અધ્યાય - ૫૦ - દશમની રાત્રે શ્રીહરિએ પાર્ષદોને ભોજન કરાવ્યું.

દશમની રાત્રે શ્રીહરિએ પાર્ષદોને ભોજન કરાવ્યું.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વડતાલપુરવાસી દયાળજી, વનમાલી વગેરે બ્રાહ્મણ ભક્તજનો શ્રીહરિ તથા સંતો, પાર્ષદોની સેવામાં તત્પર થયા.૧ 

તેમજ જોબનપગી, સુંદરપગી, જુસોપગી, તખોપગી, બાદર, અને ખોડો વિગેરે ક્ષત્રિય શૂરવીર ભક્તો પણ શ્રીહરિની અનુરાગથી સેવા કરવા લાગ્યા.૨ 

તથા વૈશ્યોમાં કુબેર પટેલ, રણછોડ, મૂળજી, ભયજી આદિ ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા તથા ગોસ્વામી નારાયણગિરિ પણ સેવા કરવા લાગ્યા.૩ 

અને બહેનોમાં રળિયાતા, જીતા નામની બે સ્ત્રીઓ, માની, રમા આદિ સ્ત્રી ભક્તો પણ શ્રીહરિની સેવામાં તત્પર થઈ.૪ 

પછી પ્રસન્ન થયેલા શ્રીહરિ બીજે દિવસે એકાદશીનો ઉપવાસ હોવાથી સોમલાખાચર આદિ પાર્ષદોને ભોજન કરાવવાની ઇચ્છાથી તેમને કહેવા લાગ્યા કે, હે સોમ ! હે સુરા ! હે ખટ્વાંગ ! હે માંત્રિક ! હે અલર્ક ! હે મૂળજી ! તમારે જો સાંજનું ભોજન સ્વીકારવાની ઇચ્છા હોય તો જલ્દી કહેજો.૫-૬ 

કારણ કે, આવતી કાલે ધાત્રિકા એકાદશી છે. તેથી નારાયણ એવા મારા આશ્રિત ભક્તજનોએ ભગવાનની પ્રસાદીનું અન્ન પણ જમવું નહિ.૭ 

આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તે વચન સાંભળી સોમલાખાચર આદિક પાર્ષદો એક બીજાના મુખ સામે જોવા લાગ્યા ને ઉપવાસ કરવાની આવશ્યકતા હોવાથી શ્રીહરિને કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! માર્ગમાં પિપળાવ ગામે લાડુ જમ્યા છીએ તેથી અત્યારે ઉદરમાં ભૂખ જણાતી નથી, છતાં પણ અમારે તમારૂં વચન પાળવું જોઇએ. તેથી અત્યારે અમે કાંઇક ભોજન કરીશું.૮-૧૦ 

હે પ્રભુ ! તમારા હાથની પ્રસાદીનું માહાત્મ્ય અમે એકાદશી કરતાં પણ અધિક જાણીએ છીએ, છતાં પણ સદ્ધર્મ પ્રવર્તક એવા તમારી પ્રસન્નતા માટે આવતી કાલે એકાદશીનો ઉપવાસ કરીશું.૧૧ 

આ પ્રમાણે સોમલાખાચરનું વચન સાંભળી તેમના અંતરના અભિપ્રાયને જાણતા શ્રીહરિ હસતા હસતા સિંહાસન ઉપરથી ઊભા થયા ને કહેવા લાગ્યા કે, અહીં કોઇ વડતાલપુરવાસી ભક્તજનો છે ?૧૨ 

તે સમયે કુબેર પટેલ બે હાથ જોડી શ્રીહરિને કહેવા લાગ્યા કે હે ભગવાન ! આપનો ચરણ સેવક અહીં હાજર છે, બસ આજ્ઞા કરો.૧૩ 

તેથી શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે તમે અહીં રસોઇ તૈયાર કરાવી છે કે નહિં ? ત્યારે કુબેરજીએ કહ્યું, હા મહારાજ ! અહીં રાયણના વૃક્ષ નીચે પાકશાળામાં રસોઇ તૈયાર કરીને જ રાખી છે.¬૧૪ 

