ભગવાન શ્રીહરિએ કહેલો સર્વ વ્રતો કરતાં એકાદશીનો સર્વોત્તમ મહિમા.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કાર્તિકસુદ દશમીના સૂર્યાસ્ત પછી શ્રીનારાયણમુનિ સંધ્યાવંદન કરીને સભામાં ઊંચા સિંહાસન ઉપર બેસીને પ્રસન્નવદને સભામાં બેઠેલા સર્વ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા.૧
શ્રીનારાયણમુનિ કહે છે, હે સર્વે સંતો ! હે સર્વે ભક્તજનો ! તથા હે સર્વે બહેનો ! સાંભળો. તમે સર્વે મને ગુરુના સ્થાન ઉપર સ્વીકાર્યો છે તેથી તમારા સર્વેનું હિત થાય તેવાં વચનો હું કહું છું. તે તમે આદરપૂર્વક સાંભળો.૨
હે ભક્તજનો ! આવતી કાલે પ્રબોધની એકાદશીની તિથિ છે. આ એકાદશીનું વ્રત મારા આશ્રિત તમારે સર્વેને વિશેષપણે કરવું.૩
પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીકૃષ્ણ આપણા ઇષ્ટદેવ છે. આ એકાદશીવ્રત તેમનું છે. તેથી સર્વે મારા આશ્રિત ભક્તજનોએ પ્રયત્નપૂર્વક આ વ્રત અવશ્ય કરવું.૪
હે ભક્તજનો ! જે મૂઢ મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરતો નથી, તે ગાઢ અંધકારથી ઘેરાયેલા રૌરવ નરકમાં પડે છે.૫
કારણ કે બ્રહ્મહત્યા સમાન સર્વે મહાપાપો તથા જે કોઇ પાપો એકાદશીના દિવસે અનાજમાં નિવાસ કરીને રહે છે.૬
તેથી એકાદશીને દિવસે જે કોઇ માનવ અન્નનું ભક્ષણ કરે છે તેને બ્રહ્મહત્યા જેવાં મહાપાપો લાગે છે. તેમજ તેને માતૃઘાતી, પિતૃઘાતી અને ગુરુઘાતી કહેલો છે.૭
હે ભક્તજનો ! જે માનવ બન્ને પક્ષની એકાદશીને દિવસે અન્નનું ભક્ષણ કરે છે તો તે ગ્રાસે ગ્રાસે પૃથ્વીપરના સમગ્ર મળને ખાય છે.૮
બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત બુદ્ધિમાન પુરુષોએ ધર્મશાસ્ત્રમાં કહેલું છે, પરંતુ એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કરનાર મનુષ્યના પાપનું પ્રાયશ્ચિત કોઇ પણ ધર્મશાસ્ત્રમાં કહેલું નથી.૯
આ લોકમાં દારુનું પાન કરનારો માત્ર પોતે જ નરકમાં જાય છે, પરંતુ એકાદશીના અન્ન ખાનારો પોતાના પૂર્વજો સ્વર્ગમાં ગયા હોય તેને ત્યાંથી નરકમાં પરાણે નાખે છે અને પોતે પણ ઘોર નરકમાં પડે છે.૧૦
હે ભક્તજનો ! તેથી જ વૈષ્ણવ એવા સર્વે સ્ત્રી-પુરુષ ભક્તજનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. તેમાં સુદપક્ષની કે વદપક્ષની એકાદશીમાં વિશેષપણે કોઇ ભેદ નથી.૧૧
બન્ને એકાદશીઓ સરખી છે. આઠ વર્ષની ઉપરના અને એશીં વર્ષની અંદરના દરેક મનુષ્યો તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી તથા સર્વે સધવા અને વિધવા સ્ત્રીઓએ બન્ને પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું.૧૨-૧૩
તેમાં પણ એકાદશીના દિવસે વિધવા નારી જો અન્નનું ભક્ષણ કરે તો તેનાં સર્વે સુકૃત એજ ક્ષણે નાશ પામે છે. ને દિવસે દિવસે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે.૧૪
હે ભક્તજનો ! એકાદશી તો ભગવાનનો દિવસ છે. તેને પામીને જે મનુષ્યો ઇન્દ્રિયોને નિયમમાં રાખી ઉપવાસ કરીને મધુસૂદન પરમાત્માનું પૂજન કરે છે, તથા એકાદશીની રાત્રીમાં ભગવાનની કથા કીર્તન કરી જાગરણ કરે છે, તે મનુષ્યો શરદઋતુ જેમ પાણીના મેલને ધોવે છે તેમ પોતાનાં પૂર્વે કરેલાં સર્વે પાપોને ધોઇ નાખે છે.૧૫-૧૬
વિધિ પ્રમાણે અનુષ્ઠાન કરાયેલો એકાદશીરૂપી અગ્નિ પૂર્વના સો જન્મોનાં સમગ્ર પાપને ભસ્મીભૂત કરે છે. પદ્મનાભ ભગવાનનો આ એકાદશીનો દિવસ જેવો આલોકમાં મનુષ્યના પાપને બાળવામાં સમર્થ છે. તેવો બીજો કોઇ વ્રતનો દિવસ પાવનકારી અને સમર્થ નથી.૧૭-૧૮
