખાડી ભગવાન શ્રીહરિને ખૂબજ આનંદ ઉપજાવ્યો.૧૧
શ્યામ શરીરવાળા અને શાંત સ્વભાવવાળા સ્વયંપ્રકાશાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની મૂર્તિમાં અખંડ ધ્યાન રાખીને વર્તતા હોવાથી તેનો પીરસવામાં કોઇ ક્રમ જળવાતો ન હતો.૧૨
તે સમયે દુર્બળ શરીર હોવા છતાં પણ પીરસવામાં અતિ ચતુર આનંદાનંદ સ્વામી એક જ ક્ષણમાં સંતોની સર્વે પંક્તિઓમાં વડાં પીરસી આવ્યા.૧૩
મુકુન્દાનંદ આદિક બ્રહ્મચારીઓએ ભગવાનને રાજી કરતાં કરતાં સંતોની સર્વે પંક્તિઓમાં જલેબી અને ખાજાં વગેરે પદાર્થો પીરસ્યાં.૧૧૪
હે રાજન્ ! સંતોની પીરસવાની કુશળતાને કારણે અનેક પ્રકારનાં શાક તથા પક્વાન્નો પત્રાવળીમાં પીરસવામાં આવ્યાં, છતાં પણ પરસ્પર મિશ્ર થયાં નહિ.૧૫
ત્યારપછી શ્રીહરિ સર્વે સંતોનાં પાત્રોમાં સર્વે પદાર્થો પીરસાઇ ગયાં છે, એમ જાણી સર્વે સંતોને જમવાની આજ્ઞા આપી.૧૬
હે રાજન્ ! ત્યારે સરળ સ્વભાવના સર્વે સંતો પરસ્પર એકબીજાની આજ્ઞા લઇને ભગવાન શ્રીહરિની પ્રસાદીરૂપ સર્વે પદાર્થોની પ્રશંસા કરતા કરતા જમવા લાગ્યા.૧૭
તે સમયે ભક્ષ્ય અને ભોજ્યાદિ ચારે પ્રકારનાં ભોજનો સ્વાદિષ્ટ હોવાથી ને વળી સંતો અનુક્રમે જમતા હોવાથી વિશેષ સ્વાદુ જણાતાં હતાં.૧૮
હે રાજન્ ! ભોજન પીરસનારા મુક્તાનંદાદિ સંતો જલેબી અને ઘેબર આદિ પદાર્થો વારંવાર પીરસતા હોવાથી જમનારા સંતો વારંવાર હાથ હલાવી નહિ જોઇએ, નહિ જોઇએ, એમ બોલતા નિષેધ કરતા હતા.૧૯
જમનારા સંતોએ નિષેધ કર્યો ત્યારે સરળ બુદ્ધિવાળા પીરસનારા સ્વયંપ્રકાશાનંદાદિ સંતો પંક્તિમાંથી પાછા ફર્યા, ત્યારે ભગવાન શ્રીહરિ તેઓને કહેવા લાગ્યા કે, હે સંતો ! જમનારા હાંહાં કરે, હું હું કરે, હાથ હલાવી ના પાડે તોય પીરસવું. અને માથું ધુણાવે તોય પણ આપવું. પરંતુ ઉચ્ચેસાદે જ્યારે સિંહગર્જના કરે કે નહિ જોઇએ, ત્યારે ન આપવું.૨૦-૨૧
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પીરસનારા સંતોને આજ્ઞા કરી ત્યારે તેઓએ ભોજન કરનારા સંતોના પાત્રમાં તેઓ સિંહ ગર્જના કરે ત્યાં સુધી મોતૈયાલાડુ વગેરે પકવાન્નો પીરસ્યાં.૨૨
પછી સ્વયં ભગવાન શ્રીહરિ સર્વે ભક્તજનોને આનંદ ઉપજાવતા દૃઢ ઉત્તરીય વસ્ત્રથી પીતાંબરને બાંધી સંતોને પીરસવા ઊભા થયા. તે સમયે સર્વે સંતો અને ભક્તજનોની દૃષ્ટિ એક ભગવાન શ્રીહરિ ઉપર સ્થિર થઇને પીરસણ લીલાનું સૌ દર્શન કરવા લાગ્યા.૨૩
હે રાજન્ ! પરમેશ્વર ભગવાન શ્રીહરિ સંતોની પંક્તિઓમાં પીરસવા ઇચ્છે છે, તે જોઇને પીરસનારા સંતો મોતૈયા લાડુ અને જલેબીનાં મોટાં મોટાં પાત્રો ભરીને પોતાના હાથમાં લઇ વેગથી દોડતા દોડતા ભગવાન શ્રીહરિની નજીક આવી, પાછા પગે ચાલતાં ચાલતાં શ્રીહરિને મદદ કરવા લાગ્યા.૨૪
