અધ્યાય - ૫૭ - શ્રીહરિએ ફુલડોલમાં બિરાજેલા શ્રીનરનારાયણ ભગવાનનું પૂજન કરી આરતી કરી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પૂર્ણિમાને દિવસે નિત્યકર્મ થકી પરવારીને ભગવાન શ્રીહરિ ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા, ત્યારે વિનયથી નમ્ર વર્તતા સમગ્ર ભક્તજનોએ શ્રીહરિની સ્તુતિ કરી.૧ 

તેવામાં ઉદાર ભાવનાવાળી મહાભક્તિવાળી વડતાલપુરની હજારો સ્ત્રીઓ ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવી. સ્વાભાવિક લજ્જાથી તેનાં અવયવો નમ્ર જણાતાં હતાં અને હાથમાં ચંદન, પુષ્પ વગેરેનાં પાત્રો ધારણ કર્યાં હતાં.૨ 

હજારો સ્ત્રીઓના અંતરનો શ્રીહરિએ ભક્તિભાવ જોયો તેથી પોતાની પૂજા કરવાની તેઓને આજ્ઞા આપી. તેથી સૌનાં અંતર આનંદથી ઊભરાવા લાગ્યાં અને પોતાના પ્રાણનાથ શ્રીહરિની પ્રેમેયુક્ત થઇ પૂજા કરવા લાગી.૩ 

તેમાં કાશ્મીરી કુંકુમ મિશ્ર કરેલાં સુગંધીમાન ચંદન, ચોખા, અનેક પ્રકારનાં પુષ્પોના હારો, વસ્ત્રો તથા આભૂષણોથી ભગવાન શ્રીહરિની પૂજા કરી.૪ 

ચરણોમાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ફળોથી ભરેલાં પાત્રો સમર્પિત કર્યાં. પ્રેમનાં અશ્રુ વહેવડાવતી તે સ્ત્રીઓ શ્રીહરિને નમસ્કાર કરી ધીરે ધીરે ત્યાંથી વિદાય થતી હતી.૫

આ રીતે ફાગણસુદ પૂનમની રાત્રી વડતાલવાસી સ્ત્રીઓનું પૂજન સ્વીકારવામાં જ વ્યતીત થઇ ગઇ. તેથી ભગવાન શ્રીહરિએ રાત્રીએ થોડીવાર જ યોગનિદ્રાનો સ્વીકાર કર્યો.૬ 

દોઢ પહોર પછી નિદ્રાનો ત્યાગ કરીને, મુકુન્દ બ્રહ્મચારી આદિ પોતાની સેવામાં રહેતા પાર્ષદોને જગાડયા અને બદરિપતિ શ્રીનરનારાયણ ભગવાનની પૂજા કરવા માટે સામગ્રી ભેળી કરવાની આજ્ઞા કરી.૭ 

સ્વયં શ્રીહરિ તત્કાળ સ્નાન કરી નિત્યવિધિ સમાપ્ત કરી, વિધિમાં પ્રવીણ બ્રાહ્મણોને બોલાવ્યા, અને શ્રીનરનારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમાનું પૂર્વની માફક પૂજન કરવા લાગ્યા.૮ 

આવાહનાદિ ષોડશોપચારોથી ભક્તિભાવપૂર્વક શ્રીનરનારાયણ ભગવાનની પૂજા કરીને વંદન કર્યા.૯ 

પછી તત્કાળ તૈયાર કરાવેલા અનેક સ્તંભોથી શોભતા દિવ્ય સુમનોહર મંડપમાં સુવર્ણનો હિંડોળો બંધાવ્યો.૧૦ 

પાંચ પ્રકારના મણિઓની પંક્તિથી શોભતા સુવર્ણના હિંડોળામાં બદરિપતિ શ્રીનરનારાયણ ભગવાનને પધરાવી શ્રીહરિએ નમસ્કાર કરી ફરી પૂજન કર્યું.૧૧ 

તેમાં કસ્તૂરી કેસર અને કપૂર મિશ્રિત ચંદન શ્રીનરનારાયણ ભગવાનને શ્રીહરિએ અર્પણ કર્યું.૧૨ 

અને અનેક પ્રકારના પુષ્પોના હાર ધારણ કરાવ્યા. પછી મહાનૈવેદ્યમાં દૂધપાક, બોરડીનાં ફળ વગેરે અર્પણ કર્યાં. પછી એક ઘડી સુધી ઝુલાવી મહા આરતી કરવા લાગ્યા.૧૩ 

