અધ્યાય - ૩૭ - પ્રબોધનીના દિવસે જયાબાએ આપેલ ગુડધેનુ આદિ મહાદાનવિધિનું નિરૂપણ.

પ્રબોધનીના દિવસે જયાબાએ આપેલ ગુડધેનું આદિ મહાદાન વિધિનું નિરૃપણ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ઉત્તમરાજાનાં મોટી બહેન જયાબાએ પ્રબોધની એકાદશીના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિ પોતાનો નિત્યવિધિ કરીને શ્રીયોગેશ્વર ભગવાનનું પૂજન કરવા લાગ્યાં. તેમાં તેણે સૌપ્રથમ સર્વતોભદ્રમંડળની રચના કરી, તેમાં સુવર્ણની લક્ષ્મીજીની સાથે યોગેશ્વર ભગવાનની મૂર્તિની સ્થાપના કરી તેમનું પૂજન કર્યું. સર્વતોભદ્ર મંડળમાં ભક્તિમાતાએ સહિત ધર્મદેવની સ્થાપના કરી તેમનું પણ પૂજન કર્યું.૧-૨ 

હે રાજન્ ! તે પૂજન વિધિમાં જયાબાએ પંચામૃત, ચંદન, સુગંધીમાન પુષ્પો, ધૂપ, દીપ વિગેરે ઉપચારો તથા અનેક પ્રકારનાં ફળો અર્પણ કરી અતિશય પ્રેમથી મહાઆરતી કરી. પછી પુષ્પાંજલી અર્પણ કરીને બન્ને હાથ જોડી પ્રણામ કર્યા.૩-૪ 

ભગવાન શ્રીનારાયણમુનિને પ્રસન્ન કરવા જયાબા મહાદાન આપવા લાગ્યાં. દશપ્રકારની ધેનુ અને દશપ્રકારના મેરુનાં દાન કરવા લાગ્યાં.૫ 

હે રાજન્ ! તે મહાદાનમાં જયાબાએ સૌ પ્રથમ ગાયના છાણથી લીંપેલી ભૂમી ઉપર દર્ભ બિછાવીને, ઉત્તર દિશા તરફ ચરણ હોય અને પૂર્વદિશા તરફ મુખ હોય તેવી દશ ગાયોની કલ્પના કરી.૬ 

તેમાં સો સો શેર ગોળમાંથી એક એક ગાયની કલ્પના કરી, અને એકભાર માપના એટલે કે પચીસ શેરના ગોળમાંથી એક એક વત્સની કલ્પના કરી.૭ 

ત્યારપછી તે બન્ને ગાય અને વત્સને બહુ મૂલ્ય સૂક્ષ્મ વસ્ત્ર વિંટાળી, અનેક પ્રકારનાં રત્નો અને મણિઓથી ગાય વત્સને સુશોભિત કરવામાં આવ્યાં.૮ 

હે રાજન્ ! વત્સે સહિત તે ગાયના કર્ણ છીંપથી કરવામાં આવ્યા. ચરણ શેરડીના દંડથી, નેત્રો વિશુદ્ધ મોતીથી, પીઠનો ભાગ ત્રાંબાથી, પૂંછ રેશમી વસ્ત્રથી, ગળે લટકતી ગોદડી શ્વેત કમ્બલથી, શીંગડા સુવર્ણથી, ખરીઓ રજતથી, તેમજ પ્રવાલના મોતીઓથી ભૂકુટિની રચના કરી, અનેક પ્રકારનાં આભૂષણોથી શણગારીને ગાયોની રચના કરવામાં આવી અને પાસે કાંસાનાં ઉત્તમ દોહન પાત્રો મૂકવામાં આવ્યાં.૯-૧૦ 

હે રાજન્ ! આ પ્રમાણે દાન આપવા માટેની ગાયોનું વત્સ સાથે નિર્માણ કરીને આદર પૂર્વક તેમનું પૂજન કર્યું. તેમજ ઘૃતધેનુ, ક્ષીરધેનુ, શર્કરાધેનુ, તિલધેનુ, મધુધેનુ, રસધેનુ, દધિધેનુ, જળધેનુ, અને સુવર્ણધેનુ, આ સર્વેની શાસ્ત્રોક્ત વિધિને અનુસારે જયાબાએ કલ્પના કરાવી.૧૧-૧૩ 

