ભગવાન શ્રીહરિએ ભક્તજનોના પૂછવાથી એકાદશીના વ્રતવિધિનું કરેલું વિસ્તારથી વર્ણન. ઉપવાસનું લક્ષણ. ઉપવાસમાં બ્રહ્મચર્યવ્રત. વ્રતભંગનું પ્રાયશ્ચિત. ધ્યાન. પ્રાર્થના સ્તોત્ર. વાયનપ્રદાન. બારસતિથિનો વિધિ.
ભક્તજનો કહે છે, હે સત્પતે ! આ એકાદશીનું વ્રત અમારે આલોકમાં કેવા વિધિથી કરવું એ અમને આપ યથાર્થ સંભળાવો.૧
પરમકૃપાળુ ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! મારે વિષે અતિશય સ્નેહવાળા મારા આશ્રિત તમને સર્વેને સ્મૃતિઓનાં વચનોથી યથાર્થ નિર્ણય પામેલો એકાદશીનો વ્રતવિધિ હું સંભળાવું છું.૨
હે ભક્તજનો ! સૂર્યોદય પહેલાંનો ચાર ઘડી (દોઢકલાક) નો સમય અરુણોદયકાળ કહેલો છે. તે કાળમાં દશમી તિથિ એક પલ પણ આવી જતી હોય તો તે એકાદશી વ્રતમાટે સર્વથા છોડી દેવી. અર્થાત્ પંચાવન ઘડીની રાત્રીથી એક પળ પણ વધારે દશમી તિથિ છપ્પનમી ઘડીમાં પ્રવેશી જતી હોય તો તે તિથિ એકાદશી તરીકે ક્યારેય સ્વીકારવી ન્હિ. કારણ કે દશમી તિથિની વેધવાળી એકાદશી માન્ય નથી.૩
હે ભક્તજનો ! એકાદશી બે પ્રકારની છે. એક શુદ્ધ અને બીજી વેધવાળી, એ બે પ્રકારમાં પણ ન્યૂન, સમ અને અધિક આ ત્રણ પ્રકારના ભેદ પડતાં એકાદશી તિથિ છ પ્રકારની થઇ. તે આ પ્રમાણે શુદ્ધન્યૂના, શુદ્ધસમા, શુદ્ધાધિકા, વિદ્વાન્યૂના, વિદ્વાસમા અને વિદ્વાધિકા આ છ પ્રકારો છે. તેમાં બારસની તિથિના પણ ત્રણ પ્રકાર ન્યૂન, સમ અને અધિક ભેદ છે. તે આ છ પ્રકારમાં જોડાતાં એકાદશી તિથિમાં અઢાર પ્રકારના ભેદ થયા. તે આ પ્રમાણે છે. ૧. શુદ્ધન્યૂન-ન્યૂનદ્વાદશિકા, ૨. શુદ્ધન્યૂન-સમદ્વાદશિકા. ૩. શુદ્ધન્યૂન-અધિકદ્વાદશિકા, ૪. શુદ્ધસમ-ન્યૂનદ્વાદશિકા, ૫. શુદ્ધસમ-સમદ્વાદશિકા. ૬. શુદ્ધસમાધિકદ્વાદશિકા, ૭. શુદ્ધાધિકન્યૂનાદ્વાદશિકા, ૮. શુદ્ધાધિકસમદ્વાદશિકા, ૯. શુદ્ધાધિકાધિકદ્વાદશિકા, ૧૦. વિદ્ધન્યૂનન્યૂનદ્વાદશિકા, ૧૧. વિદ્ધન્યૂનસમદ્વાદશિકા, ૧૨. વિદ્ધન્યૂનાધિકદ્વાદશિકા, ૧૩. વિદ્ધસમન્યૂનદ્વાદશિકા, ૧૪. વિદ્ધસમસમદ્વાદશિકા, ૧૫. વિદ્ધાધિકસમદ્વાદશિકા, ૧૬. વિદ્ધાધિકન્યૂનદ્વાદશિકા, ૧૭. વિદ્ધાધિકસમદ્વાદશિકા, ૧૮. વિદ્ધાધિકાધિકદ્વાદશિકા. આ પ્રમાણે શુદ્ધ અને વેધવાળી એકાદશી તિથિમાં અઢાર ભેદ છે.૪
હે ભક્તજનો ! આ અઢાર પ્રકારના ભેદ પૂર્વે ઋષિમુનિઓએ પાડયા છે. તેમાં વેધવાળા નવ પ્રકારનો તો વૈષ્ણવોએ સર્વથા ત્યાગ કરી દેવો. પરંતુ શુદ્ધ ના નવ ભેદ છે તેમાંથી પણ અમુક ત્યાગ કરવા યોગ્ય છે તે તમને કહું છું.૫
હે ભક્તજનો ! સૂર્યોદય પહેલાં ચારઘડીમાં એકાદશી તિથિ હોય તો તે સંપૂર્ણ શુદ્ધ છે. કારણ કે તેમાં દશમી તિથિનો કોઇ વેધ નથી. તેમાં પણ જો એકાદશી અધિક તિથિ હોય અર્થાત્ પહેલા દિવસે સાઠ ઘડીની પૂર્ણ હોય અને બીજે દિવસે માત્ર એક ઘડીની હોય તો બે એકાદશી થઇ. તેમાંથી પૂર્વની સાઠ ઘડીવાળીનો ત્યાગ કરવો. પરંતુ બીજે દિવસે ઊગતી એકાદશી તિથિ એકઘડીવાળી અને બારસના વેધવાળી હોવા છતાં તે દિવસે જ વૈષ્ણવોએ વ્રત કરવું. અથવા બારસ અધિક હોય તો એકાદશીની તિથિ ભલે શુદ્ધ હોય છતાં બે બારસને કારણે પહેલી બારસની તિથિએ વ્રત કરવું. આવો વૈષ્ણવોનો નિર્ણય છે.૬-૭
હે ભક્તજનો ! જો એકાદશીની તિથિનો ક્ષય હોય, સાક્ષાત્ સૂર્યોદય વખતે એક ઘડી દશમી તિથિ હોય પછીથી એકાદશીની તિથિ બેસે, તે પણ પંચાવન ઘડીથી ઓછી હોય અને છપ્પનમી ઘડી પહેલાં બારસ આવી જતી હોય તો તેમાં એકાદશી તિથિનો ક્ષય ગણાય. તેથી બીજે દિવસે બારસની તિથિ હોય તેમાં પણ પરમગતિને ઇચ્છતા વૈષ્ણવોએ બારસની તિથિએ જ એકાદશીનું વ્રત કરવું.૮
હે ભક્તજનો ! એકાદશીને દિવસે સૂર્યોદય પૂર્વે છપ્પનમી ઘડીમાં માત્ર એક પળ દશમી તિથિ આવી જતી હોય તો એકાદશી દશમના વેધવાળી ગણાય અને તેમાં પણ તે એકાદશી આખો દિવસ ભલે સાઠઘડીની હોય છતાં બીજે દિવસે બારસની તિથિનો ક્ષય હોય અર્થાત્ બારસની તિથિ અઠાવન ઘડીની હોય પછી તેરસ બેસી જતી હોય ત્યારે પણ દશમના વેધવાળી એકાદશી તિથિને છોડીને ક્ષયવાળી બારસને દિવસે વ્રત કરવું, અને પારણાના સમયે ભલે તેરસ હોય છતાં પણ બારસની જ તિથિ એકાદશીના વ્રતમાટે લેવી. પરંતુ દશમીની વેધવાળી તો નજ લેવી.૯
જો એકાદશી સંપૂર્ણ શુદ્ધ હોય બીજે દિવસે બારસ હોય. તે બારસ ત્રીજે દિવસે સાઠઘડીની રાત્રી વટાવીને સૂર્યોદયમાં પ્રવેશી જતી હોય ત્યારે બે બારસ થઇ ગણાય. તેથી શુદ્ધ એકાદશીની તિથિ છોડીને પહેલી બારસના ઉપવાસ કરી, બીજી બારસનાં પારણાં કરવાં.૧૦
સૂર્યોદય વખતે નવમી તિથિ માત્ર એક પળની હોય પછી દશમીતિથિ ચાલતી હોય. પરંતુ બીજે દિવસે સૂર્યોદય સમયે એકાદશી હોય તો દશમી તિથિનો ક્ષય થયો ગણાય. અર્થાત્ બે નવમી હોય અને દશમનો ક્ષય હોય અને એકાદશી સંપૂર્ણ હોય અને બારસ પણ સંપૂર્ણ હોય તો એકાદશીની તિથિએ વ્રત છોડીને શુદ્ધ બારસના વ્રત કરવું અને તેરસનાં પાંરણા કરવાં.૧૧
જો એકાદશી દશમ વગરની શુદ્ધ હોય, બીજે દિવસે બારસ પણ શુદ્ધ હોય અને ત્રીજે દિવસે પણ સૂર્યોદય વ્યાપ્તબારસ હોય તેથી બારસ બે થઇ. તે વખતે સમર્થ પુરુષોએ શુદ્ધ એકાદશી અને પહેલી શુદ્ધ બારસ, બન્ને દિવસે ઉપવાસ કરવા ને બીજી બારસનાં પારણાં કરવાં.૧૨
જો બે દિવસ ઉપવાસ કરવા અસમર્થ હોય તો એકાદશી છોડીને પહેલી શુદ્ધ બારસનો ઉપવાસ કરવો અને બીજી બારસે પારણાં કરવાં.૧૩
હે ભક્તજનો ! પહેલા શુદ્ધ એકાદશીનો ઉપવાસ કરી બીજી શુદ્ધબારસનો પણ ઉપવાસ કરે ત્યારે બે ઉપવાસમાં પારણાં કરવાના વિધિનો લોપ થતો નથી. કારણ કે એકાદશી અને બારસ બન્ને તિથિના દેવતા એક ભગવાન વાસુદેવ જ છે.૧૪
જ્યાં સુધી પંચાવન ઘડીની દશમી તિથિ હોય ત્યાં સુધી દશમનો વેધ ન કહેવાય, પરંતુ પંચાવન ઘડીથી એક પળ પણ વધારે દશમી હોય તો પણ તે એકાદશી દશમના વેધવાળી જ ગણાય, આવો ગોસ્વામી વિઠ્ઠલનાથજીનો મત છે. તેથી મારા આશ્રિત એવા તમારે ગોસ્વામીના મતનો જ સ્વીકાર કરવો. તેમાં પણ જો તિથિ બાબતે પરસ્પર બહુવચનોનો વિરોધ આવતો હોય અથવા જ્યોતિષશાસ્ત્રની ગણનામાં પરસ્પર વિરોધ આવતો હોય ત્યારે શુદ્ધ બારસનો ઉપવાસ કરી તેરસનાં પારણાં કરવાં.૧૫-૧૭
