ગોપાળાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ ત્યાગી સંતોના આહ્નિક વિધિનું કરેલું નિરૃપણ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! કાર્તિક સુદ સાતમના સાયંકાળે ભગવાન શ્રીવાસુદેવનારાયણની સંધ્યાઆરતી થયા પછી સભાને મધ્યે ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન ભગવાન શ્રીનારાયણમુનિને ઋષિરાજ ગોપાળાનંદ સ્વામી બન્ને હાથ જોડી નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે, હે મહાપ્રભુ ! આ ઉદ્ધવ સંપ્રદાયમાં આપને શરણે રહેલા સમસ્ત ત્યાગી સંતોને પ્રતિદિન અનુષ્ઠાન કરવા યોગ્ય આહ્નિકવિધિને હું આપના મુખ થકી સાંભળવા ઇચ્છું છું.૧-૨
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ ! અવશ્ય પાલન કરવા યોગ્ય મારા આશ્રિત ત્યાગી સાધુઓનો આહ્નિકવિધિ તમને હું સંક્ષેપથી કહું છું. તેને તમે સર્વે મારા આશ્રિત સંતોની સાથે સાવધાની પૂર્વક સાંભળો.૩
હે મુનિ ! ત્યાગી સંતે રાત્રીના છેલ્લા પ્રહરમાં બ્રાહ્મમુહૂર્તમાં તત્કાળ નિદ્રાનો ત્યાગ કરવો, અને પોતાના ઇષ્ટદેવ પ્રગટ ભગવાન શ્રીહરિકૃષ્ણનું ધ્યાન કરવું. ત્યારપછી ભગવાનનું નામસંકીર્તન કરી એક એક સંતને મસ્તક નમાવી પ્રણામ કરવા. ત્યારપછી હાથમાં જળપાત્ર લઇ સંતોએ ગામ, નગર કે પુરની બહાર જવું. ત્યાં કોઇ એકાંત પ્રદેશમાં મળ વિસર્જન કરી નદી, સરોવર, વાવ, કૂવા આદિ જલાશ્રય પ્રત્યે આવવું ત્યાં જળ અને માટીવડે હસ્ત-ચરણ નિયમ પ્રમાણે ધોઇ શુદ્ધ કરવા.૪-૬
હે મુનિ ! કોઇએ પણ ઊભા ઊભા મળ, અને મૂત્રનું વિસર્જન ન કરવું. જળમાં મળ મૂત્ર અને થૂંક છોડવું નહિ. તેમજ વિપ્ર, ગાય, અગ્નિ, સૂર્ય અને ચંદ્રની સન્મુખ બેસીને પણ મળ અને મૂત્રનું વિસર્જન ન કરવું, હળથી ખેડેલી જમીનમાં, માર્ગમાં, નદીના તટ ઉપર, ગાયોની મધ્યે, વાવેલાં ખેતરમાં, જીર્ણ દેવાલયમાં, તેમજ સ્ત્રીઓની સન્મુખ બેસીને કોઇએ પણ મળમૂત્ર કરવું નહિ.૭-૮
હે મુનિ ! શૌચવિધિમાં હાથપગને શુદ્ધ કરતી વખતે ક્યારેય પણ સૂક્ષ્મ જંતુવાળી માટી ગ્રહણ કરવી નહિ. અપવિત્ર સ્થાનમાંથી પણ માટી ગ્રહણ કરવી નહિ. બીજા કોઇના હાથ ધોતાં બાકી રહેલી માટી પણ ગ્રહણ કરવી નહિ, તેમજ રાફડાની માટી ગ્રહણ કરવી નહિ.૯
અને શૌચવિધિની શુદ્ધિમાં એક વખત લિંગ, ત્રણ વખત ગુદા, દશ વખત ડાબો હાથ, અને સાત વખત બન્ને હાથ ભેળા કરીને માટી અને જળથી શુદ્ધ કરવા, ત્યારપછી ત્રણ વખત બન્ને પગ માટી અને જળથી શુદ્ધ કરવા.૧૦
