ભગવાન શ્રીહરિએ કરેલું ધર્મ સિદ્ધિના સાધનોનું વર્ણન. શુભ દેશનાં લક્ષણો. અશુભ દેશનાં લક્ષણો. શુભકાળ. અશુભકાળ. શુભ-અશુભ ક્રિયાનાં લક્ષણો. શુભશાસ્ત્રોનું લક્ષણ. શુભ દીક્ષાનું વર્ણન. અશુભ દીક્ષાનું વર્ણન. શુભ મંત્રનું વર્ણન. શુભ સંગનું વર્ણન. અશુભ સંગનું વર્ણન.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કાર્તિકસુદ પાંચમને દિવસે સાયંકાળે ભગવાનની સંધ્યા આરતી થયા પછી મહાસભામાં ઊંચા સિંહાસન ઉપર બેઠેલા ભગવાન શ્રીહરિ પ્રત્યે ઉદારબુદ્ધિવાળા શુકાનંદ સ્વામી ધર્મસિદ્ધિનાં સાધન પૂછતાં કહેવા લાગ્યા કે હે ભગવાન ! આપના આશ્રિત સર્વે મનુષ્યોને વંશે સહિત ધર્મની તત્કાળ સિદ્ધિ કયા સાધનથી થાય ? તે સાધનો મને યથાર્થ કહી સંભળાવો.૧-૨
ભગવાન શ્રીનારાયણમુનિ કહેવા લાગ્યા કે, હે બ્રહ્મન્ ! જ્યાં શુભ દેશકાળાદિક વર્તતા હોય ત્યાં પરિવારે સહિત ધર્મ નિવાસ કરીને રહે છે. તેથી શુભ દેશ કાળાદિકનું સેવન કરનારા મનુષ્યોને ધર્મની સિદ્ધિ થાય છે, અને ધર્મ સિદ્ધિ થયા પછી ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિ થાય છે.૩
અને જ્યાં અશુભ દેશકાળાદિક વર્તતા હોય ત્યાં પોતાના વંશે સહિત અધર્મ નિવાસ કરીને રહે છે, તેથી અશુભ દેશકાળાદિકનું સેવન કરનારા મનુષ્યોને વિષે અધર્મ વૃદ્ધિ પામે છે. તેમનું ફળ દુઃખની પ્રાપ્તિ છે અને ધર્મપાલનથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્ય થકી ભ્રષ્ટ થાય છે.૪
અને દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્રજાપ અને સંગ આ આઠ જો શુભ હોય તો તે ધર્મની વૃદ્ધિના હેતુ છે, અને જો અશુભ હોયતો અધર્મની વૃદ્ધિના હેતુ છે.૫
શુભ તથા અશુભ દેશકાળાદિક આઠનાં લક્ષણો મારા આશ્રિત સર્વે મનુષ્યોના હિતને માટે હું સંક્ષેપથી કહું છું. તેમાં પ્રથમ શુભનાં લક્ષણો કહું છું.૬
શુભ દેશનાં લક્ષણો :- હે બ્રહ્મન્ ! જે દેશમાં બ્રાહ્મણાદિ ચારે વર્ણના મનુષ્યોના તથા બ્રહ્મચર્યાદિ ચારે આશ્રમોના મનુષ્યોના સદાચારનું વિભાગ અનુસાર અલગ અલગ પ્રવર્તન હોય, અને જ્યાં ભગવાનના એકાંતિક ભક્તો નિવાસ કરતા હોય, તે દેશને શુભ જાણવો.૭
વળી જે દેશમાં તપ, સદ્વિદ્યા અને ધ્યાનવાન બ્રાહ્મણકુળનો નિવાસ હોય તથા શ્રીહરિના અર્ચાસ્વરૂપો પધરાવેલ મંદિરો હોય, તે દેશને શુભ જાણવો.૮
