ભગવાન શ્રીહરિએ કહેલો એકાદશી વ્રતનો ઉદ્યાપન વિધિ.
શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! ઉદ્યાપન કર્યા વિના કોઇ પણ વ્રત પૂર્ણ ફળને આપનારૂં થતું નથી. તેથી એકાદશીના વ્રતનું ઉદ્યાપન પ્રયત્નપૂર્વક કરવું.૧
ગુરુ અને શુક્રના અસ્ત સમયે તથા તેના બાલપણાના અને વૃદ્ધપણાના સમયે તથા અધિક માસમાં, ગુરુની સિંહ રાશિમાં સ્થિતિ હોય તે સમયે ઉદ્યાપન ન કરવું.૨
હે ભક્તજનો ! સામાન્ય રીતે ઉદ્યાપનમાં મોટી સામગ્રીથી ભગવાનની મહાપૂજા કરવી તથા બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કરવા તથા સુપાત્ર બ્રાહ્મણને સુવર્ણનું તથા સારા લક્ષણવાળી ગાયનું દાન કરવું. આમાંથી કોઇ પણ શક્તિ પ્રમાણે કરવું. આ ઉદ્યાપનનું સામાન્ય લક્ષણ છે.૩
હવે વિશેષ વિધિ કહું છું. વ્રત કરનારા પુરુષે દશમી તિથિએ એકજ વાર જમવું. નિયમમાં તત્પર રહેવું, રાત્રીએ બ્રહ્મચર્ય વ્રત રાખી શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં ભૂમિ ઉપર જ શયન કરવું.૪
પછી રાત્રીના છેલ્લા પ્રહરમાં ઉઠીને આળસ રહિત થઇ, તત્કાળ સ્નાનાદિ નિત્ય કર્મવિધિ પૂર્ણ કરી, પૂજાના ઉપચારો ભેળા કરીને, ઉદ્યાપન વિધિને જાણનારા ઉદ્ધવ સંપ્રદાયના બ્રાહ્મણને આમંત્રણ આપી, તેના દ્વારા સ્વસ્થચિત્તે શ્રીપુરુષોત્તમ ભગવાનનું ભક્તિથી પૂજન કરવું.૫-૬
પછી વ્રત કરનાર પુરુષે લીંપીને સ્વચ્છ કરેલા પોતાના ભવનમાં કે શુભ પુણ્યક્ષેત્રમાં કે મંદિરમાં વિશેષપણે પૂજાવિધિ કરવો.૭
કેળના સ્થંભથી સુશોભિત કરેલા રમણીય મંડપની મધ્યે સર્વતોભદ્રમંડલની રચના કરી તેના મધ્યે સુવર્ણ કળશનું સ્થાપન કરવું.૮
આંબાના પાંચ પલ્લવ પધરાવી વસ્ત્રથી વીંટાડેલા કળશની ઉપર બિછાવેલા વસ્ત્રથી શોભતા પાત્રનું સ્થાપન કરવું.૯
તે પાત્રની મધ્યે બાર પાંખડીવાળું નાના વર્ણોથી સુશોભિત કમળ કરવું. તેની મધ્યે નાના પાંદડાંવાળા કમળની રચના કરવી.૧૦
તે કમળની મધ્યે લક્ષ્મીજીએ સહિત સુવર્ણની વાસુદેવ ભગવાનની પ્રતિમાનું પૂજન કરી સ્થાપન કરવું.૧૧
ત્યારપછી બાર પાંખડીના કમળના પત્રોમાં પૂર્વાદિ દિશાના અનુક્રમથી શ્રીકૃષ્ણ ભગવાનના અંગ દેવતા જે કેશવાદિ ચોવીસ સ્વરૂપો તેમનું તેની પત્નીએ સહિત સ્થાપન કરવું.૧૨
હે ભક્તજનો ! પૂર્વ દિશાના પ્રથમ પત્રમાં શ્રીદેવીએ સહિત કેશવભગવાનનું સ્થાપન કરવું, પછી પ્રદક્ષિણાના ક્રમથી તેનાથી આગલા પત્રમાં પદ્માદેવીએ સહિત નારાયણનું સ્થાપન કરવું.૧૩
