અધ્યાય - ૨૧ - પાર્ષદો અને ક્ષત્રિયોને જમાડવાની શ્રીહરિની લીલા.

પાર્ષદો અને ક્ષત્રિયોને જમાડવાની શ્રીહરિની લીલા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિત ક્ષત્રિય ભક્તજનોને જમાડવા ઉત્તમરાજાને આજ્ઞા આપી. તેથી તેમણે તત્કાળ તે ભક્તોને જમવા માટે બોલાવ્યા.૧ 

ત્યારે હાથ-પગ અને મુખ ધોઇ તૈયાર થયેલા સર્વે ક્ષત્રિયભક્તોને ભગવાન શ્રીહરિએ યથાયોગ્ય પંક્તિમાં બેસાડયા અને તેમને પીરસવા માટે સંતોને તથા બ્રાહ્મણોને આજ્ઞા આપી.૨ 

હે રાજન્ ! તે સમયે પીરસનારા સંતો ક્ષત્રિયભક્તોને ભક્ષ્ય, ભોજ્યાદિ ચાર પ્રકારનાં અન્ન તત્કાળ પીરસવા લાગ્યા. ત્યારે ક્ષત્રિયભક્તો પણ સંતોની જેમ જ જમવા લાગ્યા.૩ 

હે રાજન્ ! ભોજન કરી રહેલા ક્ષત્રિય ભક્તજનોને ભગવાન શ્રીહરિ કોઇ મશ્કરીનાં વચનોથી હાસ્ય કરાવતા હતા અને સ્વયં પણ મંદમંદ વારંવાર હસતા હતા. અને પ્રેમપૂર્વક વિવિધ પકવાનો વારંવાર ફરી ફરી પીરસાવી જમાડતા હતા.૪ 

ત્યારપછી ભક્તજનો તૃપ્ત થઇ ગયા હતા છતાં સ્વયં ભગવાન શ્રીહરિના હાથની પ્રસાદી જમવાની ઇચ્છા હતી તેથી પોતે પીરસવા ઉઠયા.૫ 

પછી શ્રીહરિ ઊંચી પીઠ ઉપર સ્થાપન કરેલા રત્નસિંહાસન પર પીતાંબર ઉપર રેશમી વસ્ત્રથી કછોટો વાળીને વિરાજમાન થયા. અનેક પુષ્પોના તોરાઓ શિરપર પાઘમાં ધારણ કર્યા હતા. ગુલાબ તથા માલતી અને મોગરાના પુષ્પોના હારની પંક્તિથી શોભતા હતા. તે સમયે સર્વ ભક્તજનોએ પોતાનો મનોરથ પૂર્ણ કરવા ઉભા થયેલા જાણીને પ્રેમરસ ભરેલાં નેત્રોવડે શ્રીહરિને નિરખવા લાગ્યા. અને ભગવાન શ્રીહરિ પણ કમળના લાંબા તોરણોની શોભાએ સંપન્ન હોય ને શું ? એવા જણાતા હતા. તે સમયે સર્વે ભક્તજનોને અતિશય આનંદનો ઉભરો આવતાં અર્ધો જમેલો કોળિયો મુખમાં હોવા છતાં અસ્પષ્ટ ઉચ્ચારેલા જયજયના ધ્વનિથી શ્રીહરિને ખૂબ જ હસાવતા હતા. આવી શોભાએ સંપન્ન ભગવાન શ્રીહરિ સિંહાસન પરથી પીરસવા ઊભા થયા.૬ 

હે રાજન્ ! ત્યારપછી પીરસનારા સંતોને બોલાવ્યા ત્યારે હાથમાં પકવાન્નથી ભરેલાં વિશાળ તાંબાનાં પાત્રો લઇ સંતો તત્કાળ ભગવાન શ્રીહરિની આગળ આવી ઊભા રહ્યા. તેઓ પાછે પગે ચાલવામાં ચતુર હતા. તેમનાં નેત્રો પક્વાન્નોને પાત્રમાંથી લઇ પીરસતા ભગવાન શ્રીહરિના હસ્તકમળ ઉપર જ સ્થિર રહેતાં હતાં.૭ 