ઉપરોક્ત સર્વે ધેનુઓની મધ્યે ઘૃતધેનુની વિધિમાં જયાબાએ ચારભાર પરિમિત એટલે કે સો સો શેર ઘીથી ભરેલા કળશોનું સ્થાપન કરાવ્યું, અને પચીસશેર ઘીથી ભરેલા પાત્રથી વત્સની કલ્પના કરાવી સ્થાપન કર્યા. બાકી અન્ય ધેનુઓની સ્થાપના ગુડધેનુની જેમજ રચના કરાવીને સ્થાપન કરાવી. હે રાજન્ ! આ પ્રમાણે અતિશય બુદ્ધિશાળી જયાબાએ મોટા મહારાજાઓ પણ ન કરી શકે તેવો ગુડધેનુ આદિની રચના કરાવી મહાદાનનો વિધિ કર્યો.૧૪-૧૫ 

હે રાજન્ ! તે સર્વે પ્રકારની ધેનુઓને મધ્યે દ્રવિભૂત ઘી આદિ પદાર્થોના કળશ સ્થાપન કર્યા અને તિલ, ગોળ, સાકર, આદીના ઢગલા સ્થાપન કર્યા. તેમજ વત્સ માટે ચોથાભાગના નાના ઢગલા કર્યા.૧૬ 

અને છેલ્લી જે સુવર્ણધેનુની કલ્પના કરી તેમાં જયાબાએ ચાર પલ પરિમિત સુવર્ણધેનુ અને એક પલપરિમિત વત્સની રચના કરીને સમસ્ત ગાયોને વસ્ત્ર આભૂષણોથી શણગારવામાં આવી.૧૭

હે રાજન્ ! જયાબાએ આ રીતની દશે પ્રકારની ગાયોનું પૂજન કરીને ભગવાન શ્રીહરિની પ્રસન્નતાને માટે ભાવથી બ્રાહ્મણોનું પૂજન કરી તેને દાનમાં આપી દીધી.૧૮

પછી જયાબાએ વૃક્ષો અને સરોવરથી શોભતા, અનેક પ્રકારના વસ્ત્રોથી સુશોભિત કરેલા મેરુ નામના દશ પર્વતોની કલ્પના કરી, તેમાં પ્રથમ ધાન્યનો પર્વત, બીજો નમકનો પર્વત, ત્રીજો ગોળનો પર્વત, ચોથો સુવર્ણનો પર્વત, પાંચમો તલનો પર્વત, છઠ્ઠો કપાસનો પર્વત, સાતમો ઘીનો પર્વત, આઠમો રત્નનો પર્વત, નવમો ચાંદીનો પર્વત, દશમો સાકરનો પર્વત. આ પ્રમાણે દશ પર્વતો જયાબાએ વિધિ પૂર્વક સ્થાપન કરાવ્યા.૧૯-૨૨ 

હે રાજન્ ! હવે તે દશ પર્વતોની સ્થાપનાનો વિધિ વિસ્તારથી કહું છું. શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આંગણામાં શોભાયમાન મંડપ બંધાવ્યો. તે મંડપની મધ્યે ગાયના છાણથી લીંપેલી ભૂમિ ઉપર કોમળ દર્ભની પથારી કરી.૨૩ 

તે દર્ભ પાથરેલી ભૂમિને મધ્યે જયાબાએ એકહજાર દ્રોણ માપનો ધાન્યનો ઢગલો કરાવી મેરુ પર્વત રચાવ્યો. બત્રીસ શેર ધાન્યનો એક દોણ કહેવાય, તે ધાન્ય મેરુની પૂર્વદિશામાં મોતી, વજ્ર હીરા, વગેરે ધાતુરત્નોની સ્થાપના કરાવી.૨૪ 

પછી જયાબાએ તે પર્વતના દક્ષિણ દિશાના ભાગમાં ગોમેદ તેમજ પુણ્યરાગ મણિઓની સ્થાપના કરી. પશ્ચિમમાં નીલમણિ અને મરકતમણિઓની સ્થાપના કરી.૨૫

તેમજ તે ધાન્ય મેરુની ઉત્તર દિશાના ભાગમાં વૈદૂર્ય અને લોહિતમણિની સ્થાપના કરી, તેમજ તે ધાન્ય મેરુની ચારેતરફ પ્રવાલ અને લતાઓનાં તોરણો બાંધ્યાં.૨૬ 

