અધ્યાય - ૪૩ - જયાબા, રમાબા, લલિતાબા આદિ સ્ત્રી ભક્તોએ શ્રીહરિનું પૂજન કરી, સ્તુતિ કરી.

જયાબા, રમાબા, લલિતાબા આદિ સ્ત્રી ભક્તોએ શ્રીહરિનું પૂજન કરી, સ્તુતિ કરી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! બ્રહ્મચર્યવ્રત પરાયણ જયાબા, રમાબા અને લલિતાબા પોતાના હાથમાં પૂજાના ઉપચારો લઇ શ્રીહરિની સમીપે આવ્યાં.૧ 

તેમની પાછળ અમરી તથા અમલા આદિ અન્ય સ્ત્રીઓ પણ શ્રીહરિની પૂજા કરવાની અત્યંત ઉત્કંઠાવાળી થઇને આવી.૨ 

સાંગોપાંગ ઉત્સવની સમાપ્તિથી મનમાં સ્વસ્થતાનો અનુભવ કરી રહેલાં જયાબા વગેરે પવિત્ર સ્ત્રીઓ પોતાનો સમગ્ર નિત્યવિધિ સમાપ્ત કરી શ્રીહરિને પ્રથમ વંદન કર્યાં.૩ 

પછી શ્રીહરિની પૂજાના અવસરને જાણતી તેઓ મંદમંદ હાસ્ય કરી રહેલા અને સિંહાસન પર વિરાજમાન શ્રીહરિને પણ ખુશી મુદ્રામાં જોઇ અતિશય ભક્તિભાવ પૂર્વક પૂજા કરવા લાગી.૪ 

હે રાજન્ ! સુંદર કુંકુમ, અગરુ, કેસર, કસ્તુરી યુક્ત સુગંધીમાન ચંદન, ચોખા અને અનેક પ્રકારનાં વસ્ત્રો, બહુમૂલ્યવાળા રત્નો જડીત સુવર્ણના આભૂષણો, ધૂપ, દીપ, ફળ, કપૂર, આરતી અને પ્રદક્ષિણા આદિક ઉપચારોથી વિધિ પ્રમાણે ભગવાન શ્રીહરિની પૂજા કરી. ત્યારપછી પોતપોતાના અંતરના ભાવને પ્રગટ કરતી અલગ અલગ સ્તુતિ કરવા લાગી.૫-૭ 

પ્રથમ જયાબા સ્તુતિ કરે છે :- હે શ્રીહરિ ! હે શ્રીકૃષ્ણ ! હું તમને નમસ્કાર કરૂં છું. તમે સદાય આનંદસ્વરૂપ છો. સકલ આત્માઓના અંતર્યામી આત્મા છો. અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ છો. સમસ્ત કલ્યાણકારી અવિનાશી સુખના સ્થાનભૂત આપની આ મૂર્તિ છે. એવા હે પુરુષોત્તમ નારાયણ ! તમને હું નમસ્કાર કરૂં છું.૮ 

હે અધોક્ષજ ! તમે અભક્તોની ઇન્દ્રિયોથી ગ્રહણ થતા નથી. એવા બ્રહ્મપુરધામના નિવાસી છો. પોતાના એકાંતિક ભક્તોના મનની ઇચ્છાઓ પૂર્ણ કરવા તમે રામ-કૃષ્ણરૂપે થઇને અનંતવાર અવતાર ધારણ કરો છો. અનંતકોટી પ્રધાન પુરુષોને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાની સામર્થીને આપનારા છો. એવા હે અખિલદેહધારી જીવાત્માઓનું નિયમન કરનારા પ્રભુ ! તમને હું નમસ્કાર કરૂં છું.૯ 

હે શ્રીહરિ ! વેદાંતિ પુરુષો જેમને અચિંત્ય, આનંદમય, નિર્ગુણ, અવિનાશી, અક્ષરબ્રહ્મથી પણ પર પરબ્રહ્મ, પરમાત્મા એવા શબ્દોથી કહે છે. તે પરબ્રહ્મ, ભગવાન સાક્ષાત્ તમેજ છો. એવું હું નક્કી જાણું છું.૧૦ 

આવા ભગવાન તમે આલોકમાં પોતાના આશ્રિત ભક્તજનો એવા અમને અત્યારે પોતાની મૂર્તિનું સુખ આપવા માટે આ મનુષ્ય શરીરનો સ્વીકાર કર્યો છે. તે આપનું આ મનુષ્ય શરીર બીજા કોઇમાં ન હોય તેવા અસાધારણ તપ, ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન આદિ ગુણોથી નિરંતર સેવાયેલું છે.૧૧ 