હે ભક્તજનો ! કદાચ ક્યારેક આળસમાં અસાવધાનીના કારણે શુદ્ધ એકાદશીવ્રત કરવાનું ભૂલાઇ જાય તો બીજે દિવસે બારસના ઉપવાસ કરીને વ્રત કરવું, પણ એકાદશીનું વ્રત જવા દેવું નહિ.૧૮
ઉપવાસનું લક્ષણ :- હે ભક્તજનો ! ઉપવાસ કોને કહેવાય તે કહું છું. દશ ઇંદ્રિયો અને અગિયારમું મન. આ અગિયારે પોતપોતાના વિષયના આહારનો ત્યાગ કરીને ભગવાન શ્રીવાસુદેવનું અખંડ સાનિધ્યપણું રાખે. આ એકાદશીના ઉપવાસનું મુખ્ય લક્ષણ છે. અને વિવેકી પુરુષો આને જ નિરાહાર ઉપવાસ કહે છે.૧૯-૨૦
બીજું શાસ્ત્રનિષિદ્ધ કર્મોના પાપથકી નિવૃત થયેલા મનુષ્યનો કહેલા ગુણોની સાથે નિવાસ તેને ઉપવાસ કહેલો છે. સર્વે માયિક વિષય ભોગથી નિવૃત્ત થવું તેને ઉપવાસ કહેલો છે.ર૧
વિદ્વાન પુરુષોએ ઉપવાસ કરનારાજનો માટે વ્રતના ઇષ્ટદેવ વાસુદેવ ભગવાનના જપવા યોગ્ય મંત્રનો જપ કરવોલ તેમની મૂર્તિનું ધ્યાન કરવું, કથા સાંભળવી અને પૂજા કરવી આદિક મુખ્ય ગુણો કહેલા છે.રર
તેમજ પર અપરાધને ક્ષમા આપવી. સર્વ જીવપ્રાણીમાત્રનું હિત થાય તેવું સત્ય વચન બોલવું. યથાશક્તિ પરોપકાર કરવારૂપ દયા કરવી, બહાર અંદર પવિત્ર રહેવું, પાત્રમાં યથાશક્તિ પોતાને પ્રિય પદાર્થનું દાન કરવું, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, વ્રતના દેવની મહાપૂજા કરવી, વૈષ્ણવાગ્નિમાં હોમ કરવો, સંતોષ રાખવો, પારકા પદાર્થની ચોરી ન કરવી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, હિંસા ન કરવી, રસાસ્વાદનો ત્યાગ કરવો, આ તેર ગુણોની સાથે વાસ કરવો. આ ગુણો સર્વવ્રતમાં સરખા આચરવાના પણ જાણવા.૨૩-૨૪
હે ભક્તજનો ! ઉપવાસના દિવસે અન્નનું ચિંતવન, દર્શન, સુગંધ, માત્ર સ્વાદ જોવા ખાતર એક કણનું પણ ભક્ષણ અને તેના ગુણ અવગુણનું વર્ણન સર્વથા છોડી દેવું એ જ સાચો ઉપવાસ છે.૨૫
ઉપવાસ કરનાર પુરુષે તે દિવસે પોતાની જાતિ થકી ભ્રષ્ટ થયેલા મહાપાપીની સાથે, નાસ્તિકની સાથે, હિંસાપ્રિય વ્યક્તિની સાથે, અંત્યજની સાથે તથા વેદની નિંદા કરનારની સાથે બોલવું નહિ અને જોવું પણ નહિ, તથા તેમનો સ્પર્શ પણ કરવો નહિ.૨૬
વ્રત કરનારો જો સ્વસ્થ હોય તો ઉપવાસના દિવસે વારંવાર જળ પીવું નહિ, તેમજ ઈન્દ્રિયોને ક્ષોભ પમાડે તેવું કંઈ પણ ભક્ષણ કરવું નહિ.ર૭
ઉપવાસ કરનારે શરીર ઉપર તૈલમર્દન ન કરવું, પાનબીડું ચાવવું નહિ, ચંદનનો લેપ ન કરવો, તેવી જ રીતે ખાટલા ઉપર સૂવું પણ નહિ.૨૮
ઉપવાસમાં બ્રહ્મચર્યવ્રત :- હે ભક્તજનો ! પરસ્ત્રીની સામે જોવાથી, તેનો સ્પર્શ કરવાથી અને વાતચીત કરવાથી, તેમજ પોતાની સ્ત્રી સાથે અંગસંગ કરવાથી બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે.૨૯
જો અવશ્યનું કાર્ય હોય ને પરસ્ત્રી સાથે બોલાય, તેમજ આપત્કાળમાં કોઇ પ્રયોજન સારું પરસ્ત્રીના અંગનો સ્પર્શ થાય તો ગૃહસ્થાશ્રમી પુરુષને બ્રહ્મચર્યના નાશનો દોષ નથી.૩૦
વારંવાર જલપાન કરવાથી, પાનબીડું ચાવવાથી, દિવસે શયન અને પોતાની સ્ત્રીનો સંગ કરવાથી, રૂદન કરવાથી, ક્રોધ કરવો, કજીયો કરવો આદિ અયોગ્ય કર્મથી સ્ત્રી અને પુરુષના ઉપવાસનો ચોક્કસ નાશ થાય છે.૩૧-૩૨
હે ભક્તજનો ! દાન, વ્રત, નિયમો, જ્ઞાન, ધ્યાન, યજ્ઞા અને જપ આ સર્વે મહા પ્રયત્ન પૂર્વક સાધ્યાં હોય છતાં ક્રોધ કરવાથી સર્વે વ્યર્થ થાય છે.૩૩
વ્રતભંગનું પ્રાયશ્ચિત :- હે ભક્તજનો ! ઉપવાસના દિવસે ખોટું બોલાઇ જાય, નિદ્રા કે બહુવાર જલપાન થઇ જાય તો એકસોને આઠ અષ્ટાક્ષરમંત્રનો જપ કરવો. પ્રત્યેકની જુદી જુદી માળા કરવાથી શુદ્ધ થવાય છે.૩૪
ચોર, નાસ્તિક, હિંસક, પતિત અને વેદની નિંદા કરનારની સાથે બોલાઇ જાય, તેનો સ્પર્શ થઇ જાય, દૃષ્ટિ માંડીને જોવાઇ જાય તો પ્રત્યેક માટે સ્નાન કરીને ઉત્તર મુખે બેસી ત્રણસો અષ્ટાક્ષરમંત્રના જપ કરવા તેથી વ્રતનો ભંગ થતો નથી.૩૫
હે ભક્તજનો ! જેનું કોઇ પ્રાયશ્ચિત નથી એવાં વ્રતને ભંગ કરનારાં કર્મો કહું છું. પાનબીડાંનું ભક્ષણ, મદ્ય, માંસ, ડુંગળી, લસણ આદિકનું ભક્ષણ કરવાથી વ્રતનો ભંગ થાય તો તેનું કોઇ પ્રાયશ્ચિત નથી. પોતાની સ્ત્રી સાથે સંગ કરે, નિષ્પ્રયોજન ગ્રામ્યવાર્તા સાંભળે ને કહે, કોઇને ગાળ દે, ચોટીયું ભરે, તમાલનું ભક્ષણ કરે, માદક વસ્તુનું ભક્ષણ અને જુગાર રમવું. ઉપરોક્ત કોઇ પણ કર્મ અજાણતા કરે તો વ્રતનો ભંગ થાય છે અને તેના દોષ નિવારણનું કોઇ પ્રાયશ્ચિત નથી.૩૬-૩૭
તેમજ પુરુષને જાણી જોઇને વિધવાનો સ્પર્શ થાય અને વિધવાને જાણી જોઇને પુરુષનો સ્પર્શ થાય તો બન્નેના વ્રતનો ભંગ થાય છે.૩૮
પુરુષને જાણી જોઇને કરમૈથુન કે સ્વપ્નમાં વીર્યપાત થાય તો પણ વ્રતનો ભંગ થાય છે. તેથી વ્રત કરનારે સ્ત્રી થકી ભય પામતા રહેવું.૩૯
હે ભક્તજનો ! જેનાથી વ્રતનો ભંગ નથી થતો તે કહું છું, એક બે વાર જલનું પાન કરે, કંદમૂળ કે ફળફુલનું ભક્ષણ કરે, દૂધનું પાન કરે, વ્રતને યોગ્ય હવિષ્યાન્નનું ભક્ષણ કરે, આવશ્યક પ્રયોજન માટે બ્રાહ્મણની અનુમતિથી કાંઇ ભક્ષણ કરે, ગુરુના વચને કાંઇ ભક્ષણ કરે અને ઔષધીનું ભક્ષણ કરે, આ આઠ વસ્તુના સેવનથી વ્રતનો ભંગ થતો નથી. ભયથી, રોગની આપત્તિથી અથવા અજાણતાં વ્રતનો ભંગ થાય તો તેનો દોષ લાગતો નથી.૪૦-૪૧
હે ભક્તજનો ! ગૃહસ્થના વ્રતભંગનું પ્રાયશ્ચિત કહું છું. જે મૂઢપુરુષ પ્રથમ વ્રત ગ્રહણ કરીને પછી કોઇ વિષય ભોગની ઇચ્છાથી વ્રતનું આચરણ ન કરે તો તે પુરુષ જીવતો થકો ચાંડાળ થાય છે. અને મર્યા પછી કૂતરાની યોનિને પામે છે.૪૨
જો ક્રોધથી, આળસથી કે લોભથી વ્રતનો ભંગ થાય તો ત્રણ દિવસ પર્યંત ખાવું નહિ. વ્રતના દિવસે માથા પર મુંડન કરાવે, દાઢી, મુંછ કરાવે તો પણ ત્રણ દિવસ સુધી અન્ન જમવું નહિ.૪૩
હે ભક્તજનો ! હવે વ્રતમાં કોઇ વિઘ્ન આવે તો શું કરવું, તે કહું છું. વ્રતના પ્રારંભ પહેલાં જન્મ કે મરણનું સૂતક આવી જાય તો ઉપવાસ કરવારૂપ નિત્યે કરવાનું વ્રત કરવું પણ તેમાં દાન કે ભગવાનની પૂજા તથા બ્રાહ્મણોને ભોજન વગેરે બ્રાહ્મણ દ્વારા કરાવવું.૪૪-૪૫
પરંતુ જો વ્રતનો પ્રારંભ થઇ ગયો હોય (કાંડું બંધાઇ ગયું હોય) તો બન્ને પ્રકારના સૂતકમાં પણ સ્વયં વ્રત કરનારે સ્નાન કરી વ્રતના અંગદેવ ભગવાન શ્રીકૃષ્ણનું પરિવારે સહિત ભક્તિ ભાવથી પૂજન કરવું.૪૬
