અધ્યાય - ૨૨ - ભગવાન શ્રીહરિએ સભામાં કરુણા કરીને સત્સંગદીપનું કરેલું પ્રકાશન.

ભગવાન શ્રીહરિએ સભામાં કરુણા કરીને સત્સંગદીપનું કરેલું પ્રકાશન.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! સભામાં બેઠેલા સમસ્ત સંતો-ભક્તોની દૃષ્ટિ ચકોર ચંદ્રમાની જેમ એક શ્રીહરિના મુખકમળ સામે જ સ્થિર હતી. તે સમયે શ્રીનીલકંઠવર્ણી પોતાના સર્વે આશ્રિત ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! આ ઉદ્ધવસંપ્રદાયમાં તમે સર્વે ''સત્સંગી'' એવું નામ ધારણ કરો છો, પરંતુ તે સત્સંગી નામ સાર્થક થાય તે રીતે તમારે વર્તીને ધારણ કરવું.૧-૨ 

સત્સંગથી જ મુક્તિ થાય છે, આ પ્રમાણે આપણા ઉદ્ધવસંપ્રદાયના આચાર્યનો સિદ્ધાંત છે. તેથી સત્સંગ શબ્દની વ્યાખ્યા હું તમને સંભળાવી સ્પષ્ટ કરૂં છું, તમે સર્વે સાવધાન થઇ શ્રવણ કરો.૩ 

''સત્'' શબ્દથી એક પરબ્રહ્મ, બીજા તે પરબ્રહ્મના આશ્રિત સંતો, ત્રીજો પરબ્રહ્મે પ્રતિપાદન કરેલો ભાગવતધર્મ અને ચોથો આ ત્રણેનું પ્રતિપાદન કરનારાં સત્શાસ્ત્રો. અર્થાત્ ''સત્'' શબ્દ આ ચારે માટે પ્રયોજાય છે.૪ 

હે ભક્તજનો ! આ ચારેમાં જે પરબ્રહ્મ છે તે સર્વાન્તર્યામી તથા મનુષ્યાકૃતિ ધરી રહેલા આ સાક્ષાત્ કૃષ્ણ છે. તેને જ પરબ્રહ્મ જાણવા. પોતે મનુષ્યભાવમાં વર્તતા હોવા છતાં તેમનાં કર્મો દિવ્ય છે, તેમનો આકાર પણ દિવ્ય છે, અને તે મનુષ્યરૂપનું માત્ર નાટક કરે છે એમ જાણવું.૫ 

અને તે પરબ્રહ્મ પરમાત્માએ કહેલા ધર્મમાર્ગમાં ચાલતા અને તેમની જ અનન્યભાવે ઉપાસના કરતા જે સાધુઓ છે તેજ સત્ શબ્દ વાચ્ય કહેલા છે. અને હવે તમારી આગળ સાક્ષાત્ ભગવાને કહેલા સત્ શબ્દ વાચ્ય ભાગવત ધર્મો જે છે તેનું નિરૂપણ કરું છું.૬ 

હે ભક્તજનો ! શ્રીમદ્ભાગવતપુરાણમાં નારદજીએ રાજસૂયયજ્ઞાને અંતે યુધિષ્ઠિર રાજા પ્રત્યે જે સદ્ધર્મો કહેલા છે, તે જ સદ્ધર્મો હું તમને સંભળાવું છું.૭ 

નારદજી કહે છે, હે યુધિષ્ઠિર રાજન્ ! મનુષ્યમાત્રમાં ધર્મની પ્રવૃત્તિના કારણભૂત જે સકલ ઐશ્વર્ય સંપન્ન અજન્મા ભગવાન નારાયણ છે. તેમને નમસ્કાર કરી તે જ નારાયણના મુખકમળ થકી શ્રવણ કરેલા સનાતન ધર્મો હું તમને સંભળાવું છું.૮ 

તે નારાયણ કોણ છે ? તો તે ધર્મ અને ભક્તિદેવી થકી આ પૃથ્વીપર પોતાના અંશરૂપ નરની સાથે પ્રગટ થઇ પોતાના ભક્તજનોના કલ્યાણને માટે બદરિકાશ્રમમાં તપ કરે છે.૯ 