ત્યારે શ્રીહરિએ પ્રકાશમાન મોતીઓથી રચેલા કળશના મધ્યે કપૂરના દીવડાને સુવર્ણના પાત્રમાં સ્થાપન કર્યો. પછી તે દીપપાત્રને હાથમાં ધારણ કરી શ્રી વિશાલેશ્વર ભગવાન શ્રીનરનારાયણની સન્મુખ ઊભા રહી ધ્યાન ધરી રહ્યા હોય તેમ શ્રીહરિ આરતીના સુવર્ણપાત્રને ધીરે ધીરે ઊંચે નીચે ગોળાકાર ફેરવવા લાગ્યા ને પોતાના હસ્તના વિલાસથી ભક્તજનોના હૃદયને પોતાની મૂર્તિમાં આકર્ષણ ઉપજાવવા લાગ્યા. તે સમયે પૃથ્વી પર અને આકાશમાં અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં.૧૪-૧૫ 

તે ધ્વનિ સાંભળી દેશાંતરવાસી ભક્તજનો પોતાનો આહ્નિકવિધિ સમાપ્ત કરી, અતિ ઉત્સાહમાં તત્કાળ દર્શન કરવા આવ્યા.૧૬ 

સાથે સુગંધીમાન ચંદન, પુષ્પોના હારો આદિ અનેક પ્રકારના પૂજાનાં દ્રવ્યો પાત્રોમાં ભરીને લાવ્યા.૧૭ 

અનેક પ્રકારની ભેટો પણ પાત્રોમાં ગ્રહણ કરી પોતપોતાના ગામના લોકો ભેળા મળીને અનેક પ્રકારનાં વાજિંત્રો વગાડતા વગાડતા અતિશય હર્ષની સાથે શ્રીહરિના મંગળ ગીતોનું ગાન કરતા ત્યાં આવ્યા.૧૮-૧૯ 

મંડપમાં વાજિંત્રના ધ્વનિ સાથે જયજયકારનો ધ્વનિ કરવા લાગ્યા. તે જયઘોષ અન્ય લાખો મનુષ્યોની તાલીના ધ્વનિ સાથે એક થઇ મહાધ્વનિરૂપ દશે દિશાઓમાં વ્યાપી ગયો.૨૦-૨૧ 

તે સમયે હિંડોળાની સમીપમાં રહેલા પાર્ષદો રૂપાનાં પાત્રોમાંથી ગુલાલના મુઠાઓ ભરી ભરી ઊંચે ઉડાળવા લાગ્યા.૨૨ 

તે જોઇ આકાશમાં રહેલા બ્રહ્માદિ દેવતાઓ અતિશય વિસ્મય પામી પુષ્પવૃષ્ટિ કરી દુંદુભી આદિક અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ કરવા લાગ્યા.૨૩ 

હે રાજન્ ! સર્વે સંતો ભગવાન શ્રીહરિની સ્તુતિ ગાવવા લાગ્યા અને ગાંધર્વો ગાન કરવા લાગ્યા.૨૪ 

અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને સર્વે દેવતાઓ જયજયકારનો ધ્વનિ કરવા લાગ્યા. આ પ્રમાણે આરતીના સમયે સમગ્ર બ્રહ્માંડમાં મહા મહોત્સવ થવા લાગ્યો, શ્રીહરિ ભારતવર્ષના અધિષ્ઠાતા ભગવાન શ્રીનરનારાયણદેવની આરતી ઉતારતાં આ પ્રમાણે બોલવા લાગ્યા.૨૫ 

શ્રીનરનારાયણ ભગવાનની આરતી :- હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ. હે સકલ મંગલ વસ્તુઓના આશ્રયધામ ! હે નારાયણ ! હે પુરુષોત્તમ ! હે નરસખા ! હે સમગ્ર જીવોના અંતર્યામી આત્મા ! હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ.સૂર્ય સમાન દેદીપ્યમાન તેથીજ અનેક પ્રકારના મહામૂલ્ય મણિઓ જડિત આભૂષણોનાં ચારે તરફ પ્રસરતાં કિરણોથી પ્રકાશમાન, તેમજ મંડપની મધ્યે સ્થાપન કરેલા ચળકતા રત્ન સિંહાસનરૂપ હિંડોળામાં સુર, નર આદિ સર્વે પરિવાર જનોની સાથે વિરાજમાન, એવા હું તમને નમસ્કાર કરૂં છું. હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ.૨૬ 

હે દેવ ! તમને હું વંદન કરું છું. સુંદર જડેલા શ્રેષ્ઠ હીરાઓથી મનોહર, મકરાકૃત કુંડળને કાનમાં ધારણ કર્યાં છે, રત્નજડીત મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો છે, ચંચળ નેત્રોવડે સર્વ ભક્તજનોને સુખી કર્યા છે, એવા હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ.૨૭ 

