મહાપાપોમાં બ્રહ્મહત્યા આદિક પાંચ પ્રકારના પાપમાં કરેલા પ્રાયશ્ચિતનું નિરૃપણ. બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત. બ્રહ્મહત્યાની સમાન પાતકપાપનાં પ્રાયશ્ચિત. સુરાપાનનું પ્રાયશ્ચિત.સુરાપાનની સમાન પાતકપાપોનાં પ્રાયશ્ચિત. બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરવારૃપ મહાપાપનું પ્રાયશ્ચિત. સુવર્ણની ચોરી સમાન પાતકપાપોનું પ્રાયશ્ચિત. ગુરુગમનની સમાન પાતકપાપોનું પ્રાયશ્ચિત, પાંચમા મહાપાપનું પ્રાયશ્ચિત.
બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત :-
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! જો બ્રાહ્મણ બ્રાહ્મણની અજાણતા હત્યા કરે તો સ્વયં તે થયેલી બ્રહ્મહત્યાના પાપનું નિવારણ કરવા બારવર્ષ પર્યંતનું વ્રત કરે.૧
તે વ્રતનો વિધિ કહીએ છીએ. પોતે જેની હત્યા કરી છે તે બ્રાહ્મણની ખોપરી અથવા બીજા કોઇ મૃત બ્રાહ્મણની ખોપરી પોતે બ્રહ્મહત્યારો છે તેવું સૂચવવા પોતાના હાથમાં ધારણ કરી ફરી દંડના અગ્રભાગમાં બાંધેલી બીજી ખોપરી ધારણ કરવી.ર
આ રીતે દંડ અને ખોપરી એક હાથમાં ધારણ કરી બીજા હાથમાં કોઇ એક ભાગે ખંડિત થયેલા લાલમાટીમાંથી બનાવવામાં આવેલા ભિક્ષા માંગવાના શકોરાને ધારણ કરવું,૩
ત્યારપછી કંબલનાં વસ્ત્રો પહેરી સર્વ ભૂતપ્રાણીમાત્રનું હિત કરવા તત્પર થઇ વનમાં કે ગામની બહાર કુટીર બાંધીને અથવા વૃક્ષ નીચે એકલાએ જ નિવાસ કરવો.૪
વનમાં પાકેલાં ફળાદિકથી અથવા ગામમાંથી ભિક્ષા માગી લાવીને જીવન પસાર કરવું. હું બ્રહ્મહત્યારો છું એમ પોતાના કર્મને પ્રકાશિત કરી સારી ભિક્ષા મેળવવાનો વિચાર કર્યા વિના સાત ઘેરથી ભિક્ષા માગવી.પ
પછી પોતાને સ્થાને આવી એક જ વાર ભોજન લેવું, સદાય જીતેન્દ્રિય થઇ સ્વધર્મમાં રહી, મસ્તક પર જટા ધારણ કરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું.૬
હમેશાં ઠંડા જળથી સ્નાન કરવું, પાપની શુદ્ધિને અર્થે તીર્થોમાં જવું ને સર્વત્ર પોતાના પાપ કર્મનું પ્રકાશન કરવું, આ રીતે બારવર્ષ પર્યંત વ્રત કરવું, આ પ્રમાણે સમય પૂર્ણ થાય ત્યારે તે અજાણતાં થયેલી બ્રહ્મહત્યાથી મૂકાઇ શુદ્ધ થાય છે.૭
ચોર, વાઘ આદિકથી મૃત્યુ થાય, કે બ્રાહ્મણની કે ગાયની રક્ષા કરવા જતાં વચ્ચે મૃત્યુ થાય, તો બાર વર્ષ પૂર્ણ ન થયાં હોય તો પણ બ્રહ્મહત્યાના પાપથકી શુદ્ધ થાય છે.૮
વળી કોઇ રાજા અશ્વમેઘ યજ્ઞાને અંતે ભૂદેવોની સાથે અવભૃથ સ્નાન કરવા જતા હોય તે સમયે ત્યાં જઇ પોતાના બ્રહ્મહત્યાના પાપનું તેઓની આગળ પ્રકાશન કરી, તેઓની સાથે અવભૃથ સ્નાન કરે તો તત્કાળ પાપથકી મુક્ત થઇ શુદ્ધ થાય છે.૯
