બ્રહ્માનંદ સ્વામીના પૂછવાથી શ્રીહરિએ સંતો માટે કહેલી નિષ્કામશુદ્ધિ.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કાર્તિક સુદ છઠ્ઠને દિવસે ભગવાન શ્રીવાસુદેવનારાયણની સંધ્યાઆરતી થયા કેડે સભાને વિષે ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયેલા પરમેશ્વર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને મુનિશ્રેષ્ઠ બ્રહ્માનંદ સ્વામી પૂછવા લાગ્યા કે, હે ભગવાન ! આ ઉદ્ધવસંપ્રદાયને વિષે નિષ્કામ બ્રહ્મચર્યવ્રતનો આશ્રય કરનારા અમે તમારા અનેક ત્યાગી ભક્તો છીએ.૧-૨
હે સ્વામિન્ ! અમારામાંથી કોઇ ત્યાગીને સ્ત્રીઓના પ્રસંગે કરીને ક્યારેક કોઇ વ્રતનો ભંગ થઇ જાય તો તેની જે પ્રકારના પ્રાયશ્ચિતે કરીને શુદ્ધિ થાય તેની રીત તમે અમોને કહો.૩
હે રાજન્ ! સકલ ત્યાગીજનોનું હિત ઇચ્છનારા બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આ પ્રમાણે પૂછયું ત્યારે અપાર આનંદના મહાસાગર ભગવાન શ્રીનારાયણમુનિ કહેવા લાગ્યા કે, હે મુનિ ! જાણી જોઇને નિષ્કામવ્રતનો ભંગ તો ક્યારેય પણ કરવો નહિ. અને અજાણતાં બ્રહ્મચર્યવ્રતનો ભંગ થઇ જાય તો તેની શુદ્ધિ તત્કાળ કરવી.૪
અને તે શુદ્ધિએ કરીને અષ્ટ અંગવાળા બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ થાય છે. તેથી ભગવાનના ત્યાગી ભક્તોને એકાંતિકપણું પ્રાપ્ત થાય છે. તેથી તે શુદ્ધિ અમે તમને કહીએ છીએ.૫
હે મુનિ ! નિષ્કામવ્રતનું પાલન કરનારો ત્યાગી પુરુષ ક્યારેય પણ જો સ્ત્રીઓની વાર્તા પ્રીતિપૂર્વક કાન દઇને સાંભળે તો તત્કાળ એક ઉપવાસ કરે. વળી નિષ્કામવ્રતવાળો ત્યાગી પુરુષ શ્રીમદ્ભાગવત આદિ સત્શાસ્ત્રોને વિષે કહેલી સ્ત્રીઓના ગુણ-અવગુણની કથા વિના જો બીજી સ્ત્રીઓના ગુણ-અવગુણનું વર્ણન કરે તો એક ઉપવાસ કરે.૬-૭
અને વળી અસત્ કાવ્ય એવાં જે રસમંજરી તથા રસિકપ્રિયા આદિક રસિકગ્રંથોમાં વર્ણન કરેલા મુગ્ધા, મધ્યા, પ્રગલ્ભા આદિક સ્ત્રીઓના ભેદનું વર્ણન પોતે સાંભળે કે બીજાને સંભળાવે તો નિષ્કામવ્રતવાળો પુરુષ અલગ અલગ એક એક ઉપવાસ કરે.૮
અને પોતાની ઇચ્છાએ કરીને પરસ્પર ક્રીડાને કરતી સ્ત્રીઓને જોતો જોતો મૂરખની પેઠે ઘડીકવાર જો ત્યાં ઊભો રહે તો નિષ્કામવ્રતવાળો પુરુષ એક ઉપવાસ કરે.૯
અને જો સ્ત્રીની દૃષ્ટિની સાથે પોતાની દૃષ્ટિ બાંધીને ક્ષણમાત્ર પણ જો તે સ્ત્રીને જુએ તો એ નિષ્કામી વ્રતવાળો પુરુષ એક ઉપવાસ કરે.૧૦
સ્ત્રીના અંગ ઉપર રહ્યું જે વસ્ત્ર તેનો જો સ્પર્શ થઇ જાય તો નિષ્કામવ્રતવાળો પુરુષ એક ઉપવાસ કરે અને સ્ત્રીના હાથ પગ આદિક અંગનો સ્પર્શ થઇ જાય તો પણ એક ઉપવાસ કરેતથા સ્ત્રીએ પહેર્યાં પછી ઉતારેલાં જે વસ્ત્ર તેનો સ્પર્શ થઇ જાય તો પણ એક ઉપવાસ કરે. પરંતુ સ્ત્રીનું વસ્ત્ર ધોયા પછી ભીનું હોય કે સુકાયેલું હોય અથવા નવું હોય તેને અડી જવાય તો તેનો ઉપવાસ કરવો નહિ.૧૧