પકવાન્નનાં પાત્રને ઉપાડી પાછા પગે ચાલતા બન્ને સંતો ઉતાવળી ગતિએ પાછાં પગલાં મૂકતા હતા અને શ્રીહરિ તે પાત્રમાંથી પોતાના બન્ને હાથવડે છ-સાત જલેબીના ગુચ્છ લઇ પંક્તિમાં બન્ને બાજુએ બેઠેલા ભક્તજનોનાં પાત્રમાં જલદીથી પીરસતા હતા. કેટલાક ભક્તજનોનાં પાત્રમાં પક્વાન્નો પડેલાં હતાં છતાં પણ પોતાના બન્ને હાથ ઊંચા કરી પ્રીતિપૂર્વક ભગવાન શ્રીહરિને પીરસવાની પ્રાર્થના કરતા હતા. ત્યારે તેમના હાથ સરોવરમાં ખીલેલા કમળના ડોડાની જેવી શોભાને ધારણ કરતા હતા. ''મને આપો મને આપો'' આ રીતે કહેતા ભક્તજનોને મંદ મંદ મુખહાસ કરતા ભગવાન શ્રીહરિ પંક્તિમાં ફરી ફરીને સર્વેને ખૂબજ પીરસી રહ્યા હતા.૮ 

હે રાજન્ ! આ રીતે ભગવાન શ્રીહરિએ સર્વે પંક્તિઓમાં એક વખત જલેબીનું પરિવેષણ કર્યું,પછી ખાજાં, બરફી વિગેરે પદાર્થો વારંવાર પીરસવા લાગ્યા.૯ 

આવી રીતે વારંવાર પીરસવાની પોતાની ચતુરાઇથી શ્રીહરિ સર્વે પંક્તિઓમાં પીરસવા માટે વારંવાર દર્શન આપતા હોવાથી દર્શન કરનારા ભક્તજનોને જાણે બહુરૂપે દર્શન થતાં હોય એમ જણાતું હતું.૧૦ 

હે સોમવર્મા ! આ પેંડો ગ્રહણ કરો. હે અલૈયા આ જલેબી લ્યો. હે જીવવર્મા ! આ પોચાં ખાજાં સ્વીકારો.૧૧ 

હે વીરવર્મા ! આ ગોળગોળ મોતૈયાલાડુ ગ્રહણ કરો. અરે રતનજી આ બરફી લ્યો. હે રાજન્ ! ભગવાન શ્રીહરિ આ પ્રમાણે સર્વે જમનારા ભક્તજનોનાં નામ લઇ લઇ વારંવાર પક્વાન્નો આપતા હતા.૧૨ 

તે સમયે ભગવાનની પ્રસાદીનું માહાત્મ્ય જાણી ભોજન કરતા સર્વે ભક્તજનો પણ વિસ્મય પામી ગયા કે આજે ઘણું જમ્યા છતાં ઉદરતૃપ્તિ કેમ થતી નથી ? આ પ્રમાણે વિસ્મય પામતા ગળા સુધી ભોજન કર્યું.૧૩ 

હે રાજન્ ! સુરાખાચર તૃપ્ત થયા હોવાથી ભગવાન શ્રીહરિએ પીરસેલી જલેબી હાંફ ચડવાને કારણે ફૂંફાડા મારતા મારતા માંડમાંડ જમી રહ્યા હતા, તેવામાં તો શ્રીહરિએ બીજી જલેબી પીરસી દીધી. ત્યારે સુરાખાચર કહે, હે ભગવાન્ ! હવે તો આ ફાંદ ફાટી જશે.૧૪ 

ત્યારે સુરાખાચરને ભગવાન કહે હે સુરાભક્ત ! પેટ ફાટી જાય તેની ચિંતા ન કરશો. કારણ કે ભગવાનની પ્રસાદીનું અન્ન જમતી વખતે તમારે આ પેટ મારું નથી એમ સમજવું.૧૫ 

ત્યારપછી નીચું માથું નમાવી બે હાથથી નિષેધ કરતા નાજાભક્તને જોઇ શ્રીહરિએ પોતાના હાથમાં રહેલી જલેબી પડખેથી નાંજા ભક્તના પાત્રમાં મૂકી દીધી.૧૬ 

આ પ્રમાણે જલેબી મૂકવા છતાં મુખથી કાંઇ પણ બોલ્યા નહિ તેથી હસતાં હસતાં શ્રીહરિએ અન્ય ત્રીજી જલેબી આપી દીધી, ત્યારે નાંજાભક્તે ઊંચી દૃષ્ટિ કરી જોરથી સિંહગર્જના કરી.૧૭ 

હવે દૂરથી જ પોતાને જોઇ મસ્તક ધુણાવતા સોમલાખાચર પાસે ભગવાન શ્રીહરિ પહોંચ્યા ને કહેવા લાગ્યા કે હે સોમવર્મા ! વયોવૃદ્ધ તમે જો પક્વાન્ન ગ્રહણ નહિ કરો તો આ તમારી પાસે બેઠેલા યુવાન ઉત્તમરાજા પણ લેતાં શરમાશે. આ પ્રમાણે કહી ના પાડતા હોવા છતાં તેના પાત્રમાં શ્રીહરિએ સાટા મૂકી દીધા.૧૮-૧૯ 