બ્રહ્મહત્યાના પાપથકી નિવૃત્ત થવા બારવર્ષના વ્રતનો પ્રારંભ કરનાર બ્રાહ્મણ જો કોઇ તીવ્ર રોગથી ઘેરાયેલા બ્રાહ્મણની કે તેવી કોઇ ગાયની ઔષધી કરીને રોગમુક્ત કરે તો જેટલા દિવસ વ્રત કર્યું હોય તેટલા દિવસ માત્રથી જ શુદ્ધ થાય છે.૧૦
પ્રાયશ્ચિતનો પ્રારંભ થયા પછી જો વચ્ચે મૃત્યુ થાય તો આલોક અને પરલોકમાં મૃત્યુના દિવસે જ શુદ્ધ થાય છે.૧૧
સાક્ષાત્ બ્રહ્મહત્યા કરનાર પુરુષ ઉપર અનુગ્રહ કરનારને પણ તે પાપનું પ્રાયશ્ચિત એક પાદ- નવ વર્ષ પર્યંત કરવું, અને તેની પ્રેરણા કરનારને અર્ધું છ વર્ષનું કરવું. અનુમોદન કરનારને સાડાચાર વર્ષનું, પ્રોત્સાહન આપનારને ત્રણ વર્ષનું અને વાણીથી માત્ર બ્રહ્મહત્યા કરી હોય તો તેણે દોઢ વર્ષનું પ્રાયશ્ચિત કરવું.૧ર-૧૩
જો બ્રાહ્મણે માત્ર મનના સંકલ્પથી બ્રહ્મહત્યા કરી હોય તો બાર દિવસનું કરવું અને ત્યારપછી પંચગવ્યનું પાન કરવાથી શુદ્ધ થાય છે.૧૪
વિદ્યા આદિક ગુણ રહિતનો વિપ્ર પણ જ્યારે ઘર ક્ષેત્રાદિકને કારણે કોઇનાથી તિરસ્કાર પામે ને ક્રોધ ચડતાં આત્મહત્યા કરે, તો તેમાં નિમિત્ત થનારે ત્રણ વર્ષ પર્યંત કૃચ્છ્રવ્રત કરવું, અથવા સરસ્વતીની ઉદ્ગમન સ્થાનથી સમુદ્ર પર્યંતની યાત્રા કરવાથી શુદ્ધ થાય છે.૧પ-૧૬
હે શિવરામવિપ્ર ! તમને જે બાર વર્ષનું પ્રાયશ્ચિત કહ્યું તે વિદ્યાદિક ગુણ રહિતના બ્રાહ્મણની હત્યાનું જાણવું. પરંતુ વિદ્યાદિક ગુણવાળા બ્રાહ્મણની હત્યામાં તો બમણું પ્રાયશ્ચિત કરવું અને તેમાં પણ જો કોઇ આચાર્ય કે શ્રોત્રિય બ્રાહ્મણની હત્યા થાય તો ત્રણ કે ચારગણું પ્રાયશ્ચિત કરવું.૧૭
બમણું કરવા અસમર્થ બ્રાહ્મણે પ્રથમ બાર વર્ષનું પ્રાયશ્ચિત કરીને બીજા બાર વર્ષના નિમિત્તે સત્પાત્ર બ્રાહ્મણને એક હજાર ગાયનું દાન કરવું.૧૮
જો ક્ષત્રિય અથવા વૈશ્યે અજાણતા બ્રહ્મહત્યા કરી હોય તો ક્ષત્રિયે બમણું અને વૈશ્યે ત્રણગણું કરવું.૧૯
તેવી જ રીતે કોઇ પણ પ્રાયશ્ચિત બ્રહ્મચારીઓને બમણું, વાનપ્રસ્થીઓને ત્રણગણું અને સંન્યાસીઓને ચારગણું પ્રાયશ્ચિત કરવું.૨૦
બ્રહ્મહત્યાની સમાન પાતકપાપનાં પ્રાયશ્ચિત :- હે વિપ્ર ! પિતા, આચાર્ય આદિક ગુરુજનો ઉપર કોઇ આક્ષેપ નાખી તેનો તિરસ્કાર કરે, નાસ્તિકભાવે વેદની નિંદા કરે, અસત્શાસ્ત્રોના અભ્યાસમાં પડવાથી અભ્યાસ કરેલા વેદને ભૂલી જવા, જેના મસ્તક ઉપર રાજ્યાભિષેક થયો હોય તેવા રાજાનો વધ કરે, યજ્ઞાની દીક્ષા પામેલા ક્ષત્રિય કે વૈશ્યનો વધ કરે, ગર્ભવતી સ્ત્રીનો વધ, અગ્નિહોત્રીની ભાર્યાનો વધ અને રજસ્વલાનો સ્ત્રીનો વધ, તેમજ ઔષધી આદિકથી ગર્ભનો પાત અને શરણાગતનો વધ કરવો, આ સર્વે પાપોને બ્રહ્મહત્યાની સમાન કહેલાં છે, એમ તમે જાણો.ર૧-ર૩
