મુક્તાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ કરેલું સ્વરૃપાદ્વૈત જ્ઞાનનું નિરૃપણ. ભગવાન નિર્ગુણ, નિરાકાર અને સાકાર કેવી રીતે છે?
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કાર્તિકસુદ અષ્ટમીની તિથિએ ભગવાન શ્રીહરિ શ્રીવાસુદેવનારાયણની સંધ્યા આરતી થયા પછી ભક્તજનોની મોટી સભામાં પોતાના ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા.૧
તે સમયે સર્વે ભક્તજનોને ભગવાનના સ્વરૂપના જ્ઞાનમાં નિઃસંશય કરવા માટે મુનિશ્રેષ્ઠ, મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! વેદાદિ સત્શાસ્ત્રો દ્વારા સર્વના કારણપણે અને સર્વથકી પરપણે જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એવા આપણા સર્વેના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ હું યથાર્થ જાણવા ઇચ્છું છું.૨-૩
હે સ્વામિન્ ! જગતપિતા પરમાત્માને સગુણ કેવી રીતે સમજવા ને નિર્ગુણ કેવી રીતે સમજવા ? સાકાર અને નિરાકાર કેવી રીતે સમજવા ? અકર્તા કેવી રીતે સમજવા ? હે દયાનિધિ ! પોતાના અક્ષરબ્રહ્મ ધામને વિષે રહેલા દિવ્ય સ્વરૂપવાળા પરમાત્માને ભિન્ન સમજવા કે અભિન્ન સમજવા ? અર્થાત્ અક્ષરધામની મૂર્તિ અને આ મનુષ્યાકૃતિ મૂર્તિ એક છે કે તેમાં કાંઇ ભિન્નતા છે ? આ મારા પ્રશ્નોના ઉત્તર આપ મને કહો.૪-૫
હે પ્રભુ ! આ સભામાં બેઠેલા આપના આશ્રિત સર્વે ભક્તો આ મારા પ્રશ્નોના યથાર્થ ઉત્તર જાણવાની જિજ્ઞાસા ધરાવે છે. એથી તમે સત્શાસ્ત્રને અનુસારે અને આપના અનુભવને અનુસારે જે સિદ્ધાંત નક્કી કર્યો હોય તે અમને સંભળાવો.૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે જીજ્ઞાસુ મુક્તાનંદ સ્વામીએ પૂછયું તેથી સકલ ઐશ્વર્યે સંપન્ન ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોને અમૃત વચનોથી આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા.૭
શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ ! ભગવાનની ઉપાસના કરતા ભક્તજનોએ અવશ્ય સાંભળવા યોગ્ય તેમજ પોતાના હૃદયમાં ધારી મનન કરી સાક્ષાત્કાર કરવા યોગ્ય વૈષ્ણવસિદ્ધાંત તત્ત્વપૂર્વક તમને હું કહું છું તેને તમે સાંભળો અને હૃદયમાં ધારણ કરો.૮
હે મુનિ ! જે શ્રીકૃષ્ણ ભગવાન છે તે જ વેદાદિ સત્શાસ્ત્રોમાં પ્રતિપાદિત પરબ્રહ્મ છે. સ્વયંજ્યોતિ છે. તે સર્વે થકી પર એવા અક્ષરબ્રહ્મ થકી પણ પર છે. જગતના કારણભૂત સર્વે તત્ત્વોના પ્રવર્તક સ્વયં નારાયણ છે. સર્વેના અંતર્યામી ક્ષર અક્ષર થકી ઉત્તમ એ પુરુષોત્તમ છે.૯
તે ઇશ્વરોના પણ ઇશ્વર છે. સર્વના આધાર એવા વાસુદેવ છે. અપાર મહિમાવાળા તે પરમેશ્વર છે. અને વેદોએ પ્રતિપાદન કરેલા આત્માઓના પણ આત્મા છે. ચેતનોના પણ ચેતન છે.૧૦
તે કાળ, મહાપ્રકૃતિ અને મહાપુરુષના પણ નિયંતા છે. અને સર્વેના અંતરમાં પ્રવેશ કરી તેના જ્ઞાનના પ્રકાશક પણ તે જ ભગવાન શ્રીકૃષ્ણ છે. તે સદાય સ્વતંત્ર અને દિવ્યાકૃતિ ધરીને અક્ષરધામમાં વિરાજે છે.૧૧
હે મુનિ ! તે આ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે, તેને બ્રહ્મપુર કહે છે. તે ધામનો એક સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પ્રદેશ છે તે પણ એક સાથે ઉદય પામેલા કરોડો સૂર્યના પ્રકાશથી પણ વધુ પ્રકાશિત છે.૧૨
તેથી તે ધામને ચિદાકાશ એવા નામથી પણ કહેવાય છે. જે સદાય સ્થિર છે, નિરંતર આકાશની પેઠે નિર્લેપ છે. તે અનાદિ, અનંત અને અખંડ છે. તેમજ તે ધામ સત્, ચિત્ત અને આનંદરૂપ છે.૧૩
હે મુનિ ! આવા દિવ્ય બ્રહ્મપુરધામમાં નવીન મેઘની સમાન શ્યામ સુંદર મૂર્તિધારી તેમ જ કરોડો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ કરતાં પણ અતિશય ઉજ્જવળ કાંતિને ધારણ કરનારા પરમાત્મા શોભી રહ્યા છે.૧૪
એ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનના એક એક રોમમાં જે તેજ રહેલું છે તે તેજ આખા બ્રહ્મપુરધામના તેજ કરતાં પણ અતિશય અધિક છે. તેથી અક્ષરમુક્તો પણ તે તેજને ભગવાનના એક રોમના તેજની સાથે સરખાવી શકતા નથી.૧૫
હે મુનિ ! તે આવા દિવ્ય વસ્ત્રોને ધારી રહેલા અને અલંકારોથી અતિશય મનોહર જણાતા સમર્થ એવા શ્રીકૃષ્ણ ભગવાનની રાધા અને રમા આદિક પોતાની અનંત દિવ્ય શક્તિઓ દિવ્ય ઉપચારોથી સદાય સેવા કરે છે.૧૬
તેમજ દિવ્ય શરીરધારી શ્રીદામા અને વિષ્વક્સેન આદિ અનંત પાર્ષદો અતિશય શોભાયમાન દિવ્ય છત્ર, ચામર, વીંજણો આદિ અનંત ઉપકરણોથી શ્રીકૃષ્ણ ભગવાનની સદાય સેવા કરે છે.૧૭
અને દિવ્ય શરીરધારી સુદર્શનાદિ પોતાનાં આયુધો પણ તેમની સેવા કરે છે. તેમજ દિવ્ય શરીરધારી છ ભગ જે ઐશ્વર્ય, જ્ઞાન, યશ, શ્રી, વૈરાગ્ય અને ધર્મ તે પણ તેમની નિરંતર સેવા કરે છે. અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ પણ સદાય તેમની સેવા કરે છે.૧૮
હે મુનિ ! દિવ્ય અને રમણીય શરીરધારી તે અક્ષરધામના મહામુક્તો પણ અનંત દિવ્ય ચંદનાદિ ઉપચારોથી સદાય પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળને પૂજે છે.૧૯