અને જલ્દી રસોઇ તૈયાર કરનારા ગણેશ, જયરામ આદિ વિપ્રભક્તોએ બહુ સાકર મિશ્રિત ઘીના લાડુઓ તૈયાર કરીને રાખ્યા છે. રાંધેલો ભાત, તુવેરની દાળ, ફૂલવડી, કઢી તેમજ અન્ય પ્રકારનાં શાકો પણ તૈયાર કરીને રાખ્યાં છે.૧૫-૧૬ 

આ પ્રમાણે કુબેરજી પટેલનું વચન સાંભળી શ્રીહરિ તત્કાળ પાકશાળામાં જઇ રસોઇનું નિરિક્ષણ કરી, મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા હાથની પ્રસાદીનું માહાત્મ્ય જાણતા પાર્ષદો તથા સંતોને આટલી રસોઇ પ્રર્યાપ્ત નથી.૧૭-૧૮ 

તેથી જોબનપગીના કાનમાં કહ્યું કે, હે જોબનપગી ! પુરમાંથી તૈયાર પેંડા કે ઘી આદિક જે કાંઇ હોય તે જલદીથી લાવો.૧૯ 

તેથી તરત જ સેવકોની સાથે જોબનપગી પુરમાં જઇને કંદોઇની દુકાનેથી પેંડાનાં પાત્રો લાવીને શ્રીહરિની સમીપે મૂક્યાં.૨૦ 

તે સમયે સુરતના ભાલચંદ્ર શેઠ આદિ ભક્તોએ જોયું કે ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવાનો આ અવશર અમૂલ્ય છે. તેથી બરફી અને પેંડાનાં પાત્રો ખભે ઉપાડી લાવી શ્રીહરિની સમીપે મૂક્યાં.૨૧ 

હે રાજન્ ! સુરતના ભક્તજનોની તે સમયોચિત કરાયેલી સેવા કરેલી જોઇ મંદ મંદ હાસ્ય કરતા શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને ભાલચંદ્ર વિગેરે સુરતના ભક્તોની ખૂબજ પ્રશંસા કરવા લાગ્યા.૨૨ 

ત્યારપછી મથુરાપુર નિવાસી ભક્તજનો પણ તત્કાળ ત્યાં આવ્યા ને શ્રીહરિની સાથે બહુ પરિચય ન હોવાથી ભય પામતા થકા, શ્રીહરિના ચરણમાં પેંડાનો પર્વત રચી દીધો.૨૩ 

તેથી અતિશય પ્રસન્ન થયેલા શ્રીનારાયણમુનિ પાર્ષદોને બોલાવ્યા ને કહ્યું કે તમે યથાયોગ્ય પંક્તિબદ્ધ ભોજન કરવા અહીંજ બેસી જાઓ.૨૪ 

ત્યારે સર્વે પાર્ષદો હાથ, પગ, મુખ ધોઇને શ્રીહરિની આજ્ઞા પ્રમાણે પંક્તિબદ્ધ બેસી ગયા, ત્યારે શ્રીહરિએ વિચાર્યું કે, સંતોની પંક્તિ પહેલી કરવી જોઇએ. તેથી પોતાની સાથે પધારેલા તથા દેશાંતરમાંથી પધારેલા સંતોને ભોજન માટે તત્કાળ બોલાવ્યા.૨૫ 

ત્યારે સંતો શ્રીહરિના આમંત્રણથી અતિશય પ્રસન્ન થયેલા હાથ, પગ, મુખ ધોઇને પોતાનાં પાત્રો લઇને હસતા અને શ્રીહરિનું દર્શન કરતા ભોજન સ્વીકારવા માટે આવ્યા.૨૬ 

ત્યારે ગર્વ રહિત એવા મુકુન્દ બ્રહ્મચારી શ્રીહરિને નમસ્કાર કરતા સર્વે સંતોને યથાયોગ્ય પોતપોતાનાં સ્થાને બેસાડતા હતા.૨૭ 