હે ભક્તજનો ! જ્યાં સુધી મનુષ્યે પદ્મનાભ ભગવાનની આ શુભ એકાદશીના દિવસે ઉપવાસ કર્યો નથી ત્યાં સુધી જ તેના શરીરમાં મહાપાપો નિવાસ કરીને રહે છે. જેવો એકાદશીનો ઉપવાસ કર્યો કે તત્કાળ તે સર્વેનો નાશ થઇ જાય છે.૧૯
તથા સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયે કુરુક્ષેત્રને વિષે ગૌદાનનું જેટલું પુણ્ય શાસ્ત્રમાં કહ્યું છે તેટલું પુણ્ય માત્ર એકાદશીનો ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે.૨૦
વળી જે પુરુષ પોતાને ઘેર એક લાખ તપસ્વી ભગવદ્ભક્તોને સાઠહજાર વર્ષ પર્યંત પ્રતિદિન ભોજન કરાવે ને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય સ્વધર્મનિષ્ઠ, વાસુદેવ ભગવાનપરાયણ પુરુષને નિયમપૂર્વક એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે.૨૧-૨૨
વળી હજાર અશ્વમેધયજ્ઞા તેમજ સો રાજસૂય યજ્ઞાનું અનુષ્ઠાન કરવાથી જે પુણ્ય થાય છે તે પુણ્ય એકાદશીના અનુષ્ઠાનથી થતા પુણ્યના સોળમા ભાગની તોલે પણ આવી શકતું નથી.૨૩
હે ભક્તજનો ! પૂર્વજન્મમાં અગિયારે ઇન્દ્રિયો દ્વારા જે કાંઇ પાપ કર્યું હોય તે સર્વે પાપ એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કરવાની સાથે જ વિલીન થઇ જાય છે.૨૪
આ એકાદશીના વ્રત જેવું અન્ય બીજું કોઇ વ્રત આટલા બધા પાપથી બચાવતું નથી. કોઇ બહાનાથી મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરે તેને પણ યમરાજનું દર્શન થતું નથી, તો પછી ભક્તિપૂર્વક ઉપવાસ કરનારને યમરાજનું દર્શન ક્યાંથી હોય ? ન જ હોય.૨૫
હે ભક્તજનો ! એકાદશીનું વિધિપૂર્વક કરેલું વ્રત મોક્ષ, સ્વર્ગ, શરીરનું આરોગ્ય, સારા સરળ સ્વભાવવાળી સ્ત્રી, રાજ્ય, અને રાજ્ય ભોગવે તેવો પુત્ર આપે છે.૨૬
આ એકાદશીના તોલે ભાગીરથી ગંગા પણ આવે નહિ, તેમજ ગયા, કાશી, પુષ્કર, કુરુક્ષેત્ર, નર્મદા, દેવિકા, યમુના અને ચંદ્રભાગા વિગેરે તીર્થક્ષેત્રો પણ એકાદશીના વ્રતની તોલે આવી શકતાં નથી. આ વ્રત કરનારો માણસ કોઇ અન્ય પ્રયત્ન વિના સરળતાથી ભગવાનના પરમપદને પામે છે. તેથી તેની સમાન ગંગા આદિ તીર્થક્ષેત્રો ક્યાંથી આવી શકે ?.૨૭-૨૮
હે ભક્તજનો ! હરિભક્ત સાથે રાત્રીનું જાગરણ કરવા પૂર્વક જે પુરુષ એકાદશીનો ઉપવાસ કરે છે. તે સર્વ પાપથકી મુકાઇ દેહને અંતે ચોક્કસ વિષ્ણુના વૈકુંઠલોકને પામે છે.૨૯
હે ભક્તજનો ! આ પ્રમાણે વિધિપૂર્વક એકાદશીનો ઉપવાસ કરનારો પુરુષ પોતાની માતાના કુળના દશ, પિતાના કુળના દશ, પત્નીના કુળના દશ અને સ્વયં પોતાનો પણ ઉદ્ધાર કરે છે.૩૦
આ એકાદશી કલ્પવૃક્ષ અને ચિંતામણિ તુલ્ય છે. તેથી પોતાનું અનુષ્ઠાન કરનાર પુરુષોની મનમાં ઇચ્છેલી સર્વે કામનાઓને પૂર્ણ કરનારી છે.૩૧
હે ભક્તજનો ! જે મનુષ્યો એકાદશીને શરણે જઇ વિધિપૂર્વક વ્રત કરે છે, તે ખરેખર આલોકમાં ઉત્તમ પુરુષો છે. અને દેહને અંતે ચતુર્ભુજ થઇ ગરુડની સવારી કરી કંઠમાં વનમાળા ધારણ કરી પીતાંબરમાં શોભતા ભગવાનના ધામમાં સિધાવે છે. અને ફરીને ક્યારેય પણ સંસારના ચક્રમાં પડતા નથી.૩૨-૩૩
હે ભક્તજનો ! પૃથ્વીપરનાં સર્વે પ્રકારનાં પાપરૂપી ઇંધણાંને ભસ્મસાત્ કરનાર અગ્નિરૂપ આ એકાદશી વ્રતનો પ્રભાવ મેં તમારી આગળ કહ્યો.૩૪
હે ભક્તજનો! જાણે અજાણે થઇ ગયેલું જે કાંઇ પાપ છે તેને નાશ કરનાર એકાદશી વ્રતનું માહાત્મ્ય તમને કહ્યું. તમેં સર્વે તમારા અંતરમાં ધારણ કરજ્યો. તેમજ પોતાના હિતને અર્થે આ એકાદશીના વ્રતનું અનુષ્ઠાન પણ કરજો.૩૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ એકાદશીના વ્રતના મહિમાનું નિરૂપણ કર્યું એ નામે એકત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૧--