તે સર્વના સ્વામી સદાય દ્વિભુજ છતાં પોતાના ભક્તજનોની ઇચ્છાને પૂર્ણ કરવા ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્રભુજરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે.૨૦
ભગવાન નિર્ગુણ, નિરાકાર અને સાકાર કેવી રીતે છે? :- તે શ્રીકૃષ્ણ નારાયણને વિષે માયાના સત્ત્વાદિ પ્રાકૃતગુણો નથી. તેથી તેને નિર્ગુણ કહેલા છે. તેજ રીતે પ્રાકૃત માયાનો આકાર નથી તેથી તેને નિરાકાર કહેલા છે.૨૧
હે મુનિ ! તેમ છતાં જે પુરુષો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત અનન્ય ભક્તિથી શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરે છે તે પુરુષો પરમાત્માને નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં અક્ષરધામને વિષે સદાય દિવ્ય સાકાર સ્વરૂપે જુએ છે. અને કહે છે પણ ખરા.૨૨
અને જે પુરુષો સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત હોવા છતાં પણ માહાત્મ્યજ્ઞાને સહિત તેની અનન્ય ભક્તિથી રહિત હોય છે, તે પુરુષો તે પરમાત્માને કેવળ નિરાકાર બ્રહ્મતેજ રૂપે જ નિહાળે છે. પરંતુ સાક્ષાત્ સાકાર સ્વરૂપે જોઇ શકતા નથી.૨૨-૨૩
હે મુનિ ! તે તમને દૃષ્ટાંતથી સમજાવું છું. જેવી રીતે મનુષ્યો તેજના મંડળને મધ્યે રહેલા શંખ, ચક્ર સહિત દ્વિભૂજ અને દિવ્ય શરીરધારી સૂર્યનારાયણને જોઇ શકતા નથી, માત્ર તેમના તેજને જ જુવે છે. તેમ અનન્ય ભક્તિથી રહિત હોવાથી અને કૈવલ્યાર્થી હોવાથી તે મુક્તો ભગવાનના સદાય દિવ્ય સાકાર સ્વરૂપને જોઇ શકતા નથી, માત્ર અક્ષરબ્રહ્મ તેજ સ્વરૂપે જ જુએ છે. તેથી હે મુનિ ! જે કૈવલ્યાર્થી મુક્ત પુરૂષો છે તે ભગવાનને ''નિરાકારબ્રહ્મ'' માને છે. તેઓના નિરાકાર માનવાથી કે કહેવાથી શ્રીકૃષ્ણ નામના પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર થઇ જતા નથી. તે તો સદાય સાકાર જ છે.૨૪-૨૫
હે મુનિ ! કદાચ એમ કહેશો કે, ભગવાન શ્રીકૃષ્ણ જો સાકાર પરબ્રહ્મ હોય તો સર્વત્ર વ્યાપી કેમ શકે ? કારણ કે સાકાર વ્યાપી ન શકે અને જે વ્યાપક હોય તે સાકાર ન હોય. બન્ને વિરોધાભાસ એકને વિષે કેમ સંભવી શકે ? તો તેમાં પણ હું કહું છું કે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના અક્ષરબ્રહ્મધામને વિષે એક જગ્યાએ સદા સાકાર સ્વરૂપે વિરાજે છે છતાં પોતાની તેજરૂપ અંતર્યામી શક્તિથી સર્વને વિષે પણ પૂર્ણપણે વ્યાપીને રહેલા છે. જેવી રીતે સૂર્યનારાયણ એક જગ્યાએ રહેલા હોવા છતાં પોતાના તેજથી સર્વના નેત્રરૂપી ઇન્દ્રિયના પ્રકાશકપણે આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે. એક અણુ પણ ખાલી નથી. તેમ પરમાત્મા પોતાની અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપક છે. કોઇ પણ જગ્યા ખાલી નથી. આ બાબતનું શ્રીમદ્ભાગવતને વિષે બ્રહ્માજીનું વાક્ય છે તે તમે સાંભળો.૨૬
બ્રહ્માજી કહે છે, અરે ! આ નંદજીના વ્રજમાં નિવાસ કરતા વ્રજવાસીઓના ભાગ્યનું હું શું વર્ણન કરું ? તેઓ કેટલા મહાભાગ્યશાળી છે ? આ જોઇને તો હું અતિશય આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો છું. કારણ કે પરમાનંદ, સનાતન અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અનંત વિશ્વમાં વ્યાપીને રહેલા પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન જેના મિત્રભાવે વર્તી રહ્યા છે.૨૭
હે મુનિ ! માયાના ત્રણગુણોથી પર, નિર્ગુણ અને મહાસમર્થ પરમાત્મા જ્યારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ તેમજ પ્રલયને માટે જ્યારે પ્રકૃતિ એવી માયાના ગુણોનો સ્વીકાર કરે છે ત્યારે તે પરમાત્મા સગુણ કહેલા છે.૨૮
એ પરમાત્મા સૃષ્ટિસમયે ''અનિરૂદ્ધ'' સ્વરૂપે માયાના રજોગુણનો સ્વીકાર કરીને, ''બ્રહ્મા'' એવા નામથી આ બ્રહ્માંડનું સર્જન કરે છે.૨૯
આ જ અનિરૂદ્ધરૂપ બ્રહ્માના સ્વરૂપમાં ભગવાન રાત્રી પ્રલયમાં ત્રિલોકીને પોતાના ઉદરમાં સમાવી મહાપ્રલયના જળમાં શયન કરે છે, ફરી રાત્રી પૂર્ણ થતાં ભગવાન ત્રિલોકીનું સર્જન કરે છે.૩૦
હે મુનિ ! એજ અક્ષરધામ નિવાસી ભગવાન વાસુદેવ પ્રદ્યુમ્નસ્વરૂપે માયાના સત્વગુણને ધારણ કરીને પ્રજાપતિ વિષ્ણુરૂપે થઈ સમસ્ત જગતનું પાલન-પોષણ કરે છે. તેને વૈરાજપુરુષ તથા લોકપાલ કહેવાય છે. તે અસુરોને હણી પોતાના ભક્તોને સાલોક્યાદિ ચતુર્ધા મુક્તિ આપે છે.૩૧-૩૨
હે મુનિ ! વળી તેજ ભગવાન વાસુદેવ સંકર્ષણસ્વરૂપે માયાના તમોગુણનો સ્વીકાર કરીને ''શિવ'' ના નામથી આ ત્રિલોકીનો સંહાર કરે છે. એ સંકર્ષણરૂપ શેષસ્વરૂપે રહેલા પરમાત્મા આ પૃથ્વીને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. આ પ્રમાણે ભગવાન વાસુદેવની અનિરૂદ્ધ, બ્રહ્મા, પદ્યુમ્ન, વિષ્ણુ, સંકર્ષણ અને શિવ, આ છ મૂર્તિઓ સગુણ મનાયેલી છે.૩૩-૩૪