જે દેશમાં પુરાણપ્રસિદ્ધ પવિત્ર ગંગાદિ નદીઓ વહેતી હોય, પુષ્કરરાજ જેવાં તીર્થો હોય, પૂજ્ય મહર્ષિ જેવા મહાપુરુષો નિવાસ કરીને રહેતા હોય, તેને શુભ દેશ જાણવો.૯
કુરુક્ષેત્ર, ગયાજી, પ્રયાગરાજ, પુલહાશ્રમ, નૈમિષારણ્ય, ફાલ્ગુનક્ષેત્ર, સેતુબંધરામેશ્વર, પ્રભાસક્ષેત્ર, દ્વારિકા, વારાણસી, મથુરા, પંપાસરોવર, બિંદુસરોવર, બદરિકાશ્રમ, અયોધ્યા, ચિત્રકૂટ, પંચવટી, કપિલાશ્રમ, મહેન્દ્રાચલ પર્વત, મલયપર્વત, સહ્યાદ્રિ, શુક્તિમાન, ઋક્ષ, વિંધ્યાચળ, પારિયાત્ર આદિ પર્વતો હોય તેવા પ્રદેશને શુભ જાણવા. આ સાતે પર્વતોને કુળપર્વતો કહેલા છે. તે સર્વે દેશોમાં પણ જ્યાં સત્પાત્ર વ્યક્તિનું મિલન થાય તે દેશ શુભમાં પણ વધુ શ્રેષ્ઠ છે.૧૦-૧૨
માટે પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છતા મનુષ્યોએ આ પવિત્રદેશોનું સેવન કરવું. આ શુભ સ્થાનોમાં રહીને આચરેલો ધર્મ મનુષ્યોને અનંતગણું ફળ આપનાર છે.૧૩
અશુભ દેશનાં લક્ષણો :-હે બ્રહ્મન્ ! હવે હું તમને ધર્મનિષ્ઠ બુદ્ધિમાન મનુષ્યોએ ત્યાગ કરવા યોગ્ય અશુભ દેશોની વાત કરું છું. અંગદેશ, વંગદેશ, કલિંગ, સિંધ, અને કિટકદેશ આ સર્વે મ્લેચ્છોના દેશો અશુભ મનાયેલા છે.૧૪
વળી જે દેશની ભૂમિ અસંસ્કૃત હોય, ખારી ભૂમિહોય, જ્યાં ભગવાનની પ્રતિમાઓનું સ્થાપન થયેલું ન હોય, જ્યાંનું પાણી પીવાથી પેટના રોગો ઉદ્ભવતા હોય, જે દેશમાં સ્ત્રી કે પુરુષો પોતાના ધર્મનું પાલન ન કરતા હોય, નિર્મળ અંતઃકરણવાળા ભગવાનના એકાંતિક ભક્તનો જ્યાં નિવાસ ન હોય, જે દેશમાં રાજા કે રાજાના મંત્રીઓ બળપૂર્વક પરસ્ત્રી અને પરધનનું હરણ કરી જતા હોય, અને દુર્બળને પીડતા હોય તે સર્વે અશુભ દેશો કહેલા છે. વળી જે દેશમાં બહુધા સ્ત્રીઓ વ્યભિચારિણી હોય, જ્યાં મદ્ય અને માંસનું સેવન કરવામાં આવતું હોય, જ્યાં ચોરી અને લૂંટફાટ કરનારા જ નિવાસ કરતા હોય, શુભદેશ હોવા છતાં જ્યાં કોલેરા કે મરકીનો રોગ ફાટી નીકળ્યો હોય, જ્યાં રાજાના સૈન્યનો વારંવાર ઉપદ્રવ થતો હોય, જ્યાં સાત ઇતિઓનું દુઃખ વારંવાર પડતું હોય, તથા જ્યાં અન્ન વસ્ત્રના દુઃખથી પીડાતા પુરુષો પત્ની પુત્ર આદિને વેચી મારતા હોય આ સર્વે દેશો અશુભ કહેલા છે.૧૫-૨૦