હે મુનિ ! વળી જે નિષ્કામવ્રતવાળો પુરુષ ભગવાનની વાર્તા સ્ત્રીને સંભળાવવા સારું જો પુરુષ આગળ કરે તો પણ એક ઉપવાસ કરે.૧૨
અને જો ચિત્તને વિષે સ્ત્રી સંબંધી મલિન સંકલ્પ પણ થઇ જાય તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે. અને સ્ત્રી સાથે બોલી જવાય તો એક ઉપવાસ કરે.૧૩
અને પુરૂષ પાસે સ્ત્રીને છાની જ્ઞાનવાર્તા કહીને મોકલે, તો નિષ્કામ વ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે; તથા તે સ્ત્રીએ કોઇક પુરૂષ પાસે છાની વાર્તા કહેવરાવી હોય ને તેને જો છાનો સાંભળે તો એક ઉપવાસ કરે.૧૪
અને નિષ્કામવ્રતવાળો પુરૂષ તે ભગવાનની પ્રસાદી એવું જે પુષ્પ, ચંદન, અન્ન, વસ્ત્રાદિક પદાર્થ તે છાનું સ્ત્રીને દઇને મોકલે તો એક ઉપવાસ કરે.૧૫
સ્ત્રીએ મોકલ્યું જે ભગવાનનું પ્રસાદી એવું પુષ્પ, ચંદન, અન્નાદિક વસ્તુ તેને જો છાનું ગ્રહણ કરે, તો નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે.૧૬
અને પુસ્તક લખીને અથવા લખાવીને જો છાનું સ્ત્રીને અર્થે મોકલે, તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે. અને પુસ્તક લખાવવા સારૂં સ્ત્રીએ મોકલ્યા જે કોરા કાગળ તેને જો છાના ગ્રહણ કરે, તો એક ઉપવાસ કરે.૧૭
અને અન્ન-વસ્ત્રાદિક જે કાંઇક પદાર્થ હોય ને તે જો છાનું સ્ત્રીને અર્થે મોકલે, તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે. તથા સ્ત્રીએ મોકલ્યું જે અન્ન-વસ્ત્રાદિક કાંઇક પદાર્થ તેને જો છાનું ગ્રહણ કરે તો પણ એક ઉપવાસ કરે.૧૮
અને સ્ત્રીઓનાં ચિતરામણ તેને મન દઇને જો જુએ તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે, તથા જો સ્ત્રીનું ચિતરામણ પોતે કરે, તો એક ઉપવાસ કરે. સ્ત્રીના વેષને ધરી રહ્યો જે પુરૂષ તેને જો અડે તો એક ઉપવાસ કરે; તથા તે સાથે બોલે તો પણ એક ઉપવાસ કરે.૧૯
અને જે સ્થળને વિષે સ્ત્રીઓની જે સ્નાન આસનાદિક ક્રિયા થતી હોય, ને તે સ્થળને વિષે જો તે ક્રિયાને કરે તો એ નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે.૨૦
અને જે સ્થળને વિષે સ્ત્રીઓનો પગ ફેર હોય, તે સ્થળને વિષે જો લઘુશંકા કરવા જાય તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે. તથા તે સ્થળને વિષે જો દિશા ફરવા જાય તોપણ એક ઉપવાસ કરે.૨૧
અને નિષ્કામવ્રતવાળો જે પુરૂષ તે જો સ્ત્રીના મુખ થકી ભગવાનની વાર્તા સાંભળવા સારૂં ઊભો રહે તો એક ઉપવાસ કરે; અને વળી જો સ્ત્રીઓના સન્મુખ બેસે તોપણ એક ઉપવાસ કરે.૨૨
અને માર્ગ પહોળો હોય તો પણ જો સ્ત્રી થકી પાંચહાથ છેટે ન ચાલે ને ઢૂકડો ચાલે તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે.૨૩
અને નિષ્કામવ્રતવાળો પુરૂષ જો સ્ત્રી ભેળો એક ગાડા ઉપર બેસે તો તે એક ઉપવાસ કરે.૨૪