હે મુનિ ! ત્યાગી સંતે હરિઇચ્છાએ જેવું મળી આવે તેવા કાષ્ઠથી દાતણ કરવું, પરંતુ સ્વયં જાતે લીલાવૃક્ષમાંથી દાતણ કાપવું નહિ. એકાદશી કે જન્માષ્ટમી આદિ વ્રતના તથા પ્રાયશ્ચિતના ઉપવાસને દિવસે પણ દાતણ ન કરવું. તે દિવસે પાણી વડે બાર કોગળા કરીને મુખશુદ્ધિ કરવી. પછી નદી, તળાવ, કૂવા પ્રત્યે સ્નાન કરવું, તેમાં કૂવામાંથી જળ સિંચીને સ્નાન કરવું અને નદીમાં પ્રવાહ સન્મુખ ઊભા રહીને અને તળાવમાં સૂર્યસન્મુખ ઊભા રહીને સ્નાન કરવું, અને ક્યારેક રોગાદિ આપત્કાળ આવી પડયો હોય ત્યારે ગરમ જળથી સ્નાન કરવું. અથવા સ્નાન થઇ જ શકે તેમ ન હોય તો માનસિક સ્નાન કરવું.૧૧-૧૩
હે મુનિ ! પોતાના હૃદયકમળમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી તેના નામનું ઉચ્ચારણ કરતાં મનથી કલ્પેલા જળથી જે સ્નાન તે માનસિક સ્નાન કહેલું છે. જ્યારે સ્નાન કરવું ત્યારે ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી પ્રગટેલા, ભગીરથ રાજાના તપથી સિદ્ધિરુપા અને મહાપાતકનો વિનાશ કરનારાં ગંગાજીનું સ્મરણ કરવું. સ્નાન કર્યા પછી ધોયેલી કૌપીન ધારણ કરી તેના ઉપર ધોયેલું ધોતીયું પહેરીને નિત્યવિધિ કરવી. જો ધોયેલાં વસ્ત્રનો અભાવ હોય તો તે જ ભીનાં વસ્ત્રો ધારણ કરીને પણ નિત્યવિધિ કરવો.૧૪-૧૬
હે મુનિ ! નિત્યવિધિમાં સાધુએ પવિત્ર જગ્યા ઉપર પોતે એકલા બેસી શકાય તેવા રેશમ કે ઉનના આસન ઉપર ઉત્તરમુખે કે પૂર્વમુખે બેસવું. ત્યારપછી શિખાનું બંધન કરીને 'ઁનારાયણાય નમઃ, ઁવાસુદેવાય નમઃ, ઁવિષ્ણવે નમઃ' આ ત્રણ મંત્રો ક્રમાનુસારે બોલીને ત્રણ વખત વસ્ત્રથી ગાળેલા જળથી આચમન કરવું. પછી ભગવાનની પૂજા કરતાં બાકી રહેલાં ચંદનથી અથવા ગોપીચંદનથી ચાંદલાએ સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું, તેમાં લલાટ, હૃદય અને બે બાહુમાં પ્રતિદિન ઊર્ધ્વપુંડ્ર તિલકના મધ્યે ગોપીચંદનનો ચાંદલો કરવો.૧૭-૨૦
હે મુનિ ! ભાલમાં તિલક ધારણ કરતી વખતે 'ઁ શ્રી વાસુદેવાય નમઃ' એ મંત્ર બોલવો, હૃદયમાં તિલક ધારણ કરતી વખતે 'ઁ શ્રી સંકર્ષણાય નમઃ', તેમજ જમણા બાહુમાં તિલક કરતી વખતે 'ઁ શ્રી પ્રદ્યુમ્નાય નમઃ' અને ડાબા બાહુમાં 'ઁ શ્રી અનિરુદ્ધાય નમઃ' એ મંત્ર બોલવો.૨૧