સધવા કે વિધવા નારીએ વ્રતનો પ્રારંભ કર્યો હોય ને રજસ્વલાપણું પ્રાપ્ત થાય તો સ્વયં ઉપવાસ કરવો અને વ્રતમાં તત્પર રહી દેવતાઓનું પૂજન અન્ય બ્રાહ્મણાદિક પાસે પૂર્ણ કરાવવું.૪૭
વ્રત કે ઉપવાસના દિવસે જો પોતાના પિતૃઓનું શ્રાદ્ધ આવે તો વ્રત કરનારે પિતૃઓને નિવેદન કરેલા અન્નને માત્ર સુંઘીને વ્રતનું આદરપૂર્વક પાલન કરવું.૪૮
વૈષ્ણવ ભક્તોએ એકાદશીની તિથિએ આવતું શ્રાદ્ધ બારસની તિથિએ કરવું, કારણ કે તેના પિતૃઓ પણ વૈષ્ણવ જ હોય છે.૪૯
હે ભક્તજનો ! કોઇ ગર્ભવંતી સ્ત્રી, રોગમાં ઘેરાયેલી સ્ત્રી, બાળકને જન્મ આપનારી, કે અન્ય કોઇ આપત્તિમાં આવી પડેલી સ્ત્રીએ પોતાનું વ્રત બીજા પાસે કરાવવું, પરંતુ છોડી દેવું નહિ.૫૦
તેમાં પતિનું વ્રત પત્ની કરી શકે અને પત્નીનું વ્રત પતિ કરી શકે અથવા વિનયી પુત્ર કે શિષ્ય અથવા તો પોતાની બહેન કે ભાઇ વ્રત કરી શકે, આમાંથી કોઇ ન મળે તો અન્ય કોઇ ધર્મનિષ્ઠ બ્રાહ્મણને પોતાનો પ્રતિનિધિ કરી વ્રત કરવું.૫૧-૫૨
હે ભક્તજનો ! પિતા, માતા, પતિ, ભાઇ અને ગુરુ આટલાને માટે જે પુરુષ કે નારી વિશેષપણે ઉપવાસ કરે છે તે મનુષ્ય સો ગણા ફળને પ્રાપ્ત કરે છે.૫૩
અથવા ઉપવાસ કરવા અસમર્થ પુરુષ કે સ્ત્રીએ એક સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણને બારસના દિવસે મિષ્ટાન્ન જમાડી તૃપ્ત કરવો, અથવા તે નિમિત્તે તેટલું દ્રવ્ય આપવું, અથવા તેનાથી બમણું દ્રવ્ય આપવું.૫૪
વળી વ્રત કરવામાં અશક્ત જને એકહજાર વિષ્ણુગાયત્રી મંત્રના જપ કરવા, અથવા પોતાની શક્તિને અનુસારે બાર પ્રાણાયામ કરવા.૫૫
શ્રીહરિ કહે છે, હે ભક્તજનો ! વ્રત કરતી વખતે પ્રતિનિધિ તરીકે વ્રત કરનાર પુરુષે તથા કરાવનાર અશક્ત પુરુષે શરીરસંબંધી સર્વે નિયમોનું અતિશય ભક્તિથી પાલન કરવું. જો પાલન કરવામાં ન આવે તો કરેલું અનુષ્ઠાન માત્ર પરિશ્રમ જ પૂરવાર થાય છે, તેનું કાંઇ પણ ફળ મળતું નથી.૫૬
હવે શરીર સંબંધી નિયમો તમને કહું છું, દશમી તિથિના દિવસે અડદ, મસૂર, ચણા અને કોદરા આદિકનું ભોજન ન કરવું. કાંસાના પાત્રમાં ન જમવું, દશ પ્રકારના શાકનો ત્યાગ કરવો, મધનું સેવન ન કરવું, પારકું અન્ન ન ખાવું, બીજીવાર ભોજન ન કરવું, મૈથુન ન કરવું, જુગાર ન રમવો, અતિશય જળપાન, ગ્રામ્યવાર્તા, કજિયો અને શરીર ઉપર ચંદનાદિકનું લેપન ન કરવું, પાનબીડું ન ખાવું, પુષ્પની માળા ધારણ ન કરવી, ભોજનમાં મીઠાં(નમક)નો ત્યાગ કરવો, અતિશય આહાર ન કરવો, અસત્પુરુષનો સંગ ન કરવો, ખોટુ ન બોલવું, દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, આ સર્વે નિયમોનું દશમના પાલન કરી માયિક શબ્દાદિ પંચ વિષયોના ભોગ છોડીને રાત્રીમાં પૃથ્વી પર શયન કરવું.૫૬-૫૯
હે ભક્તજનો ! દશમના દિવસે અલ્પ આહાર કરી, રાત્રીએ શયન કરતાં પહેલાં સ્નાન કરી, શ્રીહરિનું પૂજન કરી ઉત્તરદિશા તરફ મુખ રાખીને આવતી કાલના આવનારા એકાદશીવ્રતનું અનુષ્ઠાન કરવાનો નિયમ ગ્રહણ કરવો.૬૦
એકાદશીના પ્રાતઃકાળે માત્ર કોગળાથી દાતં સાફ કર્યા પછી સ્નાન કરી શ્રીહરિની પ્રતિમા સન્મુખ ઊભા રહીને ઉપવાસ કરવાનો નિયમ ગ્રહણ કરવો. ને બોલવું કે, હે પુંડરીકાક્ષ ! હું આજે એકાદશીએ સર્વે ઇન્દ્રિયોના આહાર છોડી, નિરાહાર રહીને બીજે દિવસે બારસના અન્નનું ભક્ષણ કરીશ, તો હે અચ્યુત ! તમારે શરણે આવેલા મારું રક્ષણ કરજો.૬૧-૬૨
હે ભક્તજનો ! હવે એકાદશીના દિવસે શું કરવું તે કહું છું. વ્રત કરનારા મનુષ્યે રાત્રીના અંતિમ પ્રહરમાં ઉઠવું અને હૃદયમાં શ્રીહરિનું ધ્યાન કરવું, ત્યારપછી સંતો-ભક્તોને પગે લાગી શૌચવિધિ કરવા જવું.૬૩
એકાદશીનું વ્રત હોવાથી કાષ્ઠનું દાતણ ન કરવું, પરંતુ જળના બાર કોગળા કરીને ઉલ્લેખીનીથી ઉલ ઉતારીને મુખશુદ્ધિ કરવી.૬૪ અને ઇન્દ્રિયોને નિયમમાં રાખવા પૂર્વક સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરવો. પછી પોતાની શક્તિને અનુસારે પૂજાની સામગ્રી ભેળી કરીને ભગવાન શ્રીકૃષ્ણની મહાપૂજા કરવી.૬૫ તે મહાપૂજામાં પોતપોતાની શક્તિઓની સાથે કેશવાદિ ચોવીસમૂર્તિઓની પણ રુક્મિણીપતિ શ્રીકૃષ્ણની પૂજા સાથે આદરપૂર્વક પૂજા કરવી. તેમાં અશક્ત પુરુષે માત્ર એકાદશીના સ્વામી એવા શ્રીકૃષ્ણસ્વરૂપ એકની લક્ષ્મીજીની સાથે ભાવથી પૂજા કરવી.૬૬-૬૭
(૧) મોક્ષદા એકાદશી :- હે ભક્તજનો ! માગસર મહિનાના સુદપક્ષની ''મોક્ષદા'' નામે એકાદશી છે આના અધિપતિ ''શ્રી'' નામની શક્તિની સાથે કેશવ ભગવાન પૂજ્ય છે, તેથી તેમનું માલતીના પુષ્પોથી પૂજન કરવું. અર્ઘ્યદાનમાં નાળિયેરનું ફળ અર્પણ કરવું અને નૈવેદ્યમાં ઘીમાં તળેલા લાડુ અર્પણ કરવા અને આ એકાદશીનું વ્રત કરનારે સાત ધાનોનાં દાન કરવા, તે મુખ્ય દાન કહેલું છે.૬૮-૬૯
(ર) સફલા એકાદશી :- માગસર મહિનાના વદપક્ષની ''સફલા'' એકાદશીના અધિપતિ સુનંદા નામની શક્તિની સાથે સંકર્ષણ ભગવાન પૂજ્ય છે. આ એકાદશીએ તેમની મુનિપુષ્પો-અગથિયાના પુષ્પોથી પૂજા કરવી અને નૈવેદ્યમાં લક્કડસાઇ લાડુ અર્પણ કરવા, તથા અર્ઘ્યદાનમાં જામફળ અર્પણ કરવું, અને સુવર્ણનું દાન મુખ્ય કહેલું છે.૭૦-૭૧
(૩) સાનંદા એકાદશી :- પોષમહિનાના સુદ પક્ષની એકાદશી ''સાનંદા'' નામની કહેલી છે. તે દિવસે પદ્મા નામની શક્તિની સાથે ''નારાયણ'' નામના ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા દેવ છે. તેમનું ગૂગળનાવૃક્ષના ફૂલથી ભક્તિની સાથે પૂજન કરવું, નૈવેદ્યમાં ચૂરમાના લાડુ અર્પણ કરવા તથા અર્ઘ્યમાં દાડમનું ફળ અર્પણ કરવું અને ઘીથી ભરેલા કાંસાના પાત્રનું દાન કરવું.૭૨-૭૩
(૪) તિલદા એકાદશી :- પોષ મહિનાના વદપક્ષની એકાદશી ''તિલદા'' નામથી કહેલી છે, આ એકાદશીમાં ''શ્રીપ્રિયા'' નામની શક્તિની સાથે વાસુદેવ નામના ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે, તેમનું ગુલાબના પુષ્પથી પૂજન કરવું ને નૈવેદ્યમાં ઘેબર અર્પણ કરવા, તથા અર્ઘ્યમાં દ્રાક્ષનાંફળ અર્પણ કરવાં અને વસ્ત્રનું દાન કરવું તે ઉત્તમ કહેલું છે.૭૪-૭૫
