અધ્યાય - ૩૫ - ભગવાન શ્રીહરિએ કહેલા એકાદશીના અધિષ્ઠાતા કેશવાદિ ચોવીસ સ્વરૂપોનાં લક્ષણો.

ભગવાન શ્રીહરિએ કહેલા એકાદશીના અધિષ્ઠાતા કેશવાદિ ચોવીસ સ્વરૃપોનાં લક્ષણો.

ભક્તજનો પૂછે છે, હે સ્વામિન્ ! એકાદશીના દિવસે પૂજવા યોગ્ય જે કેશવાદિ ચોવીસ સ્વરૂપોની વાત કરી તે સ્વરૂપોનાં જુદાં જુદાં જે લક્ષણો હોય તે અમને સમજાવો. અમને તે પણ જાણવાની ઇચ્છા છે.૧ 

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! શ્રીવાસુદેવ ભગવાનની કેશવાદિ ચોવીસ મૂર્તિઓ છે તેનાં લક્ષણો યથાશાસ્ત્ર જેમ છે તેમ જુદાં જુદાં કરીને તમને કહું છું.૨ 

ભગવાન તો એક જ છે છતાં પણ ચોવીસ એકાદશીને રાજી કરવા ચોવીસ મૂર્તિરૂપે થયા છે.૩ 

તેમાં પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ ચાર આયુધોને જુદા જુદા હાથમાં ધારણ કરવાને લીધે ચોવીસ નામવાળી અલગ અલગ મૂર્તિ કહેલી છે.૪ 

હે ભક્તજનો ! હવે તમને શંખાદિ આયુધોને કેવી રીતે હાથમાં સ્થાન ફેર કરીને ધારણ કરવાથી જુદાં સ્વરૂપો થાય છે તે કહું છું. તેમાં પ્રથમ જમણા ભાગનો નીચેનો હાથ,પછી ઉપરનો હાથ,અને પછી ડાબા ભાગનો ઉપરનો હાથ, પછી નીચેનો હાથ. આ ક્રમ પ્રમાણે શંખાદિ ચાર આયુધોના ધારણથી મૂર્તિ ભેદ થાય છે. એમ તમારે જાણવું.૫ 

કેશવ ભગવાન :- અનુક્રમે પદ્મ, શંખ, ચક્ર અને ગદાનું ધારણ કરે છે. નારાયણ ભગવાન શંખ, પદ્મ, ગદા અને ચક્ર ધારણ કરે છે. માધવ ભગવાન ગદા, ચક્ર, શંખ અને પદ્મ ધારણ કરે છે. ગોવિંદ ભગવાન ચક્ર, ગદા, પદ્મ અને શંખ ધારણ કરે છે. વિષ્ણુ ભગવાન ગદા, પદ્મ, શંખ અને ચક્ર ધારણ કરે છે. મધુસૂદન ભગવાન ચક્ર, શંખ, પદ્મ અને ગદા ધારણ કરે છે. ત્રિવિક્રમ ભગવાન પદ્મ, ગદા, ચક્ર અને શંખ ધારણ કરે છે. વામન ભગવાન શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરે છે. શ્રીધર ભગવાન પદ્મ, ચક્ર, ગદા, શંખ ધારણ કરે છે. હૃષિકેશ ભગવાન ગદા, ચક્ર, પદ્મ, શંખ ધારણ કરે છે. પદ્મનાભ ભગવાન શંખ, પદ્મ, ચક્ર, ગદા ધારણ કરે છે. દામોદર ભગવાન પદ્મ, શંખ, ગદા, ચક્ર ધારણ કરે છે. સંકર્ષણ ભગવાન ગદા, શંખ, પદ્મ, ચક્ર ધારણ કરે છે. વાસુદેવ ભગવાન ગદા, શંખ, ચક્ર, પદ્મ ધારણ કરે છે. પ્રદ્યુમ્ન ભગવાન ચક્ર, શંખ, ગદા, પદ્મ ધારણ કરે છે. અનિરૂદ્ધ ભગવાન ચક્ર, ગદા, શંખ, પદ્મ ધારણ કરે છે. પુરુષોત્તમ ભગવાન ચક્ર, પદ્મ, શંખ, ગદા ધારણ કરે છે. અધોક્ષજ ભગવાન પદ્મ, ગદા, શંખ, ચક્ર ધારણ કરે છે. નરસિંહ ભગવાન ચક્ર, પદ્મ, ગદા, શંખ ધારણ કરે છે. અચ્યુત ભગવાન ગદા, પદ્મ, ચક્ર, શંખ ધારણ કરે છે. જનાર્દન ભગવાન પદ્મ, ચક્ર, શંખ, ગદા ધારણ કરે છે. ઉપેન્દ્ર ભગવાન શંખ, ગદા, ચક્ર, પદ્મ ધારણ કરે છે. હરિ ભગવાન શંખ, ચક્ર, પદ્મ, ગદા ધારણ કરે છે. કૃષ્ણ ભગવાન શંખ, ગદા, પદ્મ, ચક્ર ધારણ કરે છે.૬-૧૭ 