હે વિભુસ્વરૂપ ! પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સ્વીકાર કરેલા આ દિવ્યશરીરને બ્રહ્માદિક દેવતાઓ પણ વંદન કરે છે. આવા પ્રત્યક્ષ માનવ શરીરથી અમે પૂજામાં અર્પણ કરેલા ઉપચારોને કરુણા કરીને સ્વીકારો છો. અને આવા મંગલરૂપ અન્નકૂટ, પ્રબોધની જેવા મહોત્સવો દ્વારા અમને અલૌકિક સુખ આપો છો.૧૨ 

હે પ્રભુ ! તમારાં ચરિત્રોનું શ્રવણ, તમારાં નામ અને યશનું કીર્તન, તમારી મૂર્તિનું ચિંતવન, તમને પંચાંગ કે સાષ્ટાંગ નમસ્કાર, નાના કે મોટા ઉપચારોથી તમારું પૂજન, તમારા ચરણકમળની સેવા, તમારે વિષે સખાભાવ, માન ત્યાગ કરવા પૂર્વકનો દાસભાવ તથા પોતાના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણની સાથે તમારે વિષે કરેલું આત્મસમર્પણ, આલોકમાં દેહધારી જીવોને સુખ ઉપજાવે છે.૧૩ 

હે ભગવાન ! આ લોકમાં જે મનુષ્યને નવપ્રકારની ભક્તિને મધ્યે કોઇ પણ એક પ્રકારની ભક્તિ જો દૃઢ થાય તો તે મનુષ્ય કાર્યકારણ સ્વરૂપ તમોગુણાત્મક માયાના મહાસાગરને તત્કાળ તરી જાય છે. હે પ્રભુ ! આ ભૂમંડળમાં આવા પ્રકારની ભક્તિ કરનારા મનુષ્યોનો જન્મ સફળ છે, તથા તેઓના પાપોના પુંજ ભસ્મીભૂત થાય છે. અને જીવતા થકા મોક્ષને પામ્યા છે. આ પ્રમાણે અમે અમારા મનમાં જાણીએ છીએ.૧૪-૧૫ 

હે શ્રીહરિ ! પોતાના એકાંતિક ભક્તોનું રક્ષણ કરવામાં તત્પર એવા તમારા જન્મ અને કર્મનો કોઇ પાર નથી. તમે આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ સમગ્ર દુઃખનું નિવારણ કરવામાં કારણરૂપ છો. એવા હે પરમેશ્વર ! તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ ! આવા અપાર મહિમાવાળા તમે અમારી સંપત્તિનો સદ્વ્યય કરી અમને સુખ ઉપજાવો છો. આવી રીતે સુખ આપતાં જ્યાં સુધી અમારા શરીરની સ્થિતિ હોય ત્યાં સુધી સદાય અમારા ભવનમાં નિવાસ કરીને રહો.૧૬-૧૭ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે અત્યંત ભક્તિભાવ પૂર્વક શ્રીહરિની સ્તુતિ કરીને જયાબા વિરામ પામ્યાં. ત્યારપછી રમાબા બે હાથ જોડી નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યાં.૧૮ 

રમાબા સ્તુતિ કરે છે :- હે સ્વામિન્ ! આ સંસારરૂપી દાવાનળમાં બળતા અત્યંત દુઃખી થયેલા અને તેથી જ તમારે શરણે આવેલા જીવાત્માઓને તમે સુખ આપો છો. સંતો જે ચરણકમળમાં વંદન કરે છે તેને હું કાયા, મન, વાણી અને પ્રાણથી વંદન કરૂં છું. અતિશય વિકટ એવી આ જન્મમરણ રૂપ સંસૃતિમાં પોતાના કર્મપાશથી દૃઢ બંધાયેલા જનોને મુક્ત કરવામાં એક તમે જ સમર્થ છો. બાકી માયાના ગુણથી ઘેરાયેલા અન્ય કોઇથી એ કાર્ય કરવું શક્ય નથી.૧૯ 