હે યુધિષ્ઠિર રાજન્ ! ભગવાન શ્રીનારાયણ ધર્મની ઉત્પત્તિ આદિકનું મૂળ છે. કારણ કે, ભગવાન શ્રીનારાયણ છે તે જ સર્વ વેદોનું મૂળ છે, અને તે વેદોમાં કહેલા સર્વે ધર્મો નારાયણમૂલક છે, તે વેદોના અર્થને જાણનારા યાજ્ઞાવલ્ક્ય કે પરાશર આદિક મુનિઓએ જે સ્મૃતિઓ રચી છે, તે સ્મૃતિઓ ધર્મનું મૂળ છે. જે ધર્મોનું મનુષ્ય પોતાના અધિકારને અનુસારે આચરણ કરે તેનો જીવાત્મા શુદ્ધ થાય છે. અર્થાત્ શુદ્ધ થઇ બ્રહ્મભાવને પામી પરબ્રહ્મ પરમાત્મા ભગવાનના ચરણની સેવાનો અધિકારી થાય છે. આ ધર્મપાલનનો મહિમા છે.૧૦ 

તે ધર્મો સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, ઇક્ષા, શમ, દમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આર્જવ એટલે સરળતા, સંતોષ, શત્રુ અને મિત્રમાં સમાન દૃષ્ટિ, મોટા પુરુષોની સેવા, ધીરે ધીરે ગ્રામ્ય પંચવિષયોમાંથી નિવૃત્ત થવું, ધર્મથી વિપરીત વર્તન કરવાથી મનુષ્યને થતાં દુઃખોનું દર્શન કરવું, મૌન, આત્મા છે તે આ નાશવંત શરીરથી જુદો છે એવું સતત ચિંતવન કરવું. પોતાના જીવન જરૂરિયાતથી વધારાના અન્નાદિક પદાર્થોનો ભૂતપ્રાણીમાત્રમાં યથાયોગ્ય વિભાગ કરીને વહેંચી દેવું, તે સર્વે ભૂતપ્રાણીમાત્રના જીવમાં એક જ અંતર્યામીપણે પરમાત્મા રહેલા છે, એવી બુદ્ધિ કેળવવી. અને મનુષ્યોમાં તો તેના કરતાં પણ વધુ દૈવાત્મબુદ્ધિ રાખવી, વળી સંતોના શરણ્ય એવા પરમાત્મા નારાયણની નવ પ્રકારની ભક્તિ જે શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, પૂજા, નમસ્કાર, દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ રૂપ કરવી.૧૧-૧૪ 

હે યુધિષ્ઠિર રાજન્ ! સર્વે મનુષ્યોને માટે આ ત્રીસ લક્ષણવાળો ધર્મ જે મેં કહ્યો, તે જ સર્વોત્તમ ધર્મ છે, આ ધર્મના અનુષ્ઠાનથી સર્વના અંતર્યામી આત્મા પરબ્રહ્મ શ્રીનારાયણ અત્યંત પ્રસન્ન થાય છે.૧૫ 

ભગવાન શ્રીહરિ કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે નારદજીએ ''સત્'' શબ્દ વાચ્ય સદ્ધર્મો યુધિષ્ઠિર રાજા પ્રત્યે કહેલા છે. હવે તેના યથાર્થ અર્થો હું તમને સંક્ષેપમાં કહું છું.૧૬ 

સત્ય :- તે ધર્મોની મધ્યે જીવોનું હિત કરનારાં વચનો બોલવાં તેને સત્ય કહેલું છે, જેથી પોતાનો કે પરનો દ્રોહ થાય તેવું સત્ય પણ ન બોલવું.
દયા :- પરના દુઃખને દેખી પીગળવું તે દયા કહેલી છે. અને યથાશક્તિ તે દુઃખનો પ્રતિકાર પણ કરવો, પરંતુ ઋષભદેવના પુત્ર ભરતજીએ મૃગલા ઉપર દયા કરી, તેવી પોતાને બંધનકર્તા થાય એવી દયા ન કરવી. વળી જે દયાથી પોતાની કે પોતાને શરણે રહેલા સંબંધી આદિકની અપકીર્તિ થાય તેવી દયા કરવી, તે પણ આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં માન્ય નથી.૧૭-૧૮