શુભકાળ :- હે મુનિ ! બ્રાહ્મમુહૂર્ત આદિ દિવસનો પૂર્વભાગ શ્રીવિષ્ણુ આદિ દેવતાઓના પૂજનમાં શુભ મનાએલો છે. અને બપોર પછીનો સમય પિતૃસંબંધી શ્રાદ્ધાદિ કર્મ કરવા માટે શુભ મનાએલો છે.૨૧
તેમજ દક્ષિણાયન, ઉત્તરાયણ, કર્ક સંક્રાંતિ, મક્કરસંક્રાંતિ મેષસંક્રાંતિ વ્યતિપાતનો દિવસ, દિવસનો ક્ષય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સર્વે બારસ, શ્રવણનક્ષત્ર, અક્ષયતૃતીયા, કાર્તિકસુદ નવમી તિથિ, માગસર, પોષ, મહા અને ફાગણ આ ચાર મહિનાની વદ આઠમો, મહા મહિનાની સુદ સાતમ, દરેક પૂનમ અને એકાદશી, પોતાની પત્નીના પુંસવનાદિ સંસ્કારના સમય, પોતાના પુત્રના જાતકર્માદિ સંસ્કારનો સમય તથા પોતાનો જન્મ દિવસ, જન્મ સમય, વૈષ્ણવી દીક્ષા સમય, યજ્ઞાદીક્ષા સમય, રવિવારે સહિત સપ્તમી તિથિ, સોમવારે સહિત અમાવાસ્યા, બુધવારે સહિત આઠમ, મંગળવારે સહિત ચોથ અને વૈશાખવદ ચોથ, કપિલા ષષ્ઠી એટલે બાર વર્ષે એકવાર આવતી ભાદરવાવદ છઠ્ઠની તિથિ જેમાં હસ્તનક્ષત્ર, વ્યતિપાતનો યોગ અને મંગળવાર આટલાનો યોગ હોય તે ષષ્ઠી, આ શુભકાળ કહેવાય છે. તેમજ રાત્રીના છેલ્લા પ્રહરમાં દેવ, બ્રાહ્મણ અને ભગવદ્ ભક્તોનાં દર્શન થાય તેવાં સ્વપ્ન આવવાં તે શુભકાળ છે. તેમજ મંગલધ્વનિનું શ્રવણ જે સમયે થાય તે સમય, પ્રેતનો ઔર્ધ્વદૈહિકક્રિયા કરવાનો સમય, પોતાના માતાપિતા આદિકના મૃત્યુની સંવત્સરી તિથિ, કૃચ્છ્ર ચાંદ્રાયણવ્રતના સર્વે દિવસો, ભગવાનના જન્માષ્ટમી, રામનવમી આદિ પ્રાદુર્ભાવની તિથિઓ, આ સર્વે શુભકાળ કહેવાય છે, આ સમયે કરવામાં આવતાં સ્નાન, જપ, હોમ, વ્રત, દેવપૂજા, બ્રાહ્મણપૂજા, પિતૃશ્રાદ્ધ, દેવયજ્ઞા, અતિથિ પૂજા, કીડિયારું પૂરવું, ગાયને નીરણનું દાન, કૂતરાંને રોટલા આપવા, વગેરે જે કાંઇ શુભકર્મ કરવામાં આવે તે અવિનાશી ફળને આપનારું થાય છે.૨૨-૨૮
અશુભકાળ :- હે મુનિ ! હવે અશુભકાળનું વર્ણન કરું છું, સાંજનો સંધ્યા સમય, મધ્યરાત્રીનો સમય, જન્મમરણાદિકના સૂતકના દિવસો, ઋતુ વિના વરસાદી વાદળોથી ઢંકાયેલા દિવસો, આકાશમાંથી થતા વીજપ્રપાત, ભૂકંપ, સર્વેને ઉદ્વેગ પમાડનારો દુષ્કાળ પડવો કે લૂટારુઓની ધાડ પડવી, આ અશુભકાળ કહેવાય છે. પોતાના પશુ ધન આદિકની હાનિ કરનારો સમય, તેમજ રાત્રીના છેલ્લા પ્રહરમાં સ્વપ્નમાં કાળા સર્પનું દેખાવું, ભૂત પ્રેતાદિકનાં દર્શન થવાં તથા જ્યારે અપશુકન થાય તે અશુભકાળ કહેલો છે.૨૯-૩૧