હે વિપ્ર ! બ્રહ્મહત્યાદિ મહાપાપમાં જે પ્રાયશ્ચિત કહેલું છે તે આ મહાપાતક નામનાં સર્વે પાપોમાં અર્ધું કરવાનું જાણવું. હવે તમને બીજા મહાપાપ સુરાપાનનું પ્રાયશ્ચિત કહું છું.૨૪
સુરાપાનનું પ્રાયશ્ચિત :- બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અજાણતાં એકવાર જો સુરાપાન કરે તો તે પુરુષે પ્રાયશ્ચિત આપનાર પરિષદના બ્રાહ્મણો સમક્ષ ભીનાં વસ્ત્રો ધારણ કરી લોખંડના કે તાંબાના પાત્રમાં સુરાને અગ્નિની સમાન તપાવી તે જ પાત્રથી સ્વયં તેનું પાન કરે તેથી તેનું મૃત્યુ થાય ત્યારે તે શુદ્ધ થાય છે.રપ-ર૬
અથવા બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતની પેઠે બાર વર્ષનું વ્રત કરે ને સુરાના ચિહ્નવાળી ધજા અને સુરાના પાત્રને હાથમાં ધારણ કરી પોતાના કર્મનું સર્વની આગળ પ્રકાશન કરે. બાકીનું પૂર્વવત્ વનમાં નિવાસ, તૂટેલા લાલમાટીના શકોરામાં ભિક્ષામાગવી, તીર્થાટન કરવું વગેરે (પૂર્વની પેઠે) જાણવું. આમ કરતાં બાર વર્ષ પૂર્ણ થાય ત્યારે યજ્ઞોપવીત આદિ પુનઃ સંસ્કાર પ્રાપ્ત કરી શુદ્ધ થાય છે.૨૭-૨૮
જો જળના ભ્રમથી સુરાપાન કર્યું હોય તો પીધેલી સુરાનું વમન કરી ત્રણ વર્ષનું વ્રત કરવું. અને અશક્ત પુરુષે એક વર્ષનું વ્રત કરવું.ર૯
જો બ્રાહ્મણ તથા ક્ષત્રિયાદિ દ્વિજ પુરુષો અજાણતાં સુરાનું પાન કરે તો યજ્ઞોપવીતાદિ પુનઃ સંસ્કાર કરવાથી શુદ્ધ થાય છે.એમ પરાશરે કહેલું છે. આ સંસ્કાર ત્રણ વર્ષનું વ્રત કર્યા પછી કરવાના જાણવા. તે વ્રત કહીએ છીએ.૩૦
પ્રતિદિન રાત્રીને વિષે તલનો ખોળ અથવા ચોખાની કણકીનું એકવાર ભક્ષણ કરવાથી શુદ્ધ થાય છે.૩૧
કોઇએ રોગ દૂર કરવા ઔષધીના રૃપમાં સુરા આપી હોય ને તેનું પાન કર્યા પછી ખબર પડે તો એક ચાંદ્રાયણ વ્રત કરવું ને શક્તિ પ્રમાણે દાન કરવું.૩૨ કોઇ પણ દ્વિજાતિ પુરુષ સુરાના પાત્રમાં રહેલું જળ પીએ તો દૂધમાં પકાવેલી બ્રાહ્મી સુવર્ચલાનું બાર દિવસ પાન કરે.૩૩
જો દ્વિજાતિ પુરુષ સાક્ષાત્ સુરાનો ગંધ સૂંઘે તો સાંતપનકૃચ્છ્રવ્રત કરે. અને જો અજાણતાં સૂંઘાઇ જાય તો પ્રાજાપત્ય કૃચ્છવ્રત કરવું.૩૪