તપ :- એકાદશી કે જન્માષ્ટમીના વ્રતોમાં ઉપવાસ કરવા કે પ્રાયશ્ચિતના રૂપમાં ઉપવાસ કે ચાંદ્રાયણાદિ વ્રતો કરવાં તે એક પરબ્રહ્મ પરમાત્માને પ્રસન્ન કરવા માટે જ કરવાં, તેને તપ કહેલું છે. તેમ જ પોતાના વર્ણાશ્રમને ઉચિત ધર્મનું પાલન કરવું, તે પણ તપ કહેલું છે.
શૌચ :- બાહ્ય અને આંતર શુદ્ધિ એજ સાચું શૌચ કહેલું છે, તે બે પ્રકારના શૌચમાં માટી (શુદ્ધ સાબુ) અને જળથી સ્નાનાદિકથી પવિત્ર રહેવું, પાપીઓના સ્પર્શથી દૂર રહેવું, મદ્ય કે માંસના સ્પર્શથી દૂર રહેવું અને વર્ણસંકરતા પેદા કરે તેવા પ્રકારનાં કર્મનો ત્યાગ કરવાથી બાહ્ય શૌચનું પાલન થાય છે. તેવી જ રીતે આંતર શૌચનું પાલન સર્વ જીવપ્રાણીમાત્ર પ્રત્યે પોતાના આત્મા જેવું જ શુભ ચિંતવન કરવાથી અને પોતાના મનમાં ઉઠતા કામ ક્રોધાદિના દષ્ટવિચારોને સત્શાસ્ત્ર કે સંતો થકી પ્રાપ્ત થયેલા સદ્વિચારો દ્વારા શોધન કરી ત્યાગ કરવાથી થાય છે.૧૯-૨૧ 

તિતિક્ષા :- દેશકાળને લીધે જે દુઃખ પ્રાપ્ત થાય, તેમજ પ્રારબ્ધકર્મથી જે દુઃખ પ્રાપ્ત થાય, તેને ધીરજતાથી જે સહન કરવું, તેને તિતિક્ષા કહેલી છે, તેમાં કોઇ ઘોર જંગલમાં પ્રવેશ થઇ જવાથી આવી પડેલું દુઃખ તથા કોઇ પર્વત ઉપર ચડતાં ઉતરતાં આવી પડેલું દુઃખ, દેશ દુઃખ કહેલું છે. અને ટાઢ-તડકો-વરસાદ આદિકના લીધે થયેલું દુઃખ કાળદુઃખ કહેલું છે. કોઇ ઉપાયે ન મટે તેવા ક્ષય, પિત્તપ્રદોષાદિ દુઃખો પ્રારબ્ધનાં દુઃખો કહેલાં છે.
ઇક્ષા :- પોતપોતાના વર્ણાશ્રમના અનુરોધ પ્રમાણે યોગ્યાયોગ્ય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક ધારણ કરવો તેને ઇક્ષા કહેલ છે.૨૨

શમ :- માયિક શબ્દાદિ પંચવિષયો થકી મનમાં ક્ષોભ ન પામવું, તેને શમ કહેલ છે. દમ :- બ્રાહ્ય ઇન્દ્રિયોનો શાસ્ત્રવિરૂદ્ધ આચરણમાંથી નિગ્રહ કરવો, સંયમ રાખવો તેને દમ કહેલ છે.૨૩

અહિંસા :- માથાના વાળમાં પડતી લીખથી માંડીને મનુષ્ય પર્યંત પ્રાણીમાત્રનો જાણી જોઇને કાયા, મન, વાણીથી પણ દ્રોહ ન કરવો, તેને અહિંસા કહેલી છે. તેવી જ રીતે સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિને માટે પણ તીર્થાદિકને વિષે પણ આત્મઘાત ન કરવો, તે પણ અહિંસા કહેલી છે. તેમ જ ક્રોધ, શોક, લાજ, ભય આદિકના દુઃખને લીધે આત્મઘાત ન કરવો તે પણ અહિંસા જ કહેલી છે.
બ્રહ્મચર્ય :- ત્યાગીઓએ અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, તેને બ્રહ્મચર્ય કહેલું છે, ત્યાગીમાં બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસ આ ત્રણે આશ્રમ આવી જાય છે, તેવી જ રીતે ગૃહસ્થાશ્રમી પુરુષોએ પરસ્ત્રીનો સર્વથા ત્યાગ તેમજ એકાદશી આદિક વ્રતને દિવસે કે પૂર્ણિમા, અમાવાસ્યા, વ્યતિપાત કે સંક્રાન્તિ આદિ પર્વને દિવસે તેમજ તેના આગલા પાછલા દિવસે પણ પોતાની સ્ત્રીના સંગનો ત્યાગ, તે ગૃહસ્થનું બ્રહ્મચર્ય કહેલું છે. તેવીજ રીતે ત્યાગીની જેમ વિધવા નારીએ પણ અષ્ટપ્રકારે પુરુષનો ત્યાગ રાખવો તેને વિધવાનું બ્રહ્મચર્ય કહેલું છે. તથા સધવા સ્ત્રીએ પણ પરપુરુષના સંગનો સર્વથા ત્યાગ અને વ્રત આદિકને દિવસે પોતાના પતિનો પણ સંગ ન કરવો, તે સધવાનું બ્રહ્મચર્ય કહેલું છે.૨૪-૨૭ 