શુભ-અશુભ ક્રિયાનાં લક્ષણો :- હે બ્રહ્મન્ ! હવે હું શુભક્રિયાનું વર્ણન કરૂં છું. ભગવાનની શ્રવણ, કીર્તનાદિ નવપ્રકારની ભક્તિ કરવી, અહિંસામય યજ્ઞો કરવા, દાન, વ્રત, નિયમ, યમ, સ્વધર્મનું પાલન, સત્પુરુષોની સેવા, બ્રાહ્મણોનું પૂજન અને તીર્થયાત્રા કરવી આદિ ક્રિયાઓને બુદ્ધિમાન પુરુષોએ શુભક્રિયા કહેલી છે.૩૨-૩૩
હે બ્રહ્મન્ ! હવે અશુભ ક્રિયા કહું છું. જીવોની હિંસા કરવી, અસત્ય બોલવું, મદ્યમાંસનું ભક્ષણ, ચોરી, દંભ, પોતાની જાતિથકી ભ્રષ્ટ કરે તેવાં કર્મોનું આચરણ, દ્યુતકર્મ, જુગાર, પરસ્ત્રીનો સંગ, પરસ્ત્રી સાથેની ખેલકૂદ, તેની સાથે હાસ્ય વિનોદ, સત્પુરુષોનું અપમાન કરવું વગેરે ક્રિયાને અશુભ ક્રિયા જાણવી.૩૪-૩૫
શુભ ધ્યાનનું વર્ણન :- હે મુને ! પ્રશાંતમૂર્તિ, સકલઐશ્વર્ય સંપન્ન, સંતોના પતિ, સર્વાન્તર્યામી, લક્ષ્મીપતિ, પરમાત્મા ભગવાન શ્રીવાસુદેવની સકલ મૂર્તિનું ધ્યાન અથવા એક એક અંગનું પૃથક્ પૃથક્ ધ્યાન તેને શુભ ધ્યાન કહેલું છે.૩૬
તે ભગવાનના સંબંધમાં આવેલાં સ્થાનો, આસનો, આભૂષણો, વસ્ત્રો, મોરલી, માળા, ગદાદિ આયુધોનું ભગવાનની મૂર્તિ સાથે ચિંતવન કરવું તેને શુભ ધ્યાન કહેલું છે.૩૭
અશુભ ધ્યાનનું વર્ણન :- હે મુને ! મદ્યમાંસનું ભક્ષણ કરતા કાલિકા, કાળભૈરવ, યક્ષાદિ મલિનદેવતાઓનું સ્મરણ, તેમ જ ભૂત, પ્રેત, પિશાચ આદિકની સાધના માટેનું સ્મરણ, તામસદેવતાઓનું સ્મરણ તે અશુભ ધ્યાન જાણવું.૩૮
શુભશાસ્ત્રોનું લક્ષણ :- હે બ્રહ્મન્ ! જે શાસ્ત્રોમાં ભગવાન શ્રીવિષ્ણુના અવતારભૂત શ્રીરામ, શ્રીકૃષ્ણ આદિકનું સ્વરૂપ અને એમના સંબંધી દિવ્ય ચરિત્રોનું પ્રતિપાદન કર્યું હોય તેને સત્શાસ્ત્ર કહેલાં છે.૩૯
તેમજ ભગવાનના એકાંતિક ભક્ત જે નારદજી, ઉદ્ધવજી વગેરેનાં સ્વરૂપ તથા ચરિત્રનું જેમાં પ્રતિપાદન કર્યું હોય તે પણ સત્શાસ્ત્ર માન્યું છે.૪૦
જેમાં ધર્મરક્ષણ માટે દિવ્ય નરાકાર સ્વીકારનાર સાક્ષાત્ ભગવાનના દિવ્ય સ્વરૂપો તથા દિવ્ય ચરિત્રોનો અનુવાદ કર્યો હોય તે સત્શાસ્ત્ર સમજવું.૪૧
