અધ્યાય - ૩૦ - વાસુદેવાનંદ વર્ણીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ કહેલો પોતાના મંત્રજપનો વિધિ.

વાસુદેવાનંદ વર્ણીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ કહેલો પોતાના મંત્રજપનો વિધિ. માળાના ભેદ. નિષ્ફળ જપ. જપના ત્રણ ભેદ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કાર્તિકસુદ નવમીની તિથિએ શ્રીવાસુદેવનારાયણની સંધ્યા આરતી થયા પછી રાત્રીના સમયે મોટી સભામાં રત્નજડિત સિંહાસન ઉપર અનેક શોભાથી શોભી રહેલા ભગવાન શ્રીહરિને વર્ણિરાજ વાસુદેવાનંદ બ્રહ્મચારી નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે, હે શ્રીહરિ ! શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રજપને તમે પ્રતિદિન કરવાની આજ્ઞા કરેલી છે. તેનો વિધિ શું છે ? તે હું સાંભળવા ઇચ્છું છું કારણ કે તમે એમ કહેલું છે કે વિધિ અનુસાર જો મંત્રજપ કરવામાં આવે તો ઇચ્છિત ફળને આપનારો થાય છે.૧-૨ 

શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મચારી શ્રેષ્ઠ ! સત્શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલો સર્વમંત્રોનો રાજા શ્રીકૃષ્ણાષ્ટાક્ષરમંત્રનો જપવિધિ તમને હું સંક્ષેપથી કહું છું.૩ 

હે વર્ણી ! જે પુરુષ વિધિપૂર્વક સ્નાન કરી પવિત્ર થયેલો, ક્રોધ અને ચિંતાથી મુક્ત અને સ્વસ્થચિત્ત થયેલો હોય તથા ધર્મવંશી અને ધર્મ-ભક્તિ નિષ્ઠ આચાર્ય થકી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી, જેણે અષ્ટાક્ષરમંત્રનો સ્વીકાર કર્યો હોય, તે પુરુષ અહિં 'મંત્રજપનો અધિકારી' કહેલો છે.૪ 

હે વર્ણી ! સંન્યાસીઓને માટે કાચબા આકારનું વર્તુળ આસન શ્રેષ્ઠ કહેલું છે.૫ 

તેના સિવાયના અન્ય સર્વે આશ્રયવાળા ભક્તજનોને માટે ચાર પાયાવાળો પાટલો કે બાજોઠ તથા ચોરસ આસન માન્ય કહેલું છે. તેમાં કાળિયાર મૃગનુંચર્મ, વ્યાઘ્રચર્મ, રેશમીવસ્ત્રમાંથી તૈયાર કરેલું, વેત્રમાંથી બનાવેલું, વસ્ત્રનું, ઉનનું તેમજ દર્ભનું બનાવેલું આ સર્વે આસન જપની સિદ્ધિ આપનારાં કહેલાં છે.૬ 

હવે 'નિષેધ આસન' કહે છે, ગોબરનું આસન, માટીનું, તૂટેલું, ખાખરાના અને પીપળાના કાષ્ઠમાંથી બનાવેલું આસન નિષિદ્ધ છે. તેમજ લોખંડની પટ્ટી કે ખીલા જડેલું અથવા લોખંડના પતરાનું આસન, તેમજ વાંસની સળીઓથી બનાવેલું અને પથ્થરનું આટલા આસન જપવિધિમાં નિષેધ કરેલાં છે.૭ 

તેમજ ઘડયાવિનાના કાષ્ઠમાંથી કલ્પેલું, તથા યજ્ઞાને યોગ્ય કાષ્ઠમાંથી તૈયાર કરેલું હોય તે આસન વર્જ્ય છે, છતાં આપત્કાળમાં અપવિત્ર દ્રવ્યનો તેના પર જો લેપ ન હોય તો જપવિધિ માટે ચાલી શકે છે.૮ 