ત્યાગ :- પોતાની પત્ની સિવાયનું પોતાને કોઇ પણ પ્રિય પદાર્થોનું પોતાની શક્તિને અનુસારે યોગ્યપાત્રને દાન કરવું તેને ત્યાગ કહેલો છે.
સ્વાધ્યાય :- પોતપોતાને ઉચિત એવા વેદ, શાસ્ત્ર અને પુરાણાદિકમાં કહેલા સ્તોત્ર અને મંત્રાદિકનો પોતપોતાની શક્તિને અનુસારે જાપ કરવો તેને સ્વાધ્યાય કહેલ છે.૨૮ 

આર્જવ :- સાધુની આગળ કાયા, મન, વાણીથી પોતાની કુટિલતા છોડીને સરળ વર્તવું તેને આર્જવ કહેલ છે. સંતોષ :- નીતિપૂર્વક મહેનત કરવાથી પોતાનાં પ્રારબ્ધને અનુસારે જે અન્ન વસ્ત્રાદિક પ્રાપ્ત થાય તેમાં સંપૂર્ણતાની બુદ્ધિ રાખવી પરંતુ અધિક તૃષ્ણાનો ત્યાગ કરવો, તથા માલિકીના પદાર્થોનો પ્રત્યક્ષ કે પરોક્ષરીતે માલિકને પૂછયા વિના લેવાનો ત્યાગ રાખવો, તેને સંતોષ કહેલ છે.૨૯  

સમદૃક-સેવાઃ- બ્રહ્મચર્ય, નિર્લોભ, નિર્માન આદિક નિયમોમાં વર્તી એકાંતિકભાવે ભગવાનનું સેવન કરનાર સંતોની આગળ વિનયી થઇ નમ્રભાવે વર્તવું અને તેમની ઇચ્છાને અનુસારે સેવા કરવી તેને સમદૃક્સેવા ધર્મ કહેલો છે.૩૦ 

ગ્રામ્યપંચવિષયોમાંથી ઉપરતિ :- જન્મમરણરૂપ સંસૃતિને પમાડનારા માયિક પંચવિષયના સુખ થકી ધીરે ધીરે તેમાં દોષ જોતાં જોતાં વિરામ પામવું, અને તે ગ્રામ્ય સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરવો, તેને ગ્રામ્યસુખમાંથી ઉપરતિ કહેલી છે.૩૧ 

વિપર્યયેહેક્ષા :- માયિક સુખની પ્રાપ્તિ માટે બહુ પ્રકારના પ્રયત્નો કરતાં મનુષ્યોને આવી પડતાં બહુ પ્રકારનાં દુઃખોનું દર્શન કરવું, તેનો વિચાર વિમર્શ કરવો તેને વિપર્યેહેક્ષા કહેલી છે.૩૨ 

મૌન :- ફોતરાં ખાંડવા સમાન નિષ્પ્રયોજન માયિક વાર્તાના આલાપ થકી બુદ્ધિપૂર્વક વિચારીને તેમાંથી નિવૃત્ત રહેવું, તેને મૌન કહેલું છે. આત્મવિમર્શન :- ક્ષેત્રજ્ઞા એવા જીવને ક્ષેત્રરૂપ આ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરથી જ્ઞાતાપણે તથા અછેદ્યાદિ લક્ષણોથી અલગ માનવો તેને આત્મવિમર્શન કહેલું છે.૩૩ 