હે મુનિ ! ત્રણે વર્ણના સાધુએ પૂર્વોક્ત ત્રણ મંત્રો સાથે ત્રણ વખત આચમન કરીને ''ઁ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્'' આ વિષ્ણુગાયત્રી મંત્રનો જપ કરવો. નારદજી આ મંત્રના ઋષિ છે, ગાયત્રી આ મંત્રનો છંદ છે, શ્રીવિષ્ણુ આ મંત્રના દેવતા છે, જ્ઞાન બીજ છે, ધ્યાન શક્તિ છે, આજ્ઞા કિલક છે, અને આ મંત્રનો વિનિયોગ ભગવાન શ્રીવિષ્ણુની પ્રસન્નતા માટે જપમાં મનાયેલો છે.૨૨-૨૪
પછી ક્રમાનુસાર ન્યાસ કરવો, તેમાં મસ્તકમાં 'નારદઋષયે નમઃ' મંત્રથી ન્યાસ કરવો, મુખમાં 'ગાયત્રી છંદસે નમઃ', વક્ષઃસ્થળમાં 'શ્રીવિષ્ણુપરમાત્મદેવતાયૈ નમઃ', નાભિમાં 'જ્ઞાનબીજાય નમઃ', ચરણમાં 'ધ્યાનશક્ત્યૈ નમઃ', તેમજ સર્વ અંગોમાં 'આજ્ઞાકિલકાય નમઃ' આ પ્રમાણે મંત્રોથી ન્યાસ કરવો.૨૫
હે મુનિ ! પછી વિભક્તિ અંતમાં જોડાયેલી હોય તે રીતે મંત્રના એક એક શબ્દથી કરન્યાસ કરવો, તેમાં પણ ''તન્નો વિષ્ણુ'' બન્ને મળીને એક શબ્દ જાણવો. 'નારાયણાય' બોલી અંગુઠામાં ન્યાસ કરવો, 'વિદ્મહે' એમ બોલી તર્જની આંગળીમાં ન્યાસ કરવો, 'વાસુદેવાય' એમ બોલી મધ્યમા આંગળીમાં ન્યાસ કરવો, 'ધીમહિ' એમ બોલી અનામિકા આંગળીમાં ન્યાસ કરવો, 'તન્નો વિષ્ણુ' એમ બોલી કનિષ્ઠિકા આંગળીમાં ન્યાસ કરવો, 'પ્રચોદયાત્' એમ બોલી બન્ને હાથનાં તળિયાં અને પૃષ્ઠભાગનો સ્પર્શ કરી ન્યાસ કરવો.૨૬
અને હૃદયાદિ છ અંગમાં ન્યાસ કરવો ત્યારે 'નારાયણાય' બોલી હૃદયમાં ન્યાસ કરવો, 'વિદ્મહે', મસ્તકમાં, 'વાસુદેવાય' શિખામાં, 'ધીમહિ' કવચમાં, 'તન્નો વિષ્ણુ' બોલી બન્ને નેત્રોમાં ન્યાસ કરવો, અને 'પ્રચોદયાત્' એમ બોલી બન્ને આંગળીમાં કલ્પેલા અસ્ત્રમાં ન્યાસ કરવો. પછી સાધુએ વિષ્ણુગાયત્રીરૂપા મહાલક્ષ્મીજીનું પોતાના હૃદયમાં ધ્યાન કરવું.૨૭
માતા ગાયત્રીદેવી શ્રીવિષ્ણુ ભગવાનની ડાબે પડખે સદાય સેવામાં ઊભાં રહી વિષ્ણુની ઇચ્છા પ્રમાણે વર્તે છે, કરોડો શરદઋતુના ચંદ્રમાની કાંતિની સમાન પ્રકાશિત એવા એક એક અવયવોથી સુંદર જણાય છે, કસુંબી રંગનાં વસ્ત્રો ધારણ કર્યાં છે, શરીરનો ગૌરવર્ણ શોભે છે. અનેક પ્રકારના અંગો ઉપર ધારણ કરેલાં અલંકારો શોભી રહ્યાં છે, શાંતાકાર સ્વરુપ અને મંદમંદ હાસ્ય કરતા મુખથી શોભી રહ્યાં છે. મહાપુરુષના લક્ષણથી યુક્ત, જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં કળશને ધારણ કરી રહ્યાં છે. દેવદેવીઓ વારંવાર વંદન કરી પૂજા કરે છે, પોતાના ઉપાસક ભક્તજનોને તત્કાળ એકાંતિકી મુક્તિ આપે છે. આવાં લક્ષ્મીરૂપા વૈષ્ણવી ગાયત્રીનું હું હૃદયમાં નિત્ય ધ્યાન કરું છું.૨૮-૩૧