તેમ જ આ જગતની ઉત્પત્તિ આદિકનાં કાર્ય કરવાને માટે છ મૂર્તિના સંબંધવાળી અન્ય હજારો મૂર્તિઓ રહેલી છે. તે સર્વે સગુણમૂર્તિઓ સૃષ્ટિનું કાર્ય નિભાવવા સ્વીકાર કરેલા પોતાના ગુણોનો ત્યાગ કરી દે છે. ત્યારે એને પણ ''નિર્ગુણ'' કહેવામાં આવે છે. તેમાં અનિરૂદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ આ ત્રણ સ્વરૂપો તો અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિના કારણભૂત છે, અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણસ્વરૂપો તો પ્રત્યેક બ્રહ્માંડનાં જુદાં જુદાં સ્વરૂપો છે. અને વળી અક્ષરધામાધિપતિ ભગવાન શ્રીવાસુદેવની મૂર્તિ અનાદિસિદ્ધ હોવાથી અને તેમાં સત્ય, શૌચ, દયા આદિ અનંત કલ્યાણકારી ગુણો સદાય રહેલા હોવાથી તેને પણ ''સગુણ'' જાણવા. આવી રીતે પરમાત્મા નિર્ગુણ હોવા છતાં સગુણ છે એમ જાણવું.૩૫
હે મુનિ ! નિત્ય સિદ્ધ દિવ્ય અંગવાળા અને નિર્ગુણમૂર્તિ એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમનારાયણ વાસુદેવ આ પૃથ્વીપર વસુદેવ અને દેવકીને ત્યાં શ્રીકૃષ્ણસ્વરૂપે મનુષ્યાકૃતિ ધારણ કરીને પ્રગટ થયા.૩૬
હે સદ્બુદ્ધિમાન મુનિ ! તે શ્રીકૃષ્ણ ભગવાનની ધામમાં રહેલી દિવ્ય મૂર્તિ અને અહીં મનુષ્યાકારમાં રહેલી મૂર્તિમાં કોઇ ભેદ નથી. આ પ્રમાણે રામાનુજાચાર્ય તેમજ ઉદ્ધવાચાર્ય માત્રનો નિર્ણય છે. એમ તમે નક્કી જાણો.૩૭
સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન દિવ્યસ્વરૂપે જ નરનાટકને ધારણ કરે છે, તે સમયે નર સ્વરૂપે રહેલા હોવા છતાં સ્વયં નારાયણે પોતાનું દિવ્યસ્વરૂપ વારંવાર પ્રગટ કરેલું છે. તેના પરથી નક્કી થાય છે કે મનુષ્ય સ્વરૂપમાં પણ પરમાત્મા દિવ્યસ્વરૂપે જ વિરાજમાન છે.૩૮
આ કથા શ્રીમદ્ ભાગવતાદિ પુરાણોમાં તથા મહાભારતાદિ ઇતિહાસોમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે. તે કથાઓનો સાર માત્ર હું તમને સંક્ષેપમાં કહું છું. તેથી તમે સ્વયં સમજી શકશો કે દિવ્યમૂર્તિ અને અહીંની મનુષ્ય મૂર્તિમાં કોઇ ભેદ નથી.૩૯
હે મુનિ ! દિવ્યમૂર્તિ ભગવાન વાસુદેવ પોતાના એકાંતિક ભક્ત સંતોનું તથા પોતાની આરાધનાના આધારભૂત સદાચારરૂપ ધર્મનું રક્ષણ કરવા તેમજ પૃથ્વીના ભારભૂત અસુરોનો વિનાશ કરી પૃથ્વીને ભાર રહિત કરવા પ્રથમ મથુરાને વિષે વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો.૪૦
વસુદેવજી દ્વારા માતા દેવકીજીના ઉદરમાં મનુષ્યાકૃતિ ધરીને પ્રવેશ કર્યો. દશમે માસે પ્રગટ થયા ત્યારે માતા પિતા વસુદેવ દેવકીને પૂર્વજન્મની સ્મૃતિ કરાવવા માટે વિષ્ણુરૂપ દિવ્યસ્વરૂપે દર્શન આપ્યું.૪૧
ત્યારપછી કંસથી ભય પામેલાં માતાપિતાની પ્રાર્થનાથી મનુષ્યરૂપ બાળકની આકૃતિ ધારણ કરી ત્યારે વસુદેવજી તેમને ગોકુળમાં મૂકી આવ્યા. ત્યાં યશોદાજીને બાળકનારૂપમાં રહેલા ભગવાને પોતાના મુખમાં પોતાનું જ વિશ્વરૂપ દેખાડયું.૪૨
હે મુનિ ! તે પરમેશ્વર ભગવાન મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ સ્વયં ભગવાને માટીભક્ષણના નિમિત્તે પહોળા કરેલા નાના એવા મુખમાં માતા યશોદાજીને ફરી પોતાનાં અખિલ બ્રહ્માંડસ્વરૂપનું દર્શન કરાવ્યું.૪૩
વળી તે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં નાના સ્વરૂપે હોવા છતાં પણ જ્યારે ગાય બાંધવાનાં દોરડાંથી પોતાને ખાંડણિયા સાથે મા યશોદાજીએ બાંધવા પ્રયત્ન કર્યો ત્યારે પોતાનું અનંતપણું અપરિમિતપણું સર્વે ગોપીઓને દેખાડયું.૪૪
વળી હે મુનિ ! જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા કરવા વૃંદાવનમાં ગોપબાળકો અને વાછરડાંઓનું હરણ કર્યું ત્યારે સ્વયં મનુષ્યાકૃતિ હોવા છતાં પણ તે ગોપબાળકો અને વાછરડાંઓ રૂપે થઇ એક વર્ષ પર્યંત ક્રીડા કરી હતી.૪૫
ત્યારપછી ગોપના રૂપમાં અને વાછરડાંના રૂપમાં રહેલાં પોતાનાં સ્વરૂપોમાં સકલ ઐશ્વર્ય સંપન્ન ચતુર્ભુજ એવા વિષ્ણુસ્વરૂપો રૂપે બ્રહ્માજીને દર્શન કરાવ્યું. ફરી એજ શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં રહેલા એક બાળકસ્વરૂપે થયા.૪૬
હે મુનિ ! પછી મનુષ્યાકૃતિમાં જ પરમાત્માએ કાલીયનાગનું દમન કર્યું અને ઝેરીલા જળનું પાન કરવાથી મૃત્યુ પામેલી ગાયો તથા ગોવાળોને પોતાની અમૃતમય દિવ્ય દૃષ્ટિથી ફરી જીવતાં કર્યા.૪૭
વળી તે મનુષ્યાકૃતિ પરમાત્માએ રાત્રીએ દાવાનળનું પાન કરી યમુનાને તીરે સૂતેલા સર્વ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું.૪૮
ફરી જ્યારે મુંજના વનમાં દાવાનળ લાગ્યો ત્યારે એ જ મનુષ્યાકૃતિ શ્રીકૃષ્ણ ભગવાને તે દાવાનળનું કરી ગાયો તથા ગોવાળોનું રક્ષણ કર્યું. વળી તે શ્રીકૃષ્ણ ભગવાને મનુષ્યાકૃતિમાં રહીને સાત દિવસ સુધી એક જ હાથે ગોવર્ધન પર્વત ધારણ કર્યો.૪૯
પોતે મનુષ્યાકૃતિ હોવા છતાં વરુણદેવના ઉત્તમલોકમાં વરુણાદિ સર્વે લોકપાલો જેમની પૂજા કરે છે એવી પોતાની દિવ્ય મૂર્તિનું પિતા નંદજીને દર્શન કરાવ્યું.૫૦
હે મુનિ ! તે ભગવાને વૈકુંઠલોકમાં મૂર્તિમાન વેદો જેની સ્તુતિ કરે છે એવાં પોતાનાં અદ્ભૂત દિવ્ય સ્વરૂપનું નંદરાય આદિ સર્વ ગોવાળોને દર્શન કરાવ્યું.૫૧