કારણ કે, હે પ્રભુ ! તમે માયાથી પર જે અક્ષરબ્રહ્મ તેનાથકી પણ પર છો, તમે ભગવાન છો, પરમેશ્વર છો, એવા હે શ્રીહરિ ! તમે મૂળ પ્રકૃતિ અને પુરુષની અંદર અંતર્યામી સ્વરૂપે પ્રવેશ કરીને અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરો છો. છતાંય હે પરમેશ્વર ! તમે સ્વતંત્ર છો, અતિ સમર્થ છો, દેહધારીઓની અંદર પ્રાણાદિકરૂપે રહીને તેમની સમસ્ત ઇન્દ્રિયોની ચેષ્ટાનો વ્યાપાર કરો છો, છતાં જેમ વાયુ નિર્લેપ છે, તેમ તમે પણ માયાના ઉત્પત્તિ આદિ કર્મમાં જરાય બંધાતા નથી. સદાય નિર્લેપ રહો છો.૨૦ 

હે આનંદસ્વરૂપ ! તમે તમારા સ્વરૂપના અસાધારણ સુખના કારણે સદાય આનંદમાં રહો છો અને બીજા દેવતાઓ, અસુરો, મનુષ્યો તો સ્ત્રી, ધન, ઘર અને વાહન આદિ તુચ્છ પદાર્થોથી પોતાને સુખી માને છે, તમારા એકાંતિક ભક્તો સદાય તમારી મૂર્તિનાં દર્શનાદિકથી જ સુખ કે આનંદ અનુભવે છે. તેઓને શબ્દાદિ પંચવિષય તુચ્છ અને દુઃખરૂપ લાગે છે. કારણ કે પંચવિષયોતો આલોકમાં પોતાનો આસ્વાદ માણતા મનુષ્યોને જન્મમરણરૂપ સંસૃતિના પ્રવાહમાં ધકેલી દે છે.૨૧ 

હે વિભુસ્વરૂપ ! આ જગતમાં શરીરધારી બ્રહ્મા આદિક સર્વે તમારી કાળશક્તિને વશ વર્તે છે અને કર્મફળપ્રદાતા તમે અંતર્યામીપણે તેમનામાં રહી તેમનાં કર્મફળ પ્રમાણે સર્જી આપેલી આજીવિકાનો આશ્રય કરી સર્વે જીવે છે. નાથેલો બળદ જેમ ખેડૂતને વશ વર્તે છે. તેમ તે સર્વે દેવતા આદિ પ્રાણધારીઓ જ્યાં સુધી પોતાની આયુષ્યનો અંત ન આવે ત્યાં સુધી તમને વશ વર્તે છે.૨૨ 

હે ભગવાન ! કાળ પણ તમે બાંધેલી મર્યાદામાં રહીને તમારાથી ભય પામતો આ પૃથ્વી પર કે અંતરિક્ષમાં વસંતાદિક છ ઋતુઓના ગુણને પ્રગટ કરે છે, વાયુ તમારા ભયથકી સર્વત્ર વાય છે. સૂર્ય તમારા ભયથી આકાશમાં ભ્રમણ કરે છે, ઇન્દ્ર તમારા ભયથી જ જળ વર્ષાવે છે. અને મૃત્યુ પણ તમારા ભયથી સર્વ જીવપ્રાણી માત્રમાં શીઘ્રગતિ કરે છે, તેમજ અગ્નિ પણ તમારા ભયથી બાળવાની ક્રિયા કરે છે. તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કોઇ સમર્થ નથી.૨૩ 

હે શ્રીહરિ ! હે પ્રભુ ! તમારી માયામાંથી બનેલાં સ્ત્રી, સુવર્ણ, ધન, આભૂષણ, વસ્ત્ર, ઘર, ગામ, વાહન, આદિનો તમને ગમે તેટલો યોગ થાય છતાં તમને ક્યારેય બંધન કરી શકતાં નથી. વડવાનલ અગ્નિ સમુદ્રમાં રહીને જેમ વૃદ્ધિ પામે છે. તેમ તમે પણ સ્ત્રીઆદિના પ્રસંગમાં આવ્યા પછી નિઃસંગપણે રહી મહા પ્રતાપે યુક્ત વર્તો છો.૨૪ 