ત્યારપછી અનુક્રમે નિત્યાદેવીની સાથે માધવ ભગવાન, ચંદ્રાદેવીની સાથે ગોવિંદ ભગવાન, રમાદેવીની સાથે વિષ્ણુ ભગવાન, માધવીની સાથે મધુસૂદન, પદ્માક્ષીની સાથે ત્રિવિક્રમ ભગવાન, કમલાની સાથે વામન, કાંતિમતીની સાથે શ્રીધર ભગવાનનું સ્થાપન કરવું. અપરાજીતાની સાથે હૃષિકેશ ભગવાન, પદ્માવતીની સાથે પદ્મનાભ, રાધાની સાથે દામોદર ભગવાનની સ્થાપના કરવી. આ પ્રમાણે પૂર્વથી પ્રદક્ષિણાના ક્રમે કેશવાદિ શુદપક્ષના અધિપતિ બાર દેવતાઓનું પોતાની પત્નીઓની સાથે સ્થાપન કરવું.૧૪-૧૬
હે ભક્તજનો ! પૂર્વોક્ત ક્રમ પ્રમાણે અંદરની બાર પાંખડીના કમળમાં વદપક્ષના અધિપતિ દેવતાઓની પોતાની શક્તિઓ સાથે સ્થાપના કરવી. તે આ પ્રમાણે કે પૂર્વના પત્રમાં સુનંદાદેવીની સાથે સંકર્ષણ ભગવાનની સ્થાપના કરવી.૧૭
પછી પ્રદક્ષિણાના ક્રમે હરિણીદેવીની સાથે વાસુદેવ ભગવાન, ધીદેવીની સાથે પ્રદ્યુમ્ન ભગવાન, સુશિલાદેવીની સાથે અનિરૂદ્ધ ભગવાન, નંદાદેવીની સાથે પુરુષોત્તમ ભગવાન, ત્રયીદેવીની સાથે અધોક્ષજ ભગવાન, ક્ષેમકરીદેવીની સાથે નૃસિંહભગવાન, વિજયાદેવીની સાથે અચ્યુત ભગવાન, સુંદરીદેવીની સાથે જનાર્દન ભગવાન, સુભગાદેવીની સાથે ઉપેન્દ્ર ભગવાન, હિરણ્યાદેવીની સાથે શ્રીહરિ ભગવાન, અને સુલક્ષણાદેવીની સાથે શ્રીકૃષ્ણ ભગવાનની અંતિમ પત્રમાં સ્થાપના કરવી. પછી પોતાની શક્તિ અને વિધિ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા શરૂ કરવી.૧૮-૨૧
હે ભક્તજનો ! આ પ્રમાણે લઘુપૂજા કરી ભગવાનના અંગ ઉપર પુષ્પ તથા તૈલમર્દન કરીને પંચામૃતથી સ્નાન કરાવી મહાઅભિષેક કરવો.૨૨
શુદ્ધ સ્નાન કરાવી ભગવાનને વસ્ત્રો ધારણ કરાવવાં, કસ્તૂરીના બે ભાગ, ચંદનના ચાર ભાગ, કુંકુમના ત્રણ ભાગ, અને કર્પૂરનો એક ભાગ મેળવીને તૈયાર કરેલું ચંદન ભગવાનને ચર્ચવું, અથવા સર્વગંધ નામનું ચંદન સમર્પણ કરવું, પછી ભાવથી સુંદર પુષ્પોની માળા કંઠમાં પહેરાવવીને હજાર તુલસીપત્રોથી પૂજન કરવું. પછી અમૃતધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું.૨૩-૨૪