વળી મનુષ્યાકૃતિ શ્રીકૃષ્ણ ભગવાને સર્વે ગોપીઓને પરિપૂર્ણ સુખ આપવા જેટલી ગોપીઓ તેટલાં સ્વરૂપો ધારણ કરી રાસમંડળમાં રાસ ક્રીડા કરી.૫૨
વળી કંસ આ બાળક શ્રીકૃષ્ણને મારી તો નહિ નાખે ને ? એવી શંકા કરતા અક્રૂરજીને નિઃશંક કરવા સારૂં યમુનાજીના ધરામાં શેષશાયી અને બહાર રથ ઉપર રહેલ શ્રીકૃષ્ણ સ્વરૂપે, વળી ફરી ધરામાં પોતાનાં શેષશાયી સ્વરૂપનું એમ બન્ને એક સ્વરૂપે દર્શન કરાવ્યું.૫૩
હે મુનિ ! કંસરાજાની રંગસભામાં સર્વે મનુષ્યોને પોતપોતાના ભાવ અને અધિકાર પ્રમાણે સૌ સૌને યોગ્ય અને જુદાં જુદાં સ્વરૂપે દિવ્ય દર્શન આપ્યું.૫૪
વળી મનુષ્યાકૃતિ શ્રીકૃષ્ણ ભગવાન કાળયવનના ભયથી મથુરાથી ભાગ્યા છતાં કાળયવનને ચતુર્ભુજ દિવ્યસ્વરૂપે દર્શન આપ્યું અને ગુફામાં મુચકુંદરાજાને પણ ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે દર્શન આપ્યું.૫૫
હે મુનિ ! તે શ્રીકૃષ્ણ બહુકાળથી મૃત્યુ પામેલા ગુરુ સાંદીપનિના પુત્રને યમપુરીમાંથી પાછો લાવી આપ્યો. તેમજ માતા દેવકીજીને પ્રસન્ન કરવા રસાતળમાંથી બલિરાજા પાસેથી પોતાના મોટા છ ભાઇઓને લાવી આપ્યા હતા.૫૬
વળી જ્યારે દુઃશાસને સતી દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચ્યાં ત્યારે દ્રૌપદીએ તેમનું સ્મરણ કર્યું ત્યારે રુક્મિણિના શયનખંડમાંથી એક ક્ષણમાં હસ્તિનાપુર પહોંચી તેનાં ચીર પુર્યાં.૫૭
વળી વનમાં પાંડવો જ્યારે દુર્વાસા થકી શાપ પામવાનું સંકટ પામ્યા ત્યારે દ્રૌપદીજીના સ્મરણ માત્રથી તત્કાળ ત્યાં પહોંચી શાકનું પત્ર જમી ત્રિલોકીને તૃપ્ત કરી.૫૮
હે મુનિ ! પોતે મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી થયેલા તે વખતે પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. વળી ગરુડની સવારી કરી પારિજાતનું વૃક્ષ લેવા સ્વર્ગમાં ગયા.૫૯
દ્વારિકામાં સોળહજાર એકસો ને આઠ પટરાણીઓની પ્રસન્નતાર્થે તેટલાંજ રૂપ ધારણ કરી દરેક પત્નીના ભવનમાં નિવાસ કરીને રહેલા હોય તેવાં નારદજીને દર્શન કરાવ્યાં.૬૦
હે મુનિ ! મનુષ્યાકૃતિ ભગવાન શ્રીકૃષ્ણ લાકડાનાં રથમાં બેસી અર્જુનની સાથે દ્વારિકા નિવાસી બ્રાહ્મણના પુત્રને લેવા સારૂં પ્રકૃતિના ગાઢ અંધકારથી પર રહેલા દિવ્ય પોતાનાં અવ્યાકૃત ધામમાં ગયેલા.૬૧
વળી હિમાલયમાં પુત્ર પ્રાપ્તિમાટે તપ કરતા ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મુખમાંથી નીકળેલા વૈષ્ણવાગ્નિથી પશુ પક્ષી તેમજ વનવેલી વૃક્ષાદિ સમસ્ત સ્થાવર, જંગમ જંગલને ભસ્મીભૂત કરી ફરી પોતાની અમૃત વર્ષાથી આખા જંગલને સજીવન કર્યું.૬૨
શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિ હોવા છતાં મિથિલાનગરીમાં બહુલાશ્વ નામના જનકરાજાના રાજભવનમાં અને શ્રુતદેવ બ્રાહ્મણના ઘરમાં એક સાથે બે સ્વરૂપો ધારણ કરી વ્યાસાદિ ઋષિમુનિઓની સાથે નિવાસ કરીને રહ્યા.૬૩
આ પ્રમાણે પોતાના રાજર્ષિ અને બ્રહ્મર્ષિ બન્ને એકાંતિક ભક્તોને ઘેર એક સાથે બે સ્વરૂપે બ્રહ્મજ્ઞાન સંબંધી ઉપદેશ આપતા અને આનંદ ઉપજાવતા એક માસ પર્યંત નિવાસ કરીને રહ્યા.૬૪
હે મુનિ ! મનુષ્યભાવ ધારી રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને અમાનુષિક દિવ્યચરિત્રોનો વિસ્તાર કરતા થકા દેવતા તથા મનુષ્યોને કષ્ટ આપતા તેમજ ઇન્દ્રાદિ દેવતાઓથી પણ નહીં મારી શકાતા પ્રબળ અસુરોનો વિનાશ કર્યો.૬૫
તેમાં પૂતના, તૃણાવર્ત, શકટાસુર, વત્સાસુર, બકાસુર, અઘાસુર, વૃષભાસુર, કેશિ, ગજ, મલ્લો, ઉગ્રસેનના કંસાદિ પુત્રો, અને બીજા અનેક અસુર રાજાઓ કે જે સત્પુરુષોનો દ્રોહ કરી ધર્મસેતુને તોડતા હતા તે સર્વેનો વિનાશ કરી ધરતી પર ધર્મની સ્થાપના કરી.૬૬-૬૭
હે મુનિ ! આવા પ્રકારનાં ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક ચરિત્રો છે. એ ચરિત્રો મનુષ્યાકૃતિ દ્વારા કરેલાં હોવા છતાં જ્ઞાની પુરુષોને તેમાં અનેક રીતે દિવ્યતાનું દર્શન થતું હોવાથી તેને દિવ્યચરિત્રો કહે છે.૬૮
તેથી મનુષ્યાકૃતિ અને દિવ્યાકૃતિમાં રહેલા ભગવાન એક જ છે. પરંતુ તે બન્નેમાં કોઇ પણ જાતનો ભેદ નથી. તેમ છતાં તે બન્ને સ્વરૂપમાં જે ભેદ સમજે છે અને કહે છે તે પુરુષો અજ્ઞાની કહેલા છે.૬૯
હે મુનિ ! અનેક રૂપમાં રહેલા પરમાત્માને જે મનુષ્યો એકરૂપમાં જ અભિન્ન સમજે છે તેમજ તેમના મનુષ્યભાવને પણ જે દિવ્ય જાણે છે તે પુરુષોને જ્ઞાની સમજવા.૭૦
તે બન્ને સ્વરૂપ એક છે તે દૃષ્ટાંતથી સમજાવું છું. જેવી રીતે બલિરાજાએ પૂર્વે પ્રથમ ભગવાનનાં વામનસ્વરૂપે દર્શન કર્યાં પછી તે જ સ્વરૂપને વિરાટસ્વરૂપે જોયું. ફરી તેના તે જ સ્વરૂપનાં વામનસ્વરૂપે દર્શન થયાં.૭૧
તેવી જ રીતે સમુદ્રમંથન વખતે અજીત ભગવાન વિષ્ણુએ ચાર સ્વરૂપો ધારણ કરી જુદી જુદી ક્રિયાઓ કરી.૭૨
એ ચાર સ્વરૂપના મધ્યે અજીત સ્વરૂપે સમુદ્રમંથન કર્યું, કૂર્મ સ્વરૂપે મંદરાચળ પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો. ધન્વંતરી સ્વરૂપે અમૃતનો કુંભ લાવ્યા. તેમજ મોહીની સ્વરૂપે અમૃતની વહેંચણી કરી.૭૩