હે આશ્રિતોના પાપને હરનારા મહાપ્રભુ ! અમારા અંતરમાં તમારે વિષે પ્રેમ વૃદ્ધિ થાય તેવી ઇચ્છા અખંડ વર્તે છે. તેથી મેં અને અન્ય મુક્તભાવને પામેલા અનંત જનોએ માયિક પંચવિષયોનો ત્યાગ કર્યો હોવા છતાં પણ અમે વિષયો થકી અત્યંત ભય પામીએ છીએ કે રખેને ક્યાક તેનું બંધન થાય. અને તમે તો વિષયોના મધ્યમાં રહો છો છતાં જેમ સ્થાવર જંગમરૂપ જગતમાં રહેલું આકાશ નિર્લેપ રહે છે, તેમ નિર્લેપ રહો છો અને ઇશ્વર હોવાથી પ્રાકૃતિક ગુણદોષમાં બંધાતા નથી.૨૫ 

હે ભક્તપ્રિય શ્રીહરિ ! માયાના ગુણોમાં સાથે રહીને પણ નિર્લેપપણે રહેવું એજ મનુષ્ય શરીરમાં રહેલા તમારૂં ઇશ્વરપણું છે. એમ આ લોકમાં સદ્બુદ્ધિવાળા મહાપુરુષો તત્ત્વપૂર્વક જાણે છે. આવા તમારે વિષે મારૂં મન સદાય નિવાસ કરીને રહો. આ પ્રમાણે મારી તમારા ચરણમાં પ્રાર્થના છે. તમે તમારી માયાના ગુણોથી અમારૂં સદાય રક્ષણ કરો.૨૬ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે રમાબાએ ભગવાન શ્રીનારાયણમુનિની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી મૌન થયાં, ત્યારપછી લલિતાબા બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યાં.૨૭ 

લલિતાબા સ્તુતિ કરે છે :- હે શ્રીવાસુદેવ ! હે પુરુષોત્તમ ! તમારાં ચરણકમળ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા અનેક જીવોનો ઉદ્ધાર કરનાર નૌકારૂપ છે. આવાં તમારાં ચરણમાં વેદની શ્રુતિઓ પણ વંદન કરે છે. અને હું પણ કાયા, મન વાણી, અને ભક્તિથી વંદન કરૂં છું.૨૮ 

હે બ્રહ્મન્ ! તમે માયાથી પર હોવા છતાં પણ અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ લીલાનો વિસ્તાર કરવા બ્રહ્મા, વિષ્ણુ અને શિવસ્વરૂપને ધારણ કરો છો. તમે સદૈવ સર્વોત્તમ અક્ષરધામને વિષે વિરાજમાન છો અને ત્યાં અપ્રાકૃત એવા દિવ્ય સત્ય, શૌચાદિક અસંખ્યાત કલ્યાણકારી ગુણો તમારા ચરણ કમળની સેવા કરે છે.૨૯ 

હે શ્રીહરિ ! પ્રાકૃત નામના મહામાયાના અંધકારથી પર બ્રહ્મપુર ધામને વિષે મહાસમૃધ્ધિઓ પણ નતમસ્તકે તમારી ઉપાસના કરે છે અને રાધા-રમા આદિક શક્તિઓ પણ ભાવપૂર્વક સમયે સમયે સતત તમારાં ચરણ કમળની સેવા કરે છે.૩૦ 

હે ઇશ્વર ! તમે પૂર્વે આ ભરતખંડને વિષે મનુષ્યોને અનાદિના બંધનથી મુક્ત કરવા માટે ધર્મપ્રજાપતિ થકી પત્ની મૂર્તિદેવીને વિષે શ્રીનારાયણઋષિરૂપે પ્રગટ થયા હતા. તે જ અત્યારે ઉત્તર કૌશલદેશમાં દુર્વાસામુનિના શાપને કારણે મનુષ્યશરીર પામેલાં ધર્મ-ભક્તિ થકી શ્રીનિલકંઠ નામે પુત્રરૂપે પ્રગટ થયા છો.૩૧ 

હે અધીશ્વર ! મનુષ્ય શરીરમાં રહ્યા થકા દિવ્યશરીરવાળા છો અને માયાના સત્ત્વાદિ ત્રણ ગુણથી પર નિર્ગુણ છો, માતાપિતા ભક્તિધર્મનું પોષણ કરી રહેલા તમે આલોકમાં પોતાના આશ્રિત જનોનું આત્યંતિક કલ્યાણ કરી રહ્યા છો.૩૨ 