અશુભ શાસ્ત્રોનું લક્ષણ :- હે મુને ! મેં સત્શાસ્ત્રનાં લક્ષણ કહ્યાં હવે અસત્શાસ્ત્રનાં લક્ષણ કહું છું, સત્શાસ્ત્રોથી જે વિરુદ્ધ વર્ણન તે સર્વે અસત્શાસ્ત્રો કહેલાં છે.૪૨
જે શાસ્ત્રોમાં ભગવાન કે ભગવાનના એકાંતિક સત્પુરુષોના આકારનું કે તેમનાં વચનોનું ખંડન કર્યું હોય, વળી જે શાસ્ત્રમાં આત્મનિષ્ઠા, ભક્તિ, યમ, નિયમ આદિના વર્ણનથી રહિત હોય અથવા તેમનું ખંડન કરેલું હોય.૪૩
જેમાં શ્રીકૃષ્ણ ભગવાન તથા તેમના અવતારોના ચરિત્રોમાં હિંસાદિકનું દોષારોપણ કરી તેને દૂષિત કરીને નિંદાના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું હોય, આ સર્વે અસત્શાસ્ત્રો કહેલાં છે.૪૪
વળી જે શાસ્ત્રમાં અપવિત્ર મદ્યમાંસાદિક દ્રવ્યવડે કાલિકા, ભૈરવ આદિ તામસ દેવતાઓની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું હોય તે સર્વે અશુભશાસ્ત્રો કહેલાં છે.૪૫
શુભ દીક્ષાનું વર્ણન :- હે મુને ! જે દીક્ષાવિધિમાં કંઠમાં પહેરવાની માળા (કંઠી), જપની માળા, ઊર્ધ્વપુંડ્ર તિલક, ધારણ કરવાનાં વસ્ત્રો સૌમ્ય હોય તથા દૈહિક દેખાવ સૌમ્ય હોય, તથા પોતપોતાના ધર્મપાલનની પ્રતિજ્ઞા સાથે જે દીક્ષા ગ્રહણ કરવામાં આવતી હોય તે શુભદીક્ષા કહેલી છે.૪૬
અશુભ દીક્ષાનું વર્ણન :- હે મુને ! જે દીક્ષામાં નખથી શિખા પર્યંતનો વેષ અતિશય ભયાનક હોય, જેમાં ક્રોધ અને અપશબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય, જેમનાં દર્શન કરવાથી મનુષ્યો વાઘ આદિકથી જેમ ભય પામે તેમ ભય પામે તેવો વિકૃતવેષ ધારણ કરવાનો હોય, જેમાં મદ્ય, માંસ, ડુંગળી, લસણ આદિક અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવાની છૂટ હોય, જે દીક્ષામાં ગાંજા, ભાંગ આદિકના સેવનની છૂટ હોય કે જેનાથી નેત્રો લાલચોળ અને ચહેરો ભયંકર થઇ જાય છે. વળી જે દીક્ષામાં પરસ્ત્રી સંગનું પણ પ્રતિપાદન હોય તે દીક્ષા અશુભ છે.૪૭-૪૯
શુભ મંત્રનું વર્ણન :- હે મુને ! જે મંત્રોમાં હરિ, કૃષ્ણ, નારાયણ, વાસુદેવ, નર, વિષ્ણુ, કેશવ આદિ મંગલકારી નામોનો જપ કરવામાં આવે તે મંત્રો શુભ જાણવા.૫૦
અશુભ મંત્રોનું વર્ણન :- જે મંત્રોમાં મારણ, ઉચાટન, પતન, ચિત્તભ્રમ, વશીકરણ આદિનું વર્ણન હોય તથા કાલિકા અને ભૈરવાદિ તામસદેવતાઓનાં જે મંત્રોમાં નામ આવતાં હોય તે સર્વે મંત્રો અશુભ મંત્રો કહેલા છે.૫૧