ત્રીજુ દૃષ્ટાંત જેવી રીતે અગ્નિદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેમાં પણ પેટની પીડાથી પીડાતા પીળી દાઢીવાળા થઇ ઇન્દ્રના ખાંડવ વનને બાળવાની ઇચ્છાથી ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુનની મંજૂરી અર્થે પ્રાર્થના કરવા આવ્યા, ત્યારે બ્રાહ્મણના રૂપમાં રહેલા અગ્નિને ભગવાનની અને અર્જુનની આજ્ઞા મળી ગઇ કે તરત જ મહા ભયંકર જવાળારૂપે થઇ પશુ, પક્ષી આદિ સમસ્ત જીવોએ સહિત સમગ્ર ખાંડવ વનને બાળીને ભસ્મ કર્યું, ફરી પાછા બ્રાહ્મણનું રૂપ ધરીને હાજર થયા.૭૪-૭૫
હે મુનિ ! આ ત્રણ દૃષ્ટાંત પ્રમાણે જ મનુષ્યાકૃતિ ધરી રહેલા શ્રીકૃષ્ણ ભગવાન છે તે જ દિવ્યસ્વરૂપે થઇ પોતાના અક્ષરધામમાં બેઠા છે. અને જે દિવ્યસ્વરૂપે અક્ષરધામમાં છે તે જ આ મનુષ્યાકૃતિમાં પૃથ્વી ઉપર રહેલા છે. એમ નક્કી જાણવું.૭૬
તેથી આ શ્રીકૃષ્ણ ભગવાનનાં જન્મ અને કર્મો દિવ્ય જાણવાં. તેમજ તેમનાં દિવ્યસ્વરૂપમાં અને મનુષ્યસ્વરૂપમાં પણ સદાય અભેદ જાણવો.૭૭
હે મુનિ ! આ જે ઉપર કહેલાં ચરિત્રોવાળા ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ છે તે જ સમસ્ત જગતના એટલે કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. તેથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને સ્વતંત્રપણે કરે છે.૭૮
વળી એ પરમાત્મા કાળ, કર્મ, સ્વભાવ, માયા અને પુરુષના આદિ કર્તા છે. તેથી જ તેને અનાદિ અને આદિ કર્તા તથા ઇશ્વરોના પણ ઇશ્વર કહેલા છે.૭૯
એ પરમાત્મા પોતાની કાળ, માયા આદિ અનંત શક્તિઓ દ્વારા અનંત કોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિક ચક્રવર્તી રાજાની જેમ કરાવે છે. પોતે કશુ કરતા નથી તેથી તેમને અકર્તા પણ સત્શાસ્ત્રોમાં કહેલા છે.૮૦
હે મુનિ ! તેથી જ જગતની ઉત્પત્તિ આદિકમાં કાળ, માયાદિકનું સ્વતંત્ર કારણપણું કોઇ પણ જગ્યાએ અને ક્યારેય પણ ન માનવું, ભગવાનની પ્રેરણા વિના એ કાંઇ પણ કરવા સમર્થ નથી.૮૧
પરંતુ સ્વયં ભગવાન સ્વતંત્ર છે. તે પોતાના અસાધારણ ઐશ્વર્યથી કાળ, માયાની સહાયતા વિના પણ અનંતકોટી બ્રહ્માંડનું સર્જન કરવા સમર્થ છે.૮૨
તે જ પરમાત્મા જ્યારે મનુષ્યાકૃતિ ધરે છે ત્યારે પણ તેટલી જ અને તે જ સામર્થીએ યુક્ત હોય છે. એટલા જ માટે ભગવાનના દિવ્યસ્વરૂપમાં અને મનુષ્યસ્વરૂપમાં એકતા વર્ણવી છે.૮૩
છતાં પણ શ્રીકૃષ્ણ ભગવાનના આ પૃથ્વી પરના જન્મ, કર્મ અને દેહને પણ જે મનુષ્યો પ્રાકૃત કહે છે, તેમજ દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં ભેદ કહે છે, તે પુરુષોને અસુરો જાણવા.૮૪
અને આવા મૂઢ અસુરો છે તેને સાધુ, ધર્મ, અને દેવતાઓના દ્રોહી એવા દુષ્ટોના વિનાશ કરતા શ્રીકૃષ્ણ ભગવાનની લીલામાં પણ દોષો દેખાય છે.૮૫
તે મૂઢ અસુરો પરમાત્મામાં રહેલા યથાર્થ કલ્યાણકારી ગુણોનું જે ભક્તજનો વર્ણન કરે છે તેના ઉપર પણ ઇર્ષ્યાભાવ રાખે છે. અને સંતો ભક્તોનો જે દ્રોહ કરે છે તેની પ્રશંસા કરે છે.૮૬
આ રીતે ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોમાં દોષ જોવા અને તેની સાથે વૈરબુદ્ધિ રાખવી તેમજ અસત્પુરુષોના દોષોમાં ગુણ જોવા અને તેમની સાથે મિત્રતા રાખવી આવું વર્તન એ જ અસુરોનો સહજ ધર્મ છે.૮૭
હે મુનિ ! આ બાબતને સ્પષ્ટ કરતાં અનેક આખ્યાનો પુરાણ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. તે દુષ્ટ અસુરોના સ્વભાવનું દર્શન કરાવતાં હોવાથી હું તમને સંક્ષેપમાં સંભળાવું છું.૮૮
જેમ કે યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞાની સભામાં ભીષ્મપિતામહે વર્ણન કરેલા શ્રીકૃષ્ણ ભગવાનના સમગ્ર ગુણોમાં શિશુપાલે દોષનું જ આરોપણ કર્યું.૮૯
તેમજ શ્રીકૃષ્ણ ભગવાને બાલગ્રહ એવી રાક્ષસી પૂતનાનો વધ કર્યો, એ ચરિત્રમાં શિશુપાલે સ્ત્રીહત્યાનો દોષ આરોપ્યો પરંતુ અનંત બાળકોના જીવ બચાવ્યાનો ગુણ ન લીધો.૯૦
શકટાસુરના વધ-ચરિત્રમાં તે અસુરે એક નિર્જીવ લાકડાંને ભાંગવાની ચંચળતારૂપ દોષનું આરોપણ કર્યું.૯૧
તે જ શ્રીકૃષ્ણે અઘાસુર અને બકાસુરનો નાશ કર્યો તેમાં શિશુપાળે એક સર્પ અને પક્ષીની હત્યારૂપ દોષનું આળ ચળાવ્યું. વત્સાસુર અને અરિષ્ઠાસુરના વધ ચરિત્રમાં ગોહત્યારૂપ દોષનું આરોપણ કર્યું.૯૨
તેમજ શ્રીકૃષ્ણ ભગવાને ગિરિરાજ ગોવર્ધન પર્વત ધારણ કરી વ્રજવાસીઓનું રક્ષણ કર્યું તે ચરિત્રમાં શિશુપાલે અનેક જીવજંતુઓવાળા રાફડાને ખોદી નાખવારૂપ દોષનું આરોપણ કર્યું, કાલીદમન અને દાવાનળ પાનના ચરિત્રમાં તેમજ વિશ્વરૂપનાં દર્શનમાં શિશુપાલે મલિનમંત્રોની સાધનાવાળી કેવળ મિથ્યા માયાજાળ દર્શાવી, એવો દોષ જોયો, પરંતુ ભગવાનમાં ક્યાંય ગુણ જોયો નહિ.૯૩
વળી હે મુનિ ! નૈષ્ઠિક બ્રહ્મચારી એવા શ્રીકૃષ્ણ ભગવાને કામદેવનો ગર્વ હરવા નિમિત્તે અનંતરૂપોને ધારણ કરી ગોપાંગનાઓની સાથે રાસક્રીડા કરી તે ચરિત્રમાં શિશુપાલે પરસ્ત્રીસંગનું આરોપણ કર્યું.૯૪