યોગ્ય માળા :- હે વર્ણી ! હવે યોગ્ય માળા કહું છું. જપ કરવાની માળા તુલસીના કાષ્ઠની સર્વોત્તમ શ્રેષ્ઠ માનેલી છે. તે ન મળે તો આમળાના કાષ્ઠની, કમળનાબીજની, સ્ફટિકની, રૂદ્રાક્ષની, દર્ભની તેમજ ચંદનના કાષ્ઠમાંથી તૈયાર કરેલી માળા જપને માટે ગ્રહણ કરવી.૯-૧૦ 

હે વર્ણી ! આ સર્વે માળાઓ ભગવાન શ્રીવિષ્ણુના ચરણોનો સ્પર્શ કરવાથી પવિત્ર થાય છે. અને જપને માટે યોગ્ય બને છે. તેથી જપ કરનારા પુરુષે પવિત્ર કરેલી માળા જપ માટે સ્વીકારવી.૧૧ 

અયોગ્ય માળા :- હે વર્ણી ! મણકા ફેરવી ન શકાય એવી, ગઠ કે જાડા દોરામાં પરોવેલી માળા, તૂટેલા મણકા કે તૂટેલા દોરાવાળી, ફેરવતી વખતે કટ કટ શબ્દ કરતી, જૂનાદોરામાં પરોવેલી માળા જપને માટે અયોગ્ય કહેલી છે.૧૨ 

પાખંડી, પાપી અને દુરાચારી પુરુષોએ પોતાના હાથમાં કે કંઠમાં ધારણ કરેલી માળા તથા ભગવાનના ચરણનો સ્પર્શ કર્યા વિનાની માળાનો મંત્રજપમાં ઉપયોગ કરે તો તેને ખરાબ સ્વપ્નાં આવે છે તેથી તે નિષેધ છે.૧૩

માળાના ભેદ :- હે વર્ણી ! એકસો ને આઠ મણકાવાળી માળા ઉત્તમ મનાયેલી છે. તેનાથી અર્ધી ચોપન મણકાવાળી માળા મધ્યમ અને તેનાથી અર્ધી સત્તાવીસ મણકાવાળી માળા કનિષ્ઠ કહેલી છે.૧૪

અક્ષરમાળા :- અકારથી આરંભીને ક્ષકાર સુધીના સર્વે વર્ણોને ક્રમ પ્રમાણે લેખન કરીને મણકાની જેમ પંક્તિબદ્ધ ગોઠવી પોતાની આગળ સ્થાપન કરવા. ત્યારપછી એક એક વર્ણને અનુલોમ તથા પ્રતિલોમ ક્રમથી અર્થાત્ પ્રથમ અક્ષરથી છેલ્લા અક્ષર સુધી અને છેલ્લા અક્ષરથી પહેલા અક્ષર સુધી એક એક અક્ષરે મંત્રોચ્ચાર સાથે જપ કરવો તેને અક્ષરમાળા કહેલી છે.૧૫ 

કરમાળા :- હે વર્ણી ! અનામિકા આંગળીના મધ્યપર્વથી પ્રારંભકરીને પ્રદક્ષિણાના ક્રમથી તર્જની આંગળીના મૂળ પર્યંત દશ પર્વમાં મંત્રનો જપ કરવો તેને કરમાળા કહેલી છે. તેમાં મધ્યમા આંગળીના મૂળના બે પર્વ મેરુ કહેલા છે તેથી તેનું ઉલ્લંઘન કરવું નહિ.૧૭ 

જપ કરવાની રીત :- હે વર્ણી ! માળાથી જપ કરવા બેસવું ત્યારે સ્વસ્તિક આસને અથવા મુક્ત પદ્માસને બેસવું. શરીરને સરળ રાખી એકાગ્રદૃષ્ટિથી હૃદયમાં ભગવાનનું સ્મરણ કરવું. વસ્ત્રથી કે ગૌમુખીથી માળાને ઢાંકીને રાખવી, અને એક એક મંત્રનું ઉચ્ચારણ કરતાં એક એક મણકાને મુક્તા જવું. આ પ્રમાણે જપ કરનારે પ્રતિદિન નિશ્ચિત સંખ્યામાં જપ કરવા.૧૯ 