ત્યારપછી દૂરથી પાતાને નિહાળી ખોટી સિંહગર્જના કરતા વયોવૃદ્ધ અને મુખમાં દાંત વગરના માંતરા ધાંધલને જોઇ આ ખોટી સિંહગર્જના કરે છે, એમ કહીને ભગવાન શ્રીહરિ તેની સમીપે આવી ઘી મિશ્રિત દૂધપાકથી વિશાળ ભોજનપાત્ર છલકાવી દીધું. ત્યારે માંતરા ધાંધલે ઉચ્ચસ્વરે સાચી સિંહ ગર્જના કરી.૨૦-૨૧ 

ત્યારપછી ભગવાન શ્રીહરિ હસતા હસતા બન્ને હાથમાં બે બે લાડુ લઇ બીજી પંક્તિમાં પીરસવા ગયા. ત્યાં જમ્યા પછી ખાલી પાત્ર ઉપર બેઠેલા હમ્મીરજીના પાત્રમાં ચાર લાડુ પીરસી દીધા ને ફરીથી બીજા ચાર લાડુ ગ્રહણ કર્યા ત્યારે મનમાં લેવાની ઇચ્છા હોવા છતાં શરમથી માત્ર હાથથી નિષેધ કરતા હમ્મીરજીને જોઇ ભગવાને બીજા ચારલાડુ તેમના પાત્રમાં પીરસી દીધા, ત્યારે તેમણે સિંહગર્જના કરી.૨૨-૨૩ 

હે રાજન્ ! પછી ધીરે ધીરે પાપડ ચાવતા વૃદ્ધ વેરાભાઇને જોઇને ભગવાન શ્રીહરિએ કહ્યું આ પદાર્થ તમને યોગ્ય છે, એમ કહીને તેના પાત્રમાં બરફીનાં ચોસલાં મૂકી દીધાં.૨૪ 

આ પ્રમાણે ભગવાન શ્રીહરિ પોતાના સોમલાખાચર આદિ પાર્ષદોને તથા દેશાંતરમાંથી આવેલા અન્ય ક્ષત્રિયભક્તજનોને અતિશય આનંદ ઉપજાવતા વારંવાર પ્રેમપૂર્વક પીરસતા હતા.૨૫ 

હે રાજન્ ! તે સમયે વિચક્ષણ પીરસનારા સંતો પણ બહુ પ્રકારનાં પક્વાન્નોથી ભરેલાં પાત્રો હાથમાં લઇ શ્રીહરિની સમીપમાં જ સજ્જ થઇ ઊભા રહેતા હતા.૨૬ 

એક પાત્ર ખાલી થાય કે તરત જ બીજા સંતો અન્ય પક્વાન્ન ભરેલાં પાત્ર હાથમાં લઇ ભગવાન શ્રીનારાયણમુનિની આગળ આવી ઊભા રહી જતા હતા.૨૭ 

શ્રીહરિની પાછળ ફરતા બ્રહ્માનંદ સ્વામી જમી રહેલા ક્ષત્રિય ભક્તજનોને કહેવા લાગ્યા કે, હે રાજાઓ ! સાક્ષાત્ ભગવાનના હાથે આવો પ્રસાદ મળવો ઘણો દુર્લભ છે.૨૮ 

તેથી પંચભૌતિક આ શરીરને નાશવંત જાણીને તમે ખૂબ પ્રસાદ જમો. દેહ પડી જવાની શંકા કરશો નહિ. તેથી પોતાના શરીરનો અનાદર કરી નિર્ભય થઇને ખૂબજ જમો.૨૯ 

હે રાજન્ ! બ્રહ્માનંદ સ્વામીએ આ પ્રમાણે કહ્યું તેથી સર્વે ક્ષત્રિય ભક્તજનો ખૂબજ હસવા લાગ્યા અને શ્રીહરિ પણ હસતા હસતા સર્વે પંક્તિઓમાં ફરી ફરી ભક્તજનોનાં તમામ પાત્રો પીરસીને ભરી દીધાં.૩૦ 

આ પ્રમાણે શ્રીહરિ સર્વે ભક્તોને હસાવતા તેઓની ઇચ્છાનુસાર પીરસી પોતાના હાથની શુદ્ધિ કરીને વેદિકા ઉપર સ્થાપન કરેલાં ઊંચાં સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા.૩૧ 