હે ઇશ ! હે ભૂમન્ ! કેટલાક મુનિજનો તમને કાળે કરીને નષ્ટ થયેલા સનાતન વર્ણાશ્રમના ધર્મને પ્રવર્તાવવા માટે પ્રગટ થયેલા છો એમ કહે છે, કેટલાક મુનિજનો તમને આલોકમાં પાખંડીઓએ ઉચ્છેદ કરી મૂકેલા સનાતન પરમહંસોના બ્રહ્મચર્યાદિક ધર્મોને પ્રવર્તાવવા માટે પ્રગટ થયા છો એમ કહે છે.૩૩ 

હે પ્રભુ ! કેટલાકનો એવો અભિપ્રાય છે કે તમે પૃથુરાજાના યજ્ઞામાં ઇન્દ્રે જે પહેલાં કપટથી વેષો ધારણ કરેલા અને પછીથી છોડી દીધેલા તે પાખંડી વેષોને ધારણ કરી અત્યારે અસુરગુરૂઓએ દુર્બળ કરી મૂકેલા એવા સાક્ષાત્ ઉધ્ધવજીએ પ્રવર્તાવેલા સત્સંપ્રદાયરૂપ એકાંતિક માર્ગનું આલોકમાં પોષણ કરી, ફરી વૃદ્ધિ પમાડવા માટે પ્રગટ થયા છો, એમ કહે છે.૩૪ 

હે ભગવાન ! હું તો એમ જાણું છું કે તમે પોતાના આશ્રિતવર્ગને સકલ પુરુષાર્થનું ફળ આપી, ધર્મના દ્વેષી અસુરોથી દુર્બળ દશાને પમાડેલા ધર્મસહિત પોતાની ઉપાસનારૂપ ભક્તિનું પોષણ કરવા માટે જ શ્રેષ્ઠ બ્રાહ્મણકુળમાં પ્રાદુર્ભાવ પામ્યા છો. આવો મારો અભિપ્રાય છે.૩૫ 

હે નાથ ! આ લોકમાં જે મનુષ્યો તમારા સદ્ગુણોનું સંતોના મુખથકી શ્રવણ કરે છે, અને પોતાના હૃદયમાં તેમનું સ્મરણ કરે છે. તેમજ વર્ણન કરનારાઓનું અનુમોદન કરે છે તે સર્વેજનો આ જન્મમરણરૂપ સંસૃતિના બંધનમાંથી મુક્ત થઇ તમારા બ્રહ્મપુરધામને પામે છે.૩૬ 

હે શ્રીહરિ ! આલોકમાં જે પુરુષો તમારી ભક્તિ કે સત્પુરૂષોનો સમાગમ છોડીને પોતાના આત્મસ્વરૂપનું યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરવા અનેક પ્રકારના નિયમોનું આચરણ કરી કલેશ પામે છે. તે પુરુષો આ લોકમાં બીજ વગરનાં ફોતરાં ખાંડતા પુરૂષની માફક કેવળ પરિશ્રમરૂપ ફળને પામે છે. કારણ કે તમારી ભક્તિ અને સંતોના સમાગમવિના આત્મજ્ઞાન ક્યારેય પ્રાપ્ત થતું નથી.૩૭ 

હે શ્રીહરિ ! જે પુરુષો વૈરાગ્ય, ધર્મ અને સ્વસ્વરૂપના જ્ઞાનથી યુક્ત છે તે પુરુષો જ તમારી ભક્તિના મુખ્ય અધિકારી થાય છે, એમ મેં તમારા એકાંતિક સંતોના મુખ થકી સભામાં સાંભળેલું છે. તમારી ભક્તિનો આટલો મહિમા હોવાથી હું સ્વધર્માદિ અંગોએ સહિત તમારી સેવારૂપ ભક્તિ કાયા, મન, અને વાણીથી શક્તિ અનુસારે કરૂં છું.૩૮ 

હે ઇશ ! હે શ્રીહરિ ! આલોક કે પરલોકમાં જ્યાં જ્યાં જે જે યોનીમાં મને જન્મ પ્રાપ્ત થાય ત્યાં સર્વત્ર મને તમારી અનન્યભાવે એક નિષ્કામ સેવા જ પ્રાપ્ત થાય. આ પ્રમાણે હું તમારી પાસે અતિશય સ્નેહ પૂર્વક વિશ્વાસ સાથે યાચના કરૂં છું.૩૯ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે લલિતાબા લલિતપદોથી ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી મૌન થયાં. ત્યારપછી અન્ય અમરી આદિક સ્ત્રીભક્તો ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યાં.૪૦ 