સંવિભાગ :- અન્નજળાદિક જે કાંઇ ભોગ્યપદાર્થ હોય તેની પોતાનાં પાસેથી ઇચ્છા રાખતા જીવપ્રાણીમાત્રને યથાયોગ્ય વિભાગ કરીને વહેંચી આપવું, પછીથી અન્નજળાદિકનો ઉપભોગ કરવો, તેને સંવિભાગ કહેલો છે.૩૪ 

આત્મદેવતા બુદ્ધિ :- સ્થાવર, જંગમ સમગ્ર જીવપ્રાણિમાત્રમાં અંતર્યામીપણે વ્યાપીને રહેલા શ્રીવાસુદેવ ભગવાનને જાણીને તેને સર્વત્ર પ્રણામ કરવા, પણ કોઇનો દ્રોહ થવા દેવો નહિ, તેમજ માન, મત્સરનો ત્યાગ કરવો, તેમાં પણ મનુષ્યો સાથે વિશેષપણે ત્યાગ કરવો તેને આત્મદેવતાબુદ્ધિ કહેલી છે.૩૫ 

શ્રવણ :- શ્રીકૃષ્ણ ભગવાનની કથામૃતનું કાનના પડીયા દ્વારા પાન કરવું તેને શ્રવણ કહેલ છે. કીર્તન :- તેજ ભગવાનના સત્યશૌચાદિ ગુણોનું અતિશય પ્રેમથી ગાયન કરવું, તેને કીર્તન કહેલું છે.૩૬ 

સ્મરણ :- ભગવાનની મૂર્તિનું નિત્યે હૃદયમાં એક એક અંગનું ધ્યાન કરી ચિંતવન કરવું તેને સ્મરણ કહેલું છે. સેવા :- નિષ્કપટભાવે શ્રીકૃષ્ણ ભગવાનની અનુવૃત્તિમાં સદાય રહેવું તથા તેમની ચરણચંપી આદિ કરવું તે સેવા કહેલી છે.૩૭ 

ઇજ્યા(અર્ચન) :- શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પોતપોતાની શક્તિને અનુસારે શ્રીકૃષ્ણ ભગવાનની બે પ્રકારે બાહ્યપૂજા અને માનસીપૂજા કરવી,તેને ઇજ્યા કહેલી છે. અવનતિ(વંદન) :- શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા તેને અવનતિ કહેલી છે.૩૮ 

દાસ્ય :- શ્રીકૃષ્ણ ભગવાનની દાસની જેમ નિર્માની થઇને પરિચર્યા સેવા કરવી તેને દાસ્ય કહેલું છે.
સખ્ય :- વિશ્વાસ પૂર્વક શ્રીકૃષ્ણ ભગવાનમાં અતિશય સ્નેહ કરવો, તેને સખ્ય કહેલ છે. અને આત્મસમર્પણ :- કાયા, મન, વાણીથી સર્વ પ્રકારે શ્રીકૃષ્ણ ભગવાનને અતિશય આધીન વર્તવું તેને આત્મસમર્પણ કહેલું છે.૩૯ 

હે ભક્તજનો ! આ પ્રમાણે ત્રીસ લક્ષણોએ યુક્ત જે સર્વોત્તમ સદ્ધર્મ છે તે મેં તમને કહ્યો, આ પ્રમાણે અહીં ત્રણ પ્રકારે ''સત્'' શબ્દનો જે પ્રયોગ થાય છે, તે તમને કહ્યો. હવે એ સત્ શબ્દ વાચ્ય પરબ્રહ્મ, સાધુ અને સદ્ધર્મ આ ત્રણેનું જે શાસ્ત્રમાં સંક્ષેપથી કે વિસ્તારથી નિરૂપણ કર્યું હોય તેને પણ સત્ શબ્દથી યુક્ત સત્શાસ્ત્ર જ કહેલું છે.૪૦-૪૧ 

હવે તે સત્શાસ્ત્રોમાં ચાર વેદ, શ્રીમદ્ભાગવત પુરાણ, વિદુરનીતિ, વિષ્ણુસહસ્રનામ, ભગવદ્ગીતા, શારીરિકસૂત્રો, યાજ્ઞાવલ્ક્યની સ્મૃતિ તથા શ્રીવાસુદેવમાહાત્મ્ય આ આઠ ગ્રંથોને સત્શાસ્ત્રો જાણવાં, અને જે સદ્ગ્રંથો આ આઠને અનુસરતા હોય તેવા મુમુક્ષુના હિતકારી ગ્રંથોને પણ સત્શાસ્ત્રો કહેલાં છે.૪૨-૪૪ 