હે મુનિ ! આ પ્રમાણે ત્યાગી સાધુ ગાયત્રીનું ધ્યાન કરી ચોવીસ અક્ષરવાળા તે વિષ્ણુગાયત્રી મંત્રનો પોતાની શક્તિને અનુસારે જપ કરવો. તેમાં જેટલી સંખ્યામાં જપ કર્યા હોય તે સર્વે ભગવાનના ચરણમાં નિવેદન કરવા, અને બોલવું કે, મારી શક્તિ પ્રમાણે જપ કરેલા આ વિષ્ણુગાયત્રીમંત્રના જપથી આપ ભગવાન શ્રીલક્ષ્મીનારાયણદેવ મારી ઉપર પ્રસન્ન થાઓ.૩૨
હે મુનિ ! હજારની સંખ્યામાં કરેલો જપ ઉત્તમ મનાયેલો છે. સોની સંખ્યાનો જપ મધ્યમ અને દશની સંખ્યાનો જપ કનિષ્ઠ મનાયેલો છે. તેથી લક્ષ્મીસ્વરુપ વૈષ્ણવી ગાયત્રીમંત્રનો જપ પોતપોતાની અનુકૂળતાએ નિત્ય કરવો.૩૩
ત્યારપછી તે સાધુએ અતિશય પ્રેમભાવથી તાલી બજાવી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના અર્ચાસ્વરુપને મંત્ર બોલતાં જગાડવા.૩૪
હે ગોવિંદ ! ઉઠો ઉઠો. હે ગરૂડધ્વજ ! ઉઠો, હે કમલાકાન્ત તમે ઉઠો અને આ ત્રિલોકીનું મંગલ કરો.૩૫
આ પ્રમાણે મંત્ર બોલી ભગવાનની મૂર્તિને પોતાની આગળ સ્થાપન કરેલા આસન ઉપર પધરાવવા ને કોમળ વસ્ત્રના ખંડથી મૂૂર્તિ ઉપર માર્જન કરવું, પછી પોતાના હૃદયમાં એ મૂર્તિનું ધ્યાન કરવું ને પોતાના સદ્ગુરુએ શિખવેલા ક્રમ પ્રમાણે માનસીપૂજા કરવી, પછી મનમાં પૂજેલા ભગવાનને પોતાની આગળ સ્થાપન કરેલી ભગવાનની મૂર્તિમાં આવાહન મંત્ર બોલતાં આવાહન કરવું.૩૬-૩૭
હે મુનિ ! આગમ શાસ્ત્રમાં પાષાણની, કાષ્ઠની, ધાતુની, ચંદનની, ચિતરામણની, રેતીમાં બનાવેલી, મનોમયી અને સ્ફટિક આદિ મણિમાંથી બનાવેલી આઠ પ્રકારની મૂર્તિ માન્ય કરેલી છે.૩૮
પૂજા કરનાર સંતે પૂર્વમુખે કે ઉત્તરમુખે પૂજા કરવા બેસવું. કદાચ દિશાનું જ્ઞાન ન હોય તો મૂર્તિ સન્મુખ મુખ રાખીને પણ જે સમયે જે ઉપચાર પોતાને પ્રાપ્ત થયા હોય તેના દ્વારા ભક્તિ પૂર્વક વિધિને અનુસારે પૂજા કરવી.૩૯
પૂજા કરતી વખતે અન્ય સાથે બોલવું નહિ, ને ષોડશોપચારથી પૂજા કરવી. આવાહનમંત્ર, આસનમંત્ર, પાદ્યમંત્ર આદિ અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર અર્પણ, યજ્ઞોપવિત, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, પ્રદક્ષિણા અને સોળમો વિસર્જન મંત્ર, આ રીતે એક એક મંત્રની સાથે ઉપચારો અર્પણ કરી પૂજા કરવી. ઉપચારોના અભાવમાં પ્રતિદિન માત્ર મંત્રોથી પૂજા કરવી.૪૦
તેમાં પણ વૈદિકમંત્રો ન આવડતા હોય તો પૌરાણિકમંત્રોથી પૂજા કરવી અને તે પણ ન આવડે તો માત્ર નામમંત્રથી તે તે ઉપચારો અર્પણ કરી શ્રીવિષ્ણુની પ્રતિદિન પ્રેમપૂર્વક પૂજા કરવી.૪૧