તેમજ સુત, માગધ, ગાયકવૃંદ, બંદીજનો વગેરે પણ શ્રીહરિની આજ્ઞા થતાં જમવા બેઠા.૨૮ 

ત્યાં ભોજનશાળામાં હજારો દીવાઓ મૂકવામાં આવ્યા હતા. અને સંતો ભોજન કરતા હતા તેનાં દર્શન કરવા માટે ચારે બાજુ જાણે કિલ્લો રચાયો હોય તેમ ભક્તજનો ઊભા હતા.૨૯ 

મર્યાદા પ્રમાણે સર્વે ભોજન કરવા બેસી ગયા ત્યારે શ્રીહરિએ પીરસવાની આજ્ઞા આપી ત્યારે સેંકડો ચતુર બ્રાહ્મણો કેડમાં દૃઢ કછોટા બાંધીને સંતો તથા શ્રીહરિની પ્રસન્નતાને માટે ક્ષણવારમાં પીરસવા લાગી ગયા.૩૦-૩૧ 

બ્રાહ્મણોએ પ્રથમ પત્રાવલી અને પડીયા અર્પણ કર્યા, પછી જળની ગાગરો ગ્રહણ કરીને કમંડલુ વિગેરે જલપાત્રો ભરી દીધાં.૩૨ 

પછી ક્રમ પ્રમાણે અને પાત્રમાં એક બીજા પદાર્થોનો સ્પર્શ થાય નહિ તે રીતે પીરસવા લાગ્યા.૩૩ 

તે સમયે ગુજરાતની પીરસવાની ચતુરાઇ નિહાળી પશ્ચિમદેશના જનો હસવા લાગ્યા કે, આવી રીતે જુદું જુદું પીરસવાનું આપણા દેશમાં કોઇને આવડતું નથી. તેમજ દક્ષિણ દેશના ભક્તજનો પણ પ્રશંસા કરવા લાગ્યા.૩૪ 

પછી પંક્તિમાં શાક, પેંડા, લાડુ, વગેરે પદાર્થો પાત્રમાં એક બીજાનો સ્પર્શ ન થાય તેવી રીતે પીરસાઇ ગયા.૩૫ 

સર્વેને સર્વે પદાર્થો પીરસાઈ ગયાં છે, તે જોઈ પછી સંતો-ભક્તોને ભોજન કરવાની આજ્ઞા આપી.૩૬ 

ભોજન જમતા સંતો તથા પાર્ષદોને પોતાનાં દર્શનનું દાન આપવા પંક્તિમાં વિચરણ કરી રહેલા શ્રીહરિ વારંવાર પેંડા અને લાડુ પીરસાવ્યા. સ્વાદિષ્ટ અન્ન જમી તૃપ્ત થયેલા સંતો હજુ પણ પોતાના હાથની પ્રસાદી ઇચ્છે છે એમ જાણી સ્વયં ભગવાન શ્રીહરિ હાથ-પગ ધોઇ પીરસવા પધાર્યા.૩૭-૩૮ 

શ્રીહરિના હસ્તથકી લાડુનો પ્રસાદ વારંવાર પ્રાપ્ત થતો હતો છતાં તૃપ્ત થયેલા સંતો અને પાર્ષદોને કોઇ પણ વસ્તુ અરુચિકર લાગતી ન હતી.૩૯ પછી ભાતમાં ધારાવળી કરીને શ્રીહરિએ ઘી પીરસીને ભોજન કરનારને ભોજનમાં ખૂબ જ રુચિ ઉત્પન્ન થયેલી તે શાંત કરાવી.૪૦ 

ત્યારપછી 'ભોજનને અંતે છાશ જોઈએ' એમ બોલતા પાર્ષદોને છાશના બદલામાં સાકર યુક્ત દૂધનું પાન કરાવ્યું.૪૧ 

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ એટલું બધું દૂધ પીરસ્યું કે પાત્રો છલકાઇને પૃથ્વી પર દૂધની રેલમછેલ થઇ.૪૨ 