હે ભક્તજનો ! આ પ્રમાણે મેં તમને સત્ શબ્દનો અર્થ કહ્યો. હવે ''સંગ'' શબ્દનો અર્થ કહું છું. સ્થિરબુદ્ધિ રાખી મહાત્મ્યજ્ઞાનપૂર્વક અતિશય દૃઢતાની સાથે સત્ શબ્દ વાચી આ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીકૃષ્ણની નવધા ભક્તિથી ભજન કરવું તેને ''સંગ'' શબ્દનો પ્રથમ અર્થ કહેલો છે. સત્ શબ્દવાચી સંતોની અન્ન-વસ્ત્રાદિકથી સેવા કરવી, ચંદન પુષ્પાદિકથી તેમનું પૂજન કરવું અને પોતાના હિતને માટે કહેલાં તેમનાં ઉપદેશનાં વચનો કાયા, મન, વાણીથી પ્રીતિપૂર્વક પાલન કરવાં તે ''સંગ'' શબ્દનો બીજો અર્થ છે. તેમજ આપત્કાળમાં પણ કહેલા ત્રીસ લક્ષણોવાળા સદ્ધર્મનો ભંગ ન કરવો, તેને સંગ શબ્દનો ત્રીજો અર્થ કહેલો છે. અને વળી સત્ શબ્દવાચ્ય કહેલા આઠ ગ્રંથો આદિ સત્શાસ્ત્રોનો ભગવાનની નવધા ભક્તિને પૃષ્ટ કરવા અને ભગવાનનું માહાત્મ્ય સમજ્વા અતિશય પ્રીતિપૂર્વક શ્રવણ, કીર્તન અને પઠન કરવું તથા બીજા શ્રોતાઓને સંભળાવવાં તેને સંગ શબ્દનો ચોથો અર્થ કહેલો છે.૪૫-૪૭ 

હે ભક્તજનો ! આ રીતે સત્ શબ્દ વાચ્ય પરબ્રહ્મ, સંત, સદ્ધર્મ અને સત્શાસ્ત્ર આ ચારનો આવી રીતનો સંગ જે મનુષ્યો આ પૃથ્વી પર કરે છે, તેને આપણા ઉદ્ધવસંપ્રદાયમાં ''સત્સંગી'' એવા શબ્દથી સંબોધવામાં આવે છે. તે સત્સંગીઓને શાસ્ત્રદર્શી પુરુષો બીજા છ શબ્દથી પણ સંબોધે છે. ૧. એકાંતિક, ૨. ભક્ત, ૩. સંત, ૪. ભાગવત, ૫. સાત્ત્વત અને ૬. સાધુ. આ રીતે સાત શબ્દોથી સંબોધાતા સત્સંગીઓ અને સંતો દેહને અંતે સર્વોત્તમ ગોલોકધામને પ્રાપ્ત કરે છે. જે ગોલોકધામમાં પરમેશ્વર શ્રીકૃષ્ણ ભગવાન રાધા અને લક્ષ્મીએ સહિત વિરાજે છે.૪૮-૫૦ 

હે ભક્તજનો ! જે મનુષ્યો પૂર્વોક્ત સત્શબ્દવાચ્ય ચારના સંગનો ત્યાગ કરી અસત્ માં બંધાય છે, એટલે કે અસત્ ઇશ્વર, અસત્ સાધુ, અસત્ ધર્મ અને અસત્ શાસ્ત્રોમાં આસક્ત થાય છે, તેને કુસંગી જાણવા. તેમાં કાળ, માયા, સ્વભાવ, કર્મ, ભૈરવાદિ તામસ દેવતાઓ, સર્વે પરતંત્ર હોવાથી અસત્ ઇશ્વર કહેલા છે. તેમ જ જે મનુષ્યો કે સાધુઓ પરમેશ્વર ભગવાન વિષ્ણુને છોડી કાળ, માયા આદિકની ઉપાસના કરે છે, તેમજ શ્રુતિ અને સ્મૃતિ વિરુદ્ધ ધર્મનું આચરણ કરે છે, તે સાધુઓને અસાધુ કહેલા છે. તે જ રીતે દંભ, માન, કલહ, ક્રોધ, હિંસા, લોભ, કામ આદિ અધર્મસર્ગથી જે ઉત્પન્ન થયેલા છે, તે પાપી છે. તેમાં ધર્મનો ભાસ છે પણ ખરેખર તે ધર્મો નથી, તેથી તેને અધર્મો કહેલા છે. વળી જે શાસ્ત્રમાં અસત્, શબ્દ વાચ્ય આ ત્રણ અસત્, ઇશ્વર, અસાધુ અને અધર્મનું પોતાની ઇચ્છાનુસાર શ્રુતિ, સ્મૃતિથી વિરુદ્ધ દુરાગ્રહપૂર્વક વર્ણન કર્યું હોય, તેને અસત્ શાસ્ત્ર કહેલું છે, તે પછી નાનું હોય કે મોટું હોય છતાં તેને અસત્શાસ્ત્ર જ કહેલું છે.૫૧-૫૫ 