(પ) જયા એકાદશી :- મહા સુદ પક્ષની એકાદશી ''જયા'' નામથી કહેલી છે, આ એકાદશીમાં ''નિત્યા'' નામની શક્તિની સાથે સમર્થ એવા માધવ ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેની બોરસલીના પુષ્પથી પૂજા કરવી અને અર્ઘ્યમાં બિજોરાનું ફળ અર્પણ કરવું તથા નૈવેદ્યમાં ''માંડા'' અર્પણ કરવા અને એક દ્રોણ એટલેકે બત્રીસ શેર પરિમિત તલથી ભરેલ ત્રાંબાના પાત્રનું દાન કરવું.૭૬-૭૭
(૬) વિજયા એકાદશી :- મહાવદપક્ષની એકાદશી ''વિજયા'' નામે કહેલી છે આ એકાદશીમાં ''ધી-બુદ્ધિ'' નામની શક્તિની સાથે પ્રદ્યુમ્ન ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેની તુલસીપત્રોથી પૂજા કરવી અને અર્ઘ્યમાં લીંબુનાં ફળ અર્પણ કરવાં તથા નૈવેદ્યમાં સુહાળી અર્પણ કરવી અને પાદુકાનું દાન કરવું.૭૮-૭૯
(૭) ધાત્રી એકાદશી :- ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશી ''ધાત્રી'' નામથી કહેલી છે. તે એકાદશીમાં ચંદ્રવતી નામની શક્તિની સાથે ગોવિંદ નામના ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની ગુલદાવદીના પુષ્પોથી પૂજા કરવી અને નૈવેદ્યમાં કંસાર જમાડવો તથા અર્ઘ્યમાં અખરોટ અર્પણ કરવા અને તલનું પાત્ર ભરી દાન કરવું.૮૦-૮૧
(૮) પાપમોચિની એકાદશી :- ફાગણ મહિનાના વદપક્ષની એકાદશી ''પાપમોચની'' કહેલી છે. આ એકાદશીમાં સુશીલા નામની શક્તિની સાથે અનિરૂદ્ધ નામના ભગવાન અધિપતિ અને પૂજ્ય પણે કહેલા છે, તેમની નાનામોગરાના પુષ્પોથી પૂજા કરવી, નૈવેદ્યમાં સેવ ધરવી, અર્ઘ્યમાં બોરડીનું ફળ અર્પણ કરવું અને તિલધેનુનું દાન કરવું.૮૨-૮૩
(૯) વિમલા એકાદશી :- ચૈત્ર મહિનાના સુદપક્ષની એકાદશી ''વિમલા'' નામથી કહેલી છે, તે સર્વ ઇચ્છાઓને પૂર્ણ કરનારી છે તેથી ''કામદા'' એવા નામથી પણ પ્રસિદ્ધ છે તેમાં રમા નામની શક્તિની સાથે વિષ્ણુ ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની ધન સંપત્તિને અનુસારે વ્રત કરનારે સોળ-સોપચારોથી પૂજા કરવી, અર્ઘ્યમાં ચિભડાંનું ફળ અર્પણ કરવું, આંબાના મોરપુષ્પોથી પૂજા કરવી. નૈવેદ્યમાં દળનાલાડુ ધરવા અને પકવાન્નનું દાન કરવું.૮૪-૮૬
(૧૦) વરૂથિની એકાદશી :- ચૈત્ર વદપક્ષની એકાદશી ''વરૂથિની'' નામથી કહેલી છે. તેમાં ''નંદાદેવી'' નામની શક્તિની સાથે પુરુષોત્તમ ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની પૂજા ચંપાના પુષ્પોથી કરવી, અર્ઘ્યમાં જાયફળ અર્પણ કરવું, નૈવેદ્યમાં વડાં ધરાવવાં અને ભૂમિનું દાન કરવું.૮૭-૮૮
(૧૧) મોહીની એકાદશી :- વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી ''મોહીની'' નામની કહેલી છે. તેમાં માધવીદેવી નામની શક્તિએ સહિત મધુસુદન નામના ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેની મોટા મોગરાના પુષ્પોથી પૂજા કરવી, નૈવેદ્યમાં દૂધપાક ધરાવવો, અર્ઘ્યમાં ફણસનું ફળ અર્પણ કરવું તેમજ શય્યાનું દાન કરવું.૮૯-૯૦
(૧ર) અપરા એકાદશી :- વૈશાખ વદપક્ષની એકાદશી ''અપરા'' નામની કહેલી છે. તેમાં ત્રયીદેવી નામની શક્તિની સાથે અધોક્ષજ નામના ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની કેતકીના પુષ્પોથી પૂજા કરવી, અર્ઘ્યમાં બોફલી નામનું ફળ અર્પણ કરવું, નૈવેદ્યમાં દૂધભાત ધરાવવા અને આજે વાછડાએ સહિત ગાયનું દાન કરવું.૯૧-૯૨
(૧૩) નિર્જળા એકાદશી :- જેઠ માસના સુદ પક્ષની એકાદશી ''નિર્જળા'' નામની કહેલી છે. પદ્માક્ષી નામની શક્તિની સાથે ત્રિવિક્રમ નામના સમર્થ પ્રભુ અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમનું જૂઇના પુષ્પોથી પૂજન કરવું. અર્ઘ્યમાં આંબાનું ફળ અર્પણ કરવું. નૈવેદ્યમાં દહીંભાત ધરાવવા અને છત્રીનું દાન કરવું.૯૩-૯૪
(૧૪) યોગિની એકાદશી :- જેઠ માસના વદપક્ષની એકાદશી ''યોગિની'' નામથી કહેલી છે. તેમાં ક્ષેમંકરી નામની શક્તિની સાથે નૃસિંહનામના ઇશ્વર અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની ભાંગરાના પુષ્પોથી પૂજા કરવી. અર્ઘ્યમાં જાંબુનું ફળ અર્પણ કરવું, નૈવેદ્યમાં પેંડા ધરાવવા અને જલધેનુનું દાન કરવું.૯૫-૯૬
(૧પ) શયની એકાદશી :- અષાઢ મહિનાના સુદપક્ષની એકાદશી ''શયની'' નામે કહેલી છે. તેમાં કમલા નામની શક્તિની સાથે વામન નામના ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમનું અઘેડાના પુષ્પોથી ભક્તિભાવથી પૂજન કરવું, નૈવેદ્યમાં પૂરી ધરાવવી. અર્ઘ્યમાં નાળિયેરનું ફળ અર્પણ કરવું અને સુવર્ણનું દાન કરવું.૯૭-૯૮
(૧૬) કામીકા એકાદશી :- અષાઢ વદપક્ષની એકાદશી ''કામીકા'' નામથી કહેલી છે. તેમાં ''વિજયા'' નામની શક્તિની સાથે અચ્યુત ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની પારિજાતના પુષ્પોથી પૂજા કરવી, અર્ઘ્યમાં બીલીફળ અર્પણ કરવાં, નૈવેદ્યમાં સો છિદ્રવાળાં ખાજાં ધરાવવાં, અને સ્ત્રી-પુરુષોને ધારણ કરવા યોગ્ય વસ્ત્રોનું દાન કરવું.૯૯-૧૦૦
(૧૭) પુત્રદા એકાદશી :- શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશી ''પુત્રદા'' નામથી કહેલી છે. તેમાં કાંતિમતિ નામની શક્તિની સાથે શ્રીધર નામના ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની સો પત્રવાળાં કમળપુષ્પોથી પૂજા કરવી, નૈવેદ્યમાં માલપૂવા ધરાવવા, અર્ઘ્યમાં સીતાફળ અર્પણ કરવું અને પાદુકાનું દાન કરવું.૧૦૧-૧૦૨
(૧૮) અજા એકાદશી :- શ્રાવણ વદ પક્ષની એકાદશી ''અજા'' નામની કહેલી છે. તેમાં સુંદરી નામની શક્તિની સાથે જનાર્દન ભગવાન અધિપતિ અને પૂજ્ય કહેલા છે. તેમની સુંદરશ્રેણીના પુષ્પોથી પૂજા કરવી, નૈવેદ્યમાં ગોળના લાડુ ધરાવવા અર્ઘ્યમાં સોપારી અર્પણ કરવી અને ભેંસનું દાન કરવું.૧૦૩-૧૦૪
(૧૯) પદ્મા એકાદશી :- ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી ''પદ્મા'' નામની કહેલી છે. તેમાં અપરાજિત નામની શક્તિની સાથે હૃષિકેશ ભગવાન અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની કેવડાના પુષ્પોથી પૂજા કરવી, નૈવેદ્યમાં તલસાંકળી ધરવી, અર્ઘ્યમાં કેળું અર્પણ કરવું અને બ્રહ્મપુરીનું દાન કરવું.૧૦૫-૧૦૬