હે મુનિ ! સાધુએ જ્યારે પૂજન કરવા બેસવું ત્યારે પ્રમાદનો તેમજ અનાદરનો ત્યાગ કરી સાવધાન થઇ સ્વસ્થચિત્તે ભગવાનનું પૂજન કરવું. તેમાં પોતાની શક્તિને અનુસારે નિયત કરેલી સંખ્યમાં શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષરમંત્રની માળા કરી જપ કરવો.૪૨
તેમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા, કમળના બીજમાંથી બનાવેલી માળા અને ચંદનમાંથી બનાવેલી માળા શ્રેષ્ઠ છે. તે માળા વડે જપ કરવો તે પણ આસન ઉપર બેસીને કરવો. તેમાં ઊન, તૃણ, પાંદડાં, વસ્ત્રખંડ, અથવા મૃગચર્મમાંથી તૈયાર કરેલાં આસન ત્યાગી સાધુઓને જપ કરવામાં યોગ્ય કહેલાં છે. કોઇ પણ પ્રકારનાં એક આસન ઉપર બેસીને જપ કરવો. આસન વિના માત્ર પૃથ્વી પર બેસીને કરેલો જપ નિષ્ફળ જાય છે.૪૩-૪૪
હે મુનિ ! જપ કરતી વખતે શરીરને સરળ રાખવું, દૃષ્ટિ એકાગ્ર રાખવી અને સ્વસ્તિક આસને બેસી માળાને વસ્ત્રથી ઢાંકી, મૌનવ્રત રાખી સ્થિર મને જપ કરવો.૪૫
પછી સાધુએ વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનો પોતાની શક્તિ પ્રમાણે પાઠ કરવો. અને આપત્કાળમાં કેવળ ભગવાનના નામનું સંકીર્તન કરવું.૪૬
પછી સાધુએ પોતાની પૂજાની પ્રતિમાને યોગ્ય સ્થળે સ્થાપન કરી ગુરુને પ્રણામ કરવા, તેમજ ભિક્ષાને માટે પવિત્ર ગૃહસ્થને ઘેર ભિક્ષા કરવા જવું.૪૭
ત્યાંથી કાચું અન્ન માગીને પોતાના ઉતારે આવી હાથ પગ મુખ આદિ ધોઇ પવિત્ર થઇ એકાગ્રમનથી ફરી ગાયત્રીમંત્રનો કે અષ્ટાક્ષરમંત્રનો પોતાની શક્તિ પ્રમાણે જપ કરવો.૪૮
હે મુનિ ! ક્યારેક આપત્કાળ જેવું હોય, ત્યારે મધ્યાહ્ને જપવાના નિયમના મંત્રોનો જાપ પ્રાતઃકાળે જ કરી લેવો, અથવા પ્રાતઃકાળનો મધ્યાહ્ન કાળે જપ કરવો.૪૯
આવી રીતે બન્ને સમયનો જપ ભેળો કરવાનો હોવાથી બેવડો કરવો, પછી ભગવાનના થાળ માટે પવિત્ર સ્થળમાં રસોઇ કરીને ભગવાનને મહાનૈવેદ્ય ધરી તેમને હસ્ત, મુખ ધોવડાવી જલપાન કરાવી શયન કરાવવું.૫૦
અને સાધુએ ભગવાન શ્રીહરિના પ્રસાદીના અન્નનું પ્રસાદીના જળથી પ્રોક્ષણ કરી આપત્કાળ પડયા વિના પ્રતિદિન એકવાર ભોજન કરવું.૫૧
ત્યાગી સાધુએ ભગવાનને નિવેદિત કર્યા વિના અન્ન જમવું નહિ. કોઈ આપત્કાળમાં પ્રતિમાનો અભાવ હોય તો મનથી ઠાકોરજીને અન્ન નિવેદન કરવું.૫૨