હે ભક્તજનો ! જે મનુષ્યો અસત્ શબ્દવાચ્ય ઉપરોક્ત ચારનો સંગ કરે છે, તે મનુષ્યોને કુસંગી, દંભી, પાખંડી, નાસ્તિક, અસુર આદિ શબ્દોથી સંબોધવામાં આવે છે. અસદ્બુદ્ધિવાળા તે કુસંગીજનો પોતાના પાખંડી ગુરુઓ થકી ધન, સ્ત્રી, વસ્ત્રાદિક પદાર્થોના ગ્રહણથી વારંવાર છેતરાય છે, અને તેનો ત્યાગ પણ કરે છે. કેટલાક કુસંગીજનો પ્રથમ સત્પુરુષોનો આશ્રય કરે છે, પરંતુ સંતોના ભાગવતધર્મના આચરણરૂપ દુષ્કર ચરિત્રો જુવે છે, ત્યારે પોતાનાથી આ નહિ પાળી શકાય, એવું વિચારીને તે સત્પુરુષોનો ત્યાગ કરી દે છે, અને અસત્પુરુષોનો આશ્રય કરી મોજશોખ પ્રધાન પંથમાં ભળી વાનરની જેમ ક્રીડા કરે છે.૫૬-૫૮ 

 ત્યારપછી વિષયભોગ માટે જ નામ માત્ર શિષ્ય થઇને ફરતા તે કુસંગીજનો અસદ્ગુરુઓની સાથે જ ઘોર નરકમાં પડે છે. તેમાં કોઇ સંશય નથી.૫૯ 

હે ભક્તજનો ! આ પ્રમાણે મેં તમારી આગળ સત્સંગ શબ્દનો અર્થરૂપી દીવો પ્રજ્જલિત કર્યો, તેથી પ્રથમ આ ''સત્સંગાર્થદીપ'' હાથમાં લઇ સત્યને ઓળખી, સત્શબ્દવાચ્ય પરબ્રહ્મ, સત્પુરુષો, સદ્ધર્મ અને સત્શાસ્ત્ર આ ચારનો પ્રતિદિન કહ્યા પ્રમાણે સંગ કરવો.૬૦ હે ભક્તજનો ! જે મનુષ્ય કુત્સિતમતરૂપી અંધકારનો નાશ કરનાર આ સત્સંગદીપને સાંભળશે કે કહેશે તે મનુષ્ય ભવબંધનમાં કારણભૂત અજ્ઞાનરૂપી અંધકારથકી મુક્ત થઇ ઇચ્છિત પરમ સુખને પામશે.૬૧ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગુરુવર્ય શ્રીસહજાનંદ સ્વામીનું સંશય રહિતનું સ્પષ્ટ પૂર્વોક્ત વચન સાંભળી તેમને જ પ્રગટ પરબ્રહ્મ પરમાત્મા જાણી તેનો જ અનન્ય આશ્રય કરી રહેલા સર્વે સભાસદ્ સત્સંગીજનોએ એ વચનને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. ત્યારપછી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી તેઓ પોતપોતાને નિવાસ સ્થાને ગયા અને ભગવાન શ્રીહરિ પણ પોતાની અક્ષરઓરડીએ પધાર્યા.૬૨ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવના દિવસે રાત્રી સભામાં ભગવાન શ્રીહરિએ ''સત્સંગદીપ'' નું પ્રકાશન કર્યું, એ નામે બાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૨--