સુરાપાનની સમાન પાતકપાપોનાં પ્રાયશ્ચિત :- હવે સુરાપાન સમાન પાપો શું છે ? તે જણાવું છું. નિષેધ કરેલા ડુંગળી લસણ આદિકનું બુધ્ધિપૂર્વક ભક્ષણ કરે. સત્પુરુષોની સાથે કાયા, મન, વાણીથી કુટીલતા કરે, પોતાનો ઉત્કર્ષ બતાવવા અસત્ય ભાષણ કરે, મિત્રનો વધ કરે, કોઇની ખોટી સાક્ષી પૂરે અને રજસ્વલા સ્ત્રીના મુખનું ચુંબન કરે, આ સર્વે સુરાપાનની સમાન પાતકપાપો કહેલાં છે.૩પ-૩૬
આ મહાપાતક તુલ્ય પાપોમાં અર્ધું વ્રત કરવાનું કહેલું છે. વૃદ્ધ અને સ્ત્રીઓને માટે પાપના પ્રાયશ્ચિતનો વિધિ પૂર્વની માફક જ જાણવો.૩૭
બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરવારૃપ મહાપાપનું પ્રાયશ્ચિત :- બ્રાહ્મણની માલિકીનું સોળ માષ જેટલું સુવર્ણ જો ત્રણે વર્ણના જનો કોઇ ચોરે, તો તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ.૩૮
બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરનારે ભીનાં વસ્ત્રો પહેરી, માથાના કેશ છૂટા મૂકી, લોખંડના મૂશળને ધારણ કરી રાજસભામાં જઇ રાજાની આગળ પોતાના દોષને જાહેર કરવો.૩૯
ને ત્યાર પછી ''આ મૂશળથી મને મારો'' એમ રાજાને કહેવું. પછી ધર્મને જાણનારા રાજાએ પણ સ્વયં તે જ મૂશળથી એકવાર તેને પ્રહાર કરવો.૪૦
તે પ્રહારથી તેનું મૃત્યુ થાય તો તેની શુદ્ધિ થાય છે. અને જીવી જાય તો પણ તે શુદ્ધ થાય છે. અથવા બાર વર્ષનું પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ થાય છે. અને જો બ્રાહ્મણ હોય તો રાજાએ પ્રહાર કરવો નહિ.૪૧
જો સુવર્ણ પ્રત્યક્ષ બળાત્કારે ચોર્યું હોય તો તેને સૂચવતા ચિહ્નને માટે કાષ્ઠની તલવાર હાથમાં લઇને ફરવું ને વ્રત કરવું. અને પરોક્ષ રીતે ચોર્યું હોય તો તેને સૂચવતાં ચિહ્નને અંકુશ આકારનું લોખંડનું યંત્ર દોરેલી ધજાને હાથમાં ધારણ કરી વ્રતનું આચરણ કરવું. આ સોળ માષ જેટલા સુવર્ણની ચોરીનું પ્રાયશ્ચિત કહ્યું છે.૪ર
જો તેથી અધિક કે ઓછી ચોરી કરી હોય તો પ્રાયશ્ચિતમાં પણ તારતમ્યભાવ જાણવો, ઓછામાં ઓછું અને વધુમાં વધુ પ્રાયશ્ચિત કરવાનું જાણવું.૪૩
વિદ્વાન વિપ્ર આપત્કાળમાં બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરે તો પૂર્વોક્ત કહેલું વ્રત છ વર્ષ પ્રર્યંત કરવું અથવા છ વર્ષ પર્યંત તીર્થોમાં વિચરણ કરવું. ત્યાર પછી તે ચોરીના પાપથી મુક્ત થાય છે.૪૪
જેણે મનથી બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરી હોય તેણે નિયમમાં તત્પર થઇ અહિંસાદિક વ્રતનું બરાબર પાલન કરતાં બાર દિવસ કેવળ વાયુ ભક્ષણ કરીને રહેવું.૪૫