અમરીબા સ્તુતિ કરે છે :- હે ભગવાન ! હું તમારાં ચરણકમળમાં નિષ્કામભાવરૂપ ભક્તિથી વંદન કરૂં છું, આ તમારાં ચરણકમળ દેવાંગનાઓના લલાટમાં શોભતા આભૂષણોમાં જડેલા પંક્તિબદ્ધ હીરાઓની કાંતિ સમાન પ્રકાશી રહેલી નખચંદ્રિકાની કાંતિથી અત્યંત ઉજ્જવળ ભાસે છે. વળી બ્રહ્માદિક દેવતાઓ તથા શુક, સનકાદિક સિદ્ધોના સંઘો પણ તમારાં ચરણકમળનું સેવન કરે છે. વેદ અને સરસ્વતીદેવી પણ તેમની યશકીર્તિનું મહિમાપૂર્વક ગાન કરે છે, એવાં તમારાં ચરણમાં વંદન કરૂં છું.૪૧ 

હે હરિ ! આવાં તમારાં ચરણમાં મારૂં ચિત્ત નિરંતર આસક્ત થઇને રહો. આ સંસારમાં અમને સ્વજનો, ધન, ગૃહ, ક્ષેત્ર આદિ કોઇ પદાર્થમાં ક્યારેય પણ આસક્તિ ન થાઓ, અને આ સંસારમાં તમારા ચરણમાં આસક્ત એવા રમાબા આદિ સ્ત્રીભક્તોનો સદાય અમને સમાગમ પ્રાપ્ત થતો રહે.૪૨ 

અમલાબા સ્તુતિ કરે છે :- હે શ્રીહરિ ! તમે મારી અલ્પમાત્રની ભક્તિને અતિદયાળુ સ્વભાવને કારણે અધિક માનીને પ્રસન્ન થયા છો, એ નક્કી વાત છે. ભક્તજનોના મનોવાંછિત પુરુષાર્થોને પૂર્ણ કરવામાં વિચક્ષણ એવા તમારૂં હું મારા હૃદયમાં નિરંતર ચિંતવન કરૂં છું. મારૂં મન દૈહિક સ્વજનો તથા ધન આદિક પદાર્થનો સંસર્ગ છોડી સત્ય, શૌચાદિ સદ્ગુણોના ધામ તથા પ્રગટ પ્રમાણ દયાના ગુણથી શોભી રહેલા, અપાર મહિમાવાળા તમારે વિષે સદાય સંલગ્ન પૃથ્વીની જેમ સ્થિર રહે.૪૩-૪૪ 

મેનાબા સ્તુતિ કરે છે :- હે દયાળુ ! તમારાં ચરણના સ્પર્શ માત્રથી ભાગીરથી ગંગા, પોતાનાં મંદાકિની, ગંગા અને ભાગીરથી આ ત્રણ સ્વરૂપથી અખિલ વિશ્વને તથા બ્રહ્મા, શિવ આદિ દેવતાઓના અધિપતિઓને પણ પાવન કરી રહી છે. તેમજ પોતાને નમસ્કાર કરતા મનુષ્યોના ત્રિવિધ તાપનો વિનાશ કરે છે, જે તમારાં ચરણના સ્પર્શમાત્રથી આટલો મહિમા પ્રાપ્ત થયો છે. એવાં તમારાં ચરણકમળને વિષે હું ભક્તિથી વંદન કરૂં છું.૪૫ 

હું ઘર, ધન વગેરે પદાર્થોમાંથી ચિત્ત ઉખેડીને ગાઢ પ્રેમયુક્ત થઇ તમારાં ચરણની સેવામાં જોડવા ઇચ્છું છું, તેના સિવાય બીજા દેવતાઓના ભોગને પણ ઇચ્છતી નથી. માટે મને તમારી સેવામાં સદાય નિવાસ આપો.૪૬ 