તે સમયે શ્રીહરિનું લલાટ પીરસવાના પરિશ્રમથી પ્રગટેલાં પરસેવાનાં બુંદવડે જાણે પૂજન કરનારા ભક્તજનોએ મોતીઓની માળાથી શણગાર્યા હોયને શું ? એવું શોભતું હતું.૩૨ 

હે નરાધિપ ! ભક્તજનોને જોઇ પ્રસન્ન થયેલા શ્રીહરિએ જમીને તૃપ્ત થયેલા તથા ચળુ કરી હાથ મુખની શુદ્ધિ કરી મુખવાસ ગ્રહણ કરતા સર્વે ભક્તજનોને પોતપોતાને ઉતારે જવાની આજ્ઞા આપી.૩૩ 

તેથી તેઓ ઉતારે ગયા, પછી શ્રીહરિએ પીરસનારા સંતોને તથા સમસ્ત સ્ત્રીભક્તજનોને જમવાની આજ્ઞા આપીને સ્વયં પોતાના અક્ષરભુવનમાં પધાર્યા.૩૪ 

પછી સ્નાનાદિક વિધિ કરી પવિત્ર થઇ શ્રીકૃષ્ણ ભગવાનના નૈવેદ્ય માટે રસોઇ બનાવીને તેમને નિવેદન કરી, પછી તેનું પ્રસાદિભૂત અન્ન સ્વયં જમ્યા.૩૫ 

તે દરમ્યાન પીરસનારા સંતો યથેષ્ટ ભોજન કરીને પોતપોતાની ધર્મશાળામાં ગયા. પછી લલિતાબાએ સર્વે સ્ત્રીભક્તજનોને યથેષ્ટ ભોજન કરાવ્યું.૩૬ 

ત્યાર પછી લલિતાબાએ બચેલાં ચાર પ્રકારનાં અન્નો ભગવદ્ભક્ત એવા વાણંદ, કુંભાર, ભિક્ષુક તેમજ દેશદેશાંતરમાંથી આવેલા અન્ય સર્વે મનુષ્યોને યથાયોગ્ય અર્પણ કરવા લાગ્યાં.૩૭ 

હે રાજન્ ! તે સમયે ઉત્તમરાજાના દરબારમાં લ્યો, લ્યો અને આપો, આપો નો શબ્દધ્વનિ અવિરત થયા કરતો હતો.૩૮ 

હે રાજન્ ! આ પ્રમાણે લલિતાબા ભગવાન શ્રીહરિના પ્રસાદીભૂત અન્નનું સાયંકાળ પર્યંત આવતા સર્વજનોને વિતરણ કરતાં રહ્યાં, છતાં પણ અન્ન ખૂટયું નહિ ત્યારે આ સર્વે પ્રતાપ પ્રગટ ભગવાન શ્રીસ્વામિનારાયણનો જ છે, એમ જાણી અતિ વિસ્મય પામ્યાં. અને આળસ છોડી એકદમ ભાવયુક્ત થઇ કાયા, મન, વાણીથી ભગવાન શ્રીહરિનું નિત્ય સ્મરણ કરવા લાગ્યાં.૩૯-૪૦ 

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ ઉત્તમરાજા પાસે સર્વોત્તમ રીતે શ્રેષ્ઠ અન્નકૂટોત્સવ ઉજવાવ્યો. જે અન્નકૂટનાં મહોત્સવથી ઉત્તમરાજાની બીજા રાજાઓ પ્રાપ્ત ન કરી શકે તેવી ઉજ્જવલ કીર્તિ જગતમાં ચારે તરફ પ્રસરી ગઇ.૪૧ 

હે રાજન્ ! દીપોત્સવીની રાત્રીએ જેવી દીપમાળાઓ પ્રગટાવવામાં આવી હતી તેવી જ દીપમાળાઓ આ અન્નકૂટઉત્સવની રાત્રીએ પણ હરિમંદિર આદિ સર્વત્ર પ્રગટાવવામાં આવી, અને એે કાર્તિકસુદિ પડવાની રાત્રીએ મોટી સભાનું પણ આયોજન થયું. તે સભાને વિષે ભગવાન શ્રીહરિ ઊંચા સિંહાસન પર આવીને બિરાજમાન થયા.૪૨ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં પોતાના પાર્ષદો અને ઉત્તમાદિરાજાઓનાં મંડળોને જમાડી તૃપ્ત કરવામાં ભગવાન શ્રીહરિની પીરસણલીલાનું નિરૂપણ કર્યું એ નામે એકવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૧--