હે રાજન્ ! તે મેરુ પર્વત પર જયાબાએ શેરડીના દંડ તથા વાંસના દંડથી ગુફાઓની રચના કરી. તથા મોતીની છીપલીઓથી તે મેરુપર્વતના પથ્થરોની રચના કરી, તેમ જ ઘીથી અનેક ઝરણાં રચવામાં આવ્યાં.૨૭ 

મેરુ પર્વતની પૂર્વમાં શ્વેતવસ્ત્રોના ઢગલાથી વાદળાની પંક્તિ કરી, દક્ષિણમાં પીળાં વસ્ત્રોના ઢગલાથી, પશ્ચિમમાં રંગબેરંગી કાબરચિતરાં વસ્ત્રોથી અને ઉત્તરદિશામાં લાલવસ્ત્રોથી વાદળાંઓની પંક્તિઓની રચના કરવામાં આવી. ચાંદીથી પર્વતના ઉપર ચાર શિખરો કરવામાં આવ્યાં. તેમજ તેની તળેટીની ભૂમિ પણ ચાંદીની જ કરવામાં આવી.૨૮-૨૯ 

હે રાજન્ ! જયાબાએ તે પર્વતના મસ્તક ઉપર સુવર્ણના તૈયાર કરેલા બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, અને સૂર્ય સ્થાપ્યા. તેમજ અન્ય દેવતાઓ અને મુનિઓ પણ પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણના તથા ચાંદીના કરીને સ્થાપ્યા.૩૦ 

વળી ઇન્દ્રાદિ આઠ દિગ્પાળો ચાંદીના કરીને મૂક્યા. ફળ, પુષ્પો અને ચંદનથી મેરુપર્વતને શણગાર્યો.૩૧ 

તેના ઉપરના ભાગમાં મંદાર, પારિજાત અને કલ્પવૃક્ષ આ ત્રણ વૃક્ષો સુવર્ણનાં તૈયાર કરી ને સ્થાપન કર્યા.૩૨ 

ત્યારપછી રાજકુમારી જયાબાએ તે મેરુ પર્વત ઉપર પાંચ રંગવાળા વસ્ત્રોથી તૈયાર કરેલો તેમજ મોતીના હાર અને પુષ્પોના હારથી સુશોભિત કરેલો ઉલ્લોચ બાંધ્યો.૩૩ 

હે રાજન્ ! આ પ્રમાણે જયાબાએ મેરુ પર્વતની રચના કરી તેનાથી ચોથા ભાગના નાના ચાર પર્વતો ચારે દિશામાં સ્થાપન કરાવ્યા.૩૪ 

તેમાં મેરુ પર્વતના પૂર્વભાગમાં જવના ધાન્યથી મંદરાચળની રચના કરી તેને અનેક વસ્ત્રો, પુષ્પો ચંદન અને ફળોથી શણગાર્યો.૩૫ 

તે મંદરાચળ પર્વતપર સુવર્ણના બે ભદ્ર તથા કદંબ નામના વૃક્ષો રોપ્યાં. તેમજ ચાંદીનું ચૈત્રરથ નામનું વન બનાવ્યું.૩૬ 

તથા ક્ષરોદ, અરુણોદ નામના બે ચાંદીનાં સરોવર રચાવ્યાં, અને તે પર્વત પર સુવર્ણની કામદેવની મૂર્તિની સ્થાપના કરી.૩૭ 

હે રાજન્ ! જયાબાએ મેરુ પર્વતની દક્ષિણ દિશામાં ઘઉંના ગંધમાદન પર્વતની રચના કરી. તેને વિવિધ પ્રકારના વસ્ત્રોથી અને પુષ્પોથી શણગાર્યા.૩૮ 

તેના ઉપરના ભાગે ટોચપર સુવર્ણના જાંબુના ઝાડની સ્થાપના કરી તથા ગંધર્વ નામનું રૂપાનું વન બનાવી તેમાં યક્ષપતિ કુબેરની રૂપાની મૂર્તિ બેસાડી.૩૯ 