ત્યારે ભગવાન શ્રીહરિ પણ પીરસતા સંતોના હાથમાં રહેલાં પાત્રોમાંથી મોતૈયા લાડુ પોતાના હાથમાં લઇ ચપળ ગતિએ પગલાં મૂકતા અનુક્રમે એક એક પંક્તિમાં ફરવા લાગ્યા અને બે બે લાડુ સંતોના પાત્રમાં મૂકવા લાગ્યા. સંતોને પણ ભગવાન શ્રીહરિના હાથનો પ્રસાદ લેવાની અંતરમાં ઇચ્છા હતી તેથી પૂર્ણકામ ભગવાન શ્રીહરિ તેમના મનોરથ પૂર્ણ કરવા સંતોની સર્વે પંક્તિમાં વારંવાર ફરવા લાગ્યા.૨૫
આ પ્રમાણે મોતૈયા લાડુ પંક્તિમાં પીરસી જરાપણ થાક્યા વિના જલેબી પીરસવા લાગ્યા, આવા પ્રકારની શ્રીહરિની પીરસવાની લીલાનાં દર્શન કરીને અતિશય ચતુર પુરુષો હતા તે પણ આશ્ચર્ય પામી ગયા.૨૬
હે રાજન્ ! આ પ્રમાણે સર્વે સંતોની પંક્તિઓમાં પીરસી મંદમંદ હાસ્ય કરતા શ્રીહરિ 'હે સંતો ! તમે સર્વે ધીરે ધીરે ભોજન જમજો'. આ પ્રમાણે કહી પોતાના હસ્તકમળ જળથી ધોઇ સ્વચ્છ કર્યા.૨૭
ત્યારપછી મુકુંદબ્રહ્મચારી ઘીની ઝારી ભરીને લાવ્યા અને સંતોના દૂધપાકવાળા પડિયામાં જાડી ધારે પીરસી શ્રીહરિને હસાવવા લાગ્યા.૨૮
શ્રીહરિના હૃદયગત અભિપ્રાયને જાણી શ્રીમુકુન્દાનંદ નૈષ્ઠિક બ્રહ્મચારી બે હાથ ઊંચા કરી ભોજન ભરેલાં પાત્રવાળા સંતોને ઊંચે સ્વરે કહેવા લાગ્યા કે, હે સંતો ! હે મહામુક્તો ! કોઇ પણ સંતે ક્યારેય પણ ભગવાન શ્રીહરિની પ્રસાદી પોતાના ભોજનપાત્રમાં વધારવી નહિ. એક કણ પણ બાકી છોડવો નહિ. આ પ્રમાણે શ્રીહરિની આજ્ઞા છે.૨૯-૩૦
હે રાજન્ ! આ પ્રમાણે મુકુન્દબ્રહ્મચારીએ પંક્તિમાં કહ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામી પણ તે જ વચનને આદર આપીને હસતા ને હસાવતા પુનઃ તેજ વાક્યને બેવડીને સંતોને સંભળાવતા થકા ભોજન કરાવતા હતા.૩૧
તે સમયે ભોજન કરનારા સંતો પણ પરસ્પર એક બીજાની સામે જોતા જોતા ભગવાનનાં વચનનો ભંગ ન થાય તેવા ભયથી ભગવાન શ્રીહરિનાં પ્રસાદી ભૂત સર્વ પદાર્થો ધીરે ધીરે જમી ગયા.૩૨
ત્યારપછી વળી ભગવાન શ્રીહરિએ ભાત, કઢી અને પુષ્કળ ઘી સંતો પાસે પીરસાવી સમગ્ર સંતોને ખૂબજ તૃપ્ત કર્યા, પછી ચળુ કરીને તૈયાર થયેલા સંતોને ભગવાન શ્રીહરિએ પોતપોતાને ઉતારે જવાની આજ્ઞા આપી.૩૩-૩૪
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ પોતપોતાની ધર્મશાળામાં જવાની આજ્ઞા આપી હતી, છતાં પણ સંતોના સમૂહો ભગવાનનાં દર્શન કરવામાં અત્યંત ઉત્કંઠાવાળા હોવાથી જ્યાં સુધી ભગવાન શ્રીહરિ લીંબતરુ નીચે વેદિકા ઉપર વિરાજમાન હતા, ત્યાં સુધી તેઓ પણ ત્યાં જ પોતાના પ્રાણનાથનાં દર્શન કરવા બેસી રહ્યા.૩૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં સંતોને જમાડી તૃપ્ત કર્યાનું વર્ણન કર્યું એ નામે વીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૦--