હે વર્ણી ! માળા ફેરવતી વખતે તર્જની આંગળીથી માળાના દોરાને સ્પર્શ ન કરવો. મધ્ય આંગળીના મધ્યપર્વ ઉપર અંગુઠાના અગ્ર પર્વથી એક એક મણકાને ગ્રહણ કરતાં જવું ને મુક્તા જવું, એ રીતે જપ કરવો.૨૦ 

ડાબા હાથથી જપ માળાનો ક્યારેય સ્પર્શ ન કરવો. જ્યાં સુધી નિયમના જપ પૂર્ણ ન થાય ત્યાં સુધી જપમાળા જમણા હાથમાંથી પડવા ન દેવી. જો પ્રમાદ કે આળસને લીધે પોતાના જમણા હાથમાંથી માળા નીચે પડી જાય તો તેના દોષની શાંતિને માટે નિયમની માળા કરતાં એક માળા અધિક ફેરવવી. એકસોને આઠ મંત્રોનો અધિક જપ કરવો.૨૧-૨૨ 

હે વર્ણી ! માળા ફેરવતી વખતે માળાનો ભૂમિને સ્પર્શ થવો ન જોઇએ તથા પોતાના પગનાં તળાંને પણ સ્પર્શ થવો ન જોઇએ. માળા કરતાં કરતાં હાથને અને માથાને ધુણાવવું નહિ.૨૩ 

મસ્તક ઉપર પાઘડી તથા અંગરખું પહેરીને જપ કરવો નહિ. નીચું મુખ રાખીને તથા શિખાનું બંધન કર્યા વિના જપ ન કરવો. ગંદા શરીરે, અપવિત્ર હાથે, ઉલટી આદિકથી અશુદ્ધ થયેલા શરીરે જપ કરવો નહિ. વાતો કરતાં કરતાં જપ ન કરવો.૨૪ 

ગૌમુખી કે ઉત્તરીય વસ્ત્રથી જમણા હાથને ઢાંક્યા વિના જપ કરવો નહિ. મસ્તક ઉપર વસ્ત્ર બાંધીને, જપ કરવો નહિ. અહીં વસ્ત્ર બાંધવાનો નિષેધ છે પરંતુ મસ્તક ઉપર ઓઢયા વિના જપ ન કરવાનો વિધિ હોવાથી ખુલ્લા માથે પણ જપ ન કરવો. ચિંતાતુર મન હોય, ક્રોધથી, ભ્રાંતિથી કે ભૂખ તરસથી વ્યાકુળ હોય ત્યારે જપ કરવો નહિ.૨૫ 

આસન પાથર્યા વિના નીચે બેસીને, સુતાં સુતાં, ઊભા રહીને, ચાલતાં ચાલતાં પણ જપ કરવો નહિ. પગમાં પગરખાં પહેરીને, રથ આદિ વહાનમાં તથા ખાટલા આદિ શય્યા ઉપર બેસીને જપ ન કરવો.૨૬ 

પગ લાંબા કરીને, જંઘા ઉપર કે ગોઠણ ઉપર પગ ચઢાવીને, કાગડાની જેમ બેસીને, હાસ્ય વિનોદ કરતાં પણ જપ ન કરવો. ઉતાવળી ગતિએ માળા ફેરવતાં જપ ન કરવો. આમ તેમ જોતાં જોતાં, કોઇને કામની પ્રેરણારૂપ હાથની ચેષ્ટા કરતાં કે નેત્રોની સાન કરતાં જપ ન કરવો.૨૭-૨૮ 

શેરી કે બજારમાં બેસીને, સ્મશાનાદિ અપવિત્ર ભૂમિમાં બેસીને તથા દુર્ગંધ આવતી હોય તેવી ભૂમિપર બેસીને જપ ન કરવો. અંધકારમાં બેસીને તથા પાપી મનુષ્યોના સાંનિધ્યમાં બેસીને જપ ન કરવો.૨૯ 