તે ગંધમાદન પર્વત પર ચાંદીનાં ઘૃતોદ અને માનસ નામના સરોવરની રચના કરી, તે પર્વતને અનેક પ્રકારના વસ્ત્રો તથા પુષ્પોથી શણગાર્યો.૪૦ 

હે રાજન્ ! પછી મેરુપર્વતની પશ્ચિમ દિશામાં તલથી વિપુલ નામનો પર્વત કર્યો. અને તેને અનેક પ્રકારનાં વસ્ત્રો તથા ફળોથી સુશોભિત કર્યો.૪૧ 

તે પર્વત ઉપર ચાંદીનું વિભ્રાજ નામનું વન રચી તેમાં દધીસર અને શુદ્ધોદકસરની રચના કરી, તેમાં સુવર્ણના હંસ તરતા મૂકવામાં આવ્યા અને કિનારે સુવર્ણના પીપળાનાં વૃક્ષો સ્થાપવામાં આવ્યાં.૪૨ 

હે રાજન્ ! પછી તે મેરુ પર્વતની ઉત્તર દિશામાં અડદના ઢગલાથી સુપાર્શ્વ નામના પર્વતની રચના કરી. તેના ઉપર ચાંદીનું સાવિત્ર નામનું વન રચાવી, મધુભદ્ર નામે સરોવર કર્યું. અને તે સુપાર્શ્વ પર્વતને અનેક પ્રકારનાં વસ્ત્રોથી શણગારી તેનાપર સુવર્ણનું વટવૃક્ષ તથા સુવર્ણની કામધેનુ ગાય પધરાવવામાં આવી.૪૩-૪૪ 

હે રાજન્ ! જયાબાએ આ પ્રમાણે ચાર પ્રાંતપર્વતોની રચના કરી, મુખ્ય મેરુપર્વતની યથાયોગ્ય સ્થાપના પૂર્ણ કરી, વિધિને જાણનારા બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કર્મ કરાવી ગ્રહશાંતિ કર્મ કરાવ્યું.૪૫ 

ત્યારપછી તે તે પર્વત ઉપર તે તે દેવોનું આવાહન કરીને તેમની વિધિપૂર્વક પૂજા કરી, પોતાના ગુરુનું ચંદન, પુષ્પ, વસ્ત્રાદિકવડે ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું.૪૬ 

અને મધ્યના મેરુપર્વતનું ગુરુને દાન આપ્યું. તે મેરુદાનની પરિપૂર્ણ સિદ્ધિ માટે ચોવીસ ગાયોનું પણ સાથે દાન કર્યું.૪૭ 

પછી તેજ ક્ષણે મેરુ પર્વતના પાસેના નાના ચાર પર્વતો પણ ભગવાન શ્રીહરિને રાજી કરવા ચાર ઋત્વિજો જે બ્રહ્મા, હોતા, ઉદ્ગાતા અને અધ્વર્યુને દાનમાં આપી દીધા.૪૮ 

હે રાજન્ ! જયાબાએ આ પ્રમાણે વિધિપૂર્વક ધાન્યનો મેરુપર્વત દાનમાં અર્પણ કર્યા પછી મીઠું, ગોળ વિગેરે બીજા નવ પર્વતોની રચના કરી.૪૯ 

તેમાં સોળ દ્રોણમાપના મીઠાંથી લવણાદ્રિની રચના કરી, તેમાં ચાર વિષ્કંભાદ્રિની પણ ચોથા ભાગના ચારદોણના મીઠાંથી રચના કરી.૫૦ 

તેના ઉપર વન, વૃક્ષ અને સરોવરની રચના કરી, તેમજ તે તે દેવોની સ્થાપના કરી અનેક પ્રકારનાં વૃક્ષો, પુષ્પો, ફળો, વગેરેથી સુશોભિત કર્યો.૫૧ 

હે રાજન્ ! પછી દશભાર ગોળથી શોભાયમાન ગુડપર્વતની રચના કરી, હજાર પલ જેટલા સુવર્ણથી સુવર્ણપર્વતની રચના કરી.૫૨ 

ત્યાર પછી ઉદાર મનવાળાં જયાબાએ ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે દશદ્રોણ માપના તલથી તિલપર્વતની રચના કરી. આ બધા પર્વતોનો વિધિપૂર્વ ધાન્ય પર્વત જેવો સમજવો.૫૩ 