સર્વે સ્ત્રીભક્તો સ્તુતિ કરતાં કહે છે :- હે સ્વામિનાથ ! અમને અહીં ગઢપુરમાં મનોહર તમારી મૂર્તિનાં નિત્યે દર્શન થતાં રહે એવું માગીએ છીએ. તમારી આ મૂર્તિ અતિશય સુંદર, ઉર્ધ્વપુંડ્રતિલકથી શોભે છે, ચંચળ નેત્રોથી વિલસી રહી છે. બ્રહ્માદિ દેવતાઓ પણ આ મૂર્તિને હમેશાં વંદન કરે છે અને કામદેવને પણ મોહ પમાડે તેવી સુંદર છે. પ્રેમની પૂર્તિ કરનારી, અતિશય કરૂણાથી નિત્યે અમારાં નયન ગોચર વર્તે છે, ભક્તજનોની સાથે વિચરણ કરે છે. આ પૃથ્વી પર તમારી એક કરૂણા સિવાય યજ્ઞા, યોગ આદિ સો સો ઉપાયોથી પણ પ્રાપ્ત થવી દુર્લભ છે, માટે હે સ્વામીનાથ ! અમને અહીં ગઢપુરમાં તમારી મૂર્તિનાં નિત્ય દર્શન થતાં રહે.૪૮ 

આ મૂર્તિનાં દર્શન કરવા ભક્તજનોનાં મન નિરંતર તલસે છે, આ મંગલમૂર્તિ પરમ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરાવે છે, શરણે આવેલાના હૃદયના અંધકારનો વિનાશ કરે છે, સર્વમગલકારી પદાર્થોનું અને દર્શન કરનારનું મંગળ કરે છે, તથા અનાદિ માયાના બંધનમાં બંધાયેલા જીવોને મુક્ત કરે છે, દર્શન કરનારના શોકને તત્કાળ હરે છે, અને આનંદ આપે છે, કર્ણ પર્યંત લાંબા નેત્રોથી શોભી રહીછે, તેમજ કોમળ શ્વેતવસ્ત્રોને ધારી રહેલી આ મૂર્તિનાં હે સ્વામીનાથ ! અમને નિત્ય ગઢપુરમાં દર્શન થતાં રહે.૪૯-૫૦ 

હે સ્વામીનાથ ! તમારી આ મંગળમૂર્તિ મધુરવાણીનું ઉચ્ચારણ કરે છે, પુષ્પોના આભૂષણોથી શોભી રહી છે, સદાય દોષથી રહિત પોતાનું દર્શન કરનાર ભક્તજનોના સમગ્ર શોકનો વિનાશ કરે છે, મંદમંદ મુખહાસ્યથી અતિશય શોભી રહી છે, મસ્તક ઉપર પાઘમાં ધારણ કરેલા પુષ્પોના તોરાઓથી શોભી રહી છે, કોમળ અંતરવાળી, દયા ભરેલી દૃષ્ટિવાળી, ભક્તજનોનાં દુઃખને દૂર કરનારી છે, બ્રહ્મા, શિવ અને વિષ્ણુ આત્રણ દેવોદ્વારા અનેક પ્રકારના ઉપચારોથી વારંવાર પૂજા કરાયેલી છે, આવી તમારી મનોહર મૂર્તિનાં અહીં અમને નિત્યે દર્શન થતાં રહે.૫૧-૫૨ 

હે સ્વામિનાથ ! તમારી આ મંગળમૂર્તિ પાવનકારી છે, લોકનું પાલન કરનારી, વાંકળીયા સ્નિગ્ધ કેશથી શોભી રહી છે, પુષ્પોનાં કુંડળને ધારણ કરનારી અને સંસારના ભયને દૂર કરનારી આ મૂર્તિ છે. જેના ચરણકમળનું સેવન સદાયને માટે સકલ રિધ્ધિ સિધ્ધિ તથા મુનિજનો પણ કરે છે, એવા હે સ્વામિનાથ ! તમારી મંગળમૂર્તિનાં સદાયને માટે અમને દર્શન થતાં રહે.૫૩-૫૪ 

હે શ્રીહરિ ! તમારા નિવાસને કારણે આ ગઢપુર નગર પૃથ્વી પર સકલ તીર્થો કરતાં પણ અધિક સર્વોત્તમ જયકારી પ્રવર્તે છે. કારણ કે અન્ય તીર્થોમાં જે સો સો સાધનોએ પણ મળવી દુર્લભ છે. એવી મુક્તિ તમારે આશરે રહેલી હોવાથી અહીં તે નિરંતર નિવાસ કરીને રહેલી છે તેથી મહા સુલભ છે.૫૫ 