નિષ્ફળ જપ :- હે વર્ણી ! મંત્રજાપમાં આળસ મનુષ્યથી જીતી ન શકાય તેવો નિદ્રા નામનો મહાશત્રુ વિઘ્નકર્તા છે. તેથી સાવધાનીપૂર્વક તેને જીતવો, નિદ્રાને જીત્યા વિના ઉંઘમાં કરેલો જપ નિષ્ફળ જાય છે.૩૦ 

આંગળીના મધ્ય પર્વને બદલે પહેલા પર્વ ઉપર માળા રાખીને જપ કર્યો હોય તો નિષ્ફળ જાય છે. માળાના મેરુનું ઉલ્લંઘન કરીને અને સંખ્યાની ગણતરી વિના કરેલો જપ નિષ્ફળ જાય છે.૩૧ 

જપના વિધિ નિષેધને જાણતા બુદ્ધિમાન પુરુષે આપત્કાળ પડયા વિના માળાના જાપમાં જેનો નિષેધ કર્યો છે તે મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. તેમજ સર્વે પ્રકારે મનને જીત્યા વિના કરેલો જપ નિષ્ફળ જાય છે.૩૨ 

હે વર્ણી ! મનનો સંયમ, પવિત્રતા, મૌન, મંત્રાર્થનું ચિંતવન, આકુળતા અને ઉદાસીનતાનો ત્યાગ આટલાંવાના મંત્રજપને સફળ કરવાનાં કારણો છે.૩૩ 

પોતાના ઇષ્ટદેવ પુરુષોત્તમનારાયણનું યથાપ્રાપ્ત ચંદનપુષ્પાદિ ઉપહારોથી બાહ્યપૂજન કે માનસીપૂજન કરી સ્થિર મનવડે પ્રતિદિન આટલા જપ કરવા જ એવા નિયમવાળો થઇ જપ કરનારે ભક્તિભાવથી ત્રિકાલ જપ કરવો.૩૪ 

તેમજ જપના સમયે બિલાડી અથવા ઉંદરનો સ્પર્શ થઇ જાય, ક્રોધ ઉપજે, અથવા અધોવાયુ છૂટે તો માળાને વસ્ત્ર ઉપર પધરાવી હરિનું સ્મરણ કરતાં કરતાં આચમન કરી, પ્રાણાયામ કરી, સૂર્યદર્શન કરીને નિયમમાં બાકી રહેલા જપની માળા ફરી શરૂ કરવી. તથા અસ્પૃશ્ય વસ્તુનો સ્પર્શ થઇ જાય તો ફરી સ્નાન કરીને બાકી રહેલા જપ પૂર્ણ કરવા.૩૫-૩૬ 

જપના ત્રણ ભેદ :- હે વર્ણી ! વાચિક, ઉપાંશુ અને માનસ આ ત્રણ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ ભેદ કહેલા છે. તે ભેદને સમજીને બની શકે તેમ ઉત્તમ પ્રકારનો ભેદ આચરણમાં મૂકવો.૩૭ 

તેમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આવા ત્રણ પ્રકારે ઉચ્ચારાયેલા સ્પષ્ટ શબ્દોથી તેમજ સ્પષ્ટપદ કે અક્ષરોથી મંત્રનું ઉચ્ચારણ કરવું, તે જપ વાચિક કહેવાય છે.૩૮

બીજાથી થોડુંક કાંઇક સાંભળી શકાય એ રીતે ધીરે ધીરે મંત્રનું ઉચ્ચારણ કરતાં કરેલો જપ, કાંઇક હોઠ ચાલતા હોય તે રીતે કરેલો જપ ઉપાંશુ કહેલો છે.૩૯ 

ત્રીજા પ્રકારના જપને વિષે સ્વર, વર્ણ, પદ અને વાક્યને જેવા છે તેવાજ સ્પષ્ટ સ્વરૂપે અક્ષરોની પંક્તિને વિશુદ્ધ બુદ્ધિથી મનમાં સ્મરણ કરતાં જપ કરવો તે માનસ જપ કહેલો છે.૪૦ 