ભોજન કરતી વખતે કોઇ અન્નાર્થી ભિક્ષુક આવીને અન્નની માંગણી કરે તો જરા ક્રોધ કર્યા વિના શાંત મને તેમને પોતાનો માનીને અન્ન આપવું.૫૩
હે મુનિ ! સાધુપુરુષે સર્વે એકાદશીઓ, ભગવાનના પ્રાગટયના દિવસો, શિવરાત્રી આદિ વ્રતના દિવસો તથા પ્રાયશ્ચિતના ઉપવાસના દિવસે અન્ન જમવું નહિ.૫૪
વળી ત્યાગી સાધુએ પ્રતિદિન સત્શાસ્ત્રનું પઠન તથા પાઠન કરવું. આપત્કાળ પડયા વિના દિવસે નિદ્રા ન કરવી.૫૫
ત્યાગી સાધુએ ભગવાનની કથા શ્રવણ, કીર્તન, ધ્યાન, વંદન, પૂજન વિનાનો વ્યર્થ સમય જવા દેવો નહિ. નવધા ભક્તિ સંબંધી કાંઇક કાર્ય કર્યા કરવું.૫૬
વળી સાધુએ મળ ત્યાગની ક્રિયામાં કેડ સુધીનું સ્નાન કરવું તથા પહેરેલું વસ્ત્ર ધોઇ નાખવું. તેમજ મૂત્રત્યાગ કરીને જળથી લિંગ અને બે હાથની શુદ્ધિ કરવી, અને મુખથી જળનો કોગળો પણ કરવો.૫૭
હે મુનિ ! સાયંકાળે હાથ પગ મુખ ધોઇ ભગવાનને જગાડી સંધ્યાઆરતી કરી નારાયણધૂન્ય કરવી, પછી ભગવાનની સ્તુતિના સ્તોત્રનું ગાન કરવું.૫૮
પછી ભગવાનને નમસ્કાર કરી પોતાના હૃદય કમળમાં સુવડાવવા અને મૂર્તિને સિંહાસનમાં કે નાની શૈયા ઉપર શયન કરાવવું. ને પોતાના ગુરુને વંદન કરવા.૫૯
ત્યારપછી વળી હાથ પગ મુખાદિ ધોઇ પવિત્ર થઇ શુદ્ધ આસન ઉપર બેસી પૂર્વની જેમજ સ્વસ્થ ચિત્તે સ્વસ્તિક આસને બેસી પોતાની શક્તિને અનુસારે વિષ્ણુગાયત્રી કે અષ્ટાક્ષરમંત્રના જપની માળા કરવી.૬૦
પછી સાધુએ સત્શાસ્ત્રનું વાંચન, ધ્યાન કે કીર્તન કરતાં અથવા અન્ય કોઇ પણ ભગવાન સંબંધી કાર્ય કરતાં રાત્રીના પહેલા પ્રહર સુધી જાગવું.૬૧
ત્યારપછી ભગવાનનું પોતાના હૃદયમાં ધ્યાન કરતાં કરતાં પૃથ્વી પર જ સુઇ જવું, અને કોઇ આપત્કાળ જેવું હોય તો ખાટલા ઉપર સુવું.૬૨
હે ગોપાળાનંદ મુનિ ! ત્યાગી સાધુએ અમારા કહ્યા પ્રમાણે પોતાનો આહ્નિક વિધિ પ્રતિદિન કરવો, તેમ કરવાથી ભગવાન ખૂબજ પ્રસન્ન થાય છે.૬૩
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! શ્રીનારાયણ ભગવાને આ પ્રમાણે મુનિવર ગોપાળાનંદ સ્વામીને આહ્નિકવિધિ કહ્યો તે સાંભળીને સ્વામી ખૂબજ પ્રસન્ન થયા ને તે પ્રમાણે જ સ્વયં આચરણ કરવા લાગ્યા તથા સર્વે સંતોને તે પ્રમાણે શીખવી આચરણ કરાવવા લાગ્યા.૬૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવમાં શ્રીનારાયણ મુનિ અને ગોપાળાનંદ સ્વામીના સંવાદમાં ત્યાગી સાધુના સંક્ષિપ્ત આહ્નિકવિધિનું નિરૂપણ કર્યું એ નામે અઠ્ઠાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૮--