સુવ્રતમુનિ કહેછે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિએ સર્વતોભદ્રમંડળમાં સ્થાપન કરેલા શ્રીકૃષ્ણ ભગવાનનું ઉત્તર પૂજન કર્યું. અને તે સુવર્ણની મૂર્તિનું ઉત્તમ એવા શિવયાજ્ઞિાક વિપ્રને અર્પણ કરી અને સેંકડો ને હજારો બ્રાહ્મણોને રાજી કરવા ઘી સાકરનાં ભક્ષ્યાદિ ભોજન કરાવ્યાં. અને સંતોને પણ દશમની રાત્રીની જેમ સુખપૂર્વક જમાડયા, પછી સ્વયં શ્રીહરિ પોતાના નિવાસ સ્થાને રસોઇ કરવાનો પ્રારંભ કર્યો.૧-૩
તે સમયે રામપ્રતાપભાઇ અને ઇચ્છારામભાઇ પોતાની પત્નીઓ (સુવાસિની અને વરીયાળીની) સાથે શ્રીહરિની સમીપે આવ્યા, અને વિનયપૂર્વક બહુ પ્રકારે પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે, હે નીલકંઠવર્ણી ! અત્યાર સુધી તો અમારી સમીપનો અભાવ હોવાથી સ્વયં રસોઇ તૈયાર કરતા, એ ધર્મનિષ્ઠ એવા તમારા માટે યોગ્ય જ હતું.૪-૫
પરંતુ અત્યારે તો પરિવારે સહિત અમે સર્વે તમારે શરણે આવેલા છીએ. અને જીવનપર્યંત તમારી સમીપે રહેશું. ૬
તેથી અમે કરેલી રસોઇ તમે જમવા પધારો. તમારી સેવાથી અમે કૃતાર્થ થઇશું, બીજા તપ આદિના અનુષ્ઠાનથી તમને રાજી કરે છે. તેમ અમારૂં આ તમને રાજી કરવાનું તપ જાણશું.૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે બન્ને ભાઇઓનાં વચનો સાંભળી કૃપાનિધિ ભગવાન શ્રીહરિએ પોતાને વિષે બન્ને ભાઇઓનો નિષ્કપટ ભાવ જોયો, તેથી તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભાઇઓ ! મારે શરણે રહેલા તમે સન્માન કરવા યોગ્ય છો. તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે હું કરીશ. પરિવારે સહિત તમને મારે વિષે નિષ્કપટભાવ વર્તે છે. તે હું જાણું છું.૮-૯
તમારા બન્નેને મધ્યે એકને ઘેર એક દિવસ ભોજન સ્વીકારીશ. તેથી પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરીને મને ભોજન માટે આમંત્રણ આપવા આવવું.૧૦
અને હરિભક્તો મારા માટે જે કાંઇ કાચું સીધું અર્પણ કરે, તેને તમારે સ્વીકારવું અને તેને શુદ્ધ કરી રસોઇ તૈયાર કરવી.૧૧
આપ્રમાણે શ્રીહરિનું વચન સાંભળી પત્નીએ સહિત બન્ને ભાઇઓ પ્રસન્ન થયા અને ભક્તજનો પણ અતિશય પ્રસન્ન થયા. પછી તે જ બારસના દિવસે રામપ્રતાપભાઇના નિવાસે સુવાસિની ભાભીએ રસોઇ તૈયાર કરી શ્રીહરિને પારણાં કરાવ્યાં.૧૨-૧૩
પછી શ્રીહરિ સર્વ ભક્તોને પોતાનું દર્શન આપવા માટે ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા. તેવામાં આહ્નિક વિધિ પૂર્ણ કરી કેટલાક મનુષ્યોના સમૂહો પોતાનાં દર્શન કરવા આવતા હતા અને જતા હતા.૧૪-૧૫
ભગવાન શ્રીહરિ બ્રહ્મચારીના ધર્મમાં રહેતા હોવાથી લોકોના શિક્ષણને માટે પોતે દિવસની નિદ્રાનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ મનુષ્યોની વિશ્રાંતિને માટે પોતાનાં કપડાનાં તંબુમાં પધાર્યા.૧૬
ત્યાં આસન ઉપર વિરાજમાન થયા ત્યારે સોમલાખાચર, સુરાખાચર આદિ પાર્ષદો તથા મુકુન્દબ્રહ્મચારી આદિક વર્ણિઓ શ્રીહરિના ચરણકમળની સેવા કરવા લાગ્યા.૧૭