(ર૦) ઈન્દિરા એકાદશી :- ભાદરવા વદપક્ષની એકાદશી ''ઇન્દિરા'' કહેલી છે તેમાં સુભગા નામની શક્તિની સાથે ઉપેન્દ્ર નામના ભગવાન અધિપતિ પૂજ્ય કહેલા છે. તેમની ધરો-છબરથી પૂજા કરવી, અર્ઘ્યમાં શિવાફલ અર્પણ કરવું, નૈવેદ્યમાં જલેબી ધરાવવી અને વ્રતના સંપૂર્ણ ફળને માટે કન્યાનું દાન કરાવવું.૧૦૭-૧૦૮
(ર૧) પાશાંકુશા એકાદશી :- આસો મહિનાના સુદ પક્ષની એકાદશી ''પાશાંકુશા'' નામની કહેલી છે. તેમાં પદ્માવતી નામની શક્તિની સાથે પદ્મનાભ નામના ભગવાન અધિપતિ અને પૂજ્ય કહેલા છે. તેમનું ભકિતભાવથી સમીપત્રોથી પૂજન કરવું. અર્ઘ્યમાં મીંઢળનું ફળ અર્પણ કરવું, નૈવેદ્યમાં હરિસો ધરાવવો અને ઘી સાકર યુક્ત ચોખાના લોટમાંથી તૈયાર કરેલા સફેદ લાડુનું દાન કરવું.૧૦૯-૧૧૦
(રર) રમા એકાદશી :- આસો મહિનાના વદ પક્ષની એકાદશી ''રમા'' નામથી કહેલી છે. તેમાં હિરણ્ય નામની શક્તિની સાથે શ્રીહરિ અધીશ્વર અને પૂજ્યપણે કહેલા છે. તેમની સાતપડા મોગરાના પુષ્પોથી પૂજા કરવી, અર્ઘ્યમાં કેળાનાં ફળ અર્પણ કરવાં. નૈવેદ્યમાં ઘી-સાકર યુક્ત કેળાંનો રસ ધરાવવો અને ઘીથી પૂર્ણ ભરેલા ઘડાનું દાન કરવું.૧૧૧-૧૧૨
(ર૩) પ્રબોધની એકાદશી :- કાર્તિક મહિનાના સુદપક્ષની ''પ્રબોધની'' નામથી કહેલી છે, તેમાં રાધા નામની શક્તિની સાથે દામોદર નામના ભગવાન અધિપતિ પૂજ્ય કહેલા છે. તેમની પૂજા કમળના પુષ્પોથી કરવી, નૈવેદ્યમાં મગદળ ધરાવવા, અર્ઘ્યમાં કમળફળ અર્પણ કરવું અને ખાટલાનું દાન કરવું.૧૧૩-૧૧૪
(ર૪) અભયા એકાદશી :- કાર્તિક મહિનાના વદ પક્ષની એકાદશી ''અભયા'' નામથી કહેલી છે. તેમાં સુલક્ષણા નામની શક્તિની સાથે ભગવાન શ્રીકૃષ્ણ અધિપતિ અને પૂજ્યપણે કહેલા છે. તેમની તલના પુષ્પોથી પૂજા કરવી. નૈવેદ્યમાં બિરંજ ધરાવવો, અર્ઘ્યમાં નાળિયેરનું ફળ અર્પણ કરવું અને ખેતીલાયક બળદનું દાન કરવું.૧૧૫-૧૧૬
(રપ-ર૬) કમળા એકાદશી :- અધિકમાસની બન્ને એકાદશીને ''કમળા'' નામથી કહેલી છે. તેમના અધિપતિદેવ પુરુષોત્તમ સ્વયં ભગવાન છે. તેમની પૂજા વગેરેનો વિધિ જે જે માસ અધિક હોય તેજ આ પુરુષોત્તમ માસનો વિધિ જાણવો.૧૧૭
ભગવાન શ્રીહરિ કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે મેં શક્તિઓએ સહિત એકાદશીના અધિષ્ઠાતા દેવોની વાત કરી, તેમજ પૂજન કરનારની ઇચ્છાઓને પૂર્ણ કરે તેવો પૂજાનો વિધિ પણ સાથે કહ્યો, અને એકાદશીનાં જુદાં જુદાં નામ પણ કહ્યાં.૧૧૮
સર્વે એકાદશીઓમાં કહેલા પુષ્પાદિ પદાર્થો ન મળે તો પણ જે મળે તેવા ઉપચારોથી ભક્તિભાવની સાથે પૂજા કરવી.૧૧૯
અને ફળમાં સોપારીનું ફળ અર્પણ કરવું. અને પુષ્પમાં તુલસીપત્ર અર્પણ કરવું, નૈવેદ્યમાં સાકર ધરવી અને દાનમાં પોતાની શક્તિ પ્રમાણે કાંઇક અન્ન આપવું.૧૨૦
હે ભક્તજનો ! વ્રત કરનાર પુરુષે સર્વ વસ્તુની અનુકૂળતા હોય છતાં ધનના લોભથી, આળસથી કે અનાદરથી ગૌણપક્ષનો ક્યારેય પણ સ્વીકાર કરવો નહિ.૧૨૧
પોતાની સંપત્તિને અનુસારે તૈયાર કરાવેલ લક્ષ્મીએ સહિત ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણની પ્રતિમાનું સર્વતોભદ્રમંડળમાં સ્થાપન કરી, ભક્તિભાવની સાથે પૂજન કરવું, વ્રત કરનારો પુરુષ જો શક્તિમાન હોય તો તેમણે પૂર્વોક્ત સર્વે શક્તિઓએ સહિત કેશવાદિ ચોવીસ સ્વરૂપો અને નંદ, સુનંદાદિ પાર્ષદોની સાથે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરવું.૧૨૨-૧૨૩
જો વ્રત કરનારો પુરુષ અશક્ત હોય તો તેમણે ચોખાના અષ્ટદળ કમળમાં ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના કરીને શક્તિ પ્રમાણે પ્રાપ્ત થયેલા ઉપચારોથી શ્રદ્ધાથી પૂજા કરવી.૧૨૪
તેમાં પણ જે જે એકાદશીના જે જે અધિષ્ઠાતા દેવ હોય અને જે જે દેવી હોય તેનું ભગવાન શ્રીકૃષ્ણ અને લક્ષ્મીજીમાંજ તે તે નામથી પૂજન કરી લેવું.૧૨૫
આ રીતે એક ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવાથી સર્વે એકાદશીઓના અધિપતિ કેશવાદિ મૂર્તિઓનું પૂજન થઇ જાય છે અને એક લક્ષ્મીજીનું પૂજન કરવાથી સર્વે એકાદશીની શક્તિઓનું પણ પૂજન થઇ જાય છે.૧૨૬
હે ભક્તજનો ! જો વ્રત કરનારો પુરુષ શક્તિમાન હોય તેમણે છિદ્રરહિતના જળે ભરેલા સુવર્ણ કુંભમાં પંચરત્નો પધરાવી સ્થાપન કરવું. વસ્ત્રથી વીંટાળેલા તે કુંભ ઉપર ઉત્તમપાત્રનું સ્થાપન કરવું.૧૨૭
તે પાત્રને ફરતું બાર પાંખડીવાળું ચોખાનું કમળ કરવું. તેના મધ્યે લક્ષ્મીજીએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિએ સહિત સ્થાપન કરી પૂજન કરવું.૧૨૮
તેમાં વ્રત કરનાર શક્તિમાન પુરુષે ષોડશોપચારથી મહાપૂજા કરવી, અને અશક્ત હોય તો પોતાની શક્તિ પ્રમાણે સામાન્ય પૂજા કરવી.૧૨૯
તેમાં પણ ત્રણ વર્ણના બ્રાહ્મણાદિક દ્વિજાતિ પુરુષોએ દેશકાળાદિકનું ઉચ્ચારણ કરી સંકલ્પ કરીને વૈદિક મંત્રોની સાથે આ કહું એવા મંત્રોનું ઉચ્ચારણ કરતાં પૂજન કરવું.૧૩૦
પૂજા પહેલાં ધ્યાન :- હે ભક્તજનો ! પૂજન કરતાં પહેલાં ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું, તે ભગવાન તેજના મંડળની મધ્યે વિરાજે છે, કરોડો કામદેવને લજ્જા પમાડે તેવા અતિશય સુંદર છે. નવીન મેઘની સમાન શ્યામ સુંદર છે, પીતાંબરને ધારણ કરનારા ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવામાં સમર્થ છે. જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં શંખને ધારણ કરેલા છે. ડાબા પડખે ઊભેલાં અને હાથમાં દિવ્ય કમળને ધારી રહેલાં લક્ષ્મીજી જેની સેવા કરી રહેલાં છે. અનેક પ્રકારના દિવ્ય અલંકારોથી સુશોભિત છે, કંઠમાં વનમાળા ધારણ કરી છે. ગરુડાદિ પાર્ષદો અતિશય નમ્ર થઇ સેવા કરી રહ્યા છે. મુનિગણો દેવતાઓ, ગંધર્વો અને કિન્નરો પણ તેમની સ્તુતિ કરી રહ્યા છે. આવા ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરી પછી તેમનું પૂજન કરવું.૧૩૧-૧૩૪
આહ્વાન :- આહ્વાન કરવા યોગ્ય પોતાના ભક્તજનોને અભયદાન આપનારા, ભક્તવત્સલ, પોતાના ભક્તજનોને ઇચ્છિત વરદાન આપનારા, શાંત આકૃતિવાળા, દેવોના દેવ એવા શ્રીકૃષ્ણ ભગવાનનું હું મનથી આહ્વાન કરું છું.૧૩૫