શુભ સંગનું વર્ણન :- હે મુને ! ભગવાનના એકાંતિક ભાગવત ભક્તો તથા સંતોનો સમાગમ કરવો તે શુભ સંગ કહેલો છે, સાચા ભાગવત ભક્તોની ઓળખ સત્શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલાં તેમનાં લક્ષણો ઉપરથી થાય છે.૫૨
તેનાં લક્ષણ સંક્ષેપથી આ પ્રમાણે છે. જે ભાગવતો અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય, પોતાના વ્રતોનું દૃઢપણે પાલન કરતા હોય, જે ધનમાત્રનો ત્યાગ રાખતા હોય, જે નિઃસ્વાદી, નિઃસ્નેહી, નિર્માની, નિઃસ્પૃહી હોય, જે બહાર અંદર શુભ વર્તતા હોય, જે કામ, ક્રોધ, ઇર્ષ્યા અને પરના દ્રોહથી રહિત હોય, જે નિર્મત્સરી, નિર્લોભી, આત્મનિષ્ઠ અને જીતેન્દ્રિય હોય, તેમજ જે ભગવાન અને ભગવાનના અવતારોની માહાત્મ્યજ્ઞાન-પૂર્વકની ભક્તિ કરતા હોય, જે સદાય એકાંતિકભાવે ભગવાનનું ભજન કરતા હોય, આવા સત્પુરુષોનો સંગ કરવો તે શુભ સંગ કહેલો છે.૫૩-૫૫
વળી પૃથ્વીપર અવતાર ધારણ કરનારા પ્રત્યક્ષ ભગવાન તથા તેમનાં વચનોનું જેમાં વર્ણન હોય તેવાં સત્શાસ્ત્રોનું વાંચન તે પણ શુભસંગ કહેલો છે.૫૬
વળી આગળ સત્ શબ્દથી પ્રતિપાદન કરેલા દેશ કાળાદિકનું સેવન કરવું, તે પણ શુભસંગ મહર્ષિઓએ કહેલો છે.૫૭
અશુભ સંગનું વર્ણન :- હે મુને ! અસત્પુરુષોનો સંગ તે અશુભ સંગ કહ્યો છે. તે અસત્પુરુષોને પણ તેમનાં લક્ષણોથી ઓળખી રાખવા. જે વિષ્ણુ ભગવાન અને તેમના ભક્ત વૈષ્ણવોમાં ભક્તિએ રહિત હોય, જે સંતો તથા સત્શાસ્ત્રોના વચનોમાં અવિશ્વાસી હોય, નાસ્તિક, ધનલોલુપ, પરસ્ત્રી સંગમાં આસક્ત, ચોરી કરવાના સ્વભાવવાળા હોય, સુરા, મદિરા, માંસનું સેવન કરનારા હોય, માની, મત્સરી, દંભી, દ્યુતક્રીડામાં આસક્ત, ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુને ખાતો હોય, જીવહિંસા કરતો હોય, વિદ્યા, ધન અને કુળના મદથી ઉધ્ધત હોય, બહુ ક્રોધી હોય, ભગવાનના ભક્ત અને સંતોમાં બ્રહ્મચર્યાદિક શ્રેષ્ઠ ગુણોને છોડીને કોઇ દૈહિક અલ્પ સરખા દોષને જેમ કે ખાવાનો, વસ્ત્ર પહેરવાનો, લેતીદેતીના વ્યવહાર આદિ અલ્પ દોષને મહાન ગણીને ઉહાપો કરનારો હોય, પોતાની જ વારંવાર પ્રશંસા કરતા હોય, અને પ્રગટ ભગવાન શ્રીહરિના ઉપાસકોની નિંદા કરતા