તેમાં વાચિક-જપકરતાં ઉપાંશું-જપ દશગણો અધિક છે, અને ઉપાંશુ-જપમાં પણ માત્ર કાંઇક હોઠ ચલાવતાં કરેલો જિહ્વા-જપ સો ઘણો અધિક છે. અને જિહ્વા-જપ કરતાં માનસ-જપ હજાર ગણો અધિક કહેલો છે.૪૧ 

હે વર્ણી ! ઘરમાં કરેલોજપ જેટલા જપ કર્યા હોય તેટલું સમાન ફળ આપે છે, ગૌશાળામાં બેસીને કરેલો જપ દશગણું ફળ આપે છે, ગૃહ-ઉદ્યાનમાં બગીચામાં બેસીને કરેલો જપ સોગણું ફળ આપે છે, વનમાં કરેલો જપ હજારગણું ફળ આપે છે.૪૨ 

પવિત્ર પર્વત ઉપર જપ કરેલો હોય તો દશહજારગણું ફળ આપે છે, વહેતી નદીને તીરે કરેલો જપ લાખગણું ફળ આપે છે, કોઇ દેવાલયમાં કરેલો જપ કોટિગણું ફળ આપે છે અને ભગવાનની સાંનિધ્યમાં બેસીને કરેલો જપ અનંતફળને આપનારો થાય છે.૪૩ 

હે નિષ્પાપ વર્ણી ! આ પ્રમાણે જ ભગવાનની ભક્ત સધવા કે વિધવા નારીઓએ પણ ભગવાનના મંત્રનો જપ કરવો.૪૪ 

સ્નાન કર્યા વિના જપમાળાથી ક્યારેય પણ જપ ન કરવો, આપત્કાળમાં માનસી-સ્નાન કરીને જપ કરવો.૪૫ 

માળા વિના માત્ર મનથી જપ કરવાના સમયે સ્નાનાદિકનો કોઇ નિયમ નથી. તેમજ માળાવિના ભગવાનના નામસંકીર્તન કરવામાં સ્નાનાદિકનો પણ કોઇ નિયમ નથી.૪૬ 

હે વર્ણી ! જપમાળાને અપવિત્ર હાથે ક્યારેય સ્પર્શ ન કરવો. માળાને ભૂમિપર ફેંકવી નહિ, પુરુષની માળાને નારીએ સ્પર્શ કરવો નહિ. જપ કરી લીધા પછી માળાને ખીંટી ઉપર લટકાવવી.૪૭ 

હે વર્ણી ! આ પ્રમાણે આ પૃથ્વીપર ઉદ્ધવસંપ્રદાયના આશ્રિત સર્વે મનુષ્યો ભગવાન શ્રીહરિના નામમંત્રનો નિયત સંખ્યાના નિયમપૂર્વક સદાય જાપ કરે છે, તે મનુષ્યો લક્ષ્મીપતિ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામને નક્કી પામે છે.૪૮ 

સુવ્રતમુનિ કહે છે, હે ભૂમિપતિ ! પુરાણપુરુષ શ્રીનારાયણમુનિએ આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના મંત્રજપનો વિધિ કહ્યો. તેને સાંભળી વાસુદેવાનંદ બ્રહ્મચારી તથા સભામાં બેઠેલા સમસ્ત સંતો-ભક્તજનો ખૂબજ પ્રસન્ન થયા અને તેઓએ સકલ પુરુષાર્થની સિદ્ધિ આપનારા ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા ને સભાની પૂર્ણાહુતિ થઇ.૪૯ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં ભગવાન શ્રીનારાયણમુનિ અને વાસુદેવાનંદ વર્ણીના સંવાદમાં શ્રીકૃષ્ણમંત્રજપના વિધિનું નિરૂપણ કર્યું એ નામે ત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૦--