સર્વને દુઃખ આપનારા દુષ્ટ કંસના વિનાશના ચરિત્રમાં ખળ એવા શિશુપાલે અન્નદાતા રાજા તથા ગુરુની હત્યા કર્યાનો આરોપ મુક્યો, તથા તે રાજહત્યાને બ્રહ્મહત્યા કરતાં પણ વધુ દોષિત ઠરાવી.૯૫
ત્રેવીસ અક્ષૌહિણી સૈન્યની સાથે સત્તર વાર પોતાને મારવા મથુરા ઉપર ચડાઇ કરીને આવેલા યાદવોના દ્રોહી મગધદેશના રાજા જરાસંધનો ભીમસેન દ્વારા નાશ કરાવ્યાનાં ચરિત્રમાં શિશુપાલે છળ-કપટથી ધર્મમાર્ગની હત્યા કરવાનો આરોપ કર્યો.૯૬
હે મુનિ ! આ પ્રમાણે જગતના મંગલરૂપ અને ધર્મસ્થાપનના હેતુરૂપ તે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્રોમાં શિશુપાલે અસૂયાને લીધે દોષારોપણ કરતાં અનેક વચનો કહ્યાં.૯૭
તેમજ ભગવાનના ભક્ત, નૈષ્ઠિક બ્રહ્મચારી અને શ્રીકૃષ્ણ ભગવાનના ગુણોની પ્રશંસા કરતા ભીષ્મપિતામહને પણ શિશુપાલે નપુંસક, ભાટ, ચારણ જેવા બંદીજન અને પુત્ર ઉત્પન્ન ન કરવાથી મહાપાપના ભાગીદાર કહીને ખૂબજ નિંદા કરી.૯૮
અને રાજસૂયયજ્ઞા વખતે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરતા ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર રાજાને શિશુપાલે ધર્મભ્રષ્ટ, બુદ્ધિહીન અને પશુધર્મી કહ્યા.૯૯
તેમજ કામ, ક્રોધ, લોભ વિગેરે અધર્મવંશને આશરી રહેલા અને પૃથ્વીના ભારરૂપ તેમજ ભગવાન અને ભગવાનના ભક્તોના દ્રોહી, પાપબુદ્ધિવાળા અને દૈત્યોના અંશથી ઉત્પન્ન થયેલા રુક્મિ, સાલ્વ, એકલવ્ય આદિ રાજાઓને તે રાજસૂયયજ્ઞામાં શિશુપાલે અગ્રપૂજાને યોગ્ય કહ્યા.૧૦૦-૧૦૧
હે મુનિ ! વળી તે દુર્મતિ અસુર શિશુપાલે દયા, ક્ષમા, સત્ય, શૌચ, ધર્મ, જ્ઞાન આદિક ધર્મવંશના અનેક કલ્યાણકારી ગુણોના ધામરૂપ અને નરાકૃતિ ધારણ કરેલા સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણનારાયણને રાજસૂયયજ્ઞામાં પ્રથમ પૂજવા માટે અયોગ્ય તેમજ કૂતરા અને કાગડા જેવા કહ્યા.૧૦૨-૧૦૩
આ પ્રમાણે ચેદીદેશના રાજા શિશુપાલને ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોને વિષે દોષોનુંજ ગ્રહણ કર્યું પણ તેમાંથી એર પણ ગુણ ગ્રહણ કર્યો નહિ.૧૦૪
હે મુનિ ! શિશુપાલ જેવી બુદ્ધિ ધરાવતા અન્ય રુક્મિ, સાલ્વ, આદિ રાજાઓએ પણ તે શિશુપાલના વચનોને જ સત્ય કહીને અનુમોદન આપ્યું. તેથી હે મુનિ ! અત્યારના સમયે પણ ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોને વિષે દોષ જોનારા અને તેનું અનુમોદન કરનારા જે મનુષ્યો હોય તેને પણ અસુર જાણવા.૧૦૫
આવા પ્રકારના દુષ્ટબુદ્ધિવાળા જે સ્ત્રી પુરુષો છે તેજ આ પૃથ્વીપર પ્રગટ પ્રમાણ અસુરો કહેલા છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં મોહ પામીને દોષારોપણ કરે છે. પરંતુ ભગવાનના ભક્તો છે તે શ્રીકૃષ્ણના ચરિત્રોમાં મોહ પામતા નથી પરંતુ દિવ્યતાનો અનુભવ કરે છે.૧૦૬
હે મુનિ ! અજ્ઞાનીપણું, પરાધીનપણું, વિધિનિષેધને આધિનપણું, પ્રાકૃત શરીરના વિકારો જેવા કે અહંતા-મમતા, બાલ્ય, યુવાન, વૃદ્ધાવસ્થાદિ વિકારોનું પ્રદર્શન તથા સામાન્ય મનુષ્યોની જેમ દેહત્યાગ આ સર્વે જ્યારે પૃથ્વી પર મનુષ્યરૂપે પ્રગટ થયાલાં ભગવાનનાં ચરિત્રોને વિષે અસુરોને મોહ ઉપજે છે. પરંતુ ભગવાન વિષ્ણુમાં આ કોઇ દોષો હોતા નથી. પરંતુ જીવોના કલ્યાણને માટે ધારણ કરેલા ગુણો જ છે. આ પ્રમાણે બ્રહ્મપુરાણમાં અસુરોના મોહ વિષે સ્પષ્ટ વાત કરી છે.૧૦૭-૧૦૮
હે મુનિ ! આસુરી સંપત્તિથી યુક્ત દુષ્ટબુદ્ધિવાળા અસુર અભક્તોને ભગવાનનાં ચરિત્રોમાં મોહ ઉત્પન્ન થાય છે પરંતુ દૈવી સંપત્તિવાળા ભક્તોને ક્યારેય પણ ભગવાનનાં ચરિત્રોમાં મોહ ઉત્પન્ન થતો નથી.૧૦૯
આ પ્રમાણે અર્જુન પ્રત્યે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને પોતે કહેલું છે કે, હે અર્જુન ! મારા જન્મ અને કર્મને તત્ત્વપૂર્વક યથાર્થપણે જે દિવ્ય જાણે છે તે મનુષ્ય આ શરીરનો ત્યાગ કર્યા પછી આ સંસારને પામતા નથી પરંતુ મને જ પામે છે.૧૧૦
હે અર્જુન ! હું સમસ્ત ભૂતપ્રાણીમાત્રનો ઇશ્વર છું. આવા મારા પરાભવને નહીં સમજતા મૂઢ બુદ્ધિવાળા અસુરજનો ભક્તજનોના હિતને માટે મનુષ્યસ્વરૂપે વિચરતા મારી અવજ્ઞા કરે છે, મારા ગુણોમાં પણ દોષોનું દર્શન થાય તેવો મોહ ઉપજાવનારી દ્વેષપ્રધાન રાક્ષસી અને આસુરી પ્રકૃતિને વરેલા તે મૂઢ પુરુષોની મને ઉદ્દેશીને કરેલી અવળી આશાઓ, પ્રયત્નો, જ્ઞાન અને વિચારો સર્વ નિષ્ફળ જાય છે. અને વ્યવહારિકજ્ઞાનમાં તેમનું ચિત્ત વિપરીત થઇ જાય છે. ટૂંકમાં મારા વિરુદ્ધ જે કાંઇ પણ તે મોહને વશ થઇને કરે છે, તેમાં તેનાં પાસાં અવળાં પડે છે.૧૧૧-૧૧૨
આવા મારો દ્વેષ કરનારા ક્રૂર સ્વભાવના નરાધમ, અમંગળકારી તે પુરુષોને હું હમેશાં આસુરી યોનિમાં ફેંકી દઉં છું.૧૧૩
હે કૌન્તેય ! આસુરી યોનિને પામેલા તે મૂઢ પુરુષો જન્માંતર સુધી મને નહીં પામીને અતિશય અધમ યોનિને પામે છે.૧૧૪
હે પાર્થ ! આ બાજુ દૈવી પ્રકૃતિનો આશ્રય કરનારા મહાન આત્માઓ મારા અનન્ય ભક્તો મને સર્વભૂતપ્રાણીમાત્રનો કારણ તથા અવિનાશી જાણીને અનન્ય ભાવથી મારૂં ભજન કરે છે.૧૧૫