અને વળી તમે આલોકમાં અમારૂં કુમતિરૂપ અસત્ સંપ્રદાયરૂપી મહાઘોર જંગલથકી અને ભયંકર યુવાની થકી રક્ષણ કર્યું છે, સકલ ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનાર રસનારૂપી વીંછીના ડંખથકી રક્ષણ કર્યું છે, લોભરૂપી ભયંકર વાઘ, ચિત્તા આદિ ભયંકર પ્રાણીઓથી, બહુ પ્રકારના રાગ, દ્વેષ, ઉદ્વેગ આદિ આપત્તિઓથી તથા પ્રચુર સમૃદ્ધિથી, વારંવાર રક્ષણ કર્યું છે. જેથી ઉપરોક્ત કોઇ અમને પરાભવ કરી શક્યા નથી. એવી સર્વ સુખમય વૃત્તિનું તમે અમને પ્રદાન કર્યું છે.૫૬ 

હે મુનિપતિ ! પ્રબલ સંશયોરૂપી શલ્યોથી, ધર્મ ભ્રષ્ટ દુષ્ટપુરુષોના પ્રસંગથી, ધન તથા યુવાની આદિના મદરૂપી કાળા સર્પથી, માયિક વાસનાથી, દૂષિત અંતઃકરણથી તથા કામરૂપી મહાઅજગરથી, માનરૂપી મોટા રાક્ષસથી તમે અમારૂં રક્ષણ કર્યું છે.પ૭ 

હે યતિપતિ ! અશુભ વાસનાથી, ક્રોધરૂપી દાવાનળથી, જન્મમરણના ભયથી, પાપરૂપ દુષ્ટનીતિથી, મદ્યરૂપી હળાહળ ઝેરથી, અનેક પ્રકારના માંસભક્ષણથી કરૂણા કરી તમે અમારૂં રક્ષણ કર્યું છે.૫૮ 

જો તમે રક્ષા ન કરી હોત તો અમે કેવી રાક્ષસીવૃત્તિમાં જીવતા હોત ? માટે હે ભગવાન ! તમે કરૂણા કરીને વિષયરૂપી મહાસાગરથી રક્ષણ કર્યું છે, તે જ પ્રમાણે હવે તમારા ચરણકમળમાં અનુરાગ પ્રાપ્ત થતાં જે કોઇ અંતરાયો વિઘ્ન કરતા હોય તે થકી પણ સતત અમારૂં રક્ષણ કરો. એવી અમારી પ્રાર્થના છે.૫૯ 

હે નાથ ! અમારૂં મન તમારા ચરણ સિવાય અન્ય કોઇ પણ પદાર્થમાં ક્યારેય પણ જાય નહિ, એવી અમારી પ્રાર્થના છે. પોતાના ભક્તજનોનું સદાય પ્રિય કરનાર, સર્વ ઇશ્વરોના પણ ઇશ્વર એવા તમારા ચરણમાં વારંવાર પ્રાર્થના કરીએ છીએ.૬૦ 

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે પોતાની ચરણસેવિકા સ્ત્રીઓએ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી તેથી અતિશય પ્રસન્ન થયેલા ભક્તપતિ ભગવાન જયાબા આદિ સમસ્ત સ્ત્રીભક્તોને અભયવરદાન આપતા કહેવા લાગ્યા કે, હે ભક્તો ! તમારા સર્વના હૃદયમાં જે મનોરથ વર્તે છે તે પૂર્ણ થશે, એમાં તમારે કોઇ સંશય કરવો નહિ.૬૧-૬૨ 

હે અબળાઓ ! દેહ કે દેહનાં માતા-પિતા આદિ સંબંધીઓ તથા અન્ય પદાર્થોમાંથી સ્નેહનું બંધન તોડવું તે યોગીજનોને માટે પણ દુષ્કર છે. તે બંધન તમે તોડીને મારે વિષે જોડાયાં છો અને મારૂં ભજન સ્મરણ કરો છો તેથી તમારા મનનો મનોરથ ચોક્કસ પૂર્ણ થશે. એમાં કોઇ સંશય નથી.૬૩ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે અનેક પ્રકારનાં મધુર વચનોથી તેઓને સંતોષ પમાડતા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને નિર્દોષ તે સર્વે જયાબા આદિ વનિતાઓ ભગવાન શ્રીહરિના જ એક સ્વરૂપમાં ચિત્ત રાખી તેમને પ્રશ્નો પૂછવા લાગ્યાં.૬૪ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર દુર્ગપુરવાસી જયાબા આદિ સ્ત્રીનાં મંડળોએ કરેલી શ્રીહરિની સ્તુતિનું નિરૂપણ કર્યું, એ નામે તેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૩--