પછી બપોર નમતે શ્રીહરિ પાર્ષદોની સાથે ઊંચા સિંહાસન પર આવીને પુનઃ વિરાજમાન થયા, ત્યારે સંતો-ભક્તો તથા ગાયકવૃંદ અને સ્ત્રીઓ જલ્દીથી સભામાં આવી યથાયોગ્ય સ્થાને બેઠા.૧૮-૧૯
સભાની ચારે તરફ પોતાની કૃપાદૃષ્ટિના અવલોકનથી સભામાં બેઠેલા સર્વે ભક્તજનોને સંતોષ પમાડીને સિંહાસન પર વિરાજમાન થયેલા શ્રીહરિને પ્રણામ કરીને કુબેરજી વગેરે પુરવાસી ભક્તજનો પૂછવા લાગ્યા કે, હે શ્રીહરિ ! શ્રીનરનારાયણ ભગવાનનો ફૂલડોલોત્સવ આપણે અહીં ક્યારે ઉજવવાનો છે ? એ અમને જણાવો. જેથી તે ઉત્સવને ઉચિત સામગ્રી અમે ભેળી કરવા લાગીએ.૨૦-૨૧
ફૂલદોલોત્સવ શા માટે ? :- ભગવાન શ્રી નારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! સ્વયંભૂ મન્વન્તરમાં ફાગણમાસની પૂર્ણિમાની તિથિએ અર્યમા દેવતા સંબંધી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન શ્રીનરનારાયણનો પ્રાદુર્ભાવ થયેલો છે.૨૨
તેમના જન્મસમયે જ બ્રહ્માદિ દેવતાઓએ તેમને દિવ્ય ફૂલોના હિંડોળામાં પધરાવી ઝુલાવેલા તે દિવસથી આરંભીને આ ફૂલડોલોત્સવ પૃથ્વીપર વિખ્યાત થયો છે.૩
જે દિવસે ભગવાનનો પ્રાદુર્ભાવ બાળક આદિકના ક્રમથી થયો હોય તે દિવસે જન્મોત્સવમાં તિથિનું પ્રધાનપણું ગ્રહણ કરવું. અને બીજી રીતે એકાએક કિશોર સ્વરૂપે પ્રાદુર્ભાવ પામ્યા હોય તો નક્ષત્રનું પ્રધાનપણું ગ્રહણ કરવું.૨૪
હે ભક્તજનો ! શ્રીનરનારાયણ ભગવાન આપણા પૂજ્યદેવ છે. તે નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ છે. ભગવાન સાક્ષાત્ સોળવર્ષની કિશોર અવસ્થાએ ધર્મદેવ થકી મૂર્તિદેવીને વિષે પ્રગટ થયા છે. એવું શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે.૨૫
તેથી આ નક્ષત્ર-પ્રધાન વ્રત છે. તે વ્રતમાં સૂર્યોદય સ્પર્શી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર જે દિવસે હોય તે જ દિવસે મારા આશ્રિત સર્વે ભક્તજનોએ ફૂલદોલોત્સવ ઉજવવો.૨૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કુબેરજી આદિ ભક્તજનોને કહીને ભગવાન શ્રીહરિએ પોતાની આગળ જ બેઠેલા જ્યોતિષજ્ઞા મયારામ વિપ્રને ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ક્યારે છે ? એમ પૂછયું.૨૭
ત્યારે વિપ્ર તે જ ક્ષણે પોતાની પાઘમાંથી પંચાગપત્ર કાઢીને જોવા લાગ્યા ને આ નક્ષત્ર ફાગણવદ પડવાને દિવસે છે. એમ શ્રીહરિને કહ્યું.૨૮
તે સાંભળી શ્રીહરિ કુબેરજી વગેરે ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, શ્રીનરનારાયણ ભગવાનનો પ્રાગટય મહોત્સવ પડવાને દિવસે ઉજવવાનો છે. આ પ્રમાણે શ્રીહરિની વાત સાંભળી કુબેર આદિ ભક્તજનો સામગ્રી ભેળી કરવા વડતાલપુરમાં ગયા.૨૯
હે રાજન્ ! ત્યારપછી અન્યદેશથી આવેલા હજારો સત્સંગીઓ શ્રીહરિની સમીપે પધારી, નમસ્કાર કરી, પોતાના ઉતારે ભોજન કરવા પધારવાની અલગ અલગ પ્રાર્થના કરવા લાગ્યા કે, હે પ્રભુ ! તમે સમગ્ર સંતો, પાર્ષદો તથા બ્રહ્મચારી આદિ બ્રાહ્મણોની સાથે અમારા નિવાસસ્થાને ભોજન કરવા માટે કાલ અથવા પરમ દિવસે જ્યારે સાનુકૂળ હોય ત્યારે પધારો.૩૦-૩૧