આસન :- હે દેવતાઓના અધિપતિ ! તમે દિવ્ય સુવર્ણ તથા દિવ્ય મણિઓથી જડેલા અને દેવતાઓએ નિર્માણ કરેલા આ રમણીય દિવ્ય સિંહાસન પર વિરાજમાન થાઓ.૧૩૬
પાદ્ય :- હે સર્વે દેવતાઓમાં શ્રેષ્ઠ ! સુવર્ણના કળશમાં ભરેલું ચંદન, પુષ્પ, ચોખાથી યુક્ત ગંગાનું જળ ચરણ ધોવા અર્પણ કરું છું. તમે લક્ષ્મીજીએ સહિત તેનો સ્વીકાર કરો.૧૩૭
અર્ઘ્ય :- હે ભક્તજનોને અભયદાન આપનારા દેવ ! સુવર્ણના કળશમાં ચંદન, પુષ્પાદિથી સંયુક્ત રહેલું અર્ઘ્યજળ આપના હસ્તકમળ ધોવા માટે અર્પણ કરું છું. આપ સ્વીકાર કરો.૧૩૮
આચમન :- હે દેવનાદેવ ! હે પુરાણપુરુષ ! હે પુરુષોત્તમ ! તમને મારા નમસ્કાર છે. મેં અર્પણ કરેલા આ આચમન માટેના જળનો સ્વીકાર કરો.૧૩૯
પંચામૃતસ્નાન :- હે પ્રભુ ! દૂધ, દહીં, ઘી, સાકર અને મધયુક્ત પંચામૃતથી હું આપને સ્નાન કરાવું છું તેનો આપ મને રાજી કરવા સ્વીકાર કરો.૧૪૦
પયઃસ્નાન :- હે શ્રીહરિ ! કામધેનું થકી પ્રાપ્ત થયેલું સર્વના જીવનરૂપ પવિત્રતાનું કારણ તેમજ યજ્ઞાના હેતુભૂત એવા દૂધથી તમને સ્નાન કરાવું છું. તેનો સ્વીકાર કરો.૧૪૧
દધિસ્નાન :- હે દેવ ! ખાટી છાસના યોગથી દૂધમાંથી તૈયાર થયેલાં દહીંને આપના સ્નાન માટે લાવ્યો છું. તેનો સાદર સ્વીકાર કરો.૧૪૨
ઘૃતસ્નાન :- હે દેવ ! માખણમાંથી તૈયાર થયેલાં સર્વે જનોને સંતોષ આપનારાં, યજ્ઞાના અંગભૂત અને દેવતાઓના આહારરૂપ ઘી આપના સ્નાન માટે લાવ્યો છું, તેનો સ્વીકાર કરો.૧૪૩
મધુસ્નાન :- હે દેવ ! સર્વવૃક્ષોના સારરૂપ રસમાંથી તૈયાર થયેલાં અને સર્વને પુષ્ટિ કરનારા મધને આપના સ્નાન માટે લાવ્યો છું. તેનો સ્વીકાર કરો. મધથી સ્નાન કરો.૧૪૪
શર્કરાસ્નાન :- હે પ્રભુ ! શેરડીના રસમાંથી તૈયાર થયેલી, ઘી આદિકના ચીકાશને દૂર કરનાર સાકરને આપને સ્નાન માટે અર્પણ કરૂં છું. તેનો આપ સ્વીકાર કરી સ્નાન કરો.૧૪૫
શુદ્ધોદકસ્નાન :- હે પ્રભુ ! હું સ્નાન માટે શુદ્ધ જળ લાવ્યો છું. ગંગા આદિક નદીઓનું પુષ્કર આદિ તીર્થોનું આ નિર્મળજળ મંત્ર સાથે આપને અર્પણ કરૂં છું તે શુદ્ધ જળથી આપ સ્નાન કરો.૧૪૬
વસ્ત્રાર્પણ :- હે શ્રીહરિ ! કપાસના તંતુઓની મધ્યે રેશમના તંતુઓથી તૈયાર કરેલો અને સુવર્ણના સૂક્ષ્મ તારથી સુશોભિત કરાયેલાં આ બન્ને વસ્ત્રો આપને અર્પણ કરૂં છું આપ તેને ધારણ કરો.૧૪૭
યજ્ઞોપવીતાર્પણ :- હે નારાયણ ! હે પુરુષોત્તમ ! તમને મારા નમસ્કાર છે. તમે મારું આ સંસારસાગર થકી રક્ષણ કરો. ઉત્તરીયવસ્ત્રની સાથે આ બ્રહ્મસૂત્ર એવી યજ્ઞોપવીતનો આપ સ્વીકાર કરો.૧૪૮
આભૂષણાર્પણ :- હે વિભુ ! બાજુબંધ, મુકુટ, નૂપુર, વેઢ, વીંટી આદિ શ્રેષ્ઠ રત્નો જડિત આભૂષણો ધારણ કરાવી આપની પૂજા કરૂં છું આપ રાજી થશો.૧૪૯
ચંદનાર્પણ :- મલયાચલ પર્વતમાં ઉત્પન્ન થયેલાં, ઘસીને તૈયાર કરેલાં, કસ્તૂરી, અગરુ અને કપૂરથી મિશ્રિત કરેલા આ ચંદનના લેપને આપના અંગ ઉપર ચર્ચુ છું. તેનો હે પ્રભુ ! આપ સ્વીકાર કરો.૧૫૦
પુષ્પાર્પણ :- હે દેવતાઓના સ્વામી ! સો પત્રવાળા કમળના પુષ્પથી તથા કરેણ, ગરમાળો, ચંપો, મલ્લિકા, ડોલર આદિ બીજા અનેક પુષ્પોથી હું આપની પૂજા કરું છું. તેનો આપ સ્વીકાર કરો.૧૫૧
ધૂપનિવેદન :- હે દેવોના દેવ ! અતિશય સુગંધીમાન તેમજ મનોહર દશાંગધૂપ હું તમને અર્પણ કરૂં છું. આપ સ્વીકાર કરી તેની સુગંધી લ્યો.૧૫૨
દીપનિવેદન :- હે સુરશ્રેષ્ઠ ! હે દેવતાઓથી પૂજાયેલા ! હે શ્રીકૃષ્ણ ! ગાયના ઘીથી પલાળેલી દિવેટોમાં અગ્નિ પ્રગટાવી આપની આરતી કરૂં છું તેનો આપ સ્વીકાર કરો.૧૫૩
નૈવેદ્યાર્પણ :- હે દેવતાને પ્રિય ! હે પ્રભુ ! દહીં, દૂધ, ઘી, સાકરથી યુક્ત ભોજ્ય અન્ન તથા સાકર યુક્ત લેહ્ય અન્ન સ્વરૂપે આ દૂધપાક, જલેબી આદિ ભક્ષ્ય અન્ન તથા ચોષ્ય આદિ ચાર પ્રકારનું અન્ન હું નિવેદન કરૂં છું. તેનો આપ સ્વીકાર કરી મને ધન્ય કરો.૧૫૪
તાંબુલાર્પણ :- હે પ્રભુ ! સોપારી. કર્પૂર, કાથો અને ચુનાથી યુક્ત નાગરવેલનું પાનબીડું તમને અર્પણ કરૂં છું. તેનો આપ સ્વીકાર કરો.૧૫૫
ફલાર્પણ :- હે ભગવાન ! આ સુંદર બીજોરી, આંબાનાં ફળ, ફણસ, ખજૂર, કેળાં, આદિ ફળ તથા નાળિયેરનું ફળ તમને અર્પણ કરૂં છું. તેનો આપ સ્વીકાર કરીને આરોગો.૧૫૬
દક્ષિણાર્પણ :- હે દેવ ! પૂજામાં કાંઇ કહેલા વિધિમાં ઓછાં અધિકનો દોષ થયો હોય તેના નિવારણને માટે તેમજ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય તે માટે આ સુવર્ણની દક્ષિણા આપના ચરણમાં અર્પણ કરૂં છું, આપ સ્વીકાર કરો.૧૫૭
નાનીઆરતી :- હે ઇશ ! હે તેજોરાશી ! હે લોકોને આનંદ પમાડનારા ! હે પ્રભુ ! આ પાંચ વાટોવાળી આરતી હું તમને અર્પણ કરૂં છુ, તેનો આપ સ્વીકાર કરો.૧૫૮
મહાઆરતી :- હે દેવોના દેવ ! તમારો જય થાઓ, જય થાઓ. હે લક્ષ્મીવર ! હે રાધાવર ! તમે સર્વનું મંગળ કરનારા છો, અને શરણાગતનું રક્ષણ કરનારા છો એવા તમારો સર્વત્ર જય થાઓ. સર્વના અંતર્યામી વિષ્ણુ તમે પૃથ્વીનો ભાર ઉતારવા પૃથ્વીપર પ્રગટ થયા અને અર્જુનને સાથે રાખી અનેક અસુરોનો વિનાશ કર્યો છે. રૂક્મિણી દેવીના વરવાના સમયે બ્રહ્મા અને ઇન્દ્રાદિ સર્વે દેવતાઓએ તથા સર્વે મોટા મોટા રાજાઓએ સર્વેના અધિપતિ તરીકે તમારો અભિષેક કર્યો છે. એવા હે દેવોના દેવ ! તમારો સર્વત્ર જય થાઓ, જય થાઓ.૧૫૯
હે કૃષ્ણ ! યુધિષ્ઠિરાદિ પૃથાના પુત્રોના પ્રેમને વશ થઇ તેમની પ્રાર્થનાથી ઘણો સમય હસ્તિનાપુર નિવાસ કરીને રહ્યા કારણ કે તમે પાંડવોના જીવનપ્રાણ છો. તમે હાથમાં હથિયાર ધારણ કર્યા વિના પણ અર્જુનના સારથી થઇ તેમને શત્રુભૂત રાજાઓનો સમુદાય કે ઇન્દ્રાદિ દેવતાઓનો સમુદાય જીતી ન શકે, તેવાનો દુર્જય કર્યો હતો. એવા હે દેવોના દેવ ! તમારો સર્વત્ર જય થાઓ જય થાઓ.૧૬૦
હે કૃષ્ણ ! પાંડવપત્ની દ્રૌપદીજીના અનેક મનોરથ પૂર્ણ કરનારા, તમારી ઉપર દ્રૌપદીજીએ પ્રેમભક્તિરૂપી કામણવિદ્યાથી કેવું કામણ કર્યું હતું તે હું જાણું છું. કારણ કે નિઃસ્પૃહ આત્માના સ્વામી તમે દ્રૌપદીજીના સ્મરણ કરવા માત્રથી વિવશ થઇને રુક્મિણી આદિ સર્વેનો ત્યાગ કરી, દ્રૌપદીનું સંકટ નિવારણ કરવા દુર્ગમ જંગલમાં તેમની પાસે એકાએક પધાર્યા. એવા હે દેવોના દેવ ! તમારો સર્વત્ર જય થાઓ, જય થાઓ.૧૬૧