સુવર્ણની ચોરી સમાન પાતકપાપોનું પ્રાયશ્ચિત :- હવે સુવર્ણની ચોરીની સમાન પાતકપાપો કહું છું. બ્રાહ્મણના દાસ દાસીનું હરણ કરવું બ્રાહ્મણના ઘોડા, ગાય, પૃથ્વી, રત્ન આદિકનું હરણ કરવું તેમજ બ્રાહ્મણને ત્યાં મૂકેલી કોઇ થાપણની વસ્તુ ઓળવી જવી, આ સર્વેને સુવર્ણની ચોરી સમાન પાપો કહેલાં છે. તેનું પ્રાયશ્ચિત મહાપાપના પ્રાયશ્ચિતનું અર્ધું જાણવું.૪૬
ચોથા મહાપાપ-ગુરુસ્ત્રી ગમનનું પ્રાયશ્ચિત :- હે વિપ્ર ! ગુરૃસ્ત્રી ગમન ચોથું મહાપાપ કહેલું છે. સર્વે ગુરૃઓમાં પિતા મુખ્ય કહેલા છે, તેમની બીજી પત્ની પોતાની અપર માતા ગુરૃસ્ત્રી જ મનાયેલી છે.૪૭
બ્રાહ્મણાદિ ચારે વર્ણમાં જન્મેલો પુરુષ જો ગુરૃસ્ત્રીનો એક વખત અંગસંગ કરે તો તેનું પ્રાયશ્ચિત તમને સંભળાવું છું.૪૮
ગુરૃસ્ત્રીનો સંગ કરનાર પુરુષે પોતાના શરીરપરના સર્વે વાળ મુંડાવી આખા શરીરપર ઘીનું લેપન કરી દિગંબર થવું, ને સર્વે જનોની આગળ મેં ગુરુસ્ત્રીનું ગમન કરેલ છે. એમ પોતાના પાપને જાહેર કરી અગ્નિથી તપાવેલી લોખંડની શય્યામાં અગ્નિથી તપાવેલી લોખંડની પુતળીને આલિંગન કરી સૂઇ જવું. આમ કરવાથી તે મૃત્યુ પામે, ત્યારે તેની શુદ્ધિ થાય છે.૪૯-પ૦
અથવા શિશ્નેન્દ્રિય સહિત વૃષણનો ઉચ્છેદ કરી, તેને પોતાના હાથમાં લઇને પાછું વાળીને જોયા વિના નૈઋર્ત્ય દિશામાં ચાલ્યા જવું.પ૧
ચાલતાં ચાલતાં જ્યાં સુધી દિવાલ આદિકનો અંતરાય ન આવે ત્યાં સુધી ચાલવું અને અંતરાય આવે ત્યાર પછી મૃત્યુ ન થાય ત્યાં સુધી ત્યાંજ પડયા રહેવું. આમ મરણ થવાથી તેમની શુદ્ધિ થાય છે.પર
ત્રીજું પ્રાયશ્ચિત એ છે કે, લિંગનું ચિહ્ન દોરેલી ધજાને હાથમાં લઇ પૂર્વની પેઠે બાર વર્ષનું વ્રત કરવું તેથી તેની શુદ્ધિ થાય છે.પ૩
અને અસક્ત એવા પુરુષને માટે મહામુનિ પરાશરે અલ્પ પ્રાયશ્ચિત દેશકાળાનું સાર બતાવેલ છે.પ૪
તેમાં કૃચ્છ્રવ્રત અને પ્રાજાપત્યવ્રત એક વર્ષ કરવું. અથવા ઇન્દ્રિયોને નિયમમાં રાખી ચાંદ્રાયણ વ્રત ત્રણ માસ પર્યંત કરવું.૫૫
ગુરુગમનની સમાન પાતકપાપોનું પ્રાયશ્ચિત :- માતાની બહેન, પિતાની બહેન, પિતાના ભાઇની પત્ની, મામી, મંત્રોપદેશ કરનાર આચાર્યની પત્ની, મિત્રની પત્ની, પોતાના સમાન ગોત્રની સ્ત્રી, ચાંદ્રાયણાદિક વ્રત કરતી સ્ત્રી, સાસુ, સંન્યાસિણી, રાજાની પત્ની, શિષ્યની પત્ની, આચાર્યની પુત્રી, બહેનની સખી, રજસ્વલા સ્ત્રી, પરદેશ ગયેલા પુરૃષની પોતાની પાસે રક્ષણમાટે રાખેલી સ્ત્રી, શરણે આવેલી, બ્રાહ્મણની સ્ત્રી, ઉત્તમજાતિની કોઇ કુંવારી સ્ત્રી, ધવરાવી મોટો કરનાર ધાત્રી અને પોતાનું પોષણ કરતી સ્ત્રી, આ સર્વેની મધ્યે કોઇ પણ એક સ્ત્રીનો સંગ કરવાથી ગુરૃ સ્ત્રીના સંગની સમાન પાપ લાગે છે.૫૬-૫૮