હે મુનિ ! શ્રીકૃષ્ણ ભગવાને પણ આવાં પ્રકારનાં અનેક વચનોથી મેં કહેલી વાતનું જ સ્પષ્ટ દર્શન કરાવેલું છે. તેથી શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં હોય છતાં તેમાં પ્રાકૃત બુદ્ધિનો સર્વથા ત્યાગ કરી તેમનું સર્વપ્રકારે ભજન કરવું.૧૧૬
જેવી રીતે કોઇ પુરુષ આલોકમાં ચિંતામણિ, કલ્પવૃક્ષ તેમજ કામધેનુનું સેવન કરે ને જેમ ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. તેમ શ્રીકૃષ્ણ ભગવાનનું સેવન પણ પોતે ઇચ્છેલા માયિક કે દિવ્યફળના મનોરથને તત્કાળ પૂર્ણ કરે છે.૧૧૭
તેમજ ભગવાન શ્રીકૃષ્ણ આલોકમાં જે કોઇ પણ જગ્યાએ નિવાસ કરે છે, ત્યાં માગ્યા વિના પણ આપોઆપ પોતાના પ્રતાપથી ધન, ધર્મ, યશ અને સુખનું સ્થાપન કરી દે છે.૧૧૮
હે મુનિ ! એ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન અત્યારે દ્વારિકાપુરીમાં નિત્ય નિવાસ કરીને રહ્યા છે અને એકાંતિક ભક્તજનોને તેનું કયારેક-ક્યારેક દર્શન પણ થાય છે.૧૧૯
આ શ્રીકૃષ્ણ ભગવાનની દેહ ત્યાગની જે લીલા છે તેતો અસુરોને મોહ ઉપજાવે છે. પરંતુ ભક્તજનોને તેમાં ક્યારેય પણ મોહ થતો નથી. આ બાબતમાં પણ હું તમને એક દૃષ્ટાંત આપું છું.૧૨૦
હે મુનિ ! જે રીતે ઇન્દ્રજાળની વિદ્યાને જાણતો કોઇ નટ પોતાની પત્ની ખેલ કરાવનારા રાજા પાસે મૂકીને સ્વર્ગમાં જાય છે. ત્યાં અસુરોની સાથે દેવતાઓને સહાય કરવા યુદ્ધ કરે છે.૧૨૧
તે સમયે અચાનક તે નટના કપાયેલા હાથ, પગ વિગેરે પૃથ્વીપર પાછા પડે છે. ત્યારે રુદન કરતી તે નટની સ્ત્રી નટના અવયવો લઇ અગ્નિમાં બળી મરે છે.૧૨૨
ત્યાં તો પૂર્વની માફક જ અસ્ત્ર શસ્ત્રથી સજ્જ તે નટ રાજા પાસે આવીને ઊભો રહે છે, તે જોઇ લોકો અને રાજા ખૂબજ આશ્ચર્ય પામે છે. ત્યાર પછી તે નટ આક્રોશ સાથે રાજા પાસેથી પોતાની સ્ત્રીની માગણી કરે છે, ત્યારે રાજા કહે કે, તે તો પૃથ્વીપર પડેલા તારા અવયવોની સાથે ચિત્તાગ્નિમાં બળીને પરલોક સિધાવી ગઇ છે. ત્યારે નટ બોલે છે, અરે !!! ઓ... મારી અર્ધાંગના ક્યાં છે તું અહીં આવ. ત્યારે રાજાના રાજસિંહાસન નીચેથી બહાર આવી રાજાને નમસ્કાર કરીને ઊભી રહે છે.૧૨૩
હે મુનિ ! આવી રીતે જે પુરુષો આ નટની વિદ્યાને જાણે છે તે પુરુષોને આમાં કોઇ આશ્ચર્ય કે મોહ થતો નથી પરંતુ નટવિદ્યાને નહિ જાણતા રાજા તથા પ્રજા સર્વેને અજ્ઞાનતાને કારણે મોહ થાય છે.૧૨૪
હે મુનિ ! તેવી જ રીતે શ્રીકૃષ્ણ ભગવાનને આ લોકમાં દેહત્યાગ અને તેના શરીરની સાથે રુક્મિણિ આદિ અષ્ટ પટરાણીઓનો અગ્નિ પ્રવેશ આ સર્વે ભગવાનની યોગમાયાનો પ્રભાવ છે.૧૨૫
આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાન પોતાની ઇચ્છાથી આલોકમાંથી અંતર્ધાન થાય ત્યારે અજ્ઞાની મનુષ્યો ભગવાનની યોગમાયાના બળને નહિ જાણતા હોવાથી મોહ પામે છે. પરંતુ ભગવાનના ભક્તો જરાય મોહ પામતા નથી.૧૨૬
અને તેથી જ અસુરોને મોહ પમાડવા માટે જ પોતાના દેહત્યાગરૂપ કરેલી શ્રીકૃષ્ણ ભગવાનની લીલાને જાણતા ભક્તજનો અત્યારે પણ દ્વારિકાપુરીમાં પૂર્વની જેમ જ રૂક્મિણી આદિ પટરાણીઓએ સહિત ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન કરે છે.૧૨૭
તેથી નિર્ગુણ એવા એ શ્રીકૃષ્ણ ભગવાન બ્રહ્મચર્યાદિક નિયમોનું યથાર્થ પાલન કરતા નરનારીઓ માટે પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે ઉપાસના કરવા યોગ્ય છે.૧૨૮
હે મુનિ ! તે શ્રીકૃષ્ણની ઉપાસના કરતા ભક્તજનો અને તેનું જ્ઞાન ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ ભાવને પામે છે.૧૨૯
કારણ કે ભગવાન સ્વયં નિર્ગુણ છે. તે વાત શ્રીમદ્ભાગવતપુરાણમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાના મુખેથી જ એકાંતિક ભક્ત ઉદ્ધવજીને કહી છે. તે તમને કહું છું, તેને તમે સાંભળો.૧૩૦
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, હે ઉદ્ધવજી ! દેહથી વ્યતિરિક્ત કેવળ શુદ્ધ આત્મા સંબંધી જે કૈવલ્યજ્ઞાન છે તે જ્ઞાન સાત્વિક કહેલું છે. દેવ મનુષ્યાદિકના માયિક લોક અને ભોગ સંબંધી જે વૈકલ્પિક જ્ઞાન છે તે રાજસ જ્ઞાન છે, મૂઢ બાળકના જેવું પ્રાકૃતજ્ઞાન છે તે તામસ જ્ઞાન કહેલું છે. અને આ સાક્ષાત્ પરમેશ્વર છે, એવું મારા સંબંધી જે જ્ઞાન છે તે નિર્ગુણ જ્ઞાન કહેલું છે.૧૩૧
હે ઉદ્ધવજી ! વનમાં નિવાસ કરવો તે સાત્વિક નિવાસ છે, વિષયી જનોની સાથે ગામમાં નિવાસ કરવો તે રાજસ નિવાસ છે. દારુનું પાન થતું હોય અને જુગાર રમાતો હોય આવાં સ્થાનોમાં જે નિવાસ કરવો તે તામસ નિવાસ કહેલો છે અને મારા મંદિરમાં નિવાસ કરવો તે નિર્ગુણ નિવાસ છે.૧૩૨
હે ઉદ્ધવજી ! કર્મફળની ઇચ્છા છોડીને પોતાના વર્ણાશ્રમને ઉચિત કર્મ કરનારો સાત્ત્વિક કર્તા છે, અને કર્મફળની ઇચ્છા રાખીને કર્મ કરનારો રાજસકર્તા છે, તેમજ માયિક પંચવિષયો અનર્થ કર્તા છે એવું જોવા જાણવા છતાં તેની સ્મૃતિથી ભ્રષ્ટ થઇ તેને માટે જે કર્મ કરે છે તે તામસકર્તા કહેલો છે. અને જે મારી અનુવૃત્તિમાં રહી એકાંતિકભાવે મારૂં ભજન સત્સંગ સેવા આદિ કર્મ કરે છે તે નિર્ગુણ કર્તા છે.૧૩૩