હે કૃષ્ણ ! તમે વાત્સાયનમુનિએ ગાન કરેલા પ્રથમ રસ એવા શૃંગારરસને ગોપીઓ તથા સત્યભામા આદિ સર્વે પત્નીઓની સાથે સફળ કર્યો. તેમજ દેવાંગનાઓ સાથે તથા પોતાની પત્નીઓના સમૂહોની સાથે જળમાં જળક્રીડા કરી અને યાદવો, દેવતાઓ તથા મુનિઓ સાથે પણ જળક્રીડા કરી છે. એવા હે દેવોના દેવ ! તમારો સર્વત્ર જય થાઓ, જય થાઓ.૧૬૨
હે કૃષ્ણ ! તમે ચળકતા રત્ન જડિત મુકુટને ધારણ કર્યો છે, નવીન મેઘની સમાન શ્યામસુંદર વર્ણવાળા છો, કાનમાં મકરાકાર કુંડળ ધારણ કરનારા, મંદમંદ મુખહાસ્યથી મનોહર જણાતા, નવીન સુવર્ણની કાંતિ સમાન પીતાંબરને ધારણ કરનારા, ત્રણ રેખાથી અંકિત મનોહર કંઠથી શોભતા, કંઠમાં હારના પુંજને ધારણ કરતા. દૃષ્ટિમાત્રથી રંક તથા દીન જીવોને આનંદિત કરતા તમને હું વંદન કરું છું. એવા હે દેવોના દેવ ! તમારો સર્વત્ર જય થાઓ, જય થાઓ.૧૬૩
પુષ્પાંજલી :- હે જગત્પતિ ! હે જગતને આનંદ આપનારા ! હું મારી અંજલીમાં રહેલાં પુષ્પો તમને અર્પણ કરૂં છું. તમે મારી સન્મુખ વિરાજી તેનો સ્વીકાર કરો.૧૬૪
નમસ્કાર :- હે દેવોના દેવ ! તમને નમસ્કાર, હે ગરૂડધ્વજ ! તમને નમસ્કાર, હે વ્રતના ફળને આપનારા વિષ્ણુ ! તમને મારા નમસ્કાર છે.૧૬૫
સાષ્ટાંગ પ્રણામ :- બે ચરણ બે હાથ, બે જાનું, વક્ષઃસ્થળ, મસ્તક, ભગવાનના ચરણમાં જોડેલી દૃષ્ટિ, નમસ્કાર શબ્દ બોલવા પૂર્વકની સ્તુતિવાણી, ભગવાનના માહાત્મ્યના વિચારમાં ડૂબેલું મન, આ આઠ અંગે સહિત જે પ્રણામ કરવા તે ''અષ્ટાંગ પ્રણામ'' કહેલા છે.૧૬૬
પંચાંગ પ્રણામ :- બે હાથ, બે જાનુ, મસ્તક, વાણી અને દૃષ્ટિથી જે પ્રણામ કરવા તેને ''પંચાંગ પ્રણામ'' કહેલા છે.૧૬૭
તેમાં અષ્ટાંગ પ્રણામ માત્ર પુરુષોને જ હિતકારી કહેલા છે. બહેનોએ સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ. અને પંચાંગ પ્રણામ સ્ત્રી અને પુરુષ બન્નેને કરવા યોગ્ય કહેલા છે.૧૬૮
હે ભક્તજનો ! ભગવાનથી થોડેક દૂર જમણી બાજુએ ઊભા રહીને દંડની માફક ચરણમાં પડવું ને જમણા હાથથી ભગવાનના જમણા ચરણનો સ્પર્શ કરવો અને ડાબા હાથથી ડાબા ચરણનો સ્પર્શ કરવો. આ પ્રમાણે મનોભાવ કેળવીને દંડવત્ કરવા. ભગવાનની એકદમ સામે, પાછળ અને ડાબે પડખે ઊભા રહીને દંડવત્ પ્રણામ ન કરવા. તેમજ મંદિરના ગર્ભગૃહમાં પણ દંડવત્ પ્રણામ કે જપ હોમ આદિ ન કરવા. ભગવાનને એક હાથે પ્રણામ કરે, કે માત્ર એક પ્રદક્ષિણા કરે અને અકાળે દર્શન કરે તો પૂર્વનાં પુણ્ય હરાઇ જાય છે.૧૬૯
પ્રાર્થના સ્તોત્ર :- શ્રીનારાયણ ભગવાન કહે છે, હે ભક્તજનો ! પ્રણામ કરી ભગવાનની પ્રાર્થના કરવી કે, હે ગોવિંદ !હે માધવ ! હે દયાના સાગર ! હે દીનબંધુ ! હે શ્રીમન્ ! હે પોતાનું દર્શન કરનારા ભક્તજનોના મન અને નેત્રોને આનંદ આપનારા ! હે દિવ્યમૂર્તિ ! હે નીલમણિના જેવી કાંતિથી મનોહર અંગવાળા ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૦
હે કંસાદિ દુષ્ટોનું દમન કરનારા! હે શરણાગતના એક બંધુ ! હે કામનો અંત આણનારા ! હે શિવાદિ દેવતાઓથી સ્તુતિ કરાયેલા ! હે શંખ ચક્રને ધરનારા ! હે દ્વારિકાપુરીના એક નાથ ! હે પૂર્ણકામ ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૧
હે આનંદની ઉત્પત્તિના મૂળકારણ ! હે યદુનંદન ! હે શરદઋતુના ચંદ્રમા સરખા મંદમંદ હાસ્યથી શોભતા ! હે પૃથ્વીના ભારરૂપ અસુર રાજાઓના સૈન્યબળનો નાશ કરનારા ! હે શેષાવતાર બલરામના ભાઇ ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૨
હે સત્યભામાને રાજી કરવા સ્વર્ગમાંથી પારિજાતના વૃક્ષને લાવનારા ! હે પ્રદ્યુમ્નના પિતા ! હે ઇન્દ્રે મોકલેલી સુધર્મા નામની સભાના સભ્ય ! હે અષ્ટપટરાણીઓએ સહિત સોળહજાર ને એકસો મહારાણીઓના કાંત-પતિ ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૩
હે પાંડવોને સદાય આત્મીય જાણી તેમનું હિત કરનારા ! હે અર્જુનના સારથી ! હે દ્રૌપદીના મનોરથ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન ! હે બ્રહ્મા, ઇન્દ્ર આદિ દેવતાઓથી સદાય વંદનીય ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૪
હે વર્ણાશ્રમધર્મના સેતુને નિર્માણ કરવામાં સદાય પ્રયત્નશીલ ! હે પ્રતિદિન દાન આપી સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણોના સમૂહને સંતોષ પમાડનારા ! હે હરિ ! હે મુરારિ ! હે નારદાદિ મુનિઓએ ગાયેલી પવિત્ર કીર્તિને ધારણ કરનારા ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૫
હે કરૂણાના સાગર ! હે ભવસાગરને પાર ઉતારનારા ! હે કલ્યાણકારી નામને ધારણ કરનારા ! હે બ્રાહ્મણોને દેવ સમાન પૂજનારા ! હે સમસ્ત ચક્રવર્તી રાજાઓના પણ ચૂડામણિ ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૬
હે સંસારમાંથી બહુ દુખી થઇ અંતે આપના શરણે આવેલા જીવોની રક્ષા કરવામાં નિરંતર તત્પર રહેતા ! હે ઉદ્ધવજીને પોતાના સ્વરૂપના જ્ઞાનનો બોધ આપનારા ! હે અનેક અવતારો ધારણ કરી સંતોનું પાલન પોષણ કરનારા ! હે શ્રીરૂક્મિણીને રંજન કરનારા ! હે વાસુદેવ ! મારું આ સંસૃતિ થકી રક્ષણ કરો.૧૭૭
હે રમાપતિ ! મને તમારા વિના બીજો કોઇ આશરો નથી, હું એક તમારે જ શરણે છું. તેથી કરુણા કરી મારું પ્રેમથી રક્ષણ કરો, રક્ષણ કરો.૧૭૮
વાયનપ્રદાન :- હે ભગવાન ! સુંદર કાંસાના પાત્રમાં રહેલું વાયન નામનું આ શ્રેષ્ઠ અન્ન સોનામહોરની સાથે હું બ્રાહ્મણશ્રેષ્ઠને આપું છું.૧૭૯
ભગવાન શ્રીહરિ કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા, પ્રાર્થના કરીને બાકીનો દિવસ ભગવાન શ્રીમન્નનારાયણની કથા, કીર્તન અને શ્રવણ ભક્તિ આદિકથી પસાર કરવો.૧૮૦
અને આપણા ઉધ્ધવસંપ્રદાયના આશ્રિત નરનારી જનોએ એકાદશીના દિવસે આપત્કાળ પડયા વિના વ્યવહારિક કોઇ પણ કાર્ય કરવું નહિ.૧૮૧
ખેડૂત વર્ગે ખેતી ન કરવી, વેપારીએ વેપાર ન કરવો, તેમજ કોઇ પણ વસ્તુને ખરીદવી કે વેચવી નહિ.૧૮૨
હે ભક્તજનો ! એકાદશીના દિવસે સ્ત્રીઓએ શોક ન કરવો, રડવું નહિ, સૂતર કાંતવું નહિ, ગ્રામ્યવાર્તા કરવી નહિ, અપવિત્રનો સ્પર્શ કરવો નહિ, નહિ બોલવા પાત્ર પાપીને બોલાવવા પણ નહિ.૧૮૩