હોય, પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે બીજાઓને અત્યંત પીડા આપી અન્નવસ્ત્રાદિક વસ્તુઓ તેમના થકી મેળવતો હોય, શ્રીહરિની કૃપાથી પ્રાપ્ત થયેલા તેમજ ધર્મ અને ભક્તિની સિદ્ધિ કરાવી આપે એવા દુર્લભ માનવ શરીરને પ્રાપ્ત કર્યા પછી પણ જે પુરુષપ્રયત્ન કરી ધર્મ અને ભક્તિને સાધતો ન હોય તથા બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતો ન હોય, જે પ્રમાદિ હોવાના કારણે કાળ, ભાગ્ય, પૂર્વસંસ્કાર અને ભગવાનની કૃપાને જ કલ્યાણનું સાધન માનતા હોય છે. અને પુરુષાર્થ પણ ભગવાનની કૃપા વિના થતો નથી, એમ માનતા હોય છે. તેમજ અશાંતિ આદિ અનેક દુર્ગુણોથી ભરેલા હોય તે અસત્પુરુષો કહેલા છે. તેના સંગને અશુભ કહેલો છે. તેમજ પૂર્વે અસત્ શબ્દથી કહેલા દેશકાળાદિકનો સંગ કરવો તે પણ અશુભસંગ કહેલો છે. આ પ્રમાણે મારા આશ્રિત નરનારીઓએ યથાર્થ જાણી રાખવું.૫૮-૬૬
હે મુનિ ! આ પ્રમાણે મેં તમને શુભ અને અશુભ દેશકાળાદિકનાં લક્ષણો મારા આશ્રિત મુમુક્ષુજનોને જ્ઞાન થાય તે માટે સંક્ષેપથી કહ્યાં.૬૭
તેમ શુભ દેશકાળાદિકનું સેવન કરવાથી મનુષ્યોની બુદ્ધિ શુભ થાય છે. અને અશુભ દેશકાળાદિકનું સેવન કરવાથી બુદ્ધિ અશુભ થાય છે. તેમાં કોઇ પણ જાતનો સંશય કરવો નહિ.૬૮
હે મુનિ ! જે મનુષ્યની શુભ કે અશુભ જેવી બુદ્ધિ હોય તે માણસ તેવાં જ શુભ કે અશુભ કર્મો કરે છે. ત્યારપછી પોતાનાં કરેલાં કર્મોને અનુસારે શુભ-અશુભ ફળને પામે છે.૬૯
તેથી પોતાનું હિત ઇચ્છતા બુદ્ધિમાન મનુષ્યોએ અશુભ દેશકાળાદિકનું સેવન છોડીને તત્કાળ શુભ દેશકાળાદિકનો આશ્રય કરવો.૭૦
જેવી રીતે અજાણતાં પણ કરેલું અમૃતનું પાન મૂર્ખ કે પંડિત માણસને પણ નિશ્ચય અમર કરી દે છે.૭૧
તેમ અજાણતાં પણ સેવન કરાયેલા શુભ દેશકાળાદિક પંડિત કે મૂર્ખ માણસને આ સંસારના બંધનમાંથી મૂકાવે છે.૭૨
શ્રીહરિ કહે છે, હે મુનિ ! વળી જેવી રીતે મદ્ય કે ભાંગનું પાન શાસ્ત્રજ્ઞા પંડિત કરે કે મૂર્ખ માણસ કરે તેને કેફ ચડાવી તે જ ક્ષણે ઉન્મત્ત કરે છે.૭૩
તેમ અશુભ દેશકાળાદિકનું સેવન સાત્ત્વિક ગુણવાળા વિદ્વાન પુરુષને પણ નરકમાં લઇ જનારા નઠારા પાપના માર્ગે ચડાવી દે છે. તો પછી રજોગુણી, તમોગુણી મૂર્ખમાણસને અશુભ દેશકાળાદિકનું સેવન ક્યાં લઇ જશે ? તેનું શું કહેવું ?.૭૪