આ ઉપરોક્ત પાપ જો પુરુષ જાણી જોઇને કરે તો લિંગનું છેદન કરવું. અથવા નવ વર્ષ સુધીનું વ્રત કરવું. જો એ પાપ અજાણતા થયું હોય તો છ વર્ષ સુધી વ્રત કરવું.પ૯
હવે અતિપાપ શું છે તેનું પ્રાયશ્ચિત કહું છું. જો પુરુષ પોતાની માતા, બહેન, પુત્રી, પુત્રની પત્નીનું ગમન કરે તેને અતિ પાપ લાગે છે. તેનું પ્રાયશ્ચિત અગ્નિ પ્રવેશ કહ્યો છે.૬૦
પાંચમા મહાપાપનું પ્રાયશ્ચિત :- હવે બ્રહ્મહત્યાદિ ચાર મહાપાપ કરનારા પાપીનો સંગ કરવારૃપ પાંચમુ મહાપાપ અને તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ. જે પુરુષને ભોજન, આસન, શય્યા આદિકના સંસર્ગવડે બ્રહ્મહત્યાદિ ચાર મહાપાપ કરનાર પુરુષનો સંયોગ જો એક વર્ષ પર્યંત થાય તો તે મહાપાતકી કહેવાય છે.૬૧
જેને મહાપાપ કરનારનો સંગ થાય તેને પણ મહાપાપ કરનારનું જ પ્રાયશ્ચિત કરવું. તેમ કરતાં તે કાળે કરીને શુદ્ધ થાય છે.૬ર
સર્વે પ્રકારનાં પાપોમાં સંસર્ગદોષ લાગે છે. તે અવશ્ય જાણવું. પાપ કરનારનો સંગ કરવો તે પણ પાપ છે, તેથી પાપીનો સંગ કરનારે પણ પાપીને કહેલું પ્રાયશ્ચિત એક વર્ષ કરવું, તેનાથી તે શુદ્ધ થાય છે.૬૩
હવે સંગ કરનારનો સંગ કરનારને તેથી એક પાદ ઓછું નવમાસનું વ્રત કરવું. આ પ્રમાણે સંગીનો સંગી અને તેમનો સંગી આ પ્રમાણે ઉતરતા ક્રમે કરવાનું જાણવું.૬૪
આ પ્રાયશ્ચિત પ્રકરણમાં જે બારવર્ષનું નૈમિતિક વ્રત કરવાનું કહેલું છે તે ગાયત્રીમંત્રના યથાશક્તિ મંત્ર જપ કરવાથી પણ સિદ્ધ થાય છે એમ જે કહ્યું છે તે વિદ્યાવાન અધિકારી ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષો માટે કરવાનું છે.૬પ
તેથી અનધિકારી સ્ત્રીઓએ તથા વિદ્યારહિત જનોએ તો ચતુર્થી વિભક્તિના અંતવાળા નામમંત્રની અંતે નમઃ શબ્દ જોડેલો હોય તેવા ભગવાનના નામમંત્રો જેવા કે ''શ્રીકૃષ્ણાય નમઃ'' ''શ્રીનારાયણાય નમઃ'' નો જપ કરવો.૬૬
તેમજ ગાયત્રી મંત્ર આદિક વૈદિક મંત્રોમાં અનધિકારી એવા શૂદ્રજનો બાર વર્ષ ભગવાનના નામનું ઉચ્ચારણ કરતાં કરતાં દાન, ઉપવાસ, ગાયો અને બ્રાહ્મણોની સેવાથી નક્કી શુદ્ધ થાય છે.૬૭
હે ઉદાર બુદ્ધિ વાળા શિવરામ વિપ્ર ! મેં તમને આ રીતે મહાપાતકનો પ્રાયશ્ચિત વિધિ સંક્ષેપથી કહ્યો તેમનો અન્ય સર્વે વિધિ વિસ્તાર મિતાક્ષરા આદિકથી જાણી લેવો.૬૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ મહાપાતક અને અતિપાતકનું પ્રાયશ્ચિત નિરૃપણ કર્યું એ નામે ચુમાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૪--