હે ઉદ્ધવજી ! કેવળ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવામાટેની જે શ્રદ્ધા છે તે સાત્ત્વિકશ્રદ્ધા કહેલી છે, વર્ણાશ્રમના ધર્મને અનુરૂપ કર્મ કરવાની શ્રદ્ધા રાજસ કહેલી છે, અને અધર્મપ્રવૃત્તિમાં ધર્મપણાની શ્રદ્ધા તે તામસશ્રદ્ધા છે અને જે મારી અનુવૃત્તિમાં રહી મારી આરાધના પૂજા કરવાની જે શ્રદ્ધા તે નિર્ગુણ કહેલી છે.૧૩૪
હે ઉદ્ધવજી ! પોતાના શરીરને પથ્ય પડે તેવો હિતકારી, પવિત્ર, માગ્યા વિના અનાયાસે પ્રાપ્ત થયેલો અન્નાદિકનો આહાર તે સાત્ત્વિક છે. ગમે તેવો હોય માત્ર ઇન્દ્રિયોના સુખને માટે પ્રાપ્ત કરવામાં આવેલો આહાર રાજસ કહેલો છે, અપવિત્ર અને શરીરને પીડાદાયક અન્નનો આહાર તે તામસ કહેલો છે, તેમજ પથ્ય, પવિત્ર અને મને નિવેદન કરી મારું સ્મરણ કરતાં કરેલો અન્નનો આહાર નિર્ગુણ કહેલો છે.૧૩૫
હે ઉદ્ધવજી ! આત્માનુભવજન્ય સુખ સાત્ત્વિક કહેલું છે, માયિક વિષયભોગ જન્ય સુખ રાજસ છે, સ્ત્રીપુત્રાદિકના મોહથી કે દીનતાથી પ્રગટેલું સુખ તામસ છે. જ્યારે મારી ઉપાસના, ભક્તિ, કથાશ્રવણ, કીર્તનાદિમાંથી પ્રગટેલું સુખ નિર્ગુણ કહેલું છે.૧૩૬
હે મુનિ ! આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાનનાં વચનોનાં પ્રમાણથી મારા આશ્રિત સર્વે ભક્તજનોએ સગુણપણું કે નિર્ગુણપણું ભગવાને કહ્યું તે રીત પ્રમાણે જ સમજવું પણ બીજી રીતે ન સમજવું.૧૩૭
હે સન્મતિ મુક્તમુનિ ! આ પ્રમાણે ભગવાન શ્રીવાસુદેવના સ્વરૂપ સંબંધી જ્ઞાનશાસ્ત્રનો મેં જે નિશ્ચય કરેલો છે તે યથાર્થપણે તમને કહ્યો. ભગવાનના દિવ્યાકાર અને મનુષ્યાકારની અભિન્નતા પણ કહી.૧૩૮
શ્રીકૃષ્ણ ભગવાનનાં લીલા ચરિત્રોની આપૃથ્વીપર દેશકાળને અનુસારે પ્રવૃત્તિ થયેલી છે, તેમાં જે મનુષ્યો કુતર્કો કરે છે તે જન્મ-મરણરૂપ સંસૃતિને પામે છે. પરંતુ મારા દ્વારા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહ્યા પછી તે કુતર્કો વિલીન થઇ જશે.૧૩૯
તેમજ નિરીશ્વરવાદનું પ્રવર્તન કરતાં શાસ્ત્રોના શ્રવણથી ઉત્પન્ન થયેલા કાળ, માયા એ વિશ્વની ઉત્પત્તિના સ્વતંત્ર કારણ છે. આવા વિપરીતજ્ઞાનની પ્રવૃત્તિ પણ મારા દ્વારા કહેવાયેલા આ ભગવદ્સ્વરૂપના જ્ઞાનનો નિશ્ચય થતાં નિવૃત્ત પામશે.૧૪૦
હે મુનિ ! સંતોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણના યથાર્થ જ્ઞાનની વૃદ્ધિને માટે તથા ભક્તિની વૃદ્ધિને માટે મુમુક્ષુ ભક્તજનોએ આ મેં કહેલા જ્ઞાનનો નિરંતર અભ્યાસ રાખવો.૧૪૧
અને મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાનનો આદરપૂર્વક એકવાર પણ જો પાઠ કરશે તો તે મુમુક્ષુઓના અંતરમાંથી ભગવાનના સ્વરૂપ સંબંધી સર્વે સંશયો વિનાશ પામશે.૧૪૨
હે મુનિ ! આ પૃથ્વીપર સ્વેચ્છાથી પ્રગટ થયેલા યદુપતિ ભગવાન શ્રીકૃષ્ણની આકૃતિ નિરંતર દિવ્ય છે. તેમના લોક, ભોગ અને સુખો સર્વે દિવ્ય છે. તેના ભોગ્યપદાર્થો, પાર્ષદો અને શક્તિઓ પણ દિવ્ય છે, અને તેના સંબંધમાં આવેલા સર્વ સ્ત્રી-પુરુષો પણ દિવ્ય અને તેની સર્વે ક્રિયા જે ચરિત્રો તે પણ દિવ્ય છે.૧૪૩
હે મુક્તમુનિ ! હે સર્વે ભક્તજનો ! આ પ્રમાણે નિર્દોષસ્વરૂપ, સત્ય શૌચાદિ સકલ કલ્યાણકારી ગુણોથી સદાય અલંકૃત ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવની દિવ્યમૂર્તિ જાણી પોતાની આત્યંતિક મુક્તિને માટે આ પૃથ્વીપર તમે સર્વે સદાકાળ પ્રેમપૂર્વક નવધા ભક્તિથી આરાધના કરો. એક જ અને અદ્વિતીય તેમજ પરબ્રહ્મ એવા સચ્ચિદાનંદરૂપ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં કે માનુષસ્વરૂપમાં ભેદ બુદ્ધિ ન કરવી, તેમજ તેના ગુણ ચરિત્રોમાં અલ્પ સરખી પણ દોષબુદ્ધિ ન કરવી.૧૪૪
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિએ પરમાત્મા રમાપતિ ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપાદ્વૈતનું વર્ણન કર્યું. તેને સાંભળી ઋષિરાજ મુક્તાનંદ સ્વામી તથા સભામાં બેઠેલા સર્વે સંતો-ભક્તો ખૂબજ પ્રસન્ન થયા અને સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરી પોતાની સન્મુખ વિરાજતા તેમજ પરોક્ષપણે પોતાનાજ આગલા અવતારરૂપ શ્રીકૃષ્ણભાવે સ્વરૂપાદ્વૈતનું જ્ઞાન આપી રહેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીનારાયણમુનિમાં સર્વેને તત્કાળ અતિશય દૃઢ નિર્મળ દિવ્યભાવ પ્રગટ થયો.૧૪૫
હે રાજન્ ! શ્રીનારાયણમુનિના મુખકમળમાંથી નીકળેલા આ સ્વરૂપાદ્વૈતના નિર્મળ અને સર્વોત્તમ જ્ઞાનશાસ્ત્રનો આલોકમાં જે જનો પાઠ કરશે અને સાંભળશે તે સર્વે જનો પરમસુખરૂપ પરમાત્મા શ્રીહરિને વિષે પરમ એકાંતિકી ભક્તિ તથા ભુક્તિએ સહિત પરમ મુક્તિ તેમજ મનોવાંછિત સમસ્ત સુખને પ્રાપ્ત કરશે.૧૪૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ પર ભગવાન શ્રીનારાયણમુનિ અને મુક્તાનંદ સ્વામીના સંવાદમાં શ્રીકૃષ્ણસ્વરૂપાદ્વૈતજ્ઞાનનું નિરૂપણ કર્યું એ નામે ઓગણત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૯--