મારા આશ્રિત સર્વે નરનારી ભક્તજનોએ એકાદશીનું વ્રત તો સર્વ પ્રકારે ભગવાનની નવધા ભક્તિ કરીને જ પસાર કરવું.૧૮૪
જે વ્યક્તિ પરતંત્ર હોય અથવા ધનથી દુર્બળ હોય અથવા શરીરથી દુર્બળ હોય તો એ ત્રણે જણ આવશ્યક વ્યવહારિક કામકાજ કરે. પરંતુ અધિક ન કરે.૧૮૫
હે ભક્તજનો ! એકાદશીના પવિત્ર દિવસે ભગવાનને રાજી કરવા માટે પોતાની શક્તિ પ્રમાણે સુપાત્ર બ્રાહ્મણોને દાન આપવું અને રાત્રીએ ભગવાનનાં કીર્તન, કથા આદિક વડે જાગરણ કરવું.૧૮૬
જાગરણ માટે ભગવાનના મંદિર પ્રત્યે કે સંતોના મંડળ પ્રત્યે જનારા પુરુષને પગલે પગલે અશ્વમેધયજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૧૮૭
જાગરણ કરતી વખતે સ્ત્રી સ્ત્રીઓની સાથે ભગવાનની કથા કીર્તનાદિકથી જાગરણ કરવું. અને પુરુષોએ પુરુષોના સમુદાયમાં બેસી કથા કીર્તનાદિ વડે જાગરણ કરવું. પરંતુ પરસ્પર ભેળા બેસીને જાગરણ ન કરવું, દ્યુત કે ગ્રામ્યવાર્તા વડે ન કરવું.૧૮૮
હે ભક્તજનો ! હવે એકાદશી વ્રત ન કરવાનું પ્રાયશ્ચિત કહું છું, જે પુરુષ કુસંગના યોગથી એકાદશીના દિવસે અન્ન ખાય છે. તે એક ચાંદ્રાયણવ્રત કરવાથી શુદ્ધ થાય છે.૧૮૯
એકાદશીવ્રત કરવામાં અસમર્થ વ્યક્તિએ મધ્યાહ્ન પછી એકવાર ભોજન લેવું. અથવા પોતાની છાયા બમણી થાય ત્યારે અથવા માગ્યા વિના કોઇ આપે તો એકવાર ભોજન લેવું. અથવા વ્રતના નિમિત્તે યથાશક્તિ પાત્ર બ્રાહ્મણને સુવર્ણનું દાન આપવું, આ ચારમાંથી કોઇને કોઇ એકનું અનુષ્ઠાન કરીને એકાદશી વ્રત કરવું. પણ વ્રત વ્યર્થ જાવા દેવું નહિ.૧૯૦
હે ભક્તજનો ! ઉપવાસના વિકલ્પોમાં શું કરવું ? તે કહું છું. પોતાનો પડછાયો બમણો થયા પછી ભોજન લેવું. હવિષ્યાન્નનું, ભાત રહિતના હવિષ્યાન્નનું, ખજૂર, નાળિયેર આદિ ફળોનું, કેવળ કાળા તલ છોડીને તલનું ભોજન લેવું. માત્ર દૂધનું પાન કે જળનું પાન કરવું. તેમજ અલ્પ માત્રમાં ઘીનું તથા પંચગવ્યનું પાન કરવું તથા વાયુનું ભક્ષણ કરવું. આ કહેલા દશ વિકલ્પોમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.૧૯૧
બારસતિથિનો વિધિ :- હે ભક્તજનો ! બારસના પ્રાતઃકાળે સ્નાન કરી પોતાની નિત્ય પૂજાની પ્રતિમાની પૂજા કે સર્વતોભદ્ર મંડલની રચના કરીને એકાદશીના જેવી નૈમિત્તિક પૂજા કરીને મૂર્તિની આગળ યથાપ્રાપ્ત શ્રેષ્ઠ ભોજનનું નૈવેદ્ય ધરવું.૧૯૨
બન્ને પ્રકારની પૂજા મુખ્યતંત્રથી જ કરી તેની સમાપ્તિ કરવી. અને ત્યારપછી વ્રત કરનાર પુરુષે પોતાનું વ્રત પ્રીતિપૂર્વક ભગવાન શ્રીહરિના ચરણમાં સમર્પિત કરી દેવું.૧૯૩
તે સમયે આ પ્રમાણે મંત્ર બોલવો કે, હે હરિ ! અજ્ઞાનરૂપી અંધકારથી અંધ એવા મારા આ વ્રતથી તમે મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારી સન્મુખ દૃષ્ટિ કરીને મને જ્ઞાનદૃષ્ટિ આપી દેખતો કરો.૧૯૪
આ પ્રમાણે વ્રતનું નિવેદન કરી દક્ષિણા આપવાની સાથે સાથે સર્વતોભદ્ર મંડલમાં સ્થાપન કરેલી શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ બ્રાહ્મણને આપી દેવી, તેમજ અન્ય દાનો આપવાં તથા અન્નનું દાન પણ યથાશક્તિ આપવું.૧૯૫
હે ભક્તજનો ! ત્યારપછી વ્રત કરનાર પુરુષે નિયમમાં રહીને વૈષ્ણવ બ્રાહ્મણો તથા સાધુઓને પોતાની શક્તિને અનુસારે જમાડવા અને પછી હવિષ્યાન્નવડે પોતે પારણાં કરવાં.૧૯૬
બારસના દિવસે પણ વ્રતકરનાર વ્યક્તિએ દિવસે શયન ન કરવું, અને પારકું અન્ન ખાવું નહિં. બીજીવાર ભોજન કરવું નહિ, મૈથુન ન કરવું, તૈલવાળા પદાર્થો ન ખાવા અને કાંસાના પાત્રમાં ભોજન ન કરવું.૧૯૭
હે ભક્તજનો ! પારણાં કરવાના દિવસે સવારે સ્વલ્પ જેટલી પણ બારસ હોય તો વ્રત કરનારાએ સર્વે વિધિ પહેલાં પૂર્ણ કરીને બારસના સમયમાં જ પારણાં કરી લેવાં પરંતુ બારસનું ઉલ્લંઘન ન થઇ જાય તે જોવું.૧૯૮
મધ્યરાત્રી પછી એક પ્રહર ઉપરાંત અર્ધ કલા માત્રની જો બારસ હોય તો પંચાગમાં જોઇ તે જ સમયે પ્રાતઃસ્નાન આહ્નિકથી લઇ મધ્યાહ્ન સુધીની સર્વે ક્રિયા પૂર્ણ કરીને પારણાં કરી લેવાં, તેમાં દોષ નથી. એવું શંભુનું વચન છે.૧૯૯
પરંતુ જો પારણાંના દિવસે બારસ અતિશય અલ્પ હોય તો સૂર્યોદયથી પહેલાં પાંચ ઘડીની રાત્રી બાકી હોય ત્યારે સૂર્ય ઊગ્યાથી દોઢ કલાક વહેલા ઊઠી પ્રાતઃકાળના સ્નાનાદિકથી લઇ મધ્યાહ્ન સંધ્યા સુધીનો વિધિ પૂર્ણ કરીને પછી પારણાં કરવાં.૨૦૦
જો પારણાંના સમયે અતિથિ આદિના અનાદરરૂપ કોઇ સંકટ ઊભું થાય તો કેવળ જળથી પારણાં કરી લેવાં. પછી જ્યારે અવસર મળે ત્યારે ભોજન કરવું, તે સમયે પુનઃ ભોજન કર્યાનો દોષ લાગતો નથી.૨૦૧
હે ભક્તજનો ! પારણાંના દિવસે બારસ લાંબો સમય રહે એમ હોય તો તેનો પહેલો પંદર ઘડીનો ભાગ એકાદશી ગણાય તેથી તે પૂર્ણ થયા પછી જ વૈષ્ણવભક્તોએ પારણાં કરવાં.૨૦૨
અષાઢસુદ નિયમની એકાદશીના બીજે દિવસે જ્યાં સુધી અનુરાધા નક્ષત્ર હોય ત્યાં સુધી પારણાં ન કરવાં. તથા ભાદરવા સુદ પરિવર્તિની એકાદશીના દિવસે શ્રવણ નક્ષત્ર હોય ત્યાં સુધી પારણાં ન કરવાં, અને કાર્તિક સુદ પ્રબોધની એકાદશીના બીજા દિવસે રેવતી નક્ષત્ર હોય ત્યાં સુધી પારણાં ન કરવાં. અને જો કરે તો દ્વાદશી અને એકાદશી બન્ને વ્રતનું ફળ નાશ પામે છે.૨૦૩-૨૦૪
હે ભક્તજનો ! તેનું કારણ કહું છું કે, અષાઢ માસમાં અનુરાધા નક્ષત્રના આદિ પાદમાં ભગવાન શયન કરે છે. ભાદરવા માસમાં શ્રવણ નક્ષત્રના મધ્યભાગમાં ભગવાન અંગ-પરિવર્તન કરે છે. અને કાર્તિક માસના રેવતી નક્ષત્રના અંતિમપાદમાં ભગવાન જાગ્રત થાય છે. તેથી તે ત્રણ નક્ષત્રમાં પારણાં કરવાનો નિષેધ છે.૨૦૨-૨૦૪
હે ભક્તજનો ! આ પ્રમાણે મેં સ્મૃતિ વચનોનો આધાર લઇ એકાદશીવ્રતનો વિધિ યથાર્થ તમને કહ્યો. આ વિધિનું તમારે સર્વેએ અતિશય આદરપૂર્વક પાલન કરવું. હવે પછી શાસ્ત્રમાં કહેલા એકાદશી વ્રતનો ઉદ્યાપન વિધિ કહું છું.૨૦૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં શ્રીહરિએ એકાદશી વ્રતના વિધિનું નિરૂપણ કર્યું એ નામે તેત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૩--