અને દેવતાની પ્રતિમા વિના બીજી કાષ્ટ મૃત્તિકા કે પાષાણ આદિકની સ્ત્રીની પૂતળી તેને જો અડી જવાય, તો નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે. અને સ્ત્રીનું જે ગુહ્ય અંગ તેને જો દેખી જવાય તો એક ઉપવાસ કરે.૨૫
અને મૈથુનને વિષે આસકત એવાં જે પશુ તથા પક્ષી તેમને જો ક્યારેક મનને પરવશ થઇને જોવાઇ જવાય તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે.૨૬
અને વાડય તથા વંડી તથા ભીંત તેણે કરીને બંધીએ યુક્ત એવું જે પોતાનું સ્થાનક તેને વિષે કોઇક પ્રયોજન સારું અથવા અજાણે અથવા સહજ સ્વભાવે કોઇક સ્ત્રી આવે ને ત્યાં જો પોતે એકલો હોય તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે.૨૭
અને કોઇક કારજને અર્થે અથવા સહજ સ્વભાવે અથવા આપત્કાળે કરીને નિષ્કામવ્રતવાળો પુરૂષ તે પોતે એકલો જ જે ઘરમાં સ્ત્રી હોય તે ઘરમાં પેસીને જો તત્કાળ પાછો નીસરી આવે, તો એક ઉપવાસ કરે.૨૮
અને સ્ત્રીના સંબંધે કરીને પોતાના વ્રતને દૂષણ પમાડે એવું સ્વપ્ન જો થાય તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે, તથા સ્ત્રીનાં દર્શને કરીને જો વીર્યપાત થાય તો એક ઉપવાસ કરે.૨૯
અને ભોજન કરવાને અર્થે બેઠો એવો જે નિષ્કામવ્રતવાળો પુરૂષ તેને જો સ્ત્રી પીરસે, તો તે પોતાના આત્માની શુદ્ધિને અર્થે એક ઉપવાસ કરે.૩૦
અને નિષ્કામવ્રતવાળો જે પુરૂષ તે બહિરવાસે કરીને નથી ઢાંક્યું કૌપિન જેણે એવો થકો સ્ત્રીઓએ યુક્ત એવી સભા તે પ્રત્યે આવે, તો એક ઉપવાસ કરે.૩૧
એવી રીતે સામાન્યપણે કરીને સ્ત્રીના સંબંધને વિષે એક એક ઉપવાસ કરવા કહ્યા. અને એવી જ રીતનું જે બીજું સ્થાનક તેને વિષે પણ જો એવો સ્ત્રીનો સંબંધ થાય તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ એક ઉપવાસ કરે.૩૨
હવે એથી કાંઈક વિશેષ સ્ત્રીનો સંબંધ થાય તેને વિષે વિશેષ ઉપવાસ કરવાની રીત કહીએ છીએ. એકલી જે સ્ત્રી તે સંગાથે એકલો જે પોતે નિષ્કામવ્રતવાળો પુરૂષ તેની એકાંત સ્થળને વિષે થોડીકવાર જો સ્થિતિ થઈ જાય તો તે નિષ્કામવ્રતવાળો પુરૂષ લાગઠ ત્રણ ઉપવાસ કરે. તથા એકલી જે સ્ત્રી તે ભેળે એકલાવતે માર્ગમાં ચલાઈ જવાય તો પણ લાગઠ ત્રણ ઉપવાસ કરે.૩૩
અને નિષ્કામ વ્રતવાળો જે પુરૂષ તે કામવશ થઈને જો પોતાને હાથે કરીને વીર્યપાત કરે અથવા બીજાને હાથે કરીને વીર્યપાત કરાવે તો તે લાગઠ ચાર દિવસ સુધી ઉપવાસ કરે અને જો સાક્ષાત સ્ત્રીનો સંગ થાય તો બાર મહિના સુધી નિરંતર ધારણાં પારણાં નામે જે વ્રત તેને કરે. તે જે દિવસ ઉપવાસ કરે તે દિવસ તો કેવળ જળ માત્ર જ પીવે અને જે દિવસ પારણાં કરે તે દિવસ તો મીઠા વિનાનો કેવળ સાથવો પાણીમાં ઘોળીને પીવે. એવી રીતે બાર મહિના સુધી કરે.૩૪-૩૫