હે મુનિ ! તમે કહેશો કે આવું કેમ સંભવે ? તો કહું છું કે દેશકાળાદિકનો મૂળભૂત સ્વભાવ જ એવો છે. જેમ સ્વભાવિક સારો નરસો ગુણ માણસમાં હોય ને તે છોડવા સમર્થ થઇ શકતો નથી, તેમ દેશકાળાદિ પોતાના શુભ અશુભ સ્વભાવને છોડી શકતા નથી.૭૫
હે મુનિ ! જે મનુષ્ય ભગવાનનો ભક્ત હોય અને આદરપૂર્વક નિત્યે શુભ દેશકાળાદિકનું સેવન કરે તો તેને સકલ ઇચ્છિત પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને તે મનુષ્ય સદાય સુખનો અનુભવ કરે છે. અને દેહને અંતે શ્રીકૃષ્ણ ભગવાનના પરમ ગોલોકધામને પામે છે. તે ધામમાં ચૈતન્યમય દેહને પ્રાપ્ત કરી અનંત અવિનાશી પોતે ઇચ્છેલા અને દેવતાઓને પણ દુર્લભ એવા દિવ્ય સુખોને ભોગવે છે.૭૬-૭૮
હે મુનિ ! જે મનુષ્ય આ લોકમાં અશુભ દેશકાળાદિકનું સેવન કરે છે તે પુરુષ પોતાના ધર્મથકી ભ્રષ્ટ થઇ જીવન પર્યંત દુઃખ ભોગવે છે.૭૯
ત્યારપછી દેહના અંતે યમપુરીમાં જઇ દારુણ દુઃખને ભોગવી ચોર્યાસી લાખ જાતના શરીરોમાં જન્મ લઇ ભટક્યા કરે છે. અને તે તે જન્મમાં અપાર કષ્ટોને ભોગવે છે.૮૦
તેથી મનુષ્યોએ અશુભ દેશકાળાદિકથી બહુ જ ભય પામી ધર્મની સિદ્ધિને માટે નિત્ય શુભ દેશકાળાદિકનું જ સેવન કરવું.૮૧
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીસ્વામિનારાયણનાં વચનોનું શ્રવણ કરી પોતાનું હિત ઇચ્છતા શુકાનંદ સ્વામી અતિશય હર્ષ પામ્યા તથા સભામાંં બેઠેલા અન્ય સમસ્ત સંતો તથા હરિભક્તો ખૂબજ આનંદ પામ્યા અને ભગવાન શ્રીહરિના ચરણમાં પોતાનાં મસ્તક નમાવી તે વચનો અતિ આદરપૂર્વક મસ્તકે ધારણ કર્યાં.૮૨
હે રાજન્ ! આ ધર્મની સિદ્ધિ સમગ્ર વેદથી પ્રમાણિત છે, ભગવાન વર્ણિરાટ શ્રી નારાયણમુનિએ ગૃહસ્થ ભક્તજનો, ત્યાગી સંતો અથવા કોઇ પણ માનવના ધર્મરક્ષણને માટે જ આ ધર્મસિદ્ધિ કહેલી છે. જે મનુષ્યો આનું પ્રતિદિન શ્રવણ કરશે, કોઇને સંભળાવશે તે બન્ને જણને ધર્મમાં દૃઢ સ્થિતિ થશે. તેમજ આલોક તથા પરલોકમાં અનેક પ્રકારનાં સુખો ભોગવશે.૮૩
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધીનીના ઉત્સવ ઉપર શ્રીનારાયણમુનિ અને શુકાનંદ સ્વામીના સંવાદમાં ધર્મસિદ્ધિનું નિરૂપણ કર્યું એ નામે છવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૬--