પોતાની સામે બેઠેલા સોમલાખાચરનું દૂધ પીવાથી ધોળું થયેલું મુખ જોઇને, અલૈયાખાચર વારંવાર દૂધનું પાન કરતા કરતા ખૂબજ હસવા લાગ્યા.૪૨ 

આમ અતિશય અટહાસ્ય કરતા અલૈયા ખાચરનું પાત્ર પૃથ્વી પર પડી ગયું તેથી ભોજન કરતા પાર્ષદો ખૂબજ હસવા લાગ્યા.૪૪ 

આ પ્રમાણે ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને ખૂબજ આનંદ ઉપજાવી ભોજન કરાવતા હતા. પછી સર્વેને તૃપ્ત થયેલા જાણી પોતાના હસ્તકમળ જળથી શુદ્ધ કર્યાં.૪૫

પછી પોતાના ચરણકમળના સ્પર્શની ઇચ્છાવાળા ભક્તજનો ભીડને કારણે એક બીજા ઉપર પડશે એમ જાણી, શ્રીહરિ તે સ્થાન થકી જવાની ઇચ્છા કરી અને ઉચ્ચ સ્વરે કહ્યું કે, મારાં દર્શન કરવાની અત્યંત ઇચ્છાવાળા ભક્તજનો તથા હે ભોજન કરનારા સંતો પાર્ષદો ! સાંભળો, આજે સૌને પોતપોતાના ઉતારે જવાનું છે. આવતી કાલે જલદીથી પાછા સૌ આવજો.૪૬-૪૭ 

તેમજ હે પીરસનારા અને રાંધનારા ભૂદેવો ! તમે પણ અત્યારે ભોજન કરી લ્યો. આ પ્રમાણે સૌને આજ્ઞા આપી જય સચ્ચિદાનંદ કહીને પોતાના સિંહાસન ઉપર પધાર્યા.૪૮-૪૯ 

હે રાજન્ ! સિંહાસન પાસે જતાં જતાં સંતોને સારી રીતે ભોજન કરતા નિહાળી બહુ આનંદિત થયા. બે હાથ જોડી પોતાનાં દર્શન માટે ઊભેલા નરનારીઓના સમૂહોને શ્રીહરિ અતિશય કરૂણાભરી દૃષ્ટિથી નિહાળી રહ્યા, ડાબો હાથ કેડ ઉપર ધારણ કર્યો અને જમણા હાથે નેતરની સોટી ધારણ કરી ઉતાવળી ગતિએ ચાલતા શ્રીહરિની પાછળ પાર્ષદો દોડી રહ્યા હતા. આવા પ્રકારની શોભાને ધારણ કરતા અખિલ જગતનાગુરુ ભગવાન શ્રીહરિ સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા.૫૦ 

સર્વે પાર્ષદાદિ જનો ભોજન કરી શ્રીહરિનાં દૂરથી વારંવાર દર્શન કરી પોતાના ઉતારે ગયા.૫૧ 

યોગીશ્વર પ્રભુ ઊંચા સિંહાસન પર જ્યારે વિરાજમાન થયા ત્યારે ભરુચપુરથી આવેલો ભક્તોનો સંઘ તત્કાળ ત્યાં આવ્યો તે ભક્તજનોએ અતિશય પ્રેમભાવથી શ્રીહરિને પ્રણામ કર્યા અને શ્રીહરિએ પણ તેમને ખૂબજ આદર આપ્યો. તે સમયે એ ભક્તજનો કેળાં, શેરડી વગેરે જે કાંઇ ભેટ સામગ્રી લાવ્યા હતા તે સર્વે શ્રીહરિના ચરણમાં મૂકી અને શ્રીહરિએ તેમને આવવામાં વિલંબનું કારણ પૂછયું. ત્યારે તે ભક્તોએ કહ્યું કે, હે પ્રભુ ! મહીનદીમાં અમારાં ગાડાંની ધરી ભાંગી ગયેલી તેથી મોડા પડયા. તેમ કહી શ્રીહરિની આજ્ઞાથી ઉતારો કરવા ગયા.૫૨-૫૪ 