હે ભક્તજનો ! આ પ્રમાણે મેં કેશવાદિ ચોવીસ મૂર્તિઓનું નિરૂપણ કર્યું. તે મૂર્તિઓનું દરેક એકાદશીએ પૂજન કરવું, કેશવાદિ બાર સ્વરૂપો સુદ પક્ષની એકાદશીઓના અધિષ્ઠાતા દેવ છે. અને સંકર્ષણાદિ બાર સ્વરૂપો વદ પક્ષની એકાદશીના અધિષ્ઠાતા દેવ છે.૧૮-૧૯ 

હે ભક્તજનો ! વ્રત કરી ભગવદ્ પૂજન કરનારા ભક્તજને માગસર સુદ એકાદશીના દિવસે કેશવ ભગવાનનું પૂજન કરવું. માગસર વદની એકાદશીએ સંકર્ષણ ભગવાનનું પૂજન કરવું.૨૦ 

તેવીજ રીતે અનુક્રમે પોષ વિગેરે માસમાં સુદ પક્ષ તથા વદ પક્ષમાં નારાયણ તથા વાસુદેવ આદિ અંગ દેવતાઓનું પૂજન તથા અધિકમાસમાં પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું.૨૧ 

અહીં ચોવીસ વ્યૂહ સ્વરૂપોમાં સંકર્ષણાદિ જે ચાર મૂર્તિઓ મેં કહી તે મૂર્તિઓ તો ચતુર્વ્યૂહમાં જે ચાર સ્વરૂપો છે તેનાથી ભિન્ન સમજવી.૨૨ 

હે ભક્તજનો ! એકાદશીનો ઉત્સવ ઉજવવામાં જો ધન હોય તો તેને વાપરવામાં કંજૂસાઇ ન કરવી, કારણ કે એકાદશીના ઉત્સવમાં ધન વાપરવાથી સર્વે સંપત્તિના દાતા લક્ષ્મીપતિ ભગવાન શ્રીવાસુદેવ અત્યંત પ્રસન્ન થઇ બહુ જ વધુ સંપત્તિ આપે છે.૨૩ 

હે ભક્તજનો ! અક્ષરધામાધિપતિ ભગવાન શ્રીકૃષ્ણનું તથા પાપને નાશ કરનારા તેમના કેશવાદિ ચોવીસ સ્વરૂપોનું જે પુરુષ અને સ્ત્રી પ્રાતઃ કાળે ઉઠી સદાય સ્મરણ કરશે, તે પુરુષ અને સ્ત્રી પોતાની ઇચ્છિત શુભ મનોકામનાને અવશ્ય પ્રાપ્ત કરશે.૨૪ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર ભગવાન શ્રીહરિએ ચોવિસ એકાદશીના અધિષ્ઠાતા કેશવાદિ દેવોના સ્વરૂપોનું નિરૂપણ કર્યું એ નામે પાંત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૫--