અને બાર મહિના સુધી ધારણાં પારણાં વ્રત તેને કરવાને અર્થે અસમર્થ એવો જે પુરૂષ તે ધર્મશાસ્ત્રને વિષે કહ્યો જે એ પાપનિવારણનો બીજો પ્રકાર તેને જાણીને પોતાની શક્તિને અનુસારે કરીને કરે.૩૬
અને આ નિષ્કામવ્રતની શુદ્ધિને અર્થે જે જે ઉપવાસ કરવા કહ્યા તેને વિષે નિષ્કામવ્રતવાળો જે ઉપવાસનો કરનારો પુરૂષ તે એક જળ માત્ર જ પીવે પણ બીજું કાંંઈ ખાય નહિ. અને બાળક હોય તથા રોગી હોય તથા વૃદ્ધ હોય ને તેમને પણ એ પૂર્વે કહી આવ્યા તે માંહેલો ઉપવાસ કરવો પડે તો તે ઉપવાસને દિવસે એક જળ માત્ર જ પીવું; પણ બીજું કાંઈ ખાવું નહિ. તેમાં આઠ વર્ષથી ઉપર ને સોળ વર્ષ સુધી બાળક કહેવાય, અને એંશી વર્ષનો હોય તે વૃદ્ધ કહેવાય. એવી રીતે વ્યવસ્થા છે.૩૭
અને એ નિષ્કામવ્રતના પાળવાવાળા જે પુરૂષ તેમણે એટલા જે ઉપવાસ તે અવશ્ય કરવા, કહેતાં જરૂર કરવા. એવી રીતે અમારી આજ્ઞા છે; એમ તમારે સર્વેને જાણવું.૩૮
અને નિષ્કામવ્રતના પાળનારા જે પુરૂષ તે એ નિષ્કામવ્રતના ભંગને વિષે કહ્યા જે ઉપવાસ તેમને જો કરશે નહિ; તથા ઉપવાસને કોઈક કરતો હશે ને તેને વારશે; તો એ બેય જણા અતિશય કામે કરીને વ્યાકુળ થાશે.૩૯
અને એ નિષ્કામવ્રતના ભંગના જે ઉપવાસ તેને કરશે એવા જે, બાળક, વૃદ્ધ ને રોગી તેમને દયાએ કરીને જે વારે તો તેમની શુદ્ધિને અર્થે તે વારનારો પોતે ઉપવાસને કરે.૪૦
અને નિષ્કામવ્રતના પાળનારા જે પુરૂષ તેમના અંતઃકરણની શુદ્ધિને અર્થે અમે કરી જે આ મર્યાદા તેને જે નિષ્કામ વ્રતવાળા પાળે; તેમને અમારા ઉદ્ધવ સંપ્રદાયના જાણવા અને એ મર્યાદાને જે ન પાળે તે ઉદ્ધવ સંપ્રદાય થકી બહાર છે ને વિમુખ છે.૪૧
હવે સુવ્રત ઋષિ કહે છે, હે રાજન્ ! સર્વ દુઃખ માત્રને નાશ કરી નાખે એવા શ્રીહરિ જે સહજાનંદ સ્વામી મહારાજ તેનું જે આવી રીતનું વચન તેને સાંભળીને મોટા ઋષિ જે બ્રહ્માનંદ મુનિ તથા તે સભાને વિષે જે ગૃહસ્થ વિનાના બીજા એ નિષ્કામવ્રતના પાળનારા હરિજન તે સર્વે પ્રસન્ન થયા થકા પોતાના ભક્તજનનું જે હિત કરવું તેને વિષે તત્પર એવા જે તે શ્રીજીમહારાજ તેમને નમસ્કાર કરીને જેમ એ શ્રીજીમહારાજે કહ્યું તેવી રીતે પાળવાની સર્વે પ્રતિજ્ઞા કરતા હતા.૪૨
એવી રીતે શ્રીજી મહારાજે કહી ને પરમ પવિત્ર એવી જે આ નિષ્કામશુદ્ધિ તેનો આ લોકને વિષે નિષ્કામવ્રતવાળા પુરૂષ દિવસ દિવસ પ્રત્યે પ્રભાતને સમે અતિ હેત થકી જો પાઠ કરે, તો તે સુખે કરીને પોતાના હૃદય થકી કામને મૂળમાંથી ઉખેડી નાખે છે. તે કામ કેવો છે ? તો ત્રિલોકીનો જે જય તેણે કરીને છે અતિશય અહંકાર જેને એવો છે; અને સમગ્ર જે રૂડા ગુણમાત્ર તેનો કલંકરૂપ છે; કહેતાં સમગ્ર રૂડા ગુણને ભૂંડા કરી નાખનારો છે.૪૩
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવમાં ભગવાન શ્રીનારાયણમુનિ અને બ્રહ્માનંદ સ્વામીના સંવાદમાં નિષ્કામ-શુદ્ધિનું નિરૂપણ કર્યું એ નામે સત્તાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૭--