હે ભક્તજનો ! નૈવેદ્યમાં તળેલા લાડુ, લક્કડશાઇ, ચૂરમું, ઘેબર, કંસાર, સુહાળિ, સેવ, દળના લાડું, માંડા, વડાં, દૂધપાક, દૂધભાત, દહીંભાત, પેંડા, પૂરી, ખાજાં, માલપૂવા, ગોળના લાડુ, તલસાંકળી, જલેબી, હરિસો, ઘી સાકર મિશ્રિત કેળાંનો રસ, મગદળ અને બીરંજ અર્પણ કરવો. આ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરી ચળુ કરાવી, પાનબીડું તથા ફળ અર્પણ કરી મહાઆરતી કરવી, પછી પુષ્પાંજલી અર્પણ કરવી.૨૫-૨૮
હે ભક્તજનો ! દૃઢતા પૂર્વક વ્રતનું અનુષ્ઠાન કરનાર મનુષ્યે આ રીતે પૂજાની સમાપ્તિ કરી ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, અશ્વ, હાથી તથા શય્યા વગેરેનું પોતાની શક્તિ અનુસાર દાન કરવું.૨૯
પછી સર્વતોભદ્રમંડળમાં સ્થાપન કરેલા શ્રીકૃષ્ણ ભગવાનની આગળ અથવા ગૌશાળામાં ''ઇદં વિષ્ણુઃ'' આ મંત્ર બોલી સમિધ, ઘી, તલ, અને ભાતથી હોમ કરવો.૩૦
પછી કેશવાદિ ચોવીસ નામો બોલવા પૂર્વક પૂર્વોક્ત હોમ દ્રવ્યથી એક એક નામની સાથે આહૂતિ આપવી. પછી ચોવીસ અથવા દશ અથવા એક ગાયનું દાન કરવું અથવા તેના નિમિત્તે કાંઇક સુવર્ણનું દાન કરવું.૩૧
હે ભક્તજનો ! ગાયના દાનમાં શ્વેતવર્ણની ગાયો તથા કપિલા ગાયોનું વિધિપૂર્વક દાન કરવું. રાત્રીએ જાગરણ કરી પ્રભાતે શ્રીહરિની પૂજા કરવી.૩૨
પછી સુવર્ણની મૂર્તિનું પોતાના ગુરુ, આચાર્યને દાન કરવું તથા ગુરુને વસ્ત્રાલંકારોનું દાન કરવું ને બ્રાહ્મણોને ભોજન કરાવવું.૩૩
વ્રતનું ઉદ્યાપન કરનાર પુરુષે તલ, અન્ન, ફળ અને જળથી ભરેલા ચોવીસ ઘડાઓનું બ્રાહ્મણોને દાન કરી દક્ષિણા આપવી.૩૪
અને ભગવાનના ભક્ત એવા બ્રહ્મચારીઓ, સાધુઓનું પણ ચંદન, પુષ્પાદિવડે પૂજન કરી, મિષ્ટાન્ન જમાડી તૃપ્ત કરવા.૩૫
ત્યારપછી પોતાના સ્વજનોની સાથે પારણાં કરવાં, આ પ્રમાણે ઉદ્યાપન વિધિ સાથે વ્રતનું અનુષ્ઠાન કરવાથી, એકાદશીનું વ્રત શાસ્ત્રમાં કહેલા સંપૂર્ણ ફળને આપનારું થાય છે.૩૬
હે ભક્તજનો ! આ પ્રમાણે મેં સત્શાસ્ત્રોનું મંથન કરી એકાદશી વ્રતનો મહિમા તથા અંગે સહિત એકાદશી વ્રતમાં કરવાના પ્રકારનો વિધિ પણ સંક્ષેપથી શ્રીરાધાકૃષ્ણ ભગવાનના આશ્રિત એવા સમસ્ત જનોની પ્રસંન્નતાર્થે આદરપૂર્વક તમારી આગળ કહ્યો. જે મનુષ્ય મહિમાએ સહિત આ વ્રતવિધિ સાંભળશે અથવા કહેશે, તે મનુષ્ય ઇચ્છિત ફળને પ્રાપ્ત કરશે.૩૭
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર ભગવાન શ્રીહરિએ એકાદશીવ્રતના ઉદ્યાપનવિધિનું નિરૂપણ કર્યું એ નામે ચોત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૪--