સુવર્ણના સૂત્રોથી પ્રકાશમાન વસ્ત્રના દુપટ્ટાને કંઠમાં હારની પેઠે ધારણ કર્યાં છે, બન્ને હાથમાં કડાં અને બાજુબંધ ધારણ કર્યાં છે, પોતાના ભક્તજનોના મનને રમણ કરવાના સ્થાનભૂત, અનેક પ્રકારના પુષ્પોના હારથી શોભી રહેલા હૃદયકમળવાળા તથા સર્વ ભક્તજનોને સુખ આપનારા, આપના સ્વરૂપમાં મારું મન સદાય સંલગ્ન થઇ રમતું રહે. એવા હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ.૨૮ 

હે દેવ ! તમારાં બન્ને ચરણકમળ ઝાંઝરથી શોભી રહ્યાં છે. જમણા હસ્તમાં ઉત્તમ પદ્મ ધારણ કરેલું છે. મંદમંદ હાસ્યથી ચંદ્રમાની ચંદ્રિકા જેવી, ધવલ કાંતિ જેવી, દંતપંક્તિની શ્વેતકાંતિ ચારે તરફ પ્રસરી રહી છે, તમે અનુપમ સ્વરૂપ છો, તમે સમર્થ છો, એવા તમારા સ્વરૂપનું હું મારા હૃદયમાં સતત ધ્યાન કરું છું. તમે ઘરનો ત્યાગ કરી નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મમાં વર્તતા પોતાના સેવક એવા મારું સદાય રક્ષણ કરો છો, એવા હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ.૨૯ 

હે નારાયણ ! હે બદરીશ્વર ! હે દિવ્યમૂર્તિ ! હે દયાસિન્ધુ ! તમે સર્વના અધિપતિ છો, સકલ આત્માઓના આધાર છો, તમે સુર, નર, અને મુનિજનોનું રક્ષણ કરનારા છો, સર્વના પોષક એક તમે છો, તેથી સકલ ઐશ્વર્યના સ્વામી પણ એક તમે જ છો, આવો લાંબો વિચાર કરીને હું એક તમારે શરણે આવ્યો છું. મારો ભવસાગરથકી ઉદ્ધાર કરનારા એવા હે દેવ ! તમારો જય થાઓ, જય થાઓ.૩૦ 

હે રાજન્ ! આ પ્રમાણે ભક્તજનોની શિક્ષાને માટે ભક્તપણાનું નાટય કરતા ભગવાન શ્રીહરિ આરતીના પદનું ગાન કરી ભગવાન શ્રીનરનારાયણ દેવની આરતી ઉતારી, મંત્ર પુષ્પાંજલી અર્પણ કરી, પ્રદક્ષિણા કરી. ફરી ભક્તિભાવથી ભરપૂર શ્રીહરિએ દંડવત્ પ્રણામ કર્યાં. ત્યારપછી બન્ને હાથ જોડી શ્રીનરનારાયણ પ્રભુની સ્તુતિ કરીને અતિશય ઉત્સાહપૂર્વક ભગવાન શ્રીહરિએ શ્રીનરનારાયણ ભગવાનની પ્રાર્થના કરી, ત્યારપછી સર્વે બ્રાહ્મણોની પ્રેમથી પૂજા કરી.૩૧-૩૩ 

પછી વસ્ત્રો, આભૂષણો, રત્નો, ગાયો, પૃથ્વી, સુવર્ણ, હાથી, ઘોડા આદિ અનેક પદાર્થોનું બ્રાહ્મણોને દાન આપી તેમને સંતોષ પમાડયા અને તેમની પૂજાની સમાપ્તિ કરી.૩૪ 

હે રાજન્ ! આલોકમાં શ્રીહરિને બ્રાહ્મણોથી બીજી કોઇ વસ્તુ પ્રિય નથી, સર્વપ્રકારે એક બ્રાહ્મણોજ પ્રિય છે. તેમને માટે અદેય કોઇ પદાર્થ નથી. તેથી ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણોની ઇચ્છાને અનુસારે તેઓને દાન આપી ખૂબજ પ્રસન્ન કર્યા. તેથી શ્રીહરિ ''બ્રહ્મણ્ય દેવ'' એવા નામથી ખૂબજ વિખ્યાતિને પામ્યા.૩૫ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે હીંડોળામાં પધરાવેલા શ્રીનરનારાયણ ભગવાનની પૂજા વિધિ અને આરતીનું નિરૂપણ કર્યું એ નામે સત્તાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૭--