ત્યારે શ્રીહરિ હસતાં હસતાં કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! મારૂં વચન સાંભળો. સંતોએ સહિત મારામાં તમારો ભક્તિભાવ જોઇ હું ખૂબજ પ્રસન્ન થયો છું. છતાં અલગ અલગ નિવાસસ્થાને ભોજન માટે બોલાવવાનો આગ્રહ ન કરશો.૩૨-૩૩
કારણ કે, એક એક દિવસે એક એક સત્સંગીના નિવાસે જો ભોજન કરવા જઇએ તો તમો તો લાખોની સંખ્યામાં છો, તેથી સો વર્ષે પણ એ કામ પૂર્ણ થાય તેમ નથી. માટે એક એક ઘરે ભોજન કરવું શક્ય નથી.૩૪
તેથી હે ભક્તજનો ! એક એક દેશના સત્સંગીઓ ભેળા મળીને એક એક દિવસે અલગ અલગ રસોઇ તૈયાર કરી સંતોને જમાડો.૩૫
મધુર રસ સભર ભક્ષ્યાદિ ચાર પ્રકારનાં ભોજનોથી સંતો તૃપ્ત થશે, તો તેનાથી હું પણ તૃપ્ત થઇશ. આ વાત તમે નિશ્ચે સત્ય જાણો.૩૬
જો તમને સાક્ષાત્ મને જ ભોજન કરાવવાની ઇચ્છા હોય તો શુદ્ધ કરેલું કાચું સીધું આ અમારા ભાઇઓના નિવાસસ્થાને અર્પણ કરજો.૩૭
આમ કરવાથી પણ તમારા સર્વેના મનોરથો પૂર્ણ થશે. આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તે સાંભળી સર્વે સત્સંગીજનો પોતપોતાના નિવાસસ્થાને પધાર્યા ને શ્રીહરિની આજ્ઞા પ્રમાણે પોતાના સંકલ્પો પૂર્ણ કરવા લાગ્યા.૩૮
હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ સાયંકાળે શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કર્યું તેમજ મુક્તાનંદ સ્વામી આદિ સંતો પાસે કરાવ્યું.૩૯
એકાદશીની રાત્રીએ જાગરણ કરનારા સર્વે ભક્તજનોને બારસની રાત્રીએ પોતપોતાના ઉતારે જવાની આજ્ઞા આપી. તેથી સર્વે નમસ્કાર કરી પોતાના ઉતારે ગયા.૪૦
ભગવાન શ્રીહરિ પણ નિવાસસ્થાને પધારીને મુખ, હસ્ત, ચરણ ધોઇ સંધ્યા ઉપાસનાનો નિત્યવિધિ પૂર્ણ કરીને, સંતોના હિતનું ચિંતવન કરતાં યોગનિદ્રાની સેવાનો અંગીકાર કર્યો.૪૧
તેરસના પ્રાતઃકાળે નિદ્રાનો ત્યાગ કરી નિત્ય વિધિ કર્યો. તેવામાં પુરવાસી કુબેર આદિ ભક્તજનોએ ફુલદોલોત્સવને યોગ્ય સામગ્રી તૈયાર કરી.૪૨
ચૌદશને દિવસે પ્રાતઃકાળે પોતાનો નિત્યવિધિ પૂર્ણ કરીને શ્રીહરિએ કુબેર આદિ ભક્તોની પ્રાર્થનાથી તેઓએ ભેળી કરેલી ઉત્સવની સામગ્રી નિહાળવા પધાર્યા ને ભક્તોને ઉત્સાહ વધે તે રીતે પ્રશંસા કરતા કરતા કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! મારા આશ્રિતોએ લોકમાં કુસંગીઓની જેમ હોળીના દિવસે સ્ત્રી, પુરુષોના ગુહ્ય અંગોના વ્યંજક અપશબ્દોનું ઉચ્ચારણ કરી, કૂતરાં જેવું આચરણ કરવું નહિ. અને ક્યારેય પણ ગધેડાંની સવારી કરવી નહિ. આ પ્રમાણે શ્રીહરિએ ભક્તજનોને હોળી સંબંધી ઉપદેશ કર્યો.૪૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફુલદોલોત્સવ પ્રસંગે ઉત્સવના મુહૂર્તના નિર્ણયનું નિરૂપણ કર્યું, એ નામે છપ્પનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૬--