તેમાં જયાબાએ કપાસપર્વતની વીસભાર કપાસમાંથી રચના કરી અને ઘૃતપર્વતની ઘીથી ભરેલા વીસ ઘડાઓથી રચના કરી. તેમાં ચોસઠ શેરનો એક ઘડો જાણવો.૫૪

પછી એકહજાર મુક્તાફળથી રત્નપર્વતની રચના કરી તેના પૂર્વભાગે ગોમેદ તથા હીરાથી મંદરપર્વતની રચના કરી.૫૫ 

દક્ષિણમાં ઇન્દ્રનિલમણિ અને પુષ્પરાગમણિથી ગંધમાદન પર્વત કર્યો. પશ્ચિમમાં વૈદૂર્યમણિથી વિપુલાચલ પર્વતની રચના કરી અને ઉત્તર દિશામાં ઉદાર બુદ્ધિવાળાં જયાબાએ સુવર્ણ સહિત પદ્મરાગમણિઓથી સુપાશ્વ પર્વત કર્યો. બાકીનો વિધિ પૂર્વના ધાન્ય પર્વતની જેટલો જ વિશાળ કર્યો એમ તમારે સમજવું.૫૬-૫૭ 

હે રાજન્ ! પછી જયાબાએ દશહજારપલ જેટલા રૂપામહોરોથી રૂપાના પર્વતની રચના કરી. બાકીનો સર્વ વિધિ ધાન્યપર્વતની જેમ કર્યો. પરંતુ પૂર્વના પર્વતમાં જે જે જગ્યાએ રૂપાનો ઉપયોગ બતાવ્યો હતો તે આ રૂપાના પર્વતમાં તે તે સર્વે કલ્પો સુવર્ણથી રચાવ્યાં.૫૮ 

પછી આઠ ભારના માપથી સાકરથી શર્કરાપર્વતની પૂર્વોક્ત વિધિ પ્રમાણ જ રચના કરી. પછી વસ્ત્રાદિથી તેમને શણગારવામાં આવ્યો.૫૯ 

ઉપરોક્ત નવેનવ પર્વતોની સાથે બીજા ચાર ચાર પ્રાંતપર્વતો ચોથા ભાગના દ્રવ્યોથી કરવામાં આવ્યા. અને જે વિધિ ધાન્યપર્વતને વિષે કરવામાં આવ્યો તે સર્વે પર્વતોમાં પણ કરવામાં આવ્યો.૬૦ 

પછી જયાબાએ ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે વસ્ત્રોથી સુશોભિત સર્વે પર્વતોનું વિધિ પ્રમાણે બ્રાહ્મણોને દાન આપ્યું.૬૧ 

હે રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજાએ શ્રીહરિને રાજી કરવા માટે તેમની આજ્ઞા પ્રમાણે પોતાનાં મોટાં બહેન જયાબા દ્વારા પૂર્વોક્ત સર્વે મહાદાનો આજે પ્રબોધનીના વ્રત નિમિત્તે અપાવ્યાં.૬૨ 

આવા પ્રકારની ઉત્તમરાજાની ઉદારતા જોઇને અન્ય સર્વ રાજાઓ તેમજ દેશાંતરમાંથી પધારેલા સર્વે ભક્તજનો અતિશય વિસ્મય પામ્યા.૬૩ 

અને પવિત્ર મનવાળાં જયાબા રાત્રીના સમયે પ્રબોધની એકાદશીના અધિપતિ દામોદર ભગવાનની રાધાદેવીની સાથે ભક્તિભાવથી યથાશાસ્ત્ર પૂજા કરી.૬૪ 

હે રાજન્ ! તે પ્રબોધની એકાદશીના દિવસે વૃદ્ધો, યુવાનો, બાળકો, પુરુષો તથા સર્વે સ્ત્રીઓએ ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે નિરાહારવ્રત કરી રાત્રીએ વિધિપ્રમાણે જાગરણ કર્યું.૬૫ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર શ્રીહરિને રાજી કરવા માટે ઉત્તમરાજાએ મોટી બહેન જયાબાદ્વારા ઉત્તમપક્ષનો આશરો કરી ગુડધેનુ આદિ તથા ધાન્યપર્વતાદિ મહાદાનો કર્યાંનું નિરૂપણ કર્યું એ નામે સાડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૭--