અર્પણ કરેલી ભેટરૂપ શેરડી, કેળાં, જામફળ વગેરે પદાર્થોને શ્રીહરિએ પોતાની આગળ સભામાં બેઠેલા વિપ્ર પ્રાગજી પુરાણીને તથા વૃદ્ધાવસ્થાને કારણે આગળ નમી ગયેલા મયારામવિપ્રને તેમજ નાચિકેતાવિપ્રને પૂછયું કે તમને કાંઇ ભોજન કરવાની ઇચ્છા થાય છે કે કેમ ? ત્યારે પ્રાગજી પુરાણી કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! ઉદરમાં ભૂખતો રહેલી છે. છતાં માર્ગના પરિશ્રમની પીડાને કારણે અત્યારે માત્ર જલપાન કરીને શયન કરીશું.૫૫-૫૮ 

હે રાજન્ ! આ પ્રમાણે પુરાણીનું વચન સાંભળી શ્રીહરિ હસતાં તેને કહેવા લાગ્યા કે, હે વિપ્રો ! આવતીકાલે એકાદશીના વ્રતનો ઉપવાસ અવશ્ય કરવાનો છે. એથી તમે ત્રણે જણા આ કેળાં, ઘી અને સાકર મિશ્ર કરી અત્યારે સારી રીતે જમી લ્યો.૫૯ 

ત્યારે પ્રાગજી પુરાણી હસતા હસતા કહેવા લાગ્યા કે, હે કૃપાનાથ ! તમારો સંકલ્પ સત્ય થાઓ.૬૦ 

ભગવાને કેળાં અને સાકર આદિ ઘણું બધું વિપ્રોને અર્પણ કર્યું. ત્યારે વિપ્રો કહે, બસ બસ, આટલું પર્યાપ્ત છે. આ પ્રમાણે વચનોથી અને હાથથી નિષેધ કરતા વિપ્રોને વારંવાર કેળાં તથા બરફી આપી અને છ શેર જેટલો ઘીનો ઘડો તથા દૂધ ભરેલો કળશ અર્પણ કર્યો.૬૧-૬૩ 

ત્યારે ત્રણે વિપ્રો શ્રીહરિને નમસ્કાર કરીને ચાલ્યા, ઉપાડેલા ભારથી નમી ગયેલા ખભાવાળા તે પોતાના ઉતારે આવી ત્રણે ભૂદેવોએ શ્રીહરિએ આપેલાં કેળાં આદિ ફળની મધુરતાનાં વખાણ કરતા કરતા ફલાહાર કરી તૃપ્ત થયા અને ફાંદ ઉપર ડાબો હાથ ફેરવતા કહેવા લાગ્યા કે હંમેશ માટે આવું ફલાહાર પ્રાપ્ત થતું રહો. અને રસોઇ કરવાનો પરિશ્રમ દૂર થાઓ.૬૪-૬૬ 

હે રાજન્ ! શ્રીહરિએ વડતાલપુરમાં પધારેલા સર્વે ભક્તજનોને ખૂબ જ સંતોષ પમાડી પોતાના ઉતારે પધારીને સાયંકાલીન સંધ્યાવંદનાદિ નિત્યકર્મ કરવાની ઇચ્છાથી પોતાના સિંહાસનથી ઉતરી હાથની સંજ્ઞાથી ભક્તજનોને એક બાજુ કરતા કરતા પાર્ષદોની સાથે નિવાસસ્થાને પધાર્યા.૬૭-૬૮ 

ત્યાં ગરમ જળથી સ્નાન કરી, ધોયેલાં શુદ્ધ વસ્ત્રો ધારણ કરી સ્વયં પરમેશ્વર હોવા છતાં સમસ્ત ભક્તોની શિક્ષાને માટે વેદોક્ત વિધિ પ્રમાણે સંધ્યાવંદનાદિ કર્મોનું અનુષ્ઠાન કર્યું.૬૯ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં સર્વેને સાયંકાળનું ભોજન કરાવી તૃપ્ત કર્યાનું નિરૂપણ કર